સૂર્યમંદિર, બોરસદ

                                               સૂર્યમંદિર, બોરસદ

      ભારતમાં બે પુરાણાં સૂર્યમંદિરો ખૂબ જાણીતાં છે, એક કોણાર્કનું સૂર્યમંદિર અને બીજું મોઢેરાનું સૂર્યમંદિર. આ ઉપરાંત, ગુજરાતમાં બોરસદ નગરમાં ૧૯૭૨માં એક નવું સૂર્યમંદિર બન્યુ છે. આ મંદિર પણ ઘણું જ ભવ્ય છે, જોવા જેવું છે.

આ મંદિર બાંધવા પાછળની કથા કંઇક આવી છે. ૧૯૭૨માં અહીં એક દિવ્ય પ્રસંગ બની ગયો. બોરસદના એક વકીલ શ્રી રમણભાઈ પટેલ અને ડાહીબેનનો ૫ માસનો પુત્ર કલ્પેશ, જે હજુ બોલતાં પણ શીખ્યો ન હતો, તે એક દિવસ અચાનક બોલ્યો, ‘સૂર્યમંદિર બંધાવો’. રમણભાઈ અને ડાહીબેન તો આ સાંભળીને ખૂબ નવાઈ પામ્યાં. પાંચ માસનું બાળક બોલી જ કઈ રીતે શકે? પણ પછી તેમને પ્રેરણા થઇ કે કદાચ ભગવાન સૂર્યદેવ જ બાળકમાં પ્રગટ થયા હોય. તરત જ બાળકના શરીર પર કંકુ દેખાવા લાગ્યું. જાણે કે સૂર્યદેવ પોતે જ કંકુ સ્વરૂપે પ્રગટ થયા હોય. પછી થોડી વારમાં કંકુ અદ્રશ્ય થઇ ગયું. રમણભાઈને થયું કે હવે બોરસદમાં સૂર્યમંદિર બંધાવવું જ જોઈએ. તેમની પાસે તો જમીન કે મૂડી હતાં નહિ. તેમણે ગામમાં બીજા આગળ પડતા લોકોને ભગવાન સૂર્યદેવ પ્રગટ થયાની અને મંદિર બંધાવવાની વાત કરી. સૂર્યદેવે જ બોરસદના અંબાલાલ પટેલ અને હરીભાઈ પટેલને સૂર્યમંદિર માટે જમીનનું દાન કરવા પ્રેર્યા, ભગવાને નરેન્દ્ર પટેલને સૂર્યમંદિરની ડીઝાઈન કરવા પ્રેર્યા, મહેન્દ્ર કંથારિયાને એન્જીનીયરીંગનું કામ કરવા પ્રેર્યા, બીજા ઘણાને દાન આપવા માટે પ્રેરણા આપી, અને જોતજોતામાં તો બોરસદમાં સૂર્યમંદિર બની ગયું. આ કથાનો શિલાલેખ ત્યાં મંદિરના પ્રાંગણમાં કોતરેલો છે. ત્યાં જનાર સર્વેની ઈચ્છા ભગવાન સૂર્યદેવ પૂરી કરે છે.

મંદિરના પ્રાંગણમાં ફુવારા છે. પ્રવેશદ્વાર ભવ્ય છે. ગર્ભગૃહમાં સૂર્ય ભગવાન ઉપરાંત, બીજા દેવો પણ બિરાજમાન છે. બધા દેવોની એકતાનું આ ઉદાહરણ છે. પ્રવેશદ્વારની ઉપર ભગવાન સૂર્યદેવ સાત ઘોડાના રથ ઉપર સવાર છે. આ દેખાવ બહુ જ સુંદર લાગે છે. મંદિરની આગળ વિશાળ બગીચો અને પાર્કીંગ માટેની જગા છે. અહીં આવનાર યાત્રીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા છે.

સૂર્યભગવાને બોચાસણના પ્રમુખસ્વામીને, ખુંધેલીના છોટે મુરારી બાપુને અને નડિયાદના ભગવતી કેશવ મહારાજને દર્શન આપ્યાં છે. અહીં મુરારી બાપુ, રમેશભાઈ ઓઝા, છોટે મુરારી બાપુ, કૃષ્ણશંકર શાસ્ત્રી, ચીમનભાઈ પટેલ, દમયંતિ બરડાઇ, દિવાળીબેન ભીલ વગેરે મહાનુભાવો મુલાકાતે આવી ગયા છે.

વકીલ રમણભાઈએ અહીં એક પબ્લીક ટ્રસ્ટ ઉભુ કર્યું છે. તે આ મંદિરનો વહીવટ કરે છે. આ ટ્રસ્ટ ગરીબોને અન્ન અને કપડાંની મદદ કરે છે, વિદ્યાર્થીઓને પુસ્તકો આપે છે, અપંગને સાઈકલ આપે છે. તથા જિંદગી શાંત અને અર્થપૂર્ણ રીતે જીવવાનો દરેકને બોધ આપે છે.

આ મંદિર ખૂબ જ પવિત્ર છે, કેમ કે તે ભગવાનની ઈચ્છાથી બન્યુ છે. દુનિયાભરના લોકો અહીં દર્શને આવે છે. દર્શનાર્થીઓની સંખ્યા રોજની લગભગ ૨૦૦૦ જેટલી હોય છે. બોરસદ એક યાત્રાધામ બની ગયું છે. આણંદથી બોરસદ ૧૭ કી.મી. દૂર છે.

સૂર્યદેવ  લોકોનાં દુઃખદર્દ દૂર કરે છે. ભગવાન સૂર્યદેવ સૌને સુખી, સમૃધ્ધ રાખે અને દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના.

Suryamandir, Borsad