એક પુરાણું નગર વડનગર

                                                   

                                                          એક પુરાણું નગર વડનગર 

તમારે જૂના જમાનાનાં સ્થાપત્યોના થોડા અંશ જોવા હોય તો વડનગર પહોંચી જવું જોઈએ. આ નગર મહેસાણા જીલ્લામાં મહેસાણાથી ૩૦ કી.મી. દૂર ઉત્તરમાં આવેલું છે. અમદાવાદથી ગાંધીનગર, ગોઝારીયા અને વિસનગર થઈને પણ વડનગર જવાય છે. આ અંતર ૯૦ કી.મી. જેટલું છે.વડનગરથી આગળ ખેરાલુ, તારંગા અને દાંતા થઈને અંબાજી જવાય છે.

વડનગરમાં પ્રવેશતાં જ એક જૂના નગરમાં આવ્યા હોઈએ એવો અહેસાસ થવા લાગે છે. શહેરના ચારે બાજુના પ્રવેશ આગળ દરવાજાના અવશેષો છે, એ જૂના જમાનામાં શહેરને ફરતે કોટ હોવાની પ્રતીતિ કરાવે છે. વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર, તાના-રીરીની સમાધિ, કીર્તિતોરણ, શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી વગેરે જોવાલાયક જગાઓ છે.

હાટકેશ્વર મહાદેવ નદીઓળ દરવાજાની બહાર આવેલું છે. કોઈને પણ પૂછો તો તે જરૂર બતાવે, કેમ કે આ બહુ જ જાણીતું મંદિર છે. પથ્થરોનું બનેલું આ મંદિર આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. પથ્થરોને યોગ્ય આકારમાં કાપી, તેમને એકબીજા સાથે ગોઠવી, ઉંચુ શીખરબંધી મંદિર બનાવવું, એ તે જમાનાની સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થયા પછી ચોક આવે છે. ચોકમાંથી ભવ્ય કોતરકામ વાળી કમાનોમાં થઈને અંદર સભાગૃહમાં જવાય છે. અહીં પણ છત અને ઘુમ્મટના અંદરના ભાગનું સ્થાપત્ય આપણું તરત જ ધ્યાન ખેંચે છે. અંદર ગર્ભગૃહમાં બિરાજેલ શીવ ભગવાનનાં દર્શન કરીને મન પ્રસન્નતા અનુભવે છે. અહીં બેસીને પ્રભુનું સ્મરણ કરવાનું ગમે એવું છે.મંદિરની બહારની દિવાલો પર દેવદેવીઓ અને પ્રસંગોની કલાત્મક કોતરણી બેજોડ છે. આવી અદભૂત કોતરણી કરવામાં કારીગરોને એ જમાનામાં કેટલો બધો સમય લાગ્યો હશે ! મંદિરની આજુબાજુના ચોકમાં પણ શીવજીનાં નાનાંમોટાં અનેક મંદિરો છે. આ બધાનાં દર્શન કરીને મન ભક્તિમય બની જાય છે.

વડનગરમાં બીજી જોવા જેવી ચીજ તાના-રીરીની સમાધિ છે. ગામને છેડે આવેલા એક સુંદર શાંત બગીચામાં આ સમાધિઓ આવેલી છે.તાના અને રીરી બે નાગર બહેનો હતી. સંગીત અને ગાવામાં તેઓ નિષ્ણાત હતી. સમય અને સ્થળને અનુરૂપ, ભારતીય સંગીતના વિવિધ રાગ ગાઈને તે રાગને અનુરૂપ વાતવરણ ઉભુ કરવામાં તેઓ કુશળ હતી. કહે છે કે દિલ્હીના સમ્રાટ અકબર બાદશાહનો મહાન સંગીતકાર તાનસેન એક વાર દીપક રાગ ગાઈને ગરમી અને દાહથી પીડાઈ રહ્યો હતો, તેના દાહનું શમન કોઈ કરી શક્યું નહિ. પછી તે વડનગર બાજુ આવ્યો, ત્યારે તાના અને રીરીએ મેઘમલ્હાર રાગ ગાઈને તેની બળતરાનું શમન કર્યું હતું. આ સમાધિ આગળ દર વર્ષે સંગીત મેળાનું આયોજન થાય છે.

શર્મિષ્ઠા તળાવ એ વડનગરમાં એક ફરવા જેવી જગા છે. તળાવને કિનારે બગીચા, નાનાં બાળકો માટે મનોરંજનનાં સાધનો, બોટીંગ અને ખાણીપીણીની સુવિધા છે.

આ તળાવને કિનારે પુષ્ટિ સંપ્રદાયના ગુરુ શ્રી ગુસાંઈજીની બેઠક છે. શ્રી ગુસાંઈજી પોતે અહીં પધાર્યા હોવાના પુરાવા મળી આવ્યા છે.વૈષ્ણવો આ બેઠકજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

બેઠકજીની નજીક જ કીર્તિતોરણ છે. વડનગરનું જૂના જમાનાનું આ પ્રવેશદ્વાર છે. બે મોટા ઉંચા કલાત્મક થાંભલા ઉપર આડી કમાન ધરાવતું આ તોરણ સ્થાપત્યનો એક સુંદર નમૂનો છે. થાંભલા પર મૂર્તિઓની કોતરણી ખૂબ જ કલાકારીગરીવાળી છે. આ સ્થાપત્ય ગુજરાત માટે ગૌરવ સમાન છે. બાજુમાં જ આવું બીજું તોરણ છે. તળાવને કિનારે શામળશાની ચોરી પણ જોવા જેવી છે.

વડનગરમાં આ બધુ જોતાં સહેજે બે કલાક જેટલો સમય લાગે છે. આ બધી જગાઓનો દેખાવ અને માહોલ થોડો સુધારીને આકર્ષક બનાવવામાં આવે અને તે તરફ જતા રસ્તાઓ સારા બનાવી દેવાય તો ઘણા ટુરિસ્ટો અહીં આવતા થાય. થોડો પ્રચાર કરવાની પણ જરૂર છે.તો, વડનગર ગુજરાતનું એક સરસ ટુરિસ્ટ સ્થળ બની શકે. એક ખાસ વાત એ છે કે વડનગર, ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.

તો બોલો, ક્યારે ઉપડો છો વડનગર. અંબાજી જવા નીકળ્યા હો તો વચમાં વડનગર જોઇ લેવાય.

IMG_0080

IMG_0081

IMG_0084

IMG_0085

IMG_0100

IMG_0105

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: