વાર્તા – મોબાઇલથી મેરેજ સુધી

                                                                         મોબાઇલથી મેરેજ સુધી

‘સર, આ છોકરો વિસ્મય, ચાલુ કલાસે મોબાઇલ મચેડ્યા કરે છે. બબ્બે મોબાઇલ લઈને કોલેજ આવ્યો છે. મારે એને શું કરવું ?’

પ્રો. વિરાટ પટેલ રીસેસમાં એક છોકરાની ફરિયાદ લઈને મારી ઓફિસમાં ધસી આવ્યા. મારી કોલેજમાં પ્રોફેસરો વિદ્યાર્થીઓની ફરિયાદ લઈને અવારનવાર પ્રિન્સીપાલ પાસે પહોંચી જતા. મેં વિસ્મયના ચહેરા સામે જોયું. તેના ચહેરા પર થોડો ડર અને થોડી બેફિકરાઈના ભાવ વંચાતા હતા. મેં કહ્યું, ‘કેમ વિસ્મય, બબ્બે મોબાઇલ ? અને તે પણ ચાલુ કલાસે વાપરવાના ?’

પ્રો. વિરાટ ધુઆપુઆ હતા. તેમનાથી રહેવાયું નહિ, બોલ્યા, ‘સર, પહેલાં તો એક મોબાઇલ પર આંગળીઓ ફેરવતો હતો. મારું ધ્યાન ગયું. તેની બેગ તપાસી તો બીજો મોબાઇલ પણ નીકળ્યો ! કાલે કદાચ ત્રણ મોબાઇલ લઈને પણ આવે. સાહેબ, આને કડક શિક્ષા કરો.’

મેં વિસ્મય સામે જોયું. વિસ્મય ડર્યો, ‘ સર,……….’

‘સર’ બોલીને તે અટકી ગયો. તેને કંઇક કહેવું હતું, પણ કહી શકતો ન હતો. કદાચ પ્રો. વિરાટે, તેને મારી પાસે લાવતા પહેલાં બરાબર ખખડાવ્યો હશે.

મેં કહ્યું, ‘વિરાટ, તમે જાઓ, હું આ કેસ હાથ પર લઉં છું.’

પ્રો. વિરાટ વિસ્મય પર બરાબર બગડ્યા હતા. તેમની વાત સાચી હતી, પણ મારે આ કેસ જરા સહાનુભૂતિપૂર્વક તપાસવો હતો. પ્રો. વિરાટ મારી કેબીનની બહાર નીકળી ગયા. તેમને શ્રદ્ધા હતી કે આ કેસમાં જરૂર હું કંઇક કરીશ.

અમારી એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઈને આવવાની છૂટ હતી. રીસેસ દરમ્યાન લોબીમાં કે અન્ય જગાએ ઉભા રહી મોબાઇલ વાપરવાની પણ છૂટ હતી. પણ ચાલુ ક્લાસ કે લેબોરેટરીમાં મોબાઇલ નહિ વાપરવાનો. સાયલન્ટ મોડમાં જ રાખવાનો કે જેથી પ્રોફેસર કે બીજા વિદ્યાર્થીઓ ડીસ્ટર્બ ના થાય. આવે વખતે કદાચ કોઈ માબાપને ઈમરજન્સીમાં પોતાના પુત્ર કે પુત્રીને ફોન કરવાની જરૂર ઉભી થાય તો તેઓ વિદ્યાથીવિભાગમાં ફોન કરે અને વિદ્યાર્થીવિભાગમાંથી પટાવાળો આવીને એ છોકરાને બહાર બોલાવી જાય. વિદ્યાર્થીવિભાગમાં બધા જ ક્લાસનાં ટાઈમટેબલ આપી રાખેલાં હોય, એટલે કયો છોકરો ક્યાં છે તે શોધવામાં તકલીફ ના પડે. આવી વ્યવસ્થાને લીધે કોલેજમાં બધું સમુસુતરું ચાલતું હતું.

પણ એમાં વિસ્મય જેવા ય કોઈક હોય ને ? આજના વિદ્યાર્થીઓને મોબાઇલનું એટલું બધું વ્યસન થઇ ગયું છે કે ના પૂછો વાત. બસ, કાને મોબાઇલ માંડેલો હોય કે એસએમએસ કરતા હોય કે ફેઈસબુક કે વોટ્સઅપ પર જામ્યા હોય.

સામાન્ય રીતે બધી કોલેજોમાં વિદ્યાર્થી ચાલુ કલાસે કે લેબોરેટરીમાં મોબાઇલનો ઉપયોગ કરતાં પકડાય તો દંડ ઠોકી દે. વિદ્યાર્થીને દંડની યે નથી પડી હોતી. સોએક રૂપિયા દંડ ભરીને છૂટા. પણ અમે અહીં દંડ કર્રીને પૈસા એકઠા કરવાની પ્રથા નહોતી રાખી. મોબાઇલના ગુનામાં પકડાયેલા વિદ્યાર્થીનો મોબાઇલ લઇ લેવાનો અને બીજા દિવસે પાછો આપવાનો. એક દિવસ મોબાઇલ વગર ચલાવવું કેટલું અઘરું છે, તેની તેને ખબર પડે. અને દંડના પૈસા પણ બચે.

પ્રો. વિરાટના ગયા પછી મેં વિસ્મયને પૂછ્યું, ‘બે મોબાઇલ કેમ રાખ્યા છે ? તારા પપ્પાએ તને બીજો મોબાઇલ કેમ અપાવ્યો છે ?બહુ પૈસા વધી પડ્યા છે ?’ મેં ખખડાવવાને બદલે ઇન્ક્વાયરીના ટોનમાં પૂછ્યું. વિસ્મયમાં બોલવાની થોડી હિંમત આવી, ‘સર, હું એક મોબાઇલમાંથી બીજા મોબાઇલમાં ડેટા ટ્રાન્સફર કરતો હતો.’

મેં કહ્યું, ‘આ મારા પ્રશ્નનો જવાબ નથી. બે મોબાઇલ કેમ રાખ્યા છે ?’

વિસ્મયનો ડર થોડો ઓછો થયો હતો, ‘સર,……..’

મેં કહ્યું, ‘તારે કહેવું તો પડશે જ. નહિ તો પછી હું તારા પપ્પાને બોલાવીને પૂછું.’

વિસ્મય કહે, ‘ના, પપ્પાને ના બોલાવશો. મારા પપ્પા પાસે પૈસા ઘણા છે. મને વાપરવા પણ સારા એવા પૈસા આપે છે. એમાંથી ભેગા કરીને મેં બીજો ફોન ખરીદ્યો છે.’

મેં પૂછ્યું, ‘પણ બીજા ફોનની જરૂર કેમ પડી ?

આટલી બધી સામાન્ય વાતચીત થતાં, વિસ્મય હવે હળવો થયો હતો. બોલ્યો, ‘સર, મને વાત કરતાં ડર લાગે છે.;

મેં કહ્યું, ‘ના ના, તું ડર્યા વગર બોલ. મારે જાણવું છે.’

વિસ્મય અચકાતાં અચકાતાં બોલ્યો, ‘સર, પેલી સીવીલના ક્લાસમાં પૂજા છે ને, તેને માટે મેં બીજો ફોન ખરીદ્યો છે. તે ગરીબ છે. ફોન નથી ખરીદી શકતી. એ સવારે કોલેજ આવે ત્યારે આ બીજો ફોન તેને આપી દઉ. સાંજે ઘેર જતા પહેલાં પાછો લઇ લઉં. દિવસ દરમ્યાન રૂબરૂ ના મળાય તો એકબીજા જોડે ફોનથી વાત કરી લઈએ. સર, સાચું કહું ? મને એ છોકરી ગમે છે. આજે એ કોલેજ નથી આવી એટલે બે ય ફોન મારી પાસે હતા.’ વિસ્મય એકી શ્વાસે બધું બોલી ગયો.

મેં આવું જ કંઇક સાંભળવાની આશા રાખી હતી. મેં કહ્યું, ‘તું જો આમ જ છોકરી પાછળ ફરતો થઇ જઈશ તો તારું ભણવાનું બગડશે. ચોથી સેમેસ્ટરમાં તારે કયો ક્લાસ આવ્યો ? અને ચાલુ કલાસે ફોન વાપરવાની સજા તો ખરી જ. આ બંને ફોન અહીં મૂકીને જા. કાલે રીસેસમાં લઇ જજે. તારી ચોથી સેમેસ્ટરની માર્કશીટ પણ લેતો આવજે.’

વિસ્મય કમને ફોન મૂકીને ગયો. પણ મેં તેને વડીલને છાજે એવી ભાષામાં કરેલી વાત ગમી ગઈ. સામાન્ય રીતે પ્રિન્સીપાલ વિદ્યાર્થી સાથે આટલી બધી વાત ન કરે. પણ મેં કરી.

બીજે દિવસે મેં પૂજાને મારી ઓફિસમાં બોલાવી. પૂછ્યું, ‘તારું ભણવાનું કેમ ચાલે છે ?’

પૂજાનો જવાબ, ‘સર, ચોથી સેમેસ્ટરમાં મારો ફર્સ્ટ ક્લાસ આવ્યો છે.’

મેં પૂછ્યું, ‘તારી પાસે મોબાઇલ નથી ?’

તે બોલી, ‘સર, આમ તો નથી. પણ મારા એક મિત્ર વિસ્મયે મને આપ્યો છે.’ મેં પૂજાને બોલાવી ત્યાર પહેલાં વિસ્મયે પૂજાને ગઈ કાલની વાત કરી દીધી હશે, એવું લાગ્યું.

મેં પૂછ્યું, ‘વિસ્મય તને મફતમાં ફોન શું કામ આપે ? તારે એની સાથે શું સંબંધ છે ?’

તે બોલી, ‘ મારે એની સાથે એવું કંઇ છે નહિ. સર્વેઈંગના પ્રેક્ટીકલ વખતે મેદાનમાં તેની સાથે ઓળખાણ થયેલી, એટલું જ.’

મેં કહ્યું, ‘તો ઓળખાણ પૂરતો જ સંબંધ રાખજે. મિત્રતા ખરી, પણ સંયમથી વર્તજે.’

વિસ્મય રીસેસમાં આવી બંને મોબાઇલ લઇ ગયો. તેની ચોથી સેમેસ્ટરની માર્કશીટ લઈને આવેલો. માર્ક્સ ફર્સ્ટ ક્લાસ સુધી માંડ પહોંચ્યા હતા. મેં કહ્યું, ‘વિસ્મય, પૂજા સાથે ભાઈબંધી ખરી, પણ વધારે મહત્વ ભણવાને આપજે. અને દરેક સેમેસ્ટરમાં તારું રીઝલ્ટ મને બતાવી જજે.

આ વાતની અસર થઇ હોય કે ગમે તેમ, પણ તે સારું ભણ્યો. દરેક સેમેસ્ટરનું રીઝલ્ટ મને બતાવતો રહ્યો. મોબાઇલ બાબતે ફરી ક્યારે ય તેણે નિયમોનું ઉલ્લંઘન ન કર્યું. હું પૂજાની પણ કાળજી રાખતો રહ્યો.

ચાર વર્ષ પછી મને એક કંકોત્રી મળી, ‘Pooja weds Vismay. સર, લગ્નમાં જરૂર આવજો અને અમને આશીર્વાદ આપજો.’

મને વિસ્મયના શબ્દો યાદ આવી ગયા, ‘મને એ છોકરી ગમે છે.’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: