યુ.એસ.એ.(અમેરીકા)નો સ્વાતંત્ર્ય દિન

અમેરીકા ટુર – ૩

યુ.એસ.એ.(અમેરીકા)નો સ્વાતંત્ર્ય દિન

આપણો ભારતનો સ્વાતંત્ર્ય દિન જેમ ૧૫ ઓગસ્ટે આવે છે, તેમ યુ.એસ.એ.નો સ્વાતંત્ર્ય દિન ૪ જુલાઈએ છે. યુ.એસ.એ.માં પણ, અહી વસીને સ્થાયી થયેલી પ્રજા પર બ્રિટન (ઇંગ્લેન્ડ)ના અંગ્રેજોએ પોતાની સત્તા ઠોકી બેસાડી હતી. અંગ્રેજોની જોહુકમી અને શોષણખોરીને લીધે, યુ.એસ.એ.ના લોકોએ સ્વતંત્ર થવાની લડત ઉપાડી અને તેમાં વિજયી થતાં, ઈ.સ. ૧૭૭૬ ની ચોથી જુલાઈએ અમેરીકા સ્વતંત્ર થયું. અહીં લોકશાહીની સ્થાપના થઇ અને ૧૭૮૯માં જ્યોર્જ વોશિંગટન પહેલા પ્રમુખ થયા. અહી દર ચાર વર્ષે પ્રમુખપદ માટેની ચૂટણી થાય છે. ચૂંટાયેલા પ્રમુખ દેશનો વહીવટ સંભાળે છે.

દર વર્ષે અહીં ૪ થી જુલાઈએ સ્વાતંત્ર્ય દિન ઉજવાય છે. આ દિવસે જાહેર રજા હોય છે. આ ઉજવણીમાં ખાસ તો દરેક શહેરમાં રાતે ભવ્ય આતશબાજી કરવામાં આવે છે. આતશબાજીને અહી Fireworks કહે છે. કોઈ કોઈ જગાએ અનુકૂળતા મૂજબ આતશબાજી, ૪ થી જુલાઈના અગાઉના અઠવાડિયામાં કરાય છે. આ આતશબાજી જોવા લગભગ આખું શહેર ઉમટી પડે છે.

ડલાસમાં આ વખતે આતશબાજી એક અઠવાડિયું વહેલી હતી. ડલાસ ઘણું મોટું શહેર છે. એટલે એક કરતાં વધુ જગાએ આતશબાજીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. કે જેથી લોકો પોતાને નજીક પડે એ જગાએ પ્રોગ્રામ જોવા જઇ શકે, અને કોઈ એક જગાએ બહુ ભીડ ના થાય.

ડલાસમાં અમારા ઘરથી લગભગ ૨ કી.મી. દૂર આવેલા સેલીબ્રેશન પાર્કમાં આતશબાજી થવાની હતી. સેલીબ્રેશન પાર્ક એ વિશાલ ખુલ્લી જગા છે. અહી બાળકોને રમવા માટે ઘણાં સાધનો છે, રમતો રમવા માટે મેદાનો અને ઘાસની લોન છે. પાણીનું તળાવ અને ફુવારા છે, ચાલવા માટે ટ્રેક છે, પીકનીક મનાવવા માટે સુંદર જગા છે. ચાલુ દિવસોએ અહીં ઘણા લોકો ફરવા આવે છે અને મોજ માણે છે.

ડલાસમાં અત્યારે ઉનાળો હોવાથી, સૂર્ય બહુ મોડો આથમે છે. લગભગ નવ વાગ્યા સુધી અજવાળું રહે છે. આતશબાજી તો અંધારું થયા પછી જ શોભે. એટલે આતશબાજીનો પ્રોગ્રામ લગભગ સાડા નવ પછી શરુ થવાનો હતો.

અમે ઘેરથી સાડા આઠે ગાડીમાં નીકળ્યા. વિરેનના બે મિત્રો ફેમિલી સાથે અહી વિરેનને ઘેર આવી ગયા હતા, એટલે અમે બધા સાથે જ નીકળ્યા. જમવાનું સાથે લઇ લીધું હતું. રસ્તામાં લોકોનો પ્રવાહ સેલીબ્રેશન પાર્ક તરફ જ વહી રહ્યો હતો. સેલીબ્રેશન પાર્ક આગળ તો પાર્કીંગની જગા મળવી શક્ય જ ન હતી. પાર્કની જેમ નજીક આવતા ગયા તેમ આજુબાજુની સોસાયટીઓના રસ્તા પણ ગાડીઓના પાર્કીંગથી ફુલ જણાતા હતા. અહીં સ્કુટર કે બાઈક તો હોતાં જ નથી. બધા જ લોકો ગાડીઓમાં ફરે. પાર્કીંગ ઘણે દૂર કરવું પડશે એમ લાગતું હતું. છતાં પણ ગાડી સેલીબ્રેશન

પાર્કની શક્ય એટલી નજીક લીધી કે જેથી ઓછું ચાલવું પડે. અમે બધા ત્યાં ઉતારી ગયા, વિરેન-હેતવી ગાડી પાર્ક કરવા ગયા. લગભગ દોઢ કી.મી. દૂર પાર્કીંગની જગા મળી.

અમે પાર્ક તરફ ચાલ્યા. પાર્કની અંદર મેદાનનો થોડો ભાગ આતશબાજી માટે કોર્ડન કરી લીધેલો હતો. બાકીના ઘાસની લોનવાળા ભાગમાં પબ્લીકે બેસવાનું હતું. અમે ત્યાં પહોંચ્યા ત્યારે આખું મેદાન લોકોથી ભરાઈ ગયું હતું. ક્યાંય ખાલી જગા ન હતી. લોકો ઘાસમાં શેતરંજીઓ પાથરીને ગોઠવાઈ ગયા હતા. ઘણા લોકો ઘેરથી ફોલ્ડીંગ ખુરસીઓ પણ લઈને આવ્યા હતા. આતશબાજી તો આકાશમાં ઉંચે જ જોવાની હોય, એટલે કોઈ ખુરસીમાં બેઠા હોય તો પણ પાછળવાળાને નડે નહિ. આપણા દેશમાં ય રાવણ દહન કે એવા કોઈ પ્રોગ્રામો થાય ત્યારે લોકોની જે મેદની જોવા મળે, એવું જ અહીં લાગતું હતું. ઉત્સવોની ઉજવણીમાં ભારત હોય કે અમેરીકા, બધે જ એકસરખો માહોલ જોવા મળે છે. હા, અહીંના લોકો તમને અમેરીકન પોષાકમાં જોવા મળે. જીન્સ, ચડ્ડો, હાફ પેન્ટ, ટી શર્ટ, બાંડિયું – એમ ભાતભાતનાં કપડાંમાં લોકો જોવા મળે. ક્યાંય ડ્રેસ કે સાડી દેખાય નહિ. અહીં રહેતા ભારતીયો પણ આવાં જ કપડાં પહેરતા થઇ ગયા છે.

સેલીબ્રેશન પાર્કની બહાર પણ રસ્તાઓની આજુબાજુ લોન કરેલી છે. અમે આવી એક લોનમાં શેતરંજીઓ પાથરીને ગોઠવાઈ ગયા. ઘેરથી બોલ લઈને આવેલા, છોકરાં બોલ રમવામાં પડ્યાં. ફેરિયાઓ રંગબેરંગી લાઈટોવાળા ફુગ્ગા વેચતા હતા. બિલકુલ ભારત જેવો જ માહોલ લાગે. પણ અહીં શિસ્ત ખૂબ જ. લોકો ઘોંઘાટ કે બૂમબરાડા ના પાડે, બાજુવાળો ડીસ્ટર્બ ના થાય તેનો ખ્યાલ રાખે, રોડ પર ઉતરીને ટ્રાફિકને ડીસ્ટર્બ ના કરે. આજે અહીં આવવા માટે સરકારે પબ્લીક બસો પણ મૂકી હતી.

અમે ભાખરી, ઇદડાં, સૂકી ભાજી, મસાલો – એવું બધું જમી લીધું. ખાઈને થર્મોકોલની ડીશો, પ્યાલા વગેરે પ્લાસ્ટીકની કોથળીમાં ભરી લીધું. કચરો ગમે ત્યાં નહિ જ નાખવાનો. બાથરૂમ જવું હોય તો પણ ખાસ ઉભાં કરેલાં ફોલ્ડીંગ બાથરૂમોમાં જ જવાનું.

લગભગ પોણા દસ વાગે આતશબાજી શરુ થઇ. આકાશમાં ઉંચે જઈને ફાટતા ફટાકડાઓથી આકાશ ભરાઈ જતું હતું, એ જોઇને લોકો આનંદ પામે, તાળીઓ પાડે અને ખુશીના પોકારો કરે. વળી, ફટાકડા પણ કેવા રંગબેરંગી, વિવિધ આકારો રચે, આકાશમાં જાતજાતની ભાત દેખાય, કોઈ ભાત મરચાંના બી જેવી લાગે, કોઈ હેલોજન લેમ્પ જેવા ચમકતા લીસોટા રચે, કોઈ જાસુદના ફુલ જેવો ઝમકદાર લાલ ઝબકારો રચે, કોઈ કોઠી કે તારામંડળનો ભાસ ઉભો કરે – આકાશમાં એટલી બધી વિવિધતા દેખાય કે એ જોઇને મન આનંદિત થઇ ઉઠે. બાળકો જેટલાં ખુશ થાય, એટલી જ ખુશી મોટાંઓને પણ થાય. લોકો આતશબાજીના ફોટા પડે, વિડીઓ ઉતારે. અમે પણ ફોટા પાડ્યા.

આતશબાજી ત્રીસથી ચાલીસ મિનિટ ચાલી. પબ્લીક ખુશ ખુશ થઇ ગઈ. લોકો પોતપોતાની ગાડીઓ તરફ જવા લાગ્યા. અમે લગભગ દોઢ કી.મી. જેટલું ચાલીને અમારી ગાડીઓ જ્યાં પાર્ક કરી હતી, ત્યાં પહોંચ્યા. અહી ગમે એટલી ગિરદી હોય તો પણ લોકો લાઈનમાં જ ગાડી ચલાવે, બાજુમાં સહેજ જગા દેખાય તો તેમાં ઘૂસી ટ્રાફિક જામ

કરી દેવા જેવી ગેરશિસ્ત કોઈ ના કરે. રોંગ સાઈડમાં કોઈ જ ના નીકળે. આમ કરવાથી બધા જ લોકો જલ્દીથી પોતાના સ્થાને પહોંચી શકે.

અમે રાત્રે બાર વાગે ઘેર પહોંચ્યા અને એક સરસ પ્રોગ્રામ જોયાનો આનંદ માણીને ઉંઘવા પડ્યા.

1_IMG_2897

2_IMG_1421

3_IMG_1428

4_IMG_1430

5_IMG_1470

6_IMG_1490

7_IMG_1497

8_IMG_1517

9_IMG_1525

10_IMG_1529

11_IMG_1534

12_Fireworks behind Washington Monument