એક કિસ્સો – નદી પર બંધ અને કેરીનું ઝાડ

                                     

                                         એક કિસ્સો – નદી પર બંધ અને કેરીનું ઝાડ

     અમે એક વાર વેકેશનમાં પંચમહાલ જીલ્લાના દેવગઢબારીઆ ગામે, એક સ્નેહીને ત્યાં ગયા હતા. દેવગઢબારીઆ ગામ ઘણું જ સરસ છે. ગામની ત્રણ બાજુએ ડુંગરા અને ચોથી બાજુ પાનમ નદી. ફરવા માટે એટલું સરસ કુદરતી વાતાવરણ કે અહીં રહી પડવાનું મન થઇ જાય. વળી, રાજાના વખતનું ગામ, રાજાએ ગામમાં ખૂબ પહોળા રસ્તા બનાવડાવેલા, અને ટ્રાફિક બિલકુલ નહિ. એટલે રહેવાની બહુ જ મજા આવે. આવા બારીઆ ગામથી આશરે દસેક કી.મી. દૂર એક નદી પર બંધ બાંધેલો છે, એનું નામ અદલવાડા ડેમ. બીજે દિવસે અમે આ બંધ જોવા નીકળી પડ્યા. બંધ જોયો, ઉપરવાસ, નીચવાસ, બંધમાંથી કાઢેલી નહેર – બધુ જ જોયું. ચારે બાજુ જંગલ જ હતું. અહીં બંધની દેખરેખ રાખનારા પાંચેક લોકો હતા. મનમાં થયું કે આ લોકો આ જંગલમાં કઈ રીતે રહેતા હશે ? એટલે પૂછી જ નાખ્યું, ‘ભાઈ, તમે લોકો આખો દિવસ બંધ પર દેખરેખ રાખો અને કામ કરો, પછી રાતના ક્યાં જાવ ?’

એક ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ, અમારે તો રાતના ય અહીં જ રહેવાનું. બંધ પર કંઈ કામ આવી જાય તો ? જુઓ, પેલું સામે મકાન દેખાય છે ને ? એ જ અમારું ઘર. સરકારે રહેવા માટે આપ્યું છે.’

મેં કહ્યું, ‘ઘરમાં ખાવાપીવાની ને બીજી બધી સગવડ ખરી ?’

તેણે જવાબ આપ્યો, ‘સગવડ તો ઠીક, થોડા થોડા દિવસે અમારામાંથી એક જણ બારીઆ જઈ બધુ ખરીદી લાવે, અને એમાંથી અમારું ગાડું ચાલ્યા કરે.’

મેં કહ્યું, ‘તમારું પોતાનું ઘર ? ઘરવાળી ? છોકરાં ?’

તેણે કહ્યું, ‘સાહેબ, અમારે ય કુટુંબ છે. બધાં બીજા ગામમાં રહે છે. ત્યાં ય થોડા દહાડે આંટો મારી આવીએ. પણ સાહેબ, તમે અમારું અહીંનું ઘર જોવા તો આવો.’

મને થયું કે ચાલો, એનું ઘર પણ જોઇ લઈએ. નજીક જ હતું. ચાલતાં ચાલતાં પાંચ મિનિટમાં તો તેનું ઘર આવી ગયું. ત્યાં પહોંચ્યા એટલે તેણે આંગણામાં કાથીનો ખાટલો ઢાળી આપ્યો. અમે બધા ખાટલામાં બેઠા. તેણે ઘરમાંથી પાણી લાવીને પીવડાવ્યું. આંગણામાં જ આંબાનું ઝાડ હતું. જૂન મહિનો હતો, એટલે આંબા પર કેરીઓ લટકતી હતી. મારી નજર કેરીઓ પર પડી. તે ગામડાનો માનવી મારું મન પારખી ગયો હોય તેમ બોલ્યો, ‘સાહેબ, તમારી મહેમાનગતિ માટે અમારી પાસે બીજી કોઈ સગવડ નથી, પણ આંબા પરથી કેરીઓ તો તમને તોડી આપવાનો જ છું.’

એમ કહી, મારી કેટલી યે ‘ના’ છતાં એમનામાંનો એક જણ આંબા પર ચડી ગયો અને ઉપરથી કેરીઓ તોડી, નીચે નાખતો રહ્યો. હું અને મારી પત્ની મીના શર્ટ અને સાડીની ઝોળી બનાવી એમાં કેરીઓ ઝીલતા રહ્યા. મારાં બાળકો વિરેન-મિલનને તો મજા આવી ગઈ. કોઈ આંબા પરથી કેરીઓ તોડીને નીચે નાખે અને આપણે ઝીલી લેવાની, આવું એમને શહેરમાં ક્યાં જોવા મળે ?

છેલ્લે, કેરીઓ લઇ, તેની ખૂબ જ મનાઈ છતાં તેના ખિસ્સામાં થોડા રૂપિયા મૂકી અમે વિદાય થયા. જતાં જતાં અમે તેમનાં નામ પૂછ્યાં, તે અ પ્રમાણે હતાં, શાંતિભાઈ, સુખાભાઈ, સંતોકભાઈ, ભાવસિંહ અને અમરસિંહ. મને થયું કે આ લોકોમાં શાંતિ, સુખ અને સંતોષ કેટલાં બધાં છે ! ભારતના લોકોની આ ભાવના અમર રહો.