૧. અમેરીકા પહોંચ્યા

અમે ચારેક મહિના માટે યુ.એસ.એ. (અમેરિકા) આવ્યા છીએ. અમારા અમેરીકા પ્રવાસનું વર્ણન બ્લોગમાં મૂકી રહ્યો છું.

                                               ૧. અમેરીકા પહોંચ્યા

ઇતિહાદ એરલાઈન્સનું અમારું વિમાન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મીનલ નં. ૨ના રનવે પરથી હવામાં ઉંચકાયું, એ સાથે જ ‘અમેરીકા પહોંચીને ત્યાં શું શું જોવાના છીએ’ એના વિચારો મનમાં આવી ગયા. આમ તો આની પહેલાંની અમેરીકાની ટ્રીપોમાં અમે ઘણું બધું જોઈ લીધું છે, પણ અ વખતે ખાસ તો અલાસ્કા અને એવી ખાસ જગાઓ જોવાના પ્લાન સાથે નીકળ્યા છીએ. અમે એટલે હું અને મારી પત્ની મીના. ડલાસમાં રહેતા મારા પુત્ર વિરેનની બહુ ઈચ્છા છે કે પપ્પા મમ્મી અહી આવીને તેમની સાથે રહે અને ભારતીય કુટુંબ જેવું એક સરસ વાતાવરણ અહી અનુભવવા મળે. વિરેનની પત્ની હેત્વી અને બાળકો નિસર્ગ -માનસી પણ દાદા બા સાથે રહેવા ઘણાં આતુર હતાં. બાકી, અમેરીકામાં તો બેત્રણ પેઢીના સભ્યો સાથે રહે એવી કલ્પના જ ના કરી શકાય.

અમે ત્રણેક મહિના પહેલાં વિમાનની ટીકીટનું બુકીંગ કરાવી લીધું હતું. ડલાસ જવા માટે ઇતિહાદ ઉપરાંત, એર ઇન્ડિયા, એમીરાત, કતાર એમ ઘણી એરલાઈન્સ ઉપલબ્ધ છે. સગવડ, સસ્તું ભાડું, વિમાનમાં ખાવાપીવાનું – વગેરે બાબતોની અનુકુળતા વિચારીને ટીકીટ બુક કરાવવી જોઈએ. અમદાવાદમાં એર ટીકીટો બુક કરતા ઘણા ટ્રાવેલ એજન્ટ છે. હા, ટીકીટ બુક કરાવતી વખતે તમારા પાસપોર્ટમાં જે તે દેશનો વાલીડ વિસા હોવો જોઈએ. અમેરીકામાં વાપરવા માટે ડોલર લેવા હોય તો તેની વ્યવસ્થા પણ આ એજન્ટો કરી આપે છે.

અમારા વિમાનનો ઉપડવાનો ટાઈમ સવારના પાંચ વાગ્યાનો હતો. અમારો રૂટ અમદાવાદથી અબુધાબી અને વોશીંગટન ડી.સી. થઈને ડલાસ એ રીતનો હતો. અબુધાબી અને વોશીંગટન ડી.સી. એમ બંને જગાએ વિમાન બદલવાનું. અબુધાબી આરબ દેશમાં અને વોશીંગટન અમેરીકામાં.

અમે સવારના ૩ વાગે એરપોર્ટ પહોંચી ગયા. ટીકીટ બતાવીને બોર્ડીંગ પાસ લીધા. બોર્ડીંગ પાસમાં સીટ નંબર લખેલો હોય. અમદાવાદથી અને અબુધાબીથી ઉપડનારા બંને વિમાનના બોર્ડીંગ પાસ અહીંથી મળી ગયા. આ જ કાઉન્ટર પર મોટી બેગો આપી દેવાની હોય છે, જે છેલ્લે ડલાસમાં પાછી મળે. આ બેગો આપી દીધા પછી, અમારી પાસે ૭ કિલોની ફક્ત એક એક ટ્રોલી જ રહી. અને પાસપોર્ટ વગેરે સાચવવા માટે એક નાનું પર્સ. હળવાફૂલ થઇ ગયા !

વિદેર્ષ જનારાઓએ, બોર્ડીંગ પાસ લીધા પછી ઈમીગ્રેશન ચેક કરાવવાનું હોય છે. અહી વિસા ચેક કરે છે. અને અમદાવાદ છોડ્યાની તારીખનો સિક્કો મારે છે. લાઈન લાંબી હતી. ઈમીગ્રેશન પતાવીને, બોડી ચેકમાંથી પસાર થઈને, પહેલા માળે વિમાનમાં જવાના ગેટ આગળ જઈને બેઠા. પાંચ તો ક્યારના ય વાગી ગયા હતા. છેવટે ગેટમાંથી ચેનલમાં થઈને વિમાનમાં પેઠા અને અમારી સીટ પર જઈને બેઠા. છ વાગે વિમાને ઉડાન ભરી. એક કલાક લેટ !

વિમાનની મુસાફરીની મજા જ કોઈ ઓર હોય છે. રનવે પર દોડીને વિમાન ઉંચકાય એ ક્ષણ ઘણી રોમાંચક હોય છે. બારીમાંથી નીચેનાં દ્રશ્યો જોવાની મજા આવે છે. વિમાન ઉપડ્યા પછી, હજુ બહુ ઉંચે ના ગયું હોય ત્યારે, નીચે શહેરનાં મકાનો, રસ્તા, રસ્તા પર દોડતી ગાડીઓ – એમ બધું જ નજરે પડે છે. વાંકીચૂંકી નદી, નદી પરના પુલો, ખેતરો, જંગલો આ બધું પણ જોવા મળે છે. પછી વિમાન ઉંચે ને ઉંચે ચડતું જાય, વાદળોને ઓળંગીને પણ ઉપર આકાશના ઉંબરે પહોંચે ત્યારે એ બધું દેખાતું બંધ થાય. આમ છતાં ય, આજુબાજુના ખુલ્લા વિરાટ આકાશને જોઇને મન પ્રફ્ફુલિત થઇ જાય છે. ધરતી પર હોઈએ ત્યારે કુદરતનો આ ભવ્ય નઝારો જોવા મળે ખરો ?

હવે તો વિમાનની ઘરેરાટી સિવાય આજુબાજુ બધું સુમસામ છે. વિમાન આકાશમાં સ્થિર હોય એવું લાગે છે, છતાં ય તે કલાકના લગભગ ૮૦૦-૯૦૦ કી.મી.ની ઝડપે ઉડતું હોય છે. જમીનથી તેની ઉંચાઈ આશરે ૧૦-૧૨ કી.મી. જેટલી છે. આ સંજોગોમાં વિમાનની બહારનું વાતાવરણ તો બહુ જ ઠંડુ, આશરે -૫૦ ડીગ્રી જેટલું હોય છે. વિમાનમાં રૂપકડી પરિચારિકાઓએ જમવાનું પીરસ્યું, જો કે ભૂખ ખાસ લાગી ન હતી.

ત્રણેક કલાકમાં તો અબુધાબી પહોંચી ગયા. વિમાન રનવેની સમાંતર આવી, રનવેને અડકે એ પળ પણ અનુભવવા જેવી છે. અબુધાબી ઉતર્યા ત્યારે અહી સવારના સાડા સાત વાગ્યા હતા, જયારે ભારતમાં નવ વાગ્યા હતા. અબુધાબીનો સમય ભારતના સમયથી દોઢ કલાક પાછળ છે. અમે અમારું ઘડિયાળ દોઢ કલાક પાછળ મૂકી દીધું.

એરપોર્ટ બિલ્ડીંગમાં, સિક્યોરીટી ચેકમાંથી પસાર થયા પછી, અમને અમેરીકા તરફ જતાં વિમાનોવાળા ભાગમાં બેસાડી દીધા. અમેરીકામાં પ્રવેશ માટેની ઈમીગ્રેશન ચેકની વિધિ અહી જ પતાવવાની હતી. સમય થયો એટલે અમે અમેરીકન કાઉન્ટર સામે લાઈનમાં ઉભા રહી ગયા. પાસપોર્ટ વિસા જોયા, પછી બીજી લાઈનમાં ગયા. અહી ટ્રોલી બેગો ખોલી ચેક કરી. બૂટ, પાકીટ, બેલ્ટ આ બધું કઢાવીને એક્સ રેમાં ચેક કર્યું. આ વિધિ પત્યા પછી ઈમીગ્રેશનની લાઈનમાં. અહી થોડા પ્રશ્નો પૂછ્યા, ‘અમેરીકા શા માટે જાઓ છો ?’, ‘કેટલું રહેવાના છો ?’, ‘ત્યાં તમારું કોણ રહે છે ?’ વગેરે. પછી પાસપોર્ટમાં અમેરીકા પ્રવેશનો સિક્કો મારે. આ બધું પત્યા પછી લાગે કે હાશ ! છૂટ્યા ! કેટલું કડક ચેકીંગ કરે છે ! પછી ગેટ આગળ બેસવાનું અને ટાઈમ થાય એટલે વિમાનમાં બેસાડે.

અબુધાબી એરપોર્ટ પરથી વિમાન ૧૧ વાગે ઉપડવાનું હતું, તેને બદલે સાડા બાર વાગે ઉપડ્યું. દોઢ કલાક લેટ ! હવે સળંગ ૧૪ કલાક ઉડવાનું હતું. મનમાં એમ થાય કે વિમાનમાં કેટલું બધું પેટ્રોલ ભરી લીધું હશે ! આ વિમાન ઘણું મોટું હતું. થોડી ચહલપહલ પછી તો લોકો ઉંઘવા માંડ્યા, અમે પણ એમાં જોડાઈ ગયા. બારીમાંથી વાદળાં સિવાય નીચે કંઇ દેખાતું ન હતું. જમવાનું આવ્યું, તે જમી લીધું. વિમાન તુર્કી, રશિયા, જર્મની આયરલેન્ડ વગેરે દેશો અને પછી આટલાંટિક મહાસાગર પરથી ઉડી રહ્યું હતું. સીટની સામે મૂકેલા ટચૂકડા ટીવી પર વિમાનના ઉડવાનો નકશો અને ધરતી પરના પ્રદેશો દેખાતા હતા, એના પરથી આપણે ક્યાં છીએ, એ ખ્યાલ આવી જાય. આશરે ૫૦૦ વર્ષ પહેલાં કોલંબસે યુરોપના કિનારાથી છએક હજાર કી.મી. પહોળો આટલાંટિક મહાસાગર વહાણમાં ઓળંગી,

અમેરીકા ખંડ શોધી કાઢ્યો હતો. આટલાંટિકને ઓળંગનાર એ પહેલો પ્રવાસી હતો. એને એ માટે બેત્રણ મહિના લાગ્યા હતા. આજે વિમાનમાં સાતેક કલાકમાં આટલાંટિક ઓળંગી જવાય છે. વિજ્ઞાને કેટલી બધી ક્રાંતિ કરી છે !

અમેરીકાના આકાશમાં વિમાન પ્રવેશ્યા પછી બેત્રણ કલાકમાં તો વોશીંગટન ડી.સી. આવી ગયું. વિમાન રનવે પર ઉતર્યું. વોશીંગટન ડી.સી.નો સમય અબુધાબી કરતાં ૮ કલાક પાછળ છે. એટલે અહી અત્યારે સાંજના સાડા છ થયા હતા. અમે ઘડિયાળ મેળવ્યું. ભારત કરતાં વોશીંગટન ડી.સી.નો સમય કુલ સાડા નવ કલાક પાછળ.

વોશીંગટન ડી.સી. એ યુ.એસ.એ.નું પાટનગર છે, એટલે એની શાન તો ઘણી જ હોય. એરપોર્ટ પણ ભપકાદાર દેખાતું હતું. બરાક ઓબામાના દેશમાં અમે આવી ગયા હતા. એક પ્રકારની શિસ્ત બધે દેખાતી હતી. ભારતના લોકોએ એ શીખવા જેવું છે. તો ભારતમાં જે માનવીય સંબંધો છે, તે અમેરીકાએ શીખવા જેવા છે.

હવે ખાસ ઘટના એ બની કે અમે વોશીંગટન ડી.સી. લેટ પહોંચ્યા. અહીંથી ડલાસનું વિમાન સવા સાત વાગે ઉપડવાનું હતું. અમારી પાસે ફક્ત પોણો કલાક જ હતો. અહીં કોઈ ઈમીગ્રેશન વિધિ તો કરવાની હતી નહિ, એ ઘણું સારું હતું. અમે ફટાફટ ડલાસ જતા વિમાનનો ગેટ શોધી કાઢ્યો. ગેટ પાસ અહીંથી જ મળી ગયો. અમે વિમાનમાં દાખલ થયા અને વિમાન ઉપડ્યું ડલાસ તરફ. આ વિમાન અમેરીકન એરલાઈન્સનું હતું. ઓછા સમયને કારણે અમારો સામાન આ વિમાનમાં ટ્રાન્સફર નહિ જ થયો હોય, એવું લાગતું હતું.

વિમાનની બારીમાંથી અમેરીકાની ધરતી દેખાતી હતી. સવા ત્રણ કલાકમાં ડલાસના એરપોર્ટ ડલાસ-ફોર્ટ વર્થ (DFW) પહોંચી ગયા. ડલાસનો સમય વોશીંગટન ડી.સી.થી ૧ કલાક પાછળ. અમે વળી ઘડિયાળ ૧ કલાક ઓર પાછળ મૂક્યું. ડલાસ ઉતર્યા ત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. ભારતથી ડલાસનો સમય કુલ સાડા દસ કલાક પાછળ. ડલાસ, ભારતથી ઘણું ઘણું પશ્ચિમમાં છે, એટલે આમ બને છે.

ડલાસ ઉતારીને, લગેજ કલેઈમ પર ગયા. અમારો પુત્ર વિરેન અમને લેવા માટે આવી ગયો હતો. ખૂબ ખુશી થઇ. લગભગ એક વર્ષ પછી દિકરો જોવા મળે ત્યારે માબાપ અને દિકરાને પણ કેવી ખુશી થાય ! અમે અમારો થાક ભૂલી ગયા. તબિયતના સમાચાર, પુત્રી (પુત્રવધુ), પૌત્ર -પૌત્રી બધાના સમાચાર – એ બધી વાતો કર્યાં પછી, બેલ્ટ પર સામાનની રાહ જોતા ઉભા રહ્યા. પણ તે ન જ આવ્યો. છેવટે ફરિયાદ નોંધાવી, એરપોર્ટની બહાર આવ્યા. ડલાસની અને અમેરીકાની હવા શ્વાસમાં ભરી. આ હવાને એક ખાસ સુગંધ છે. કદાચ બધાને એવું ના પણ લાગે.

ડલાસમાં અમારે ઘેર પહોંચ્યા. મીના તો ‘કેમ છે મારી બેટી ?’ કહીને હેત્વીને બાઝી પડી. હેતની હેલી વરસી રહી. નિસર્ગ -માનસી ઉંઘી ગયાં હતાં, વિરેન તેમને ઉઠાડીને લઇ આવ્યો.બંને બચ્ચાંને જોઇને અમને પરમ સંતોષ થયો. ભારતીય કુટુંબનું એક દ્રશ્ય અહી ખડું થઇ ગયું. અમે બધાને આશીર્વાદ આપ્યા. રાતના અગિયાર વાગ્યા હતા, પણ ઉંઘ આવતી ન હતી. ભારતમાં અત્યારે બીજા દિવસની સવારના સાડા નવ વાગ્યા હતા, એટલે ઉંઘ ક્યાંથી આવે ? છેવટે કલાકેક વાતો કરીને સુઈ ગયા.

અહી તો બસ આરામ જ હતો. બીજા દિવસે એરપોર્ટથી અમારો સામાન આવી ગયો. (ક્રમશ:)

IMG_1140

IMG_1058

 

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. Raju Shah
    જૂન 26, 2014 @ 05:42:23

    while reading about your journey, i feel the whole journey as a stimulator, sitting on my chiar, as if i have flown to every where…great touching by your spectacular words..so emotional, so lovely and so closeness..

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: