મમ્મીની રાહમાં

  ઘણા વખત પછી હું મારા બ્લોગમાં નવી પોસ્ટ મૂકી રહ્યો છું. આ વખતે હું એક, મેં લખેલી નવી વાર્તા ‘મમ્મીની રાહમાં’  મૂકી રહ્યો છું. આશા છે કે મારા વાંચકો ને તે ગમશે.                                                                      

                                                                          મમ્મીની રાહમાં

‘હરીશભાઈ, બસ હવે, રોવાનું બંધ કરો. મનમાં થોડી શાંતિ રાખો. ગયેલું માણસ થોડું પાછું આવવાનું છે ?’

‘હરીશભાઈ, હવે તો તમારે તમારા આ છોકરાનું ધ્યાન રાખવાનું છે. મા વગરના પાંચ વર્ષના છોકરાને ઉછેરીને મોટો કરવાનો છે. એમ હિંમત હારી જશો તો કેમ ચાલશે ?’

હરીશની પત્ની શમા, પાંચ વર્ષના ઋષિને મૂકીને આજે મૃત્યુ પામી હતી. સગાંવ્હાલાં અને સોસાયટીના બધા લોકો એને ઘેર એકઠા થયા હતા અને હરીશને સાંત્વન આપી રહ્યા હતા. હરીશ ઋષિને લઈને સુનમુન બેઠો હતો. પત્નીના મૃત્યુનું દુઃખ ઘણું હતું. હવે આ નાનકડા ઋષિનું શું ? એકલે હાથે તેને ઉછેરવાનો હતો.

હરીશ વડોદરા જીલ્લાના એક નાના ગામનો વતની હતો. કુટુંબ સાવ સામાન્ય હતું. ગામડામાં પિતાની કરિયાણાની દુકાન હતી. ગામના બધા છોકરાઓની જેમ, હરીશ પણ વડોદરા આવીને હોસ્ટેલમાં રહીને ભણ્યો હતો. ગ્રેજ્યુએટ થયા પછી એક નોકરી પણ મળી ગઈ હતી. માતાપિતાએ શોધેલી જ્ઞાતિની એક છોકરી શમા સાથે લગ્ન કર્યાં હતાં. અવારનવાર તે ફેમિલી સાથે ગામડે જતો અને માબાપ સાથે બેચાર દિવસ રહી વડોદરા પાછો આવી જતો. જીંદગીની રફતાર બહુ સુખપૂર્વક ચાલી રહી હતી. પણ ભાગ્યે જ એવું બને છે કે દરેકની જીંદગી સરળતાપૂર્વક ચાલ્યા કરે. દરેકના જીવનમાં કંઇક ને કંઇક વળાંકો આવી જતા હોય છે.

હરીશને ત્યાં ઋષિનો જન્મ થયો ત્યારે બધાએ ખૂબ જ આનંદ મનાવ્યો. હરીશનાં માતાપિતા પૌત્રને જોઈને બહુ જ ખુશ થયાં. જો કે આ ખુશી બહુ લાંબી ના ટકી. ઋષિના જન્મ પછી બે વર્ષના ગાળામાં હરીશનાં માતા અને પિતા, એક પછી એક સ્વર્ગે સિધાવ્યાં. હરીશ અને શમા બહુ જ દુખી થયાં. તેમણે ગામડે જવાનું પણ ઓછું કરી નાખ્યું. ગામડામાં હવે તેમના માટે, તેના એક માત્ર કાકાનું ઘર હતું, જ્યાં તે જઇને બેચાર દિવસ રહી શકે.

ઋષિ ત્રણ વર્ષનો થયો અને શમાને શરીરમાં કંઇક તકલીફ લાગવા માંડી. પહેલાં તો કમરમાં સાધારણ દુખાવો થયો, પછી પેટમાં દુખાવો, એમ તકલીફ વધવા લાગી. ડોકટરોએ નિદાન કર્યું કે શમાને કેન્સર છે. દવાદારુમાં બે વર્ષ ખેંચી કાઢયાં, પણ હઠીલો રોગ ના મટ્યો. શમા છેવટે સ્વર્ગવાસી થઇ ગઈ.

હરીશે હવે ઋષિને ઉછેરવાનો, નોકરી કરવાની અને ઘર સાચવવાનું. સગાંઓ પણ કેટલા દિવસ રહે ? એક પછી એક બધાંના ગયા પછી ઘરમાં માત્ર હરીશ અને ઋષિ જ રહ્યા. ઋષિ ક્યારેક એકલો એકલો ઓટલે બેસી રહે. તેને માનું સ્મરણ તો હતું જ. ક્યારેક તે બાજુમાં રહેતી સ્મૃતિને પૂછતો, ‘મારી મમ્મી ક્યારે આવશે ?’

સ્મૃતિ જવાબ આપતી, ‘એમ રાહ જોવાથી કંઇ મમ્મી આવી ના જાય.’

આ ઘટમાળ લગભગ રોજ ચાલતી. એક દિવસ હરીશે સ્મૃતિનો આ જવાબ સંભાળ્યો, ‘એમ રાહ જોવાથી કંઇ મમ્મી આવી ના જાય.’ તેના મગજમાં એકદમ ઝબકારો થયો. આ વાક્ય તો ભૂતકાળમાં પોતે કોઈકના મોઢે સાંભળ્યું છે. તેને યાદ આવી ગયું. ગામડામાં તેણે સપના નામની છોકરીના હોઠોથી બોલાયેલું આ વાક્ય અઠવાડિયા સુધી

રોજેરોજ સાંભળ્યું છે. તેની યાદો તાજી થઇ ગઈ. તેના સ્મૃતિપટ પર ભૂતકાળનું એ આખું દ્રશ્ય ફિલ્મની પટ્ટીની જેમ ફરવા લાગ્યું.

ત્યારે તે ગામડાની સ્કુલમાં અગિયારમા ધોરણમાં ભણતો હતો. એ જમાનામાં વેકેશન પડે ત્યારે મમ્મી છોકરાંને લઈને મામાને ત્યાં રહેવા જતી. લગભગ બધાને ત્યાં આવો શિરસ્તો હતો. આજના જમાનામાં મામા કે ભાણા કોઈને ય આવો ટાઈમ નથી. હરીશ પણ મમ્મી સાથે વેકેશનમાં મામાને ત્યાં જતો. પણ હવે તે મોટો થવા આવ્યો હતો. તેના અગિયારમા ધોરણના વેકેશનમાં તે મામાને ઘેર ના ગયો. મમ્મીએ કહ્યું, ‘ચાલ બેટા, આપણે દર વર્ષે મામાને ત્યાં જઈએ જ છીએ ને ? આ વખતે તારે કેમ નથી આવવું ? તું અહી એકલો શું કરીશ ? તારા પપ્પા તો દુકાને જશે. એમણે એકલાએ તારી અને એમની બંનેની રસોઈ બનાવવી પડશે. એમનું કામ વધી જશે. એના કરતાં ચાલ મારી જોડે, એક અઠવાડિયામાં તો પાછા આવી જઈશું.’ પણ આ વખતે હરીશ મામાને ત્યાં ના ગયો. અહીં રહીને ઘરમાં પિતાને રસોઈમાં મદદ કરતો અને દુકાને પણ જતો.

હરીશના ઘરની સામે શંકરકાકાનું ઘર હતું. શંકરકાકાને ઘેર એમની ભાણી સપના વેકેશનમાં રહેવા આવી હતી. હરીશને સપના સાથે ઓળખાણ થયું. ઘર સામસામે જ હોવાથી હરીશ પોતાના ઘરના ઓટલે ઉભો રહી સામેના ઓટલે ઉભેલી સપના સાથે વાતો કરી શકતો.

એક દિવસ હરીશ ઓટલે બેઠો હતો. એકલો એમ જ બેસી રહ્યો હતો. સામેથી સપના બોલી, ‘એ મુનિમહારાજ, એકલા એકલા શું વિચારો છો ? હું આવું વાતો કરવા ? મારી કંપની ગમશે ને ?’

હરીશ બોલ્યો, ‘હા, હા, કેમ નહિ ? આવ ને ?’

અને પછી એમની વાતો ચાલતી. સપના દસમા ધોરણમાં ભણતી હતી. એટલે ભણવાની અને સ્કુલની, ગામડામાં જીવવાની મજાની, એવી બધી વાતો ચાલતી રહેતી.

બીજે દિવસે પણ હરીશ આમ જ રસ્તા પર તાકીને, ઓટલે બેઠો હતો. સામેથી સપનાએ તેનો સ્વપ્નભંગ કર્યો, ‘હરીશ, શું વિચારે ચડી ગયો. મમ્મી યાદ આવી ગઈ ?’

હરીશ બોલ્યો, ‘હા, સાચી વાત, મમ્મી યાદ આવી ગઈ. પણ હજુ તો અઠવાડિયા પછી મમ્મી, મામાને ત્યાંથી પછી આવશે.’

સપનાનો જવાબ, ‘એમ રાહ જોવાથી કંઇ મમ્મી આવી ના જાય.’ પછી ધીરેથી બોલી, ‘હું છું ને ?’ હરીશે તે ના સાંભળ્યું.

પછીના દિવસે તો સપના, હરીશને ઘેર રસોઈમાં મદદ કરવા પણ પહોંચી ગઈ. ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. સપના ક્યારેક છાનીમાની હરીશના ચહેરાને જોઈ લેતી. તેને એ ગમતું. હરીશને ઘેર રસોઈમાં મદદ કરવાની પણ ગમતી. પણ આ બધું કેમ ગમે છે, એ સમજવા જેટલી તે પુખ્ત ન હતી. હરીશને તો સપનાની આવી લાગણી અંગે કંઇ જ ખબર ન હતી. સમાજમાં છોકરીઓને વહેલી સમજણ આવી જતી હોય છે.

હરીશને અત્યારે સપના યાદ આવી ગઈ. તેણે અગિયારમા ધોરણ પછી ક્યારે ય સપનાને યાદ કરી ન હતી. પણ અત્યારે સ્મૃતિના મોઢે પેલું વાક્ય ‘એમ રાહ જોવાથી કંઇ મમ્મી આવી ના જાય.’ સાંભળીને તેને સપનાની યાદ આવી ગઈ. સપના અત્યારે ક્યાં હશે, શું કરતી હશે, કોણ જાણે ? તેને શંકરકાકાને ઓટલે ઉભેલી સપના મગજમાં દેખાવા લાગી.

શમાને મૃત્યુ પામે છ મહિના પસાર થઇ ગયા. ઉનાળાના દિવસો આવ્યા. હરીશને થયું કે લાવ, ઋષિને લઈને વતનમાં આંટો મારી આવું. વાતાવરણ બદલાશે, એ ઋષિને પણ ગમશે. એ ઋષિને લઈને ગામડે પહોંચ્યો. કાકાને ત્યાં રહેવાનું રાખ્યું. મનમાં સપના વિષે જાણવાની પણ ઇંતેજારી હતી. તે શંકરકાકાને ત્યાં મળવા ગયો.

‘કાકા, કેમ છો ? હું હરીશ.’

શંકરકાકા કહે, ‘ઓ હો, હરીશ, આવ બેટા, તારી પત્ની ગુજરી ગઈ, એ સાંભળ્યું હતું.’

હરીશ, ‘હા, કાકા, પછી તો આ ઋષિને હું સાચવી રહ્યો છું. જીંદગી ચાલ્યા કરે છે.’

શંકરકાકા, ‘તો એમ કર ને, ફરી લગ્ન કરી લે. ઋષિને સાચવનારી મા મળી રહેશે અને તને પણ સહારો રહેશે.’

હરીશ, ‘પણ કાકા, મેં એવું કશું જ વિચાર્યું નથી. નવી આવનારી સાવકી મા મારા ઋષિને ન સાચવે અને હેરાન કરે તો ઋષિની જીંદગી બરબાદ થઇ જાય.’

શંકરકાકા, ‘હું એક સરસ છોકરી બતાવું. વિધવા છે, ત્રણ વર્ષની બાળકીની મા છે. કદાચ તમને બંને સમદુખિયાંને બહુ સારું ફાવી જાય એવું બને.’

એટલામાં તો ઘરમાંથી એક જવાન પણ કૃશકાય સ્ત્રી એક નાની બાળકીને તેડીને બહાર આવી. હરીશ તેને જોઇને ચમક્યો, અરે ! સપના, તું ? તારી આ દશા ? કેટલી બધી લેવાઈ ગઈ છું ? શું થયું તને ? તું અહી તારા મામાને ત્યાં ક્યાંથી ?’

એકસામટા પ્રશ્નોની ઝડી વરસી. સપના કયા પ્રશ્નનો જવાબ આપે ? બોલી, ‘હા હરીશ, હું સપના. મામાએ કહી તે વિધવા હું જ છું.’

એક ક્ષણનો પણ વિલંબ કર્યાં સિવાય હરીશે કહી દીધું, ‘કાકા, હું લગ્ન કરવા તૈયાર છું. અબ ઘડી લગ્ન ગોઠવી દો. હું સપનાને અહીંથી સાથે લઈને જ જઈશ. સપના, તું તૈયાર છું ને ?’

સપના બોલી, અરે, હરીશ ગાંડા, તું આજે મને આ પૂછે છે ? બાર વર્ષ પહેલાં, તું મમ્મીની રાહ જોતો હતો ત્યારે તારે ત્યાં રસોઈ બનાવતી વખતે, તને ખબર ના પડી કે હું તો તારે ત્યાં આવવા તૈયાર જ હતી ?’

હરીશ, ‘ચાલ, ભૂલી જા ભૂતકાળને. પુરુષોને આમે ય સ્ત્રીનું મન કળતાં ક્યાં આવડે છે ? આજથી હું, તું અને આપણા આ ઋષિ અને આ બેબી નવી સુનહરી જીંદગી શરુ કરીએ. અલબત્ત, આ બેબીનું નામ શું રાખ્યું છે ?’

સપના કહે, ‘પ્રતિક્ષા. પ્રતિક્ષા એટલે રાહ.’

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. pravinshah47
  જૂન 15, 2014 @ 11:05:57

  Thanks Preeti for liking this story

  જવાબ આપો

 2. ચેતન ઠકરાર
  ઓક્ટોબર 29, 2014 @ 11:01:30

  ખૂબ જ સરસ …. love it…

  જવાબ આપો

 3. ચેતન ઠકરાર
  ઓક્ટોબર 29, 2014 @ 11:01:43

  Reblogged this on crthakrar.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: