દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ સ્ટેશન

                              દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ સ્ટેશન

૧૨૧ વર્ષ પહેલાંની આ વાત છે. દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ રેલ્વે સ્ટેશન. ઈ.સ. ૧૮૯૩ના જૂન મહિનાની સાતમી તારીખ. રાત્રે નવ વાગે પ્રિટોરિયા જતી ટ્રેન આ સ્ટેશનના પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી. પ્લેટફોર્મ પરથી એક જુવાન ભારતીય મુસાફર ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડ્યો. પોતાનો સીટ નંબર શોધીને તે પોતાની જગાએ બેસવા જતો હતો, તેવામાં બીજો એક ધોળો અંગ્રેજ પણ આ ડબ્બામાં ચડ્યો. આ ધોળિયાએ પેલા ભારતીય મુસાફર તરફ તુચ્છકારભરી નજરે જોયું. એક ભારતીય મુસાફર ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસે, એ પેલા અંગ્રેજથી સહન થયું નહિ. તેણે ભારતીયને ગંદી જબાનમાં કહ્યું, “તું નીચ ઇન્ડીયન, આ ડબ્બામાં તને બેસવાનો અધિકાર નથી. તાબડતોબ થર્ડ ક્લાસના ડબ્બામાં ચાલ્યો જા. ફર્સ્ટ ક્લાસ તો ફક્ત અમારા જેવા ગોરા અંગ્રેજો માટે જ છે.”

પેલા ભારતીયે નમ્રતાથી કહ્યું, “મેં ફર્સ્ટ ક્લાસની ટીકીટ લીધી છે, એટલે હુ આ ડબ્બામાં જ બેસીશ.

અંગ્રેજે ફરીથી કહ્યું, “આ ડબ્બામાં તને બેસવાનો અધિકાર નથી. તું થર્ડ ક્લાસમાં ચાલ્યો જા.”

ભારતીય મક્કમ હતો. તેણે પોતાનો જવાબ દોહરાવ્યો, “મેં ફર્સ્ટ ક્લાસની ટીકીટ લીધી છે, એટલે હુ આ ડબ્બામાં જ બેસીશ.”

ત્રીજી વાર અંગ્રેજનો એ જ હુકમ, અને ભારતીય મુસાફરનો એ જ જવાબ. એટલે પેલો અંગ્રેજ અકળાયો. તે પોલીસને બોલાવી લાવ્યો. પોલીસના કહેવાથી પણ પેલો ભારતીય ઉતર્યો નહિ, એટલે પોલીસે તેને ધક્કો મારીને પ્લેટફોર્મ પર ગબડાવી દીધો. તેનો સામાન પણ પ્લેટફોર્મ પર ફેંકી દીધો. આ ભારતીય મુસાફર કોણ હતો, તે તો આપ સૌ જાણો છો. એ મુસાફર હતા મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી.

પ્લેટફોર્મ પરથી ઉભા થઇ, ગાંધીજી સ્ટેશન પરની વેઈટીંગ રૂમમાં ગયા. ત્યાં આખી રાત એક બાંકડા પર ઠંડીથી ધ્રુજતા બેસી રહ્યા. તેમના મનમાં ગડમથલ ચાલી. આવો અન્યાય કઈ રીતે સહન થાય ? અંગ્રેજો સામે લડવું જ જોઈએ, પણ કઈ રીતે ? તેમના મને જવાબ આપ્યો, “આપણે સાચા હોઈએ, તો સત્યનો આગ્રહ રાખીને.” એમાંથી સત્યાગ્રહનો જન્મ થયો. અંગ્રેજો સામે હથિયારોથી કે મારામારી કરીને નહિ લડી શકાય. અંગ્રેજો પાસે મોટું લશ્કર હોવાથી, એમાં તો તેઓ જ જીતે, અને માનવ સંહાર થાય. તેમના મનમાં સ્ફુરણા થઇ, “અહિંસક લડતથી અંગ્રેજોને જીતવા.” બસ, તેમણે નક્કી કરી નાખ્યું, “સત્ય, અહિંસાના માર્ગે અન્યાય સામે લડવું”

ગાંધીજી પીટરમેરીટઝબર્ગ સ્ટેશન પર બેસી જ રહ્યા. છેવટે બીજા દિવસે પ્રિટોરિયાની ટ્રેન આવી, તેમાં તેમને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં જ, સ્ટેશન માસ્ટરે જવા દેવા પડ્યા. એક અંગ્રેજે મારેલા ધક્કામાંથી, ગાંધીજીએ આખા ભારત દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા.

આ પીટરમેરીટઝબર્ગ સ્ટેશનનું નામ ત્યારે કોઈ જાણતું ન હતું. પણ આ બનાવને લીધે દુનિયાભરમાં તે પ્રખ્યાત થઇ ગયું છે. દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરથી જોહાનીસબર્ગ જવાના રેલ્વે રસ્તે, તે ડરબનથી ૮૦ કી.મી. દૂર આવેલું છે. આ સ્ટેશનના પ્લેટફોર્મ પર, જે જગાએ ગાંધીજીને ફેંકી દેવાયા હતા, ત્યાં એક તકતી મૂકેલી છે. તેમાં નીચે મૂજબનું લખાણ છે.

In the vicinity of this plaque

M. K. GANDHI

was evicted from a first class

compartment on the night of

7 June 1893

This incident changed

the course of his life

He took up the fight

against racial oppression

His active non-violence

started from that date.

સ્ટેશનના વેઇટીંગ રૂમમાં ગાંધીજીની છબી મૂકેલી છે.

ભારતનાં માજી રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ તારીખ ૮ મે, ૨૦૧૨ના રોજ આ શહેરની મુલાકાતે આવેલાં, ત્યારે તેમણે આ જગાએ જઇ, ત્યાંની વિઝીટર બુકમાં ગાંધીજીની મહાનતા અંગે નોંધ લખી હતી. તેમણે ડરબનથી જોહાનીસબર્ગ જવાના રસ્તે, ગાંધીજીના વખતના જેવી જ કોલસાવાળી ટ્રેનમાં મુસાફરી કરી હતી.

ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી, દક્ષિણ આફ્રિકામાં જયારે ભારતના હાઈ કમીશનર હતા ત્યારે તેમને ગાંધીજીના માનમાં “ફ્રીડમ ઓફ સીટી એવોર્ડ ઓન ગાંધી” આપવામાં આવ્યો હતો.

પીટરમેરીટઝબર્ગ શહેરમાં ચર્ચ સ્ટ્રીટમાં ગાંધીજીનું સ્ટેચ્યુ મૂકેલું છે. તેનું ઉદઘાટન, ગાંધીજીને ટ્રેનમાંથી ફેંકી દેવાયાના ૧૦૦ વર્ષ પછી, તારીખ ૬ જૂન, ૧૯૯૩ના રોજ, આર્ક બીશપ દેસમોન્ડ ટુટુએ કર્યું હતું.

વડાપ્રધાન મનમોહનસીંગે પણ પીટરમેરીટઝબર્ગની મુલાકાત લીધી છે. ગાંધીજીએ આ શહેરની નજીક ૧૯૦૪માં ફીનીક્સ વસાહત શરુ કરેલી. મનમોહનસીંગ ફીનીક્સની મુલાકાતે પણ ગયેલા.

ગાંધીજીને જે ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા, તે અસલી ટ્રેન પીટરમેરીટઝબર્ગના મ્યુઝીયમમાં સાચવી રખાઈ છે.

એવું લાગે છે કે દરેક ભારતીયે પીટરમેરીટઝબર્ગ શહેર જોવા જવું જોઈએ. અને ત્યાના સ્ટેશન પર જઇ, ગાંધીજીને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ.

1_Pietermaritzburg station

 

2_Pietermaritzburg station

3_plaque on the platform

4_Station

5_Gandhiji statue

6_Pietermaritzburg, Gandhi statue

શેરીસા અને પાનસર તીર્થ

                                                  શેરીસા અને પાનસર તીર્થ 

અમદાવાદની આજુબાજુ ઘણી જોવાલાયક જગાઓ અને ધાર્મિક તીર્થો આવેલાં છે. કલોલથી મોટી ભોયણ જવાના રસ્તે, કલોલથી માત્ર ૮ કી.મી. દૂર આવેલું શેરીસા આવું એક સ્થળ છે. અહીં એક પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે. તેરમી સદીમાં ગુજરાતના દાનવીર વસ્તુપાળ અને તેજપાળે અહીં ભગવાન નેમીનાથની વિધિપૂર્વક સ્થાપના કરીને સૌ પ્રથમ મંદિર બાંધ્યું હતું, એવી કથા છે. વિ. સં. ૧૫૬૨માં શ્રીલાવણ્યસમય નામના કવિએ શેરીસા તીર્થ પર સ્તવનો રચ્યાં હતાં. આ તીર્થનું રીપેરીંગ અને રીનોવેશન ચાલતું જ રહે છે.વિ. સં. ૨૦૦૨માં અહીં આરસનું નવું મંદિર બન્યુ છે. મંદિરના ગર્ભગૃહમાં જોધપુરના લાલ આરસ અને ઉત્સવપંડાલમાં મકરાણાના આરસ વાપર્યા છે.

શેરીસા તીર્થના ભવ્ય પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થયા પછી બંને બાજુ ખુલ્લી વિશાળ જગા નજરે પડે છે. વૃક્ષોની ઘટા અને તોરણોમાં થઈને થોડું સીધું ગયા પછી, થોડાં પગથિયાં ચડવાનાં છે. ઉપર ચડી મંદિરમાં પેસતાં જ મનમાં એક પ્રકારની સાતા વળે છે. સામે જ ગર્ભગૃહમાં મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ પદ્માસન સ્થિતિમાં બિરાજમાન છે. રંગ પરથી એમને લોઢણ પાર્શ્વનાથ પણ કહે છે. અહીં દર્શન કરીને મન પ્રસન્નતા અનુભવે છે. નીચે ભોંયરામાં ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ બહુ સુંદર છે.

શેરીસા એ ભવ્ય રમણીય તીર્થ છે. અહીંનું વાતાવરણ ઘણું જ સરસ છે. મંદિરની એક બાજુ રહેવા માટેની રૂમો અને ભોજનશાળા છે.બીજી બાજુ મહેમાનો માટેની ભોજનશાળા છે. રસોઈ ખૂબ જ સરસ અને પીરસનાર ખૂબ ભાવથી પીરસે છે. પ્રવેશદ્વાર આગળ ઓફિસ આવેલી છે. ખુલ્લી જગામાં પ્રસંગોપાત સભામંડપ ઉભો કરી, ત્યાં મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવાની વ્યવસ્થા કરાય છે. મંદિરની આજુબાજુના બગીચામાં બેસવાની અને બાળકોને રમવાની મજા આવે એવું છે.

શેરીસા તીર્થથી આશરે ૧૬ કી.મી. દૂર આવેલા પાનસર ગામે પણ એક સુંદર જૈન તીર્થ આવેલું છે. શેરીસાથી કલોલ થઈને પાનસર જવાય છે. આ મંદિર પણ ઘણું જ મોટું અને આકર્ષક છે. ખૂબ મોટી વિશાળ જગા, બગીચો, વૃક્ષો, રસ્તા, રહેવા માટે રૂમો, જમવાની સુવિધા – અહીં બધુ જ છે. આરસનું બનેલું આ મંદિર જૂનું છે, છતાં નવું જ લાગે છે. ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવાય છે.

વામજ તીર્થ પણ કલોલની નજીક જ છે. અમદાવાદથી એક દિવસમાં શેરીસા, પાનસર અને વામજની ધાર્મિક યાત્રા સરળતાથી કરી શકાય છે. અમદાવાદથી કલોલ ગયા વગર, ઓગણજ, વડસર અને મોટી ભોયણ થઈને શેરીસા સીધું જવાય છે.

IMG_0357

 

IMG_0360

 

IMG_0362

 

IMG_0364

 

IMG_0365

 

IMG_0367

એક પુરાણું નગર વડનગર

                                                   

                                                          એક પુરાણું નગર વડનગર 

તમારે જૂના જમાનાનાં સ્થાપત્યોના થોડા અંશ જોવા હોય તો વડનગર પહોંચી જવું જોઈએ. આ નગર મહેસાણા જીલ્લામાં મહેસાણાથી ૩૦ કી.મી. દૂર ઉત્તરમાં આવેલું છે. અમદાવાદથી ગાંધીનગર, ગોઝારીયા અને વિસનગર થઈને પણ વડનગર જવાય છે. આ અંતર ૯૦ કી.મી. જેટલું છે.વડનગરથી આગળ ખેરાલુ, તારંગા અને દાંતા થઈને અંબાજી જવાય છે.

વડનગરમાં પ્રવેશતાં જ એક જૂના નગરમાં આવ્યા હોઈએ એવો અહેસાસ થવા લાગે છે. શહેરના ચારે બાજુના પ્રવેશ આગળ દરવાજાના અવશેષો છે, એ જૂના જમાનામાં શહેરને ફરતે કોટ હોવાની પ્રતીતિ કરાવે છે. વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર, તાના-રીરીની સમાધિ, કીર્તિતોરણ, શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી વગેરે જોવાલાયક જગાઓ છે.

હાટકેશ્વર મહાદેવ નદીઓળ દરવાજાની બહાર આવેલું છે. કોઈને પણ પૂછો તો તે જરૂર બતાવે, કેમ કે આ બહુ જ જાણીતું મંદિર છે. પથ્થરોનું બનેલું આ મંદિર આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. પથ્થરોને યોગ્ય આકારમાં કાપી, તેમને એકબીજા સાથે ગોઠવી, ઉંચુ શીખરબંધી મંદિર બનાવવું, એ તે જમાનાની સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થયા પછી ચોક આવે છે. ચોકમાંથી ભવ્ય કોતરકામ વાળી કમાનોમાં થઈને અંદર સભાગૃહમાં જવાય છે. અહીં પણ છત અને ઘુમ્મટના અંદરના ભાગનું સ્થાપત્ય આપણું તરત જ ધ્યાન ખેંચે છે. અંદર ગર્ભગૃહમાં બિરાજેલ શીવ ભગવાનનાં દર્શન કરીને મન પ્રસન્નતા અનુભવે છે. અહીં બેસીને પ્રભુનું સ્મરણ કરવાનું ગમે એવું છે.મંદિરની બહારની દિવાલો પર દેવદેવીઓ અને પ્રસંગોની કલાત્મક કોતરણી બેજોડ છે. આવી અદભૂત કોતરણી કરવામાં કારીગરોને એ જમાનામાં કેટલો બધો સમય લાગ્યો હશે ! મંદિરની આજુબાજુના ચોકમાં પણ શીવજીનાં નાનાંમોટાં અનેક મંદિરો છે. આ બધાનાં દર્શન કરીને મન ભક્તિમય બની જાય છે.

વડનગરમાં બીજી જોવા જેવી ચીજ તાના-રીરીની સમાધિ છે. ગામને છેડે આવેલા એક સુંદર શાંત બગીચામાં આ સમાધિઓ આવેલી છે.તાના અને રીરી બે નાગર બહેનો હતી. સંગીત અને ગાવામાં તેઓ નિષ્ણાત હતી. સમય અને સ્થળને અનુરૂપ, ભારતીય સંગીતના વિવિધ રાગ ગાઈને તે રાગને અનુરૂપ વાતવરણ ઉભુ કરવામાં તેઓ કુશળ હતી. કહે છે કે દિલ્હીના સમ્રાટ અકબર બાદશાહનો મહાન સંગીતકાર તાનસેન એક વાર દીપક રાગ ગાઈને ગરમી અને દાહથી પીડાઈ રહ્યો હતો, તેના દાહનું શમન કોઈ કરી શક્યું નહિ. પછી તે વડનગર બાજુ આવ્યો, ત્યારે તાના અને રીરીએ મેઘમલ્હાર રાગ ગાઈને તેની બળતરાનું શમન કર્યું હતું. આ સમાધિ આગળ દર વર્ષે સંગીત મેળાનું આયોજન થાય છે.

શર્મિષ્ઠા તળાવ એ વડનગરમાં એક ફરવા જેવી જગા છે. તળાવને કિનારે બગીચા, નાનાં બાળકો માટે મનોરંજનનાં સાધનો, બોટીંગ અને ખાણીપીણીની સુવિધા છે.

આ તળાવને કિનારે પુષ્ટિ સંપ્રદાયના ગુરુ શ્રી ગુસાંઈજીની બેઠક છે. શ્રી ગુસાંઈજી પોતે અહીં પધાર્યા હોવાના પુરાવા મળી આવ્યા છે.વૈષ્ણવો આ બેઠકજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

બેઠકજીની નજીક જ કીર્તિતોરણ છે. વડનગરનું જૂના જમાનાનું આ પ્રવેશદ્વાર છે. બે મોટા ઉંચા કલાત્મક થાંભલા ઉપર આડી કમાન ધરાવતું આ તોરણ સ્થાપત્યનો એક સુંદર નમૂનો છે. થાંભલા પર મૂર્તિઓની કોતરણી ખૂબ જ કલાકારીગરીવાળી છે. આ સ્થાપત્ય ગુજરાત માટે ગૌરવ સમાન છે. બાજુમાં જ આવું બીજું તોરણ છે. તળાવને કિનારે શામળશાની ચોરી પણ જોવા જેવી છે.

વડનગરમાં આ બધુ જોતાં સહેજે બે કલાક જેટલો સમય લાગે છે. આ બધી જગાઓનો દેખાવ અને માહોલ થોડો સુધારીને આકર્ષક બનાવવામાં આવે અને તે તરફ જતા રસ્તાઓ સારા બનાવી દેવાય તો ઘણા ટુરિસ્ટો અહીં આવતા થાય. થોડો પ્રચાર કરવાની પણ જરૂર છે.તો, વડનગર ગુજરાતનું એક સરસ ટુરિસ્ટ સ્થળ બની શકે. એક ખાસ વાત એ છે કે વડનગર, ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.

તો બોલો, ક્યારે ઉપડો છો વડનગર. અંબાજી જવા નીકળ્યા હો તો વચમાં વડનગર જોઇ લેવાય.

IMG_0080

IMG_0081

IMG_0084

IMG_0085

IMG_0100

IMG_0105