અલાસ્કાની સફરે -1

                                                 અલાસ્કાની સફરે – 1

 પહેલો દિવસ:                             અલાસ્કા પહોંચ્યા   

      અલાસ્કા જવા માટે, બેન્ટનવીલ એરપોર્ટના રનવે પરથી અમારું વિમાન હવામાં ઉંચકાયું, એ સાથે જ અમારું મન અનહદ ખુશીઓથી ઉભરાવા લાગ્યું. અલાસ્કામાં જોવા જેવી જગાઓનાં કાલ્પનિક ચિત્રો નજર સામે તરવરવા લાગ્યાં. અલાસ્કાના બરફછાયા પહાડો, ગ્લેશિયર, નદીઓ, સરોવરો, પેસિફિક મહાસાગરના ટાપુઓ, ત્યાનાં પક્ષીઓ, દરિયાકિનારે અથડાતાં મોજાં – કુદરતની આ બધી લીલાઓ માણવાની ઉત્કંઠા થઇ આવી.

     અમે છેલ્લા ત્રણેક મહિનાથી અલાસ્કા ફરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. કુટુંબના બધા જ નવેનવ સભ્યો સાથે જવાના હતા. હું, મીના, વિરેન, હેત્વી, નિસર્ગ, માનસી, મિલન, કિંજલ અને ધ્રુવ. એમાં સૌથી નાનો ધ્રુવ ૪ વર્ષનો અને સૌથી મોટો હું ૬૭ વર્ષનો. બધાને સાથે ફરવાની કેવી મજા આવે ! અમે ૮ દિવસનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. એ પ્રમાણે વિમાનનું તથા હોટેલોમાં રહેવાનું બુકીંગ કરાવી લીધું. અલાસ્કાના મુખ્ય શહેર એન્કરેજથી ત્યાં ફરવા માટે ભાડાની ૧૨ સીટની ગાડીનું બુકીંગ પણ કરાવી લીધું. અમે અલાસ્કામાં ૩ શહેરો એન્કરેજ, સીવર્ડ અને ડેનાલી જવાના હતા. પ્રવાસની શરૂઆત મિલનના ગામ બેન્ટનવીલથી કરવાની હતી.   

     પહેલાં અલાસ્કા વિષે થોડી વાત કરું. અલાસ્કા એ અમેરીકાનું એક રાજ્ય છે, આપણા ગુજરાત જેવું. તે કેનેડા દેશની બાજુમાં પેસિફિક મહાસાગરને કાંઠે આવેલું છે. અલાસ્કા ઉત્તરમાં ધ્રુવવૃતની નજીક હોવાથી ત્યાં ઠંડી પુષ્કળ પડે છે. વર્ષના ૮ મહિના તો ત્યાં બધે બરફ જ છવાયેલો રહે છે. ફક્ત ઉનાળાના ૪ મહિના મેથી ઓગસ્ટ દરમ્યાન જ ત્યાં ફરવાનું ફાવે. વળી વરસાદ તો ગમે ત્યારે વરસી પડે. એટલે અમે ગરમ કપડાં ઉપરાંત, પ્લાસ્ટીકના રેઇનકોટ પણ સાથે લીધા હતા. આવા કોટને અહીં ‘પોન્ચો’ કહે છે.

     બેન્ટનવીલ એરપોર્ટ પર પહોંચી બોર્ડીંગ પાસ લીધા. અહી એરપોર્ટ પર એક જગાએ એક મોટા ચેસબોર્ડ પર, ચેસનાં મોટી સાઈઝનાં મહોરાં ગોઠવેલાં પડ્યાં હતાં. તમારે ચેસ રમવું હોય તો રમી શકો. બોર્ડ અને મહોરાં બહુ મોટાં હોવાથી ઉભા ઉભા જ રમવાનું.

     અમારે એન્કરેજ જવાનું હતું. વચમાં બે જગાએ ડલાસ અને સીએટલમાં વિમાન બદલવાનું હતું. બેન્ટનવીલથી ૪ વાગે ઉપડેલા વિમાને અમને ૧ કલાકમાં ડલાસ પહોંચાડી દીધા. અહી ટાઈમ બહુ ઓછો હતો, પણ ફટાફટ દોડીને અમે નવા વિમાનમાં ગોઠવાઈ ગયા. આ વિમાને અમને ૪ કલાકમાં સીએટલ પહોંચાડ્યા. અહીં પણ વિમાન બદલવાનું હતું અને ટાઈમ ખૂબ ઓછો હતો. વળી, અહીં અમારી છ જણની ટીકીટ એક વિમાનમાં અને મિલન-કિંજલ-ધ્રુવની બીજા વિમાનમાં હતી. ઝડપથી અમે છ જણ અમારા ગેટ પર પહોંચ્યા, તો કહે કે, ‘તમારો ગેટ બદલાઈ ગયો છે, ફલાણા ગેટ પર જાઓ.’ અરે ! મોડામાં મોડું ! અમે છ જણ, દરેકના હાથમાં એક એક ટ્રોલી, ત્રણેક જણને ખભે વધારામાં પર્સ પણ ખરાં. માનસીની ટ્રોલી વિરેને લઇ લીધી. ઝડપથી ચાલવામાં હાંફી જવાય. ઝડપથી ચાલનારા અને ધીમેથી ચાલનારા વચ્ચે અંતર પણ વધી જાય. માનવમેળામાં એકબીજાથી છૂટા ના પડી જવાય એનું ધ્યાન રાખવાનું. પણ જુઓ કે ચમત્કાર કેવા બને છે ! વચમાં એક ખાલી ટ્રોલી પડેલી હતી, તે વિરેનની નજરે પડી ગઈ. અમે અમારી ચારેક બેગો તેમાં મૂકી દીધી. સામાન વગર ચાલવાનું સરળ થઇ ગયું. એટલામાં બેટરીથી ચાલતી એક ગાડી જોઈ. એરપોર્ટ પર આવી બધી સગવડ હોય છે. વિરેને ગાડીવાળીને પૂછ્યું, ‘ક્યાં જશે?’ ગાડીવાળીએ જવાબ આપ્યો, ‘ફલાણા ગેટ પર.’ ઓહ ! આ તો અમારે જે ગેટ પર જવાનું હતું, તે જ ગેટ હતો ! અમે ૪ જણ તો ગાડીમાં ચડી ગયાં, વિરેન-હેત્વી ચાલતાં, એમ અમારા ગેટ પર પહોંચી ગયા. વિમાનમાં બધા ગોઠવાયા. મોબાઈલથી મિલનને પૂછી લીધું. તેઓ ૩ જણ પણ તેમના વિમાનમાં ચડી ગયા હતા. સીએટલથી ઉપડેલા વિમાને અમને ૩ કલાકમાં એન્કરેજ એરપોર્ટ પર ઉતાર્યા. મિલનવાળું વિમાન પણ જોડે જોડે જ હતું. અમે ઉતર્યા ને થોડી વારમાં મિલન ફેમિલી પણ આવી પહોંચ્યું.

     એન્કરેજ એટલે અલાસ્કાનું મુખ્ય શહેર. હા, તો અમે અલાસ્કા પહોંચી ગયા હતા ! બેન્ટનવીલના સમય પ્રમાણે અત્યારે અમારી ઘડિયાળમાં સવારના ૩ વાગ્યા હતા. પણ એન્કરેજનો સમય બેન્ટનવીલ કરતાં ૩ કલાક પાછળ છે. એટલે એન્કરેજમાં અત્યારે રાતના બાર વાગ્યા હતા. અમે અમારું ઘડિયાળ ૩ કલાક પાછળ મૂકી દીધું. એન્કરેજમાં ઉતરતાની સાથે જ ઠંડીનો ચમકારો અનુભવ્યો. અમે શ્વેટરો ચડાવી દીધાં.

     હવે રેન્ટલ (ભાડાની) કાર લેવાની હતી. રેન્ટલ કારની વ્યવસ્થા એરપોર્ટ પર જ હોય છે. બુકીંગ કરાવેલું હોવાથી રેન્ટલ કાર તરત જ મળી ગઈ. ક્યારેક તો આ માટે લાંબી લાઈનો લગતી હોય છે, એમાં ઘણો ટાઈમ નીકળી જાય. ૧૨ સીટવાળી અમારી કાર સરસ હતી. લાગ્યું કે આમાં ૭ દિવસ ફરવાની મજા આવશે. કારમાં સામાન ચડાવી અમે હોટેલ ‘સુપર-૮’ પર પહોંચ્યા. રાતના ૨ વાગ્યા હતા. રાતનો ઉજાગરો અને થોડો થાક. એટલે બધા પડતામાં જ ઉંઘી ગયા. બીજો આખો દિવસ એન્કરેજમાં ફરવાનો પ્લાન હતો.

બીજો દિવસ:                        એન્કરેજ    

     આજથી પ્રવાસની શરૂઆત થતી હતી. સવારમાં મોડા ઉઠ્યા. પણ હોટેલમાં સવારનો નાસ્તો કરવાની મજા આવી ગઈ. બ્રેડ, બટર, જામ, દૂધ, સીરીયલ, ફ્રુટ, જ્યુસ અને એવું બધું. પેટ લગભગ ભરાઈ જાય. સામાન્ય રીતે બધી હોટેલોમાં સવારના નાસ્તાની વ્યવસ્થા હોય છે. આજે આખો દિવસ એન્કરેજમાં ફરીને રાત પણ એન્કરેજમાં જ રહેવાનું હતું. પણ આ સુપર-૮ હોટેલે બુકીંગ વખતે કંઇક ભૂલ કરેલી, એટલે આજે રાતના આ હોટેલમાં અમારું બુકીંગ ન હતું. અત્યારે અલાસ્કામાં ટુરિસ્ટોની ફુલ સીઝન હતી. તાત્કાલિક બીજી હોટેલમાં બુકીંગ મળવું બહુ અઘરું હતું. વિરેન-મિલને બે ચાર જગાએ ફોન કર્યા, અને ‘રમાડા’ હોટેલમાં આજ રાતનું બુકીંગ મળી પણ ગયું. આ બીજો ચમત્કાર !

     નાસ્તો કરીને સામાન ગાડીમાં ભરીને એન્કરેજ શહેર જોવા નીકળ્યા. શ્વેટરો પહેલેથી જ ચડાવી દીધાં હતાં. અમારી ગાડી ભાડાની હતી. પણ ડ્રાઈવિંગ જાતે જ કરવાનું. એટલે આપણી જ ગાડીમાં આપણે મરજી મુજબ ફરતા હોઈએ એવું લાગે. ગાડી ભાડે લીધી હોય ત્યારે પેટ્રોલ ફુલ ટાંકી ભરીને આપે, અને આપણે પાછી આપીએ ત્યારે ફુલ ટાંકી સાથે પાછી આપવાની. અમારામાં ૩ જોરદાર ડ્રાઈવર હતા, વિરેન, મિલન અને હેત્વી !

     એન્કરેજ નાનું શહેર છે. એને ટાઉન કહી શકાય. શહેરનું પ્લાનીંગ સરસ છે. શહેરમાં ટ્રાફિક ઘણો ઓછો. સૌ પહેલાં અમે અલાસ્કા વીઝીટીંગ સેન્ટર પર ગયા. ગાડી પાર્ક કરી દીધી. સેન્ટરમાં થોડી પૂછપરછ કરી. અહીં બધે ફરવાની માહિતીને લગતાં કલરફુલ ચોપાનિયાં ઘણાં હોય. એમાંથી ફરવા માટેની ઘણી માહિતી મળી જાય. અહીં બજારમાં બધી જ જગાએ ફૂટપાથના કોર્નરો પર રંગબેરંગી ફૂલો ઉગાડેલાં જોયાં, તથા ફૂટપાથો પર પણ થોડા થોડા અંતરે થાંભલાઓ પર ફૂલોનાં મોટાં કુંડાં લટકાવેલાં જોયાં. જાણે કે ફૂલોનું જ શહેર જોઈ લ્યો. વીઝીટર સેન્ટર આગળ તો ઘણાં જ ફૂલો ઉગાડેલાં હતાં. આ બધું જોઇને બહુ જ આનંદ થયો. મન પ્રફુલ્લિત થઇ ગયું. આપણાં શહેરોમાં આવું ફૂલગુલાબી વાતાવરણ ઉભું કર્યું હોય તો કેવું સરસ લાગે ! લંડન અને બ્રસેલ્સમાં અમે ઠેર ઠેર આવાં ફુલ જોયાં હતાં. દુનિયાનાં ઘણાં શહેરોમાં આવી ફુલ ઉગાડવાની પ્રથા છે. અહી વીઝીટર સેન્ટરની નજીક બીજું એક માહિતી કેન્દ્ર છે. એક માળના આ મકાનના આખા છાપરા પર ઘાસ ઉગાડેલું હતું. આ બધી જગાઓએ ફોટા પાડ્યા.

     વીઝીટર સેન્ટરની બહાર જ, એન્કરેજ શહેરની ટુર માટે શટલ બસની વ્યવસ્થા છે. આ બસને અહીં ટ્રોલી કહે છે. ટીકીટ લઈને અમે ટ્રોલીમાં બેસી ગયા. ટ્રોલી શહેરમાં ફરતી જાય અને ડ્રાઈવર-કમ-ગાઈડ બધાં સ્થળોનું વર્ણન કરતી જાય, અલબત્ત અંગ્રેજીમાં જ. ટ્રોલીએ અમને દરિયા કિનારાથી શરુ કરીને આખા શહેરમાં ફેરવ્યા. એન્કરેજમાં દરિયો ક્યાંથી આવ્યો તે કહું. પેસિફિક મહાસાગરનો એક ફાંટો છેક એન્કરેજ સુધી અને અહીંથી યે આગળ વધીને પોર્ટેજ નામના ગામ સુધી જાય છે. આ ફાંટાને અખાત કહી શકાય. એમાં ખુલ્લા દરિયા જેવાં મોટાં મોજાં ના આવે.

     અમારી ટ્રોલી અર્થક્વેક પાર્ક વગેરે જેવાં સ્થળો આગળથી પસાર થઇ. પછી એક સરોવર આવ્યું. સરોવરને કિનારે ઢગલાબંધ ટચૂકડાં વિમાનો પડ્યાં હતાં. આ વિમાનો સરોવરના પાણી પર હોડીની જેમ ઝડપભેર સરકે. છતાં ય વિમાનમાં બેઠાનો અનુભવ થાય. શહેરમાં તથા આજુબાજુ ગ્રીનરી ઘણી જ છે. કલાકેકમાં તો ફરીને પાછા આવ્યા. બહુ ખાસ જોવા જેવું હતું નહિ.

     ભૂખ લાગી હતી. ‘અંકલ જો’ની પીઝાની રેસ્ટોરન્ટ નજીકમાં જ હતી. ત્યાં જઈને પીઝા ખાધા. અહીં અલાસ્કામાં ઘર જેવું ગુજરાતી ખાવાનું તો ક્યાંય મળવાનું હતું જ નહિ. એટલે અમારે પીઝા, સબ, બ્રેડ, સેન્ડવીચ, કસાડીયા, ચલુપા – એવી બધી આયટેમોથી જ ચલાવવાનું હતું. આમ તો અમે ઘેરથી ઘણો નાસ્તો લઈને આવેલા, પણ સાત દિવસ સુધી નવ જણ નાસ્તાથી તો ન જ ચલાવી શકે.

     પીઝા ખાઈને અમે દરિયા કિનારે ‘ટોની નોલ્સ’ નામની ટ્રેઈલ (રસ્તો) પર ચાલવા નીકળ્યા. વાતાવરણ વાદળછાયું હતું. ગરમી તો હતી જ નહિ. એક ખાસ વાત કે અલાસ્કા એ કુદરતી સંપત્તિથી સભર પ્રદેશ છે. અહીં જોવા જેવી જગાઓમાં જંગલમાં ચાલવાનું, દરિયાકિનારો, ટેકરીઓ પર ચડવાનું, બરફના પહાડોની નજીક જવાનું, દરિયામાં સફર કરવાની, ઘૂઘવતી નદીઓ જોવાની વગેરે ગણાવી શકાય. અહીં કોઈ ભવ્ય બાંધકામો કે મોટાં મંદિરો એવું બધું જોવાની આશા નહિ રાખવાની. જેને કુદરતી સૌન્દર્ય ગમતું હોય એને માટે અલાસ્કા સ્વર્ગ સમાન છે.

     અમે ટ્રેઈલ પર થોડું ચાલ્યા. છોકરાંને તો રખડવાની મજા આવી ગઈ. ટ્રેઈલને સમાંતર જ દરિયા કિનારે રેલ્વે લાઈન નાખેલી છે. એન્જરેજથી આ રેલ્વે સીવર્ડ સુધી જાય છે. આ રેલ્વે અલાસ્કા રેલ રોડ તરીકે ઓળખાય છે.

     વીરેન-મિલન પાર્કીંગમાં જઈને ગાડી અહીં લઇ આવ્યા. હવે, અમારી ગાડી ચાલી ફ્લેટટોપ માઉન્ટન તરફ. આ પર્વત એન્કરેજથી ૩૦ માઈલ દૂર આવેલો છે. એન્કરેજની આજુબાજુ ગાઢ જંગલો છે. આ જંગલોમાં થઈને પર્વત તરફ જતા રસ્તા બનાવ્યા છે. ફ્લેટટોપ પર્વતના પાર્કીંગમાં ગાડી મૂકી દીધી. ફ્લેટટોપ તો હજી ઘણે ઉંચે છે. ચાલીને ચડવાના રસ્તા છે, પણ એટલું બધું ચડાય નહિ. એટલે અમે બાજુની એક ટેકરી પર ચડ્યા. અહી ચડવાનો રસ્તો બનાવેલો છે. ઉપર સરસ વ્યુ પોઈન્ટ છે. વિરેને મારા માટે બુટમાં મૂકવાની જેલ ખરીદી હતી, તથા મિલન લાકડી ખરીદી લાવ્યો હતો. આથી મને ચાલવામાં બહુ જ સરળતા રહેતી હતી. ટેકરી પર બેસવાની સરસ વ્યવસ્થા છે. અહીંથી ચારે બાજુનાં દ્રશ્યો બહુ જ સુંદર દેખાય છે. દૂર દૂર સમુદ્ર દેખાય છે. આ ટેકરી પર ખુલ્લામાં પત્થરો પર બેસવાની બહુ મજા આવી ગઈ. મનમાં આનંદની ભરતી આવી ગઈ. બધાને આ જગા બહુ ગમી. પછી નીચે આવ્યા અને ચાલ્યા એન્કરેજ તરફ પાછા.

     સાંજ પડવા આવી હતી. ‘રમાડા’ હોટેલે પહોંચ્યા. ધીમો ધીમો વરસાદ પડતો હતો. હોટેલમાં બે રૂમ રાખી હતી, પણ મોટે ભાગે તો બધા એક જ રૂમમાં ભેગા મળીને બેસીએ, બીજી રૂમ તો ખાલી નહાવાધોવા અને સુવા માટે વપરાય. વિરેન-મિલન જમવાનું બહારથી બંધાવી લાવ્યા. એન્કરેજનો પ્રોગ્રામ પૂરો થયો હતો. કાલે સીવર્ડ જવા નીકળવાનું હતું.    

6_IMG_23013_IMG_2686

9_IMG_272712_IMG_233416_IMG_276229_IMG_288830_IMG_290134_ IMG_293636_IMG_299637_IMG_29974_IMG_2293

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: