વાર્તા – કાંટા વચ્ચે ગુલાબ

આજે બ્લોગમાં એક વાર્તા મૂકું છું. અમેરીકા ટુરની આગળની વાત હવે પછીની પોસ્ટમાં મૂકીશ.

                                                              કાંટા વચ્ચે ગુલાબ

‘સર, મને ઓળખી ? હું રોઝી, રંજન.’

મારું લેકચર પૂરું થયા પછી, ક્લાસમાંથી બધા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા પછી, છેલ્લે એક છોકરી બાકી રહી, તે મને પૂછી રહી હતી. તેના ગુલાબી ગાલ જોઇને તેનું રોઝી નામ ખૂબ જ સાર્થક લાગતું હતું. રોઝ એટલે ગુલાબ, તેનું સ્ત્રીલીંગ કરો એટલે રોઝી, છોકરીનું એક નામ થઇ ગયું ! નામ પાડવાની કેવી સરસ રીત ! મેં અનુમાન કર્યું કે તેનું મૂળ નામ રંજન હશે, પણ તેના ગુલાબી ગાલને લીધે બધા તેને રોઝી કહેતા હશે.

મેં તેને જવાબ આપ્યો, ‘ના, બેન, મને કંઇ તારું ઓળખાણ પડ્યું નહિ.’

રોઝીએ કહ્યું, ‘સર, હું અહીં મોડાસામાં જ રહું છું. મારા પપ્પાનું નામ મનુભાઈ વ્યાસ.’

મને તરત જ યાદ આવ્યું. મારા એક પરિચિત મિત્ર મનુભાઈ વ્યાસ મોડાસામાં રહેતા હતા. હા, તો આ રંજન ઉર્ફે રોઝી તેમની જ દીકરી હતી.

મારી સરકારી નોકરી. નિયમ પ્રમાણે બદલી તો થાય જ. મારી બદલી મોડાસા એન્જીનીયરીંગ કોલેજમાં થતાં, હું આજે અહીં હાજર થયો હતો. આજે મારું પહેલું લેકચર હતું.

‘સર, તમે બદલીથી અહીં આવવાના હતા, એની અમને ગઈ કાલે ખબર પડી ગઈ હતી. બાય ધી વે, મારા પપ્પા તમને યાદ કરતા હતા. આપ જરૂર અમારે ત્યાં આવો.’

પણ એમ તરત તો હું મનુભાઈને મળવા જઇ શક્યો નહિ. મારા રહેવાની અને ખાવાપીવાની ગોઠવણ કરવામાં થોડા દિવસ નીકળી ગયા. પછી, એક દિવસ સાંજના હું મનુભાઈને ઘેર જઇ ચડ્યો. મનુભાઈનાં પત્ની વર્ષાબેન અને રોઝી પણ ઘરમાં જ હતાં. થોડી આગતાસ્વાગતા અને ઔપચારિક વાતો પછી, મનુભાઈ બોલ્યા, ‘જુઓ ને, મારી રંજન છેલ્લા વર્ષમાં છે. ચારેક મહિનામાં તો એનું ભણવાનું પૂરું થશે. અમારી જ્ઞાતિમાં ભણેલા છોકરાઓની બહુ જ અછત છે. મારી એન્જીનીયર છોકરી માટે, એટ લીસ્ટ, એન્જીનીયર છોકરો તો જોઈએ જ.’

મનુભાઈની વાત બિલકુલ સાચી હતી. એમની જ્ઞાતિમાં એન્જીનીયર કે એ લેવલનો છોકરો મળવો કઠીન હતું. તે આગળ બોલ્યા, ‘કોઈ સારો છોકરો તમારા ધ્યાનમાં હોય તો મને કહેજો.’

આમ ને આમ છ મહિના પસાર થઇ ગયા. રંજન એન્જીનીયર પણ થઇ ગઈ. એ જમાનામાં તો એન્જીનીયરને જલ્દી નોકરી મળી જતી હતી. ડીગ્રી અને ડીપ્લોમા કોલેજોમાં લેકચરરની નોકરી પણ સહેલાઇથી મળી જતી હતી. છોકરીઓને તો આવી નોકરી બહુ જ અનુકુળ પડે. રંજન હોંશિયાર હતી. તેને ભાવનગરની ડીપ્લોમા કોલેજમાં નોકરી મળી ગઈ.

રંજનનું ધ્યાન ભણાવવામાં હતું, અને તેના પપ્પાનું ધ્યાન રંજન માટે મૂરતિયો શોધવામાં હતું. છેવટે તેમણે તેમની જ્ઞાતિમાં જ એક છોકરો શોધી કાઢ્યો. પ્રકાશ એનું નામ, બી.એસ.સી. થયેલો, વડોદરામાં એક સારી કંપનીમાં નોકરી કરતો હતો. બંને પક્ષે અનુકુળ લાગતાં, રંજનની તેની સાથે સગાઇ થઇ ગઈ. પછી, પ્રકાશ અને રંજનની ચારેક વાર મુલાકાતો પણ થઇ.

રંજન ભાવનગરથી અવારનવાર મોડાસા પોતાને ઘેર આવતી. ક્યારેક મને પણ મળતી. હું એના ખબર પૂછી લેતો. અમારે વાતો કરવા જેટલો ઘરોબો ઉભો થયો હતો. એક વાર તે મને મળવા આવી. તેનો ચહેરો જરા ઉતરેલો દેખાતો હતો. ગુલાબી ગાલ આજે ફીક્કા પીળા લાગતા હતા. મેં કહ્યું, ‘રોઝી, કેમ આજે મૂડમાં નથી લાગતી કે શું ?’

‘સર, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. પણ મનમાં મુઝવણ છે કે તમને કહું કે ના કહું ? મારા પપ્પામમ્મીને તો હું નથી કહી શકતી.’

મેં તેને હિંમત આપી, ‘અરે, આટલી બધી મુંઝાય છે શું ? મને વાત કર. જે કંઇ પ્રશ્ન હશે તેનો આપણે ઉકેલ લાવીશું. તું તો મારી દીકરી જેવી છો. હું હંમેશાં તારું ભલું ઈચ્છું છું.’

રંજનમાં થોડી હિંમત આવી. બોલી, ‘સર, પ્રકાશ જોડે મારી સગાઇ કરી છે, પણ તેની સાથેની મુલાકાતો પરથી એવું લાગે છે કે તે ઠરેલ નથી. તે સાવ છીછરો છોકરો છે.’

મેં કહું, ‘છીછરો એટલે કેવો ? જરા વિગતે વાત કર.’

રંજન બોલી, ‘એની વાતો એવી હોય છે કે આપણને કંઇ મજા ના આવે. એનાં થોડાં વાક્યો કહું.

“ચાલ, પીક્ચર જોવા જઈએ. પીક્ચરમાં પેલો ગોવીંદા જો, કેવો કૂદે છે !”

“આજે મારો મિત્ર મનોજ એની ગર્લફ્રેન્ડને પાણીપૂરી ખવડાવવા લઇ ગયો.”

“અમારી સોસાયટીમાં આવેલા એક સાધુને અમે બધાએ પજવીને ભગાડી મૂક્યા”

થોડું અટકીને રંજન બોલી, ‘આ બધી તે કંઇ કરવા જેવી વાતો છે ? બે યુવાન હૈયાં મળે ત્યારે થોડી લાગણીભરી વાત, ભવિષ્યનાં શમણાં, એકબીજાના સ્વભાવ, ગમાઅણગમા – આવું કંઇ એને સૂઝતું જ નથી. જો અત્યારથી જ તે મારી સાથે આ રીતે રહેતો હોય, તો લગ્ન પછી હું એની સાથે કઈ રીતે એડજસ્ટ થઇ શકીશ ?’

રંજનની વાત સાંભળીને મને જરા આઘાત લાગ્યો. હું વિચારમાં પડી ગયો કે રંજનનું હવે શું થશે ? મને એક વિચાર એવો આવી ગયો કે રંજને સગાઇ તોડી નાખવી, અને ફરી સારું પાત્ર શોધવું. પણ એના પપ્પા આવી વાત માનશે ખરા ? આમે ય એમની જ્ઞાતિમાં છોકરાઓની ખોટ છે. સગાઇ તોડેલી છોકરીને બીજો છોકરો મળવામાં કેટલી બધી તકલીફ પડે ?

મેં રંજનને કહ્યું, ‘રોઝી, મને તારા માટે સહાનુભૂતિ છે. હું જરૂર તારા માટે કંઇક કરીશ. આજે હું તારા પપ્પાને મળવા જઈશ.’

રંજનને થોડી રાહત થઇ. હું મનુભાઈને મળ્યો. મેં હિંમતપૂર્વક તેમને બધી વાત કરી. મનુભાઈ પહેલાં તો થોડા અકળાયા. પણ દિકરીનું હિત કયા બાપને હૈયે ન હોય ? છેવટે તે સગાઇ તોડવા તૈયાર થયા. અને એનો અમલ પણ કરી દીધો. પણ હવે નવી ચિંતામાં મૂકાયા, ‘રંજનનું હવે શું ? નવો છોકરો ક્યાંથી શોધવો ?’

મેં એમને કહ્યું, ‘તમે એની ચિંતા છોડો. રંજન હોંશિયાર છોકરી છે. એની મેળે પણ યોગ્ય પાત્ર શોધી શકે એટલી તે કાબેલ છે.’

રંજનના મન પરથી એક બોજ હળવો થઇ ગયો. હવે તે પ્રફુલ્લિત રહેવા લાગી. એવામાં એની બદલી રાજકોટ કોલેજમાં થઇ. નવું સ્થળ, નવું વાતાવરણ. થોડા દિવસોમાં તો તે અહી સેટ થઇ ગઈ. નવી સહેલીઓ, નવા મિત્રો સાથે દિવસો આનંદમાં પસાર થઇ રહ્યા હતા. તેના જ ડીપાર્ટમેન્ટમાં જગત નામનો લેકચરર છેલ્લા બે વર્ષથી આ કોલેજમાં હતો. તેની સાથે રંજનને પરિચય થયો. જગત દેખાવે સોહામણો હતો, બોલવામાં સંયમી હતો, ઠરેલ હતો, બુદ્ધિપૂર્વકની વાતો કરતો. રંજનને તેનો સ્વભાવ ગમવા માંડ્યો. જગતને પણ રંજન સાથે ફાવવા માંડ્યું. તેઓ ભણાવવાના વિષયોની, વિદ્યાર્થીઓના પ્રશ્નો અને તેના ઉકેલની, કોલેજની એક્ટીવીટીની – એવી બધી ચર્ચા કરતા. ક્યારેક જીંદગની સુખશાંતિ અને આનંદ અંગે પણ વાતો કરતાં. એમ કરતાં કરતાં તેમને એકબીજા સાથે ક્યારે મનમેળ અને પ્યાર થઇ ગયો, એની ખબર જ ના પડી. રંજન ખુશ હતી. તેમણે સાથે જીંદગી જીવવાનું નક્કી કરી લીધું. રંજનને મનમાં એક જ ખચકાટ હતો કે ‘જગત બીજી જ્ઞાતિનો છે, તેને પપ્પા કઈ રીતે સ્વીકારશે ?’

રંજને મને આ વાત કરી. તેની ખુશીમાં હું ખુશ હતો. મનુભાઈને સમજાવવાની જવાબદારી મેં માથે લીધી. મેં મનુભાઈને મનાવી લીધા, ‘જુઓ, મનુભાઈ, રંજનની સગાઇ એક વાર છૂટી થયેલી છે. જ્ઞાતિમાં તમને પ્રકાશ કરતાં સારો છોકરો મળી પણ શકે, પણ ક્યારે ? તેની કોઈ ગેરંટી ખરી ? તમારી દિકરીને ક્યાં સુધી કુંવારી રાખશો ? અને જગત જેવો છોકરો દીવો લઈને શોધવા જશો, તો પણ નહિ મળે. માટે જ્ઞાતિનું લેબલ છોડો. રંજન-જગતની જોડીને આશીર્વાદ આપો.’

મનુભાઈ માની ગયા. અમે બધાએ રંજન-જગતને આશીર્વાદ આપ્યા. રોઝીના ગુલાબી ગાલ આજે ઓર ગુલાબી લાગતા હતા.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: