દેવઘાટ, કેવડી ડેમ અને ટકાઉ ધોધની મુલાકાતે

દેવઘાટ, કેવડી ડેમ અને ટકાઉ ધોધની મુલાકાતે

કહેવાય છે કે ગુજરાતીઓ ફરવાના શોખીન છે. થોડીકે ય રજા મળી જાય તો ફરવા ઉપડી જાય. પણ મોટા ભાગના લોકો તો બહુ જાણીતી જગાઓએ જ જતા હોય છે. આવી જગાઓએ ગાડી અને હોટેલોનાં બુકીંગ કરાવીને દોડવાનું અને ગીરદીમાં ભીંસાઈને ‘જઈ આવ્યા’ નો માત્ર સંતોષ જ માણવાનો રહે છે. એને બદલે શાંત અને પ્રકૃતિને ખોળે આવેલાં સ્થળો જોવાની કેટલી બધી મજા આવે ! વળી, આવાં સ્થળો માટે બહુ દૂર દોડવાની પણ જરૂર નથી. આપણા ગુજરાતમાં જ કેટલી યે સુંદર જગાઓ આવેલી છે. ત્યાં જઈને ત્યાંની કુદરતને માણવાનો આનંદ કંઇ ઓર જ છે.
આવી જ એક સરસ જગા છે દેવઘાટ. ત્યાંથી નજીક આવેલા કેવડી ડેમ અને ટકાઉ ધોધ પણ જોવા જેવા છે. દેવઘાટ નામ જ એવું સરસ છે, જાણે કે ત્યાં ઘાટ પર દેવો પધારતા હોય !
અમે આ ત્રણ સ્થળોએ જવાનો ત્રણ દિવસનો પ્રોગ્રામ ગોઠવી કાઢ્યો. અમે ગ્રુપમાં ૧૬ જણ હતા. દેવઘાટનો રસ્તો આ પ્રમાણે છે.-ભરૂચથી અંકલેશ્વર, વાલિયા, વાડી, ઉમરપાડા, ધનાવડ અને દીવતણ થઈને દેવઘાટ. ભરૂચથી દીવતણનું અંતર ૮૫ કી.મી. અને રસ્તો સારો. દીવતણથી દેવઘાટ ૬ કી.મી. કાચા પથરાળ રસ્તે થઈને પહોંચાય. ગાડી જઈ શકે. આ ૬ કી.મી.માં જંગલો જ જંગલો પથરાયેલાં છે. દેવઘાટમાં જંગલોની વચ્ચે થોડી જગા સાફસુથરી કરી, રહેવા માટે રૂમ અને તંબૂઓ,રસોઈઘર અને બગીચો બનાવેલ છે. અહીં વૃક્ષોની છાયામાં ખાટલા પાથરીને આરામ ફરમાવવાની સગવડ છે. અહીં કોઈ ગામ કે વસ્તી નથી. આ સ્થળની દેખભાળ અને રસોઈ માટે વનવિભાગે બેચાર માણસો નીમ્યા હોય એટલું જ. હા, ફરવા આવેલા લોકો તો ખરા જ.
દેવઘાટમાં શું જોવા-માણવાનું છે, તેની વાત કરીએ. તંબૂઓવાળી આ જગાએથી એકાદ કી.મી. દૂર આંજણીયા નામની નદી વહે છે, અને તે ધોધરૂપે પડે છે. અમે ગાડીઓ અહીં દેવઘાટમાં પાર્ક કરી દીધી અને ૧ કી.મી. ચાલીને ગયા. આ ૧ કી.મી. પણ ગાડી જઈ શકે એવો રસ્તો છે. પછી ૧૩૫ પગથિયાં ઉતરો એટલે નદી કિનારો આવે. પગથિયાંની બાજુમાં એક નાનું મંદિર પણ છે. પગથિયાં પરથી નદી અને ધોધનું દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. એમ થાય કે દોડીને જલ્દી જલ્દી નદીમાં પહોંચી જઈએ. પણ એ ખ્યાલ જરૂર રાખવાનો કે પડી ના જવાય અને પાણીમાં ગરકાવ ના થઇ જવાય.
નદી કિનારે જઈને જોયું તો નદી બે વાર ધોધરૂપે પડે છે. એક વાર ધોધરૂપે પડ્યા પછી, એક વિશાળ ખાડામાં પાણી ભરાઈને, છલકાઈને ખડકાળ પથ્થરોમાં થઈને આગળ વહે છે. પછી એક ચેકડેમ જેવું બનાવ્યું છે. તેમાંથી ઉભરાઈને આગળ વહ્યા પછી, ફરી ધોધરૂપે નીચે પડે છે. આ ચેકડેમમાંથી ઉભરાતા પાણીમાં બેસીને નાહી શકાય તેવું છે. અમે આ જગાએ પહોંચી ગયા અને ખૂબ નાહ્યા. પાણી ઉછાળવાની અને ભીંજાવાની મજા આવી ગઈ. આવો નિર્ભેળ અને કુદરતી આનંદ આપણા ભાગદોડભર્યા શહેરી જીવનમાં મળે ખરો ? ક્યારેક તો કુદરતને ખોળે આવી મજા માણવાની તક ઝડપી લેવી જોઈએ.
અહીં કલાકેક નાહીને, નદીના સામે કિનારે થઈને, પહેલા ધોધના ખાડા આગળ પાણીમાં ઉતરી ફરી નાહ્યા, ખૂબ ખૂબ નાહ્યા. ખાડામાં વધુ અંદર ના જવું, ડૂબી જવાનો ભય છે. અહીં પાણીમાં ડૂબેલો એક એવો પથ્થર જોયો કે જેના પર પલાંઠી વાળીને બેસીએ, તો પાણીની સપાટી પર પલાંઠી વાળીને બેઠા હોઈએ એવું લાગે !
નદીના બે ય કિનારે ઊંચા ટેકરા અને જંગલો. અને આ એકાંત જંગલમાં ધોધનો સંગીતમય નાદ. કુદરતની આ અદભૂત લીલાને નિહાળવાનો ખૂબ આનંદ આવ્યો. અમે બેચાર શ્લોકનું પઠન કરી, પ્રાર્થના કરી. અમારામાંના બેચાર સભ્યો તો પાણીમાંથી બહાર આવવાનું નામ જ લેતા ન હતા. છતાં પણ છેવટે બધા બહાર આવ્યા. સમય થોડો કોઈના માટે થોભે છે ?
નદીકિનારે જંગલમાં કોઈક માણસો ઝાડ નીચે ખાવાનું પકાવતા પણ જોવા મળ્યા. અમે મૂળ રસ્તે, પગથિયાં ચડી, મનમાં સંતોષ ભરી, ચાલીને દેવઘાટ પાછા આવ્યા. ભૂખ કકડીને લાગી હતી. રસોઈ તૈયાર હતી. રોટલી, દાળ, ભાત, શાક અને કચુંબર. ખાટલાઓમાં બેસી જમવાનો ખૂબ આનંદ આવ્યો. થોડો આરામ કર્યો.
કદાચ આ જંગલમાં રાત રહેવાનું હોય તો પણ ગમે. પણ અમારે રાત્રિમુકામ તો કેવડી ડેમ આગળ કરવાનો હતો. એટલે અમે દેવઘાટથી ગાડીઓ દોડાવીને પાછા નીકળ્યા. ૬ કી.મી.નો એ જ કાચો રસ્તો, દેવતણ, ધનાવડ અને પછી ઉમરપાડા પહોંચવાને બદલે વચ્ચેથી અમે રસ્તો બદલ્યો. દેવઘાટથી કુલ ૨૯ કિ.મી.નું અંતર કાપી આંબલી ડેમ પહોંચ્યા. વરે નદી પર અહીં વિશાળ ડેમ બાંધેલો છે. ઉપરવાસમાં ડેમ છલોછલ ભરેલો હતો, જાણે કે કોઈ મોટું સરોવર જ જોઈ લો ! સામે દૂર દૂર કોઈ ગામ બાજુથી હલેસાંવાળી એક હોડી આવી રહી હતી. હોડીનો નાવિક તેની ગ્રામ્ય ભાષામાં ઉંચા અવાજે કોઈ ગીત લલકારી રહ્યો હતો. એ જોઈને લાગ્યું કે આ લોકો પાસે લાખોની મિલકત ન હોવા છતાં, કેવી મસ્તીથી જિંદગી જીવી રહ્યા છે ! ડેમની દેખભાળ કરનાર ભાઈ સાથે વાતો કરી. તેણે કહ્યું કે “અહીં દૂરનાં ગામડાંઓમાં લોકો હોડીમાં બેસીને મજૂરીએ જાય છે.” ત્યારે થયું કે આ લોકોને ખાવાનો રોટલો મેળવવો કેટલો કપરો છે ! તે ભાઈએ અમને કેવડી ડેમ જવાનો રસ્તો પણ સમજાવ્યો. તેના જણાવ્યા પ્રમાણે, અહીં નીચવાસમાં થઇ, પાલદા અને પછી માંડવી જવાના રસ્તા પર પીપલવાડા પહોંચ્યા.
અંધારું પડી ગયું હતું. અહીંથી બાજુમાં ફંટાઇને, ૪ કી.મી. દૂર, કેવડી ડેમના કાંઠા પરની કોટેજો સુધી પહોંચવાનું હતું. આ ૪ કી.મી.નો રસ્તો કાચો, સાંકડી કેડીવાળો અને બિલકુલ અંધારિયો હતો. અમે ફોન કરીને કોટેજોવાળા એક ભાઈને અહીં બોલાવી લીધો. તે ભાઈ બાઈક પર આવ્યા. તેનું બાઈક આગળ અને અમારી ગાડીઓ તેની પાછળ-એમ કરીને એ સાંકડા રસ્તે થઈને કેવડી ડેમની કોટેજોએ પહોંચ્યા. ગાઢ જંગલ, ચારે કોર અંધકાર, બિલકુલ અજાણ્યો અને માનવવિહોણો રસ્તો-ડર લાગવા માટે આનાથી વધારે શું જોઈએ ? ક્યાંકથી કોઈ આવે અને લૂંટી લે તો ? કોઈ પ્રાણી આવી જાય તો ? સ્ત્રી વર્ગને તો આવા વિચારો આવી ગયા. હા, દિવસ હોય તો આવું કંઇ ન થાય. પણ આખા દિવસના થાકેલા અને રાતે બિહામણા જંગલમાંથી પસાર થવાનું-પછી મુકામવાળી જગા તો ડરામણી નહિ હોય ને ? પણ આવું કંઇ જ ન હતું. કોટેજો પર પહોંચ્યા. અગાઉથી બુક કરાવેલું હોવાથી, જમવાનું તૈયાર હતું.
હવે તો કોટેજોમાં સુઈ જ જવાનું હતું. પણ એમ થયું કે બધા બેસીને વાતો કરીએ. આખા દિવસમાં કેવું ફર્યા તેની વાતો કરી, બધાએ પોતાના જૂના અનુભવો જણાવ્યા, અંતાક્ષરી અને જોક્સ પણ ચાલ્યા. દિવસનો થાક ક્યાંય ઉતરી ગયો. જાણે કે તાજગી આવી ગઈ. ત્યાંના રખેવાળોના કહેવા પ્રમાણે, રાતે દીપડો કોટેજો તરફ આવતો હોય છે. આમ છતાં, અમે બેચાર જણ, નજીકમાં થોડું ચક્કર મારી આવ્યા. પછી તો ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. અહીં ઠંડકનું પ્રમાણ વધારે હતું. કોટેજો સારી હતી. પણ મચ્છરો હતા. અમે મચ્છર અગરબત્તી લઈને આવેલા. આવી જગાએ વીજળીનો સપ્લાય તો ક્યાંથી હોય ? પણ સોલર લાઈટો હતી. મોબાઈલ ટાવર ન હતા.દેખભાળ કરનારા છોકરાઓએ તો તેમની રૂમમાં મોડે સુધી ગીતોની કેસેટો વગાડી, તે અમને પણ સંભળાતી હતી.
કેવડી ડેમના કિનારે સવાર પડી.સવારે અજવાળું જોતાં, રાતે જે કોઈને થોડો ડર લાગેલો તે ગાયબ થઇ ગયો. એણે બદલે બધા આ જગાની શોભા નિરખવામાં પડી ગયા. “સવાર પડશે કે તરત આ જગાએથી નીકળી જઈશું” રાત્રે આવું બોલનારા, સવારે ખુશમિજાજમાં હતા. કેવડી ડેમના ઉપરવાસમાં ભરાયેલા સરોવરના બિલકુલ કિનારે અમારી કોટેજો હતી. રાત્રે તો આ સરોવર દેખાતું ન હતું. સરોવર વિષે ખબર પણ ન હતી. સવારે સરોવરના કિનારે જઈને ઉભા રહ્યા. સરોવરના પાણી પર, વાયુરૂપમાં વરાળનાં વાદળો દેખાતાં હતાં. ક્યાંક તેના પર સૂર્યનું એકાદ કુમળુ કિરણ પડતું હતું. સરોવરના શાંત પાણીમાં, સામે કિનારે આવેલાં વૃક્ષોનાં પ્રતિબિંબ પડતાં હતાં. સરોવરના કિનારે બાંધેલા વાંસના નાના માંચડા પર બેસીને સરોવરનું આ દ્રશ્ય જોવાનું ખૂબ ગમ્યું. કોટેજોની આજુબાજુ ફર્યા, અહીં તંબૂની પણ વ્યવસ્થા છે. આપણા વનવિભાગે ગુજરાતમાં ઘણી જગાએ, આવાં સ્થળો ઉભાં કર્યાં છે.
છોકરાઓએ ચૂલો સળગાવી, મોટા તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું. તેમાંથી બાલદીઓ ભરી, બાથરૂમમાં નાહી લીધું. જો કે અહીં તો ખુલ્લામાં નહાવાની પણ મજા આવે. સરોવરમાં તો બિલકુલ ઉતરાય એવું ન હતું. નાહીધોઈ, ઘરેથી લાવેલો નાસ્તો કરી, અમે ટ્રેકીંગ માટે નીકળી પડ્યા. જંગલની નાની કેડીએ વાંકાચૂકા, ઊંચાનીચા રસ્તે સરોવરના કિનારે આશરે ૨ કી.મી. જેટલું ચાલીને કેવડી ડેમ આગળ પહોંચ્યા. કુદરતનો નયનરમ્ય નઝારો જોયો. અહીંની હવા સરસ આરોગ્યમય લાગી. આવા ખુલ્લા વાતાવરણમાં રોગી માણસ વગર દવાએ પણ સાજો થઇ જાય.
કેવડી નદી પરનો આ કેવડી ડેમ સાદો, માટી અને પથ્થરોથી જ બનાવેલો ડેમ છે. ડેમમાંથી નહેરો કાઢી,તેનું પાણી આજુબાજુનાં ગામોમાં ખેતીના ઉપયોગમાં લેવાય છે. આ બધું જોઈ, કોટેજો પર પાછા આવ્યા. વળી પાછો પત્તાં રમવાનો અને ભગવાનનું નામ લેવાનો કાર્યક્રમ ચાલ્યો. જમવાનું તૈયાર થઇ ગયું. જમીને કેવડી ડેમને ‘બાય’ કરી પાછા આવવા નીકળી પડ્યા. ૪ કી.મી.ના એ જ કાચા રસ્તે પીપલવાડા આવ્યા. ત્યાંથી માંડવી, કીમ અને અંકલેશ્વર થઈને ૧૦૬ કી.મી.નું અંતર કાપીને ભરુચ પહોંચ્યા.
બીજે દિવસે સવારે ભરૂચથી નીકળ્યા ટકાઉ ધોધ જોવા. આજે અમે નવ જણ હતા. ટકાઉ ધોધ જૂનાઘાટાના નામે પણ ઓળખાય છે. આ ધોધ ભરૂચથી ૫૫ કી.મી. દૂર આવેલો છે. ભરૂચથી રાજપીપળાના રસ્તે ૫૦ કી.મી. જેટલું ગયા પછી, નર્મદા સુગર ફેક્ટરી અને ખાજલવાસા ગામના બસસ્ટોપથી જમણી બાજુ વળી જવાનું. આ રસ્તે ૫ કી.મી. જેટલું જાવ એટલે ટકાઉ નામની નદી આવે. આ નદી જ પોતે ધોધરૂપે પડે છે. આ ૫ કી.મી.નો રસ્તો સાંકડો ખરો, પણ સારો છે અને ગામડાંઓમાં થઈને પસાર થાય છે. ગાડી આરામથી જઈ શકે.
અમે ભરૂચથી રાજપીપળાના રસ્તે, વચમાં ગુમાનદેવ હનુમાનજીના મંદિરે દર્શન કરી ટકાઉ પહોંચ્યા. ત્યાં રસ્તાની બાજુના ખેતરમાં ગાડીઓ પાર્ક કરી, નદી તરફ ગયા. નદી બહુ જ ઊંડી છે, આશરે ૧૦૦ ફૂટ જેટલી. માટી અને કાંકરાવાળા સીધા ઢાળમાં ઉતરવાનું, લપસી કે પડી ના જવાય એનું ધ્યાન રાખવાનું. અમે નજીકના ગામમાંથી બેત્રણ છોકરાને અમારી સાથે લઇ લીધા હતા, તેઓએ હાથ પકડીને બધાને નદીમાં ઉતાર્યા. છેલ્લા વીસેક ફૂટનું ઉતરાણ તો સાવ ખડકાળ છે. સાચવીને પગ ગોઠવી ગોઠવીને ઉતરવાનું. ઉતરતી વખતે મનમાં એમ પણ થાય કે આ પાછું ચડાશે કઈ રીતે ? પણ દ્રઢ નિશ્ચય કરીને ઉતરીએ તો વાંધો નથી આવતો. નદીમાં ધોધની સામે જઈને ઉભા રહીએ ત્યારે તો થાય કે વાહ ! શું સુંદર જગાએ આવ્યા છીએ ! ધોધ આશરે દસેક મીટર ઊંચાઈએથી ખડકો પર થઈને પડે છે અને પછી પાણી નદીમાં આગળ વહી જાય છે. ધોધ જ્યાં પડે છે ત્યાં ધોધમાં આસાનીથી નાહી શકાય એવું છે. પાણી બહુ ઊંડું નથી. હા, ચોમાસામાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે અહીં નાહી ના શકાય.
અમે બધા ધોધમાં ખૂબ નાહ્યા. ધોધનું પાણી બરડામાં વાગે અને ધોધના જોરથી પાણીમાં આગળ ધકેલાઈ જવાય, એટલે બળપૂર્વક બેસવું પડે. ધોધનો કર્ણપ્રિય ધ્વનિ અને શાંત નિ:શબ્દ વાતાવરણ. કુદરતના ખોળે બેસવાની આવી તક બીજે ક્યાં મળે ? અહીં અમારા સિવાય બીજા કોઈ પ્રવાસી ન હતા. આ ધોધ બહુ જાણીતો નથી. એટલે અહીં આવનારાની સંખ્યા ઓછી હોય છે. પણ જેને ધોધનું સૌન્દર્ય આકર્ષતું હોય એવા લોકો તો આવવાના જ. અહીં બીજી કોઈ સુવિધા ઉભી કરેલ નથી. જો નદીમાં ઉતરવાનાં પગથિયાં બનાવવામાં આવે તો ધોધની નજીક જવાનું બહુ જ સરળ પડે. બહાર રોડ પર, ધોધ તરફ એરો બનાવતું બોર્ડ પણ મારવું જોઈએ અને અંતર પણ લખવું જોઈએ. અમે ટકાઉ ધોધનું બોર્ડ ક્યાંય જોયું નહિ. પણ બીજા લોકો પાસેથી માહિતી મેળવેલ હતી એટલે અહીં આવી ગયા.
ધોધમાં નહાવાની બહુ જ મજા આવી. બે કલાક સુધી નાહ્યા પછી, નદીમાંથી ઉપર ચડી અમારી ગાડીઓ સુધી પહોંચ્યા. પાછા વળતાં એક શિવમંદિરના પ્રાંગણમાં ઘેરથી લાવેલું જમવાનું જમી લીધું. વનભોજનમાં ખૂબ આનંદ આવ્યો. પછી બહાર ખાજલવાસના સ્ટોપ આગળ આવ્યા. અહીંથી રાજપીપળા ફક્ત ૧૩ કી.મી. દૂર હતું. હવે અમારે વડોદરા જવાનું હતું એટલે ભરુચ પાછા જવાને બદલે રાજપીપળા તરફ વળ્યા. અને રાજપીપળાથી ૭૩ કી.મી. કાપીને વડોદરા પહોંચ્યા.
ટકાઉ ધોધ જોવા જેવો તો ખરો જ. ગુજરાતમાં જ આવો સરસ ધોધ આવેલો છે તે જાણીને-જોઈને ખૂબ જ આનંદ થયો. હવે અમારો ત્રણ દિવસનો પ્રવાસ પૂરો થયો હતો. એકંદરે ફરવાની મજા આવી. ત્રણે સ્થળો રમણીય છે. કુદરતનો ખોળો ખૂંદવાની વૃત્તિ ધરાવનારને તો આ જગાઓ જરૂર ગમવાની જ.
નોંધ : ઉમરપાડાની નજીક કેવડી નામનું એક ગામ આવેલું છે તે અને કેવડી નદી પરનો કેવડી ડેમ-બે અલગ સ્થળો છે. વળી, પંચમહાલ જીલ્લાના કંજેટાથી ૧૪ કી.મી. દૂર આવેલી કેવડી ઇકો કેમ્પસાઇટ પણ જુદી જગા છે.

Devghat1

તંબૂ આગળIMG_2471

ચેક ડેમમાં નહાવાની મજા

ઉપરવાસના કિનારે

IMG_2524IMG_2550ટકાઉ ધોધધોધના પાણીમાંધોધના પાણીમાંધોધના પાણીમાંIMG_2601

સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ

                                      સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ 

      અરવલ્લીના પહાડોમાંથી નીકળતી આ નદી અમદાવાદમાં થઈને છેલ્લે અરબી સમુદ્રને મળે છે. આ નદી પર મહેસાણા જીલ્લામાં ધરોઈ ગામ આગળ બંધ બાંધ્યો છે. બંધનો હેતુ ખેતી માટે પાણી પૂરું પાડવાનો, વીજળી પેદા કરવાનો અને નદીમાં આવતા પૂરને નાથવાનો છે.

૧૯૭૮માં આ બંધ બંધાયો ત્યારે ૨૮ ગામો ડૂબમાં ગયાં હતાં. સરકારે આ ગામોના લોકોને બીજે વસાવ્યા છે. બંધની તેના પાયાથી ઉંચાઈ ૪૫ મીટર છે. બંધની કુલ લંબાઈ ૧.૨ કી.મી. છે. બંધમાંથી ડાબી અને જમણી બંને બાજુએથી નહેરો કાઢેલી છે. નહેરોની કુલ લંબાઈ ૭૪ કી.મી. છે. આ નહેરો મારફતે ઘણા વિસ્તારમાં ખેતી માટે પાણી પૂરું પડાય છે. બંધના પાયા આગળ રાખેલાં ટર્બાઈનોની વીજળી પેદા કરવાની કુલ ક્ષમતા ૧.૪ મેગાવોટ છે.

બંધ જોવા માટે, પ્રવેશ આગળ ઓળખપત્ર રજૂ કરીને પરવાનગી લેવાની હોય છે.  બંધના કિનારે ઉભા રહીને જોતાં ઉપરવાસમાં ક્યાંય સુધી પાણીનું સરોવર ભરાયેલું દેખાય છે. કિનારેથી કાઢેલી નહેર પણ નજરે પડે છે.

અમદાવાદથી વિસનગર, ખેરાલુ અને દાંતા થઈને અંબાજીના રસ્તે જતાં ખેરાલુ પછી સતલાસણા ગામ આવે છે. આ ગામથી ધરોઈ ડેમ માત્ર ૯ કી.મી. દૂર છે. અમદાવાદથી ધરોઈ ડેમનું અંતર ૧૫૦ કી.મી. છે. દાંતાથી તે ૨૪ કી.મી. દૂર છે.

શહેરી વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં આવેલો આ ડેમ જોવાની મજા આવે છે. ડેમના નીચવાસમાં પીકનીક મનાવી શકાય એવી જગા છે. અહીંનો શાંત, સુંદર માહોલ મનને આનંદિત કરી દે છે.

ધરોઈ ડેમની નજીક તારંગા હીલ એક જોવા જેવી જગા છે. અહીં પ્રખ્યાત જૈન તીર્થ આવેલું છે.

સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ

ભારતીય સંસ્કાર અને પ્રગતિની સફર

               ભારતીય સંસ્કાર અને પ્રગતિની સફર

      હું એક ફેમિલીને ઓળખું છું. એના વિષે આજે વાત કરવી છે. એ ફેમિલીના વડીલ, દાદાનું નામ પ્રમોદભાઈ. તેઓ ગુજરાતના એક ગામડાના વતની. તેમનું બાળપણ અને સ્કુલનું ભણતર તેમના ગામડામાં જ થયું. ઘરમાં ગરીબી ઘણી જ. કોલેજના અભ્યાસ માટે તેઓ અમદાવાદ આવ્યા. ભણીને અમદાવાદમાં જ નોકરી લીધી. લગ્ન કરીને અમદાવાદમાં જ સ્થાયી થયા. તેમના બે પુત્રો વિજય અને મનોજ. બંને પુત્રો સ્કુલ-કોલેજ અમદાવાદમાં જ ભણીને એન્જીનીયર થયા. બંનેને વધુ અભ્યાસ માટે અમેરીકા જવાની ઈચ્છા થઇ, એટલે એક પછી એક બંને અમેરિકા ગયા. ત્યાં માસ્ટર ડીગ્રી મેળવી. ભારતીય કન્યાઓ સાથે લગ્ન કર્યાં અને અમેરીકામાં જ જોબ લઇ ત્યાં સ્થાયી થયા છે. વિજયને બે બાળકો છે, મોટો પુત્ર નિહાર ૧૦ વર્ષનો અને નાનકી મુનમુન ૬ વર્ષની છે. મનોજને એક પુત્ર છે ધવલ. તે ૩ વર્ષનો થયો છે. છોકરાંની પ્રગતિથી દાદા-દાદી ખુશ છે. દાદા-દાદી અમદાવાદમાં જ રહે છે. દાદા-દાદીએ વારસામાં આપેલા ભારતીય સંસ્કાર, પ્રામાણિકતા, આદરભાવ, પરોપકાર અને આનંદી જીવનના પાઠ ઘરના બધા સભ્યોએ પચાવ્યા છે.

તમને થશે કે આ વાર્તામાં નવું શું છે ? બધાં ભારતીય કુટુંબોના જેવી જ આ સામાન્ય વાર્તા છે. પણ અહીં ખાસ વાત કરવી છે ત્રણ પૌત્ર- પૌત્રી  નિહાર, મુનમુન અને ધવલની.

નિહાર અમેરીકાની સ્કુલમાં પાંચમા ધોરણમાં ભણે છે. ભણવામાં ઘણો જ હોંશિયાર. વાંચવાનો ખૂબ જ શોખીન. સ્કુલની લાયબ્રેરીની લગભગ બધી જ ચોપડીઓ તેણે વાંચી નાખી છે. ૬૦૦ પાનાંવાળાં હેરી પોટર શ્રેણીનાં ૫ પુસ્તકો તેણે વાંચી કાઢ્યાં છે. સંસ્કૃતમાં ભગવાનની આરાધનાના ઘણા શ્લોક તેને કંઠસ્થ છે. અમેરીકાના તેના શહેરના વિજ્ઞાન મેળામાં શહેરની બધી સ્કુલોમાં તે પ્રથમ આવ્યો છે. તેને ઇનામમાં ટેબ્લેટ મળ્યું છે. તેણે સોલાર કારનું મોડેલ જાતે બનાવીને સોલાર કાર દોડાવી છે. તે કરાટે ચેમ્પીયન છે. બાસ્કેટ બોલમાં જીલ્લાની સ્કુલોમાં તે બીજા નંબરે આવ્યો છે. તેના શહેરની બધી સ્કુલોમાં તે જાણીતો છે.

તેની બહેન મુનમુન ખૂબ જ ચપળ છે. તેની વાત કરવાની રીત બહુ જ સરસ છે. મોટાંઓ સાથે વાત કરે ત્યારે એમ જ લાગે કે ‘કેવી સરસ વ્હાલી લાગે એવી દિકરી છે !’ બધાંનું દિલ જીતી લેતાં તેને આવડે છે. તે પણ ભાઈ જેવી જ ભણવામાં હોંશિયાર છે. ગણિતમાં તે નિપુણ છે. હંમેશાં પહેલા નંબર પર જ આવે.

સૌથી નાનો ધવલ ત્રણ જ વર્ષનો છે. આટલી નાની ઉંમરે તેની યાદશક્તિ બહુ જ તેજ છે. બધા છોકરાઓને સામાન્ય રીતે ૧ થી ૧૦ કે ૧ થી ૧૦૦ તો યાદ રહે, અને કહો તો સડસડાટ બોલી જાય. ધવલને આ બધુ તો આવડે જ. તે ઉપરાંત, તેના પપ્પાનો દસ આંકડાનો મોબાઈલ નંબર, દાદાનો મોબાઈલ નંબર અને બીજા ઘણા બધાના મોબાઈલ નંબર તે બોલી બતાવે. મોબાઈલ નંબરના દસ આંકડા તો આડાઅવળા જ હોય, તો પણ તે તેને યાદ રહ્યા છે, ત્રણ વર્ષની ઉંમરે ! બધાના નામના સ્પેલીંગ પણ તે બોલી બતાવે છે. તે તેના ઘરનું, તેના કાકા વિજયનું, દાદાનું અને બીજા સગાઓનું એડ્રેસ બોલી બતાવે છે. ફક્ત એક જ વાર તેને આ બધુ શીખવાડ્યું હોય. તેને પણ ઘણા સંસ્કૃત શ્લોકો મોઢે છે.

તેને તેનાં પપ્પા-મમ્મી બહારગામ ફરવા લઇ જાય ત્યારે દરેક સ્થળે શું શું જોયું તે તેને વિગતે યાદ રહે છે. વિમાનમાં તે તેનો સીટ નંબર જાતે શોધી કાઢે છે. તેને જે કોઈ વાર્તા કહો તે તેને યાદ રહે છે, અને થોડા દિવસો પછી પણ તે કહી બતાવે છે. તે લાસ વેગાસની હોટેલોમાં ફરી આવ્યો, પછી કઈ હોટેલમાં ખાસ શું હતું, તે તેને યાદ છે. આવી ઢગલાબંધ ચીજો તેને યાદ છે. પપ્પા-મમ્મી-દાદા-બાએ ગઈ કાલે કયા રંગનું શર્ટ કે સાડી પહેરેલાં, તે તેને આજે યાદ હોય. મોટો થયા પછી તેને કેટલું બધુ યાદ રહેશે એ કલ્પના કરવા જેવી છે.

ગુજરાતના એક અજાણ્યા ગામડાથી અમેરીકા સુધીની, દાદાથી પૌત્રો-પૌત્રી સુધીની આ સફર છે !

ચુનચનકટ્ટે ધોધ

                                      ચુનચનકટ્ટે ધોધ

ધોધ એ તો કુદરતનું ખૂબ જ મનોહર અને આકર્ષક સ્વરૂપ છે. ધોધ એ કુદરતનો ગજબનો કરિશ્મા છે. ધોધ જોવો કોને ન ગમે ? ગુજરાતમાં ભલે ધોધની સંખ્યા ઓછી હોય, કર્ણાટક રાજ્યને તો ભગવાને ધોધની સારી એવી ભેટ ધરી છે. કર્ણાટકમાં આવેલા થોડા ધોધનાં નામ ગણવું ? શીવસમુદ્રમ ધોધ, અપ્સરાકુંડ ધોધ, લાલગુડી, નિસર્ગધામ, બુરુડ, શીવગંગા, બેલકલ તીર્થ, ડબ્બે, વાટ હલ્લા, વિભૂતિ, અલેખાન, ડોન્ડોલે, શાંતિ, એબી, અરીસીના ગુંડી, બરખાના, બેનેહોલ, ચુનચનકટ્ટે, ગોડચીનામલકી, હેબે, ઈરુપુ, ચેલાવરા, મલ્લાલી, જોગ, હિલ્દુમને, કીલ્હત્તી, ઉન્ચલી, કેપ્પા, કુસ્સલી, મગોડ, માણિકયધારા, મુથ્યાલા મદુવુ, સાથોડી, વરપોહા, સીરીમને, સોગલ, ચુંચી, હનુમાનગુંડી, કુંચીકલ વગેરે. મને તો લાગે છે કે કર્ણાટકના ધોધ જોવાનો એક પ્રવાસ ગોઠવવો જોઈએ અને એક પછી એક લાઈનમાં આવતા ધોધ જોતા જવું જોઈએ. આવા પ્રવાસથી એમ લાગશે કે કુદરતે ભારત દેશને કેટલું બધુ સૌન્દર્ય આપ્યું છે !

અહીં આપણે કર્ણાટકના માયસોર જીલ્લામાં આવેલા ચુનચનકટ્ટે ધોધની વાત કરીશું. માયસોર જીલ્લાના કૃષ્ણરાજનગર તાલુકાના ચુનચનકટ્ટે ગામ આગળ આ ધોધ આવેલો છે. અહીં કાવેરી નદી પોતે જ ધોધરૂપે પડે છે. આશરે ૧૨૦ મીટર પહોળી નદી, ૨૦ મીટર ઉંચાઈએથી ખડકો પરથી નીચે પડીને આગળ વહેતી હોય, એ દ્રશ્ય કેટલું બધુ મનોહર લાગે ! કૃષ્ણરાજનગર ગામ, માયસોરથી હસન જવાના રસ્તે આવેલું છે. આ ગામમાંના એક સર્કલ આગળથી ડાબી બાજુ વળી જવાનું. આ રસ્તે થોડું ગયા પછી, જમણી બાજુ માટીવાળો એક રસ્તો પડે છે. એ રસ્તે જાવ એટલે ધોધ આગળ પહોંચી જવાય. કૃષ્ણરાજનગરથી ધોધ આશરે ૮ કી.મી. દૂર છે. માયસોરથી ધોધનું અંતર ૫૭ કી.મી. છે. બેંગલોરથી આ ધોધ આશરે ૧૪૦ કી.મી. દૂર છે. આ ધોધ પશ્ચિમઘાટમાં આવેલો છે. ધોધરૂપે પડતા પહેલાં કાવેરી નદી બે ભાગમાં વહેંચાઈ જાય છે, એટલે કે બે ધોધ પડે છે. મુખ્ય ધોધ મોટો છે. બીજો નાનો છે, પણ તે ખડકોની એવી આંટીઘૂંટીમાંથી પસાર થાય છે કે જોવાની મજા આવી જાય. બંને ધોધ પડ્યા પછી તો તેમનાં પાણી ભેગાં થઈને જ આગળ વહે છે.

ચુનચનકટ્ટે એક પવિત્ર સ્થળ છે. રામ ભગવાન તેમના વનવાસ દરમ્યાન, અહીં રહેતાં પતિપત્ની ચુંકા અને ચુંકીની વિનંતીથી આ જગાએ રોકાયા હતા અને તેમના મહેમાન બન્યા હતા. તે વખતે અહીં પાણીનું ટીપુ યે નહોતુ. એક વાર સીતામાતા બરાબર થાક્યાં હતાં. તેમને સ્નાન કરવાની ઈચ્છા હતી. સીતાની ઈચ્છા પૂર્ણ કરવા, રામે લક્ષ્મણને તીરથી ખડક ભેદવાનો આદેશ આપ્યો. લક્ષ્મણે ખડક પર બાણ ચલાવ્યું. ખડકમાંથી ત્રણ જુદા જુદા રંગ (shade)નું પાણી બહાર આવ્યું, એક હળદરિયુ, બીજુ તૈલી અને ત્રીજુ શિકાકાઈ જેવું (કુદરતી શેમ્પુ જેવું). આ પ્રકારનાં પાણીથી નાહીને સીતામાતાનો બધો થાક ઉતરી ગયો. આજે પણ આ ધોધમાં, પાણી ઘણુ વધારે હોય ત્યારે આ ત્રણે પ્રકારનાં પાણી નજરે પડે છે.

આ ધોધને કિનારે ભગવાન રામનું પુરાણું મંદિર આવેલું છે. કન્નડ ભાષામાં આ મંદિર કોડાન્ડા રામનું મંદિર કહેવાય છે. મંદિરનું બાંધકામ દક્ષિણ ભારતનાં મંદિરોની શૈલીનું છે. મંદિર આગળ બેસીને ધોધને જોયા કરવાનું ગમે એવું છે. આ મંદિરનું મહત્વ એ છે કે અહીં બધી જગાએ ધોધનો પ્રચંડ અવાજ સંભળાય છે, પણ મંદિરના ગર્ભગૃહમાં પેસો કે તરત જ ધોધનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. આ એક ચમત્કાર જેવું છે. આ માટે અહીં એક દંતકથા પ્રચલિત છે. શ્રીરામ, જંગલની રઝળપાટ દરમ્યાન, સીતાની જાતજાતની ફરિયાદોથી કંટાળ્યા હતા, આથી એમના મુખેથી શાપ અપાઈ ગયો કે “સ્ત્રીઓની જીભ બહુ અવાજ કર્યા કરે એવી ના હોવી જોઈએ”. કાવેરી નદી પણ સ્ત્રીલીંગ હોવાથી, સ્ત્રીમાં ગણાઈ ગઈ, એટલે રામના શાપને કારણે, કાવેરીના ધોધનો અવાજ રામના મંદિરમાં સંભળાતો નથી. જો કે આજે દુનિયામાં, સ્ત્રીઓમાં રામના શાપની અસર વર્તાતી નથી, એ જુદી વાત છે.

આ મંદિરની બીજી એક વિશિષ્ટતા એ છે કે મંદિરમાં સીતાજીની મૂર્તિ, રામની મૂર્તિની ડાબી બાજુએ હોવાને બદલે જમણી બાજુએ છે. એ માટે પણ એક કથા છે. રામને આ જંગલમાં એક અજાણ્યા ઋષિ મળી ગયા. આ ઋષિ ભગવાન નારાયણમાં અપાર શ્રધ્ધા ધરાવતા હતા. શ્રીરામ, ઋષિનો આ ભક્તિભાવ જોઈને પ્રસન્ન થયા અને ઋષિને વરદાન માગવા કહ્યું. ઋષિએ માગ્યું કે “હું સીતામાતાને આપની જમણી બાજુએ બિરાજેલાં જોવા ઈચ્છું છું.” રામે ‘તથાસ્તુ’ કહ્યું. એટલે આ મંદિરમાં સીતાની મૂર્તિ રામની જમણી બાજુએ છે. વાર્તા ગમી ? અહીં હનુમાનજીનાં બે મંદિર છે, એક રામમંદિરના પ્રવેશદ્વાર આગળ અને બીજું નદીના કિનારે.

કાવેરી નદી માટીની સાથે કાંપ ઘસડી લાવે છે, એ આ ડેક્કન પ્રદેશને ફળદ્રુપ બનાવે છે. અહીંની ફળદ્રુપ જમીનમાં ડાંગર અને શેરડીનો પાક ખૂબ થાય છે. આથી આ ગામ ડાંગર અને શેરડીની પેદાશ માટે જાણીતું છે. આ વિસ્તારની મુખ્ય વસ્તી ખેડૂતો અને સુગર મીલ તથા પાવર પ્લાન્ટમાં કામ કરતા કામદારોની છે. અહીં મકરસંક્રાંતિએ બ્રહ્મા રસોત્સવ નામનો ઉત્સવ ઉજવાય છે. ઓગસ્ટમાં ઢોરમેળો ભરાય છે, એ આ વિસ્તારનો જાણીતો મેળો છે.

કાવેરી નદી અહીંથી વહીને આગળ ગયા પછી, તેના પર કૃષ્ણરાજસાગર ડેમ બાંધેલો છે. ધોધનું બધુ પાણી આ ડેમના રીઝરવોયરમાં ભેગું થાય છે. અહીં ૧૯૯૮માં વીજળી પેદા કરતો પાવર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. તે ૧૮ મેગાવોટ વીજળી પેદા કરી આપે છે. કહે છે કે અહીં પાવર પ્લાન્ટ નહોતો બન્યો ત્યારે આ જગા સ્વર્ગ જેવી સુંદર હતી. પાવર પ્લાન્ટ આવ્યા પછી પ્રદૂષણ વધ્યું છે.

આ ધોધનો ધસમસતો પ્રવાહ મોટી ગર્જના કરે છે. ખડકોમાં અથડાઈને વેગથી પાણી જયારે નીચે ધસે છે ત્યારે દૂધ જેવું સફેદ લાગે છે. આજુબાજુ ઉડતાં પાણીનાં ફોરાં, કિનારે ઉભેલા લોકોના શરીર પર છંટકાવ કરે છે ત્યારે શરીર ભીંજાય છે અને મન પણ ભીંજાઈને પ્રફુલ્લિત થઇ જાય છે.

આ ધોધમાં ડૂબકી મારીને નહાવાનું માહાત્મ્ય છે, પણ પાણીના જોરદાર પ્રવાહમાં ખેંચાઈ ના જવાય તેનું ધ્યાન રાખવું પડે. નહાવામાં જોખમ છે જ. ખાસ કરીને ચોમાસામાં પ્રવાહ જોરદાર હોય ત્યારે તો પાણીમાં ઉતરાય જ નહિ. બાકીના સમયે આજુબાજુ ખડકોમાં રખડવાનું શક્ય છે. આજુબાજુની જગામાં લીલોતરી ખૂબ જ છે. અહીં કેટલાં યે જળચર પક્ષીઓ જોવા મળે છે.

આ ધોધ આગળ ઘણી લોકલ કન્નડ ફિલ્મો ઉતરી છે. અહીં અવારનવાર ઘણા ફિલ્મસ્ટાર અને રાજકીય નેતાઓ મુલાકાતે આવે છે. આ ધોધની નજીક, કૃષ્ણરાજનગર ગામની બહાર, કપાડી ક્ષેત્રમ નામનું એક બીજું પવિત્ર સ્થળ છે. ત્યાં કાવેરીના કિનારે આરકેશ્વર સ્વામી મંદિર જોવા જેવું છે.

ચુનચનકટ્ટે એ ખૂબ જ સરસ પીકનીક સ્થળ છે. લોકો ખાસ અહીં આ ધોધ જોવા માટે આવે છે. કૃષ્ણરાજનગરથી તમને લોકલ ગાઈડ પણ મળી રહે છે. પીકનીક મનાવનારા અહીં ધોધ આગળ કચરો ફેંકીને જતા રહે છે, બહુ જ ઓછા લોકો સ્વચ્છતાની કાળજી કરે છે. જનતા અને સરકાર, અહીં ચોખ્ખાઈ જાળવવામાં મદદ કરે તો આ સ્થળ બહુ જ સરસ લાગે. ધોધ આગળ ખાણીપીણીની દુકાનો કે રહેવા માટેની વ્યવસ્થા નથી. બધુ તમારે લઈને આવવું પડે. જો કે કૃષ્ણરાજનગરમાં બધી સગવડ મળી રહે છે. ધોધ જોવાનો અનુકૂળ સમય જાન્યુઆરી-ફેબ્રુઆરી છે. કૃષ્ણરાજનગરથી ધોધ સુધી સરકારી કે ખાનગી બસ, ટેક્સી, જીપ વગેરે મળી રહે છે. નજીકનું રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ માયસોરમાં છે.

બોલો, કર્ણાટકના ધોધનાં દર્શને ક્યારે નીકળવું છે ?

1_Chunchanakatte Falls

2_Kodanda Rama Temple at Chunchanakatte falls

3_Chunchanakatte, Shri Kodanda Rama

4_Chunchanakatte falls5_Chunchanakatte falls6_Chunchanakatte falls7_Chunchanakatte falls8_Chunchanakatte falls9_Chunchanakatte falls