ડલાસનું હનુમાન મંદિર

અમેરીકા ટુર – 4

                                                            ડલાસનું હનુમાન મંદિર

ડલાસ જેવા અમેરીકન શહેરમાં હનુમાનનું મંદિર હોય એવી કલ્પના કરી શકાય ? પણ એ હકીકત છે. ડલાસમાં વસતા હિંદુ લોકોએ આ મંદિર ઉભું કર્યું છે. આ મંદિર ડલાસના ફ્રીસ્કો નગરમાં ઈન્ડીપેન્ડન્સ પાર્ક વે રોડ પર આવેલું છે. તે ‘કાર્ય સિદ્ધિ હનુમાન ટેમ્પલ’ તરીકે ઓળખાય છે. ડલાસની ૬૮ લાખની વસ્તીમાં લગભગ ૧ લાખ જેટલા ભારતીયો વસે છે, એટલે દરરોજ ઘણા ભાવિક ભક્તો આ મંદિરે દર્શન કરવા આવે છે.

ડલાસમાં હનુમાન મંદિર ઉપરાંત, બીજાં મંદિરો પણ છે. એમાં એક મુખ્ય હિંદુ મંદિર છે. એમાં હિન્દુઓના લગભગ બધા જ દેવીદેવતાઓનાં મંદિર છે, એટલે એ મંદિરમાં તો બધા જ ભારતીયો દર્શને જાય છે. આ ઉપરાંત, ડલાસમાં ગણેશ મંદિર, સાંઈબાબા મંદિર, સ્વામીનારાયણ મંદિર, રામમંદિર, કાલાચંદ (ઇસ્કોન) મંદિર વગેરે મંદિરો પણ છે. આ બધાં મંદિરોએ જાવ એટલે એમ જ લાગે કે આપણે ભારતમાં જ છીએ.

અમે એક શનિવારે ‘કાર્ય સિદ્ધિ હનુમાન મંદિર’માં દર્શન કરવા ઉપડ્યા. શનિવાર એટલે હનુમાનજીનો વાર. શનિવારે તો ભક્તોની સંખ્યા ખૂબ જ વધી જાય. વળી, શનિવારે બપોરે દર્શન પૂરાં થયા પછી પ્રસાદ લેવાની (જમવાની) વ્યવસ્થા પણ હોય છે.

ડલાસના હનુમાન મંદિરની સ્થાપના પાંચ વર્ષ પહેલાં થઇ હતી. મંદિર બાંધવા માટે મંજૂરી, જમીન અને ખર્ચની વ્યવસ્થા કરવાનું કામ પરમ સ્વામીએ ઉપાડ્યું હતું. ભક્તોની ભાવના અને મદદથી આ કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું હતું, અને ૩ જુલાઈ ૨૦૦૯ના રોજ શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીએ અહી હનુમાન કલ્ચરલ સેન્ટર અને મંદિર શરુ કર્યું હતું. હાલ ૨૦૧૪ની ૩ જુલાઈએ, મંદિરની પાંચમી વર્ષગાંઠ ધામધુમથી ઉજવાઈ, ત્યારે સ્વામી સચ્ચિદાનંદ અહીં પધાર્યા હતા. સ્વામીજી અવધૂત દત્તપીઠના પંડિત છે.

હનુમાનજી પવનપુત્ર છે, તેઓ રામના પરમ ભક્ત છે, તેમનામાં અપાર શક્તિ છે, તેઓ વેદોના જાણકાર છે, તે વીરતા, ભક્તિ, પરોપકાર અને માનવતાના પ્રતિક છે. ભક્તો એમને ભક્તિભાવથી પૂજે છે.

ડલાસના હનુમાન મંદિરમાં હનુમાન ઉપરાંત, રામપરિવાર, ગણપતિ, શીવ, રાજરાજેશ્વરી માતા, દત્તાત્રેય, વેન્કટેશ્વર, સુબ્રમણ્યમ, અય્યપા અને નાગેન્દ્ર ભગવાનની મૂર્તિઓ છે. ડલાસમાં તમિલનાડુ, કેરાલા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક એટલે કે દક્ષિણ ભારતના ઘણા લોકો વસે છે, એટલે તેઓ તેમના દેવોના દર્શને પણ અહીં આવે છે.

હનુમાન મંદિરમાં દર્શનનો સમય સોમથી શુક્ર સવારના ૧૦ થી ૧ અને સાંજના ૫-૩૦ થી ૮-૩૦ નો છે. શનિ, રવિ અને રજાના દિવસોએ મંદિર આખો દિવસ સવારે ૯-૩૦ થી સાંજના ૮-૩૦ સુધી ખુલ્લું રહે છે. મંદિરમાં દરરોજ નિત્ય

પૂજા, હનુમાન ચાલીસા અને આરતી થતાં હોય છે. આરતી બપોરના ૧૨ વાગે અને સાંજે ૮ વાગે થાય છે. અહી અઠવાડિક અને માસિક પૂંજા પણ થતી હોય છે. ઘણા લોકો, પોતે નવી ગાડી ખરીદી હોય તો તેની પહેલી પૂજા આ મંદિરમાં પૂજારી પાસે કરાવે છે. મંદિર આગળ વિશાળ લોન અને પાર્કીંગની ખૂબ સરસ સુવિધા છે. દર શનિવારે પ્રસાદમાં ભાત, સંભાર (દાળ), દહીં, મેંદુવડાં વગેરે હોય છે. વ્યવસ્થા બહુ જ સારી છે.

ખાસ અગત્યની વાત એ છે કે આ મંદિરમાં ઘણી જાતના ક્લાસ ચાલે છે. જેમ કે ૩ થી ૧૨ વર્ષનાં બાળકો માટે આર્ટસના ક્લાસ છે. તેમાં બાળકોને મણકા, વોટરકલર, માટી, ચોક અને તેલનો ઉપયોગ કરી ડ્રોઈંગ, પેઈન્ટીંગ અને શિલ્પકળા શીખવાડાય છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓ પણ શીખવાડાય છે. ભજન અને સંગીતના ક્લાસ પણ છે. યોગ, ત્રિયોગ અને વિષ્ણુ સ્તોત્ર શીખવાની સગવડ પણ છે.

આ મંદિરમાં વર્ષ દરમ્યાન બધા જ તહેવારો ઉજવાય છે. જેમ કે દિવાળી, મકરસંક્રાંતિ, વસંતપંચમી, મહાશિવરાત્રી, ગુડી પડવો (યુગાડી), હોળી, રામનવમી વગેરે. એકાદશી પણ ઉજવવામાં આવે છે. એપ્રિલ માસમાં હનુમાન જયંતિ ઉજવાય છે, તે વખતે હનુમાન મંત્ર લખવાની અને હનુમાનનો ડ્રેસ પહેરવાની હરિફાઈ યોજાય છે. દિવાળી વખતે ભૂખ્યાઓને અન્નદાન અપાય છે. બાળ દત્તાનો વાર્ષિકોત્સવ બાળકો ઉજવે છે, તેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. ગુરુ દત્તાત્રેયના પ્રસંગ વખતે પ્રધાન અનાગાષ્ટમી વ્રત ઉજવાય છે.

અય્યપાના તહેવાર વખતે ખાસ અય્યપા પૂજા થાય છે. સુબ્રમણ્યમ અભિષેક પણ ઉજવાય છે. થાઈપુસમના ઉત્સવ દરમ્યાન પૂજા, દત્તાત્રેય અભિષેક અને હનુમાન ચાલીસાના પાઠ કરાય છે. અનાવરમ ઉત્સવ વખતે સત્યનારાયણ મહોત્સવ ઉજવાય છે. ત્યારે લોકો સત્યનારાયણ વ્રત રાખે છે. અહી કુચીપુડી નૃત્યનું આયોજન પણ થાય છે.

આ ઉપરાંત, ઈસુનું નવું વર્ષ અને ભારતનો પ્રજાસત્તાક દિન પણ ઉજવાય છે. બ્લડ ડોનેશન કેમ્પ પણ ગોઠવવામાં આવે છે. ૨૦૧૪ની ૨૯ માર્ચના રોજ ‘અર્થ અવર’ પણ મનાવવામાં આવ્યો હતો. એમાં ઉર્જા બચાવના હેતુથી રાતના ૧ કલાક લાઈટ બંધ રાખીને, એ સમય દરમ્યાન હનુમાન મંત્રના જાપ જપવાનો કાર્યક્રમ રાખ્યો હતો.

આ બધું જોતાં લાગે છે કે આ હનુમાન મંદિર શ્રદ્ધાળુઓનું ફક્ત એક મંદિર જ નથી, બલ્કે ઘણી બધી સામાજિક અને સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. હનુમાનજીની શક્તિ અને ભક્તિનાં જે સ્પંદનો ફેલાય છે, તે તેમના દર્શન માત્રથી આપણા હૃદયમાં પ્રવેશે છે અને આપણા મનને જાગ્રત કરે છે.

અમે અહીં દર્શન કરી ધન્યતા અનુભવી. અત્રે પધારેલા ભક્તોનો મેળો જોઈ, ભારતના જ કોઈક સ્થળે ગયા હોઈએ એવું લાગ્યું. છેલ્લે, હનુમાનજીનો પ્રસાદ આરોગી ઘેર પાછા આવ્યા.

ઓમ નમો હનુમંતે નમઃ |

1_Karya Sidhdhi Hanuman Temple

2_Om Namo Hanumante Namaha

3_Aarti

4_Devotees in temple

5_Alankar on Hanuman Jayanti

6_IMG_2881

7_IMG_2834

8_IMG_2848

9_IMG_2863

10_IMG_2859

11_IMG_2873

12_IMG_2874

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: