શેરીસા અને પાનસર તીર્થ

                                                  શેરીસા અને પાનસર તીર્થ 

અમદાવાદની આજુબાજુ ઘણી જોવાલાયક જગાઓ અને ધાર્મિક તીર્થો આવેલાં છે. કલોલથી મોટી ભોયણ જવાના રસ્તે, કલોલથી માત્ર ૮ કી.મી. દૂર આવેલું શેરીસા આવું એક સ્થળ છે. અહીં એક પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે. તેરમી સદીમાં ગુજરાતના દાનવીર વસ્તુપાળ અને તેજપાળે અહીં ભગવાન નેમીનાથની વિધિપૂર્વક સ્થાપના કરીને સૌ પ્રથમ મંદિર બાંધ્યું હતું, એવી કથા છે. વિ. સં. ૧૫૬૨માં શ્રીલાવણ્યસમય નામના કવિએ શેરીસા તીર્થ પર સ્તવનો રચ્યાં હતાં. આ તીર્થનું રીપેરીંગ અને રીનોવેશન ચાલતું જ રહે છે.વિ. સં. ૨૦૦૨માં અહીં આરસનું નવું મંદિર બન્યુ છે. મંદિરના ગર્ભગૃહમાં જોધપુરના લાલ આરસ અને ઉત્સવપંડાલમાં મકરાણાના આરસ વાપર્યા છે.

શેરીસા તીર્થના ભવ્ય પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થયા પછી બંને બાજુ ખુલ્લી વિશાળ જગા નજરે પડે છે. વૃક્ષોની ઘટા અને તોરણોમાં થઈને થોડું સીધું ગયા પછી, થોડાં પગથિયાં ચડવાનાં છે. ઉપર ચડી મંદિરમાં પેસતાં જ મનમાં એક પ્રકારની સાતા વળે છે. સામે જ ગર્ભગૃહમાં મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ પદ્માસન સ્થિતિમાં બિરાજમાન છે. રંગ પરથી એમને લોઢણ પાર્શ્વનાથ પણ કહે છે. અહીં દર્શન કરીને મન પ્રસન્નતા અનુભવે છે. નીચે ભોંયરામાં ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ બહુ સુંદર છે.

શેરીસા એ ભવ્ય રમણીય તીર્થ છે. અહીંનું વાતાવરણ ઘણું જ સરસ છે. મંદિરની એક બાજુ રહેવા માટેની રૂમો અને ભોજનશાળા છે.બીજી બાજુ મહેમાનો માટેની ભોજનશાળા છે. રસોઈ ખૂબ જ સરસ અને પીરસનાર ખૂબ ભાવથી પીરસે છે. પ્રવેશદ્વાર આગળ ઓફિસ આવેલી છે. ખુલ્લી જગામાં પ્રસંગોપાત સભામંડપ ઉભો કરી, ત્યાં મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવાની વ્યવસ્થા કરાય છે. મંદિરની આજુબાજુના બગીચામાં બેસવાની અને બાળકોને રમવાની મજા આવે એવું છે.

શેરીસા તીર્થથી આશરે ૧૬ કી.મી. દૂર આવેલા પાનસર ગામે પણ એક સુંદર જૈન તીર્થ આવેલું છે. શેરીસાથી કલોલ થઈને પાનસર જવાય છે. આ મંદિર પણ ઘણું જ મોટું અને આકર્ષક છે. ખૂબ મોટી વિશાળ જગા, બગીચો, વૃક્ષો, રસ્તા, રહેવા માટે રૂમો, જમવાની સુવિધા – અહીં બધુ જ છે. આરસનું બનેલું આ મંદિર જૂનું છે, છતાં નવું જ લાગે છે. ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવાય છે.

વામજ તીર્થ પણ કલોલની નજીક જ છે. અમદાવાદથી એક દિવસમાં શેરીસા, પાનસર અને વામજની ધાર્મિક યાત્રા સરળતાથી કરી શકાય છે. અમદાવાદથી કલોલ ગયા વગર, ઓગણજ, વડસર અને મોટી ભોયણ થઈને શેરીસા સીધું જવાય છે.

IMG_0357

 

IMG_0360

 

IMG_0362

 

IMG_0364

 

IMG_0365

 

IMG_0367