એસ. ટી. બસની ટીકીટ
મારા પી.એચ.ડી.ના અભ્યાસ દરમ્યાન, હું કુટુંબ સાથે ત્રણ વર્ષ મદ્રાસ (ચેન્નાઈ) માં રહ્યો હતો. ત્યાં મકાન ભાડે રાખ્યું હતું. ત્યારે મારાં બંને બાળકો નાનાં. અડધી ટીકીટમાં ગણાય. મદ્રાસમાં ચારેક મહિના થયા, અને થોડું વેકેશન આવ્યું. એટલે થયું કે ચાલો, વિષ્ણુકાંચી-શીવકાંચી ફરી આવીએ. આ સ્થળો મદ્રાસથી આશરે ૧૦૦ કી.મી. દૂર છે.
અમે એક સવારે મદ્રાસથી એસ.ટી. બસમાં નીકળ્યા. બસમાં ચડ્યા, બેસવાની જગા મળી ગઈ. થોડી વારમાં કંડકટર ટીકીટ માટે આવ્યો. મેં બે આખી ને બે અડધી ટીકીટ માગી. મારી, મીનાની અને વિરેન-મિલનની. કંડકટર મારા મોટા પુત્ર વિરેનની સામે જોઇ રહ્યો. પછી તેને કોણ જાણે શું સૂઝ્યું તે તેણે વિરેનને ઉભો કરીને આગળ તરફ લઇ જવા માંડ્યો. મને થયું કે ‘કંડકટર આવું કેમ કરે છે ? વિરેનને તે શું કામ ઉઠાડી મૂકે છે ?’ એટલે મેં વિરેનને પકડીને પાછો સીટ પર બેસાડી દીધો. કંડકટરે મને તમિલ ભાષામાં કંઇક કહ્યું. અને વિરેનને ઉઠાડીને ફરી આગળ તરફ ખેંચવા માંડ્યો. અમને કોઈને ય તમિલ ભાષા બિલકુલ આવડે નહિ. એટલે હું ગુજરાતી-હિન્દી મીક્સ ભાષામાં જવાબ આપું કે “આને તમે ઉઠાડીને આગળ તરફ કેમ ખેંચી જાવ છો ? અમે કોઈની રીઝર્વેશન સીટ પર તો બેઠા નથી” પણ કંડકટરને ગુજરાતી કે હિન્દી જરા ય આવડે નહિ. એટલે એ ભાઈ વિરેનને પકડીને ઉઠાડે, અને હું વિરેનને પકડીને પાછો બેસાડી દઉં. આવું ચારેક વાર થયું.
પછી મને લાગ્યું કે આમાં કંઇક કારણ જરૂર છે. બાજુવાળા એક ભાઈએ મને કંઇક સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે ય તમિલમાં. એનો કંઈ અર્થ નહોતો. પણ તેની વાતમાં એક શબ્દ આવતો હતો, “હાઈટ”. મને લાગ્યું કે “હાઈટ” એટલે કે ‘ઉંચાઈ’ને લગતી કોઇક વાત લાગે છે. એટલે પછી, કંડકટર વિરેનને આગળ લઇ જવા માંડ્યો, ત્યારે મેં તેને રોક્યો નહિ. અને ‘કંડકટર શું કરે છે,’ તે જોવા હું પણ તેની સાથે આગળ ગયો. કન્ડકટરે વિરેનને ડ્રાઈવરની કેબીનની જાળી આગળ ઉભો રાખ્યો. અને પછી તરત જ તેણે વિરેનને છોડી દીધો. હું અને વિરેન અમારી સીટ પર આવીને બેસી ગયા. કંડકટરે પણ અમને બે આખી અને બે અડધી ટીકીટ આપી દીધી.
કંડકટરે વિરેનને આગળ લઇ જઇને શું કર્યું ? તેણે વિરેનની ઉંચાઈ માપી લીધી. ડ્રાઈવરની કેબીનની જાળી પર ઉંચાઈનું એક નિશાન કરેલું હતું, ૪૮ ઈંચનું. અહીંની એસ.ટી. બસમાં એવો નિયમ હતો કે ૪૮ ઈંચ કરતાં વધુ ઉંચાઈ હોય તો આખી ટીકીટ લેવાની. વિરેનની ઉંચાઈ ૪૮ ઈંચ કરતાં ઓછી હતી, એ તેણે ચેક કરી લીધું, અને તેની અડધી ટીકીટ આપી દીધી. બસ, આ માટે જ તે વિરેનને પકડીને આગળ લઇ જતો હતો.
આપણે ત્યાં ગુજરાતમાં બસમાં ઉંમર પ્રમાણે અડધી કે આખી ટીકીટ લેવાય છે. અહીં તમિલનાડુ રાજ્યમાં ઉંચાઈ પ્રમાણે અડધી કે આખી ટીકીટ નક્કી થાય છે. એક જ દેશમાં કેવી વિવિધતા છે !અને ભાષા આવડે નહિ, એટલે આ જે ઘટના બની એમાં પછી તો ખૂબ મઝા આવી ગઈ. અમે ઘણું હસ્યા, પણ કંડકટર તો સીરીયસ જ રહ્યો. આજે ય આ વાત યાદ રહી ગઈ છે. કંડકટર વિરેનને આગળ ખેંચે, અને હું તેને પાછળ ખેંચું – આ દ્રશ્ય મગજમાં કોતરાઈ ગયું છે. અત્યારે ય આ સીન દેખાય છે.