અમેરીકાની ટુર
૨. ટોપગોલ્ફ (Topgolf) ની રમત
ડલાસમાં દિવસો આનંદથી પસાર થઇ રહ્યા છે. ડલાસ ઘણું મોટું શહેર છે. આ શહેરમાં અને એની આજુબાજુ ઘણી જોવા જેવી જગાઓ છે. અહીંની લાઈફસ્ટાઈલ પણ જાણવા જેવી છે. એ બધા વિષે વિગતે વાત કરીશું. હાલ તો અહીંની ટોપગોલ્ફ નામની એક રમતની વાત કરીએ. એક દિવસ અમે આ રમત જોવા ગયા.
આપણે ગોલ્ફની રમતથી તો પરિચિત છીએ. કુમળી લોન ધરાવતા મોટા મેદાનમાં સ્ટીકથી દડીને ફટકારીને, મેદાનમાં કરેલા કાણા (Hole) સુધી લઇ જવાની હોય છે. અને તેમાં નિયમો મૂજબ પોઈન્ટ મળતા હોય છે. યુરોપિયનોએ આ રમત દુનિયાને ભેટ આપેલી છે. ઘણાં હીલ સ્ટેશનો, ફરવાનાં સ્થળો અને ક્લબોમાં ગોલ્ફ કોર્સ ઉભા થયા છે. માલદાર અને રમતના શોખીન લોકો આવી જગાએ ગોલ્ફ રમવા જતા હોય છે. ભદ્ર લોકો આવી રમત રમવી એને સ્ટેટસ સીમ્બોલ ગણે છે.
અહીં આપણે ગોલ્ફની નહી, પણ ‘ટોપગોલ્ફ’ની વાત કરવી છે. આ રમત આમ તો, ગોલ્ફની રમત જેવી જ છે. પણ જરા જુદી રીતે રમાય છે. દુનિયાનાં ઘણાં શહેરોમાં ટોપગોલ્ફની રમતનાં મેદાનો બન્યાં છે.
આ રમત પણ એક મોટા કુમળા ઘાસવાળા ચોરસ મેદાનમાં જ રમાય છે. દડી અને સ્ટીક પણ ગોલ્ફની રમત જેવાં જ હોય છ. પણ ઘાસના મેદાનમાં જે કાણું બનાવવામાં આવે છે, તે ઘણું મોટું હોય, લગભગ પાંચેક મીટરના વ્યાસનું. આ કાણાને ખાડો કહો તો પણ ચાલે. મેદાનમાં વચ્ચે એક મોટું કાણું હોય અને આજુબાજુ બીજાં નવ કાણાં. બધું મળીને કુલ દસ કાણાં.
હવે દડી ક્યાંથી ફટકારવાની તેની વાત. મેદાનની ધારે એક બાજુએ લગભગ અર્ધવર્તુળ આકારનું, ત્રણ માળ ઉંચું મકાન બનાવ્યું હોય છે. ટોપગોલ્ફ રમનારાએ આ મકાનમાં કોઈ પણ એક માળ પર પહોંચી જવાનું. દરેક માળનો મેદાન તરફનો ભાગ ખુલ્લો હોય. એટલે અહીંથી નીચેનું આખું મેદાન અને પેલાં મોટાં કાણાં પણ દેખાય. માળની મેદાન તરફની ધારની નજીક દડી મૂકીને ફટકારવાની વ્યવસ્થા હોય છે. બાકીના ભાગમાં બેસવા માટે ખુરશી, ટેબલ, સોફા વગેરે હોય છે. દરેક પ્લેયર અને તેના ગ્રુપ માટે બેસવા-રમવાની વ્યવસ્થાવાળાં અલગ અલગ યુનિટ હોય છે. દરેક યુનિટમાં પોઈન્ટ ગણવા માટે કોમ્પ્યુટર સંચાલિત નાનો સ્ક્રીન હોય છે. દરેક માળ આખો એરપોર્ટના વેઈટીંગ રૂમ કે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ જેવો લાગે. રમનારા પોતપોતાના યુનિટમાં ગોઠવાઈને બેઠા હોય. રમનાર વ્યક્તિ અહીં મકાનની ધારેથી સ્ટીક વડે દડી ફટકારે. દડી મેદાનના મુખ્ય કાણામાં પડે તો તેને મહત્તમ પોઈન્ટ મળે. કાણાંઓમાં જુદા જુદા રંગનાં લાઈટ પણ મૂકેલાં હોય છે. એક રંગના કાણામાં દડી મોકલવાની હોય, તેને બદલે તે જો બીજા કાણામાં પહોંચી જાય, તો પોઈન્ટ ઓછા મળે. દડી એક પણ કાણામાં ના પડે અને જો મેદાનમાં જ પડે તો
પોઈન્ટ ના મળે. લોકો માળ પરથી દડી ફટકારે અને પોઈન્ટ વધે તો ખુશ થાય. અરે, પોઈન્ટ ગણવાનું જવા દો, દડી કોઈ પણ કાણામાં પડે તો ય લોકો રાજી થાય. ચિચિયારીઓ પાડે.
રમનાર ગ્રુપના બીજા સભ્યો ખુરશી કે સોફા પર બેસી પોતાના પ્લેયરની રમત નિહાળે અને આનંદ માણે. અહી રેસ્ટોરન્ટમાં નાસ્તો, ડ્રીંક વગેરે મળે છે. લોકો એ બધું મંગાવી ખાણીપીણીના જલસા પણ કરતા હોય છે. આ રમત ઉંચા માળ પરથી રમાતી હોવાથી, એને ટોપગોલ્ફ કહે છે.
અમે આ રમત જોવા, માણવા ફેમિલી સહિત ટોપગોલ્ફ પર પહોંચી ગયા. નીચે કાઉન્ટર પર એક કલાક રમવા માટે નોંધણી કરાવી. કાર્ડથી પૈસા ચૂકવ્યા. સ્ટીક પણ અહીંથી આપે છે, તે લીધી અને લિફ્ટમાં ત્રીજા માળે પહોંચી ગયા. અહીં તો માનવમહેરામણ ઉમટ્યો હતો. અમે અમને ફાળવેલ યુનિટમાં ગોઠવાયા. રમવા માટે દડી તો એક જગાએથી આવ્યા જ કરે, તેમાંથી દડી લઇ સ્ટીકથી ફટકારવાનું શરુ કર્યું. અમારામાંના બધા સભ્યોએ રમતમાં હોંશથી ભાગ લીધો. કોમ્પ્યુટરના પડદા પર જેમ પોઈન્ટ વધે તેમ મજા આવે. આજુબાજુના યુનિટોમાં પણ બધા રમતા દેખાય. સૌ પોતપોતાના તાનમાં મસ્ત. નીચે મેદાનમાં ઘાસમાં પડેલી દડીઓ ભેગી કરવા માટે એક ટ્રેક્ટર જેવું વાહન ફરતું હોય, એ પણ અહીંથી દેખાતું હતું.
અમે ડ્રીંક મંગાવીને પીધું. બાજુમાં ઘણા લોકો અંગ્રેજી ઘોંઘાટીયા સંગીતના તાલે ઝુમતા અને નાચતા હતા. એના કરતાં તો આપણા ગુજરાતી ગરબા ઘણા સારા લાગે. એક કલાક સુધી જલસા કર્યા પછી અમે પાછા વળ્યા ઘર તરફ.
મારી જાણ પ્રમાણે દુનિયામાં અત્યારે કુલ ૧૭ જગાએ ટોપગોલ્ફ ઉભા થયા છે. તેમાંથી ૭ યુ.એસ.એ. માં અને ૩ ઇંગ્લેન્ડમાં છે. બીજા ૭ નું યુ.એસ.એ.માં બાંધકામ ચાલુ છે. યુ.એસ.એ. ના ૭ માંથી ૫ તો ફક્તએકલા ટેક્સાસ રાજ્યમાં જ છે. ડલાસ ટેક્સાસ રાજ્યમાં આવેલું છે.