અલાસ્કાની સફરે – 2

                                                    અલાસ્કાની સફરે – 2

ત્રીજો દિવસ:                                       સીવર્ડ તરફ

     સવારે તૈયાર થઈને, ગાડીમાં સામાન ભરીને નવેક વાગે અમે એન્કરેજ છોડ્યું અને ગાડી લીધી સીવર્ડ તરફ. આ રસ્તો નં ૧ તરીકે ઓળખાય છે, એને સીવર્ડ હાઈવે પણ કહે છે. એન્કરેજથી સીવર્ડનું અંતર ૧૨૮ માઈલ છે. આટલું અંતર તો સહેજે ૩ કલાકમાં કપાઈ જાય, પણ વચ્ચે રસ્તામાં ઘણા સીનીક પોઈન્ટ આવે છે, એ બધા જોતા જોતા જવાનું હતું. રસ્તો અને રેલ્વે લાઈન દરિયાને કિનારે કિનારે જ છે.

     પહેલાં તો એક સરસ જગાએ ઉતરી, રેલ્વે લાઈન પર ફોટા પાડ્યા. આગળ જતાં એક જૂના જમાનાનું અવાવરું રેલ્વે એન્જીન જોયું, ત્યાં ફોટા પડ્યા. બાજુમાં દરિયો તો ખરો જ. દરિયાને સામે છેડે ઉંચી ટેકરીઓ અને ક્યાંક બરફ પણ દેખાય. આગળ બેલુગા પોઈન્ટ નામની એક જગા આવી. અહીં ઉતરીને દરિયા કિનારે જવાય એવું છે. તો પછી ગયા સિવાય ચાલે ખરું? દરિયામાં પગ બોળ્યા. પવન ખૂબ જ હતો. બાજુમાં ટેકરી પર પણ ચડ્યા. અહીં બધાને બહુ મજા આવી ગઈ. મોબાઈલના કેમેરાનો બહુ જ ઉપયોગ કર્યો.

     ગાડી ચાલી આગળ. બર્ડ પોઈન્ટ પસાર થયું, પછી ગીરવુડ ગામ આવ્યું. એન્કરેજથી ૪૦ માઈલ આવ્યા હતા. જગા સરસ હતી. હાઈવેની બાજુમાં ખુલ્લા વિસ્તારમાં માત્ર આઠ-દસ દુકાનો, જગા કેવી સરસ લાગે ! અહીં એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો. ગીરવુડ આગળ હાઈવેથી સાઈડમાં પડતો રસ્તો અલયેસ્કા રીસોર્ટ તરફ જાય છે અને ત્યાં ટ્રામસવારી કરાવે છે, એવું વાંચ્યું હતું. ટ્રામમાં બેસવાની ખૂબ ઈચ્છા હતી, એટલે અમે હાઈવે છોડીને ગાડી લીધી અલયેસ્કા રીસોર્ટ તરફ. રીસોર્ટ પહોંચ્યા. અહી જંગલમાં ભવ્ય મોટી હોટેલ ઉભી કરી છે. આ રીસોર્ટમાં રહેવાનું હોય તો બહુ જ ગમે. આ રીસોર્ટવાળા રોપવેમાં બેસાડી, બાજુના પર્વતની ટોચે લઇ જાય છે. રોપવે માટેની ટ્રોલી એટલી બધી મોટી છે કે એમાં ૫૦ જણ ઉભા રહી શકે. જાણે કે બસ જ જોઈ લ્યો. એટલે તો એને ટ્રામવે કહે છે. આવડી મોટી ટ્રોલી રોપવેમાં ઉપર ચડતી હોય, એમાં બેસવાનો કેટલો બધો આનંદ આવે ! સ્વિત્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વત પર ચડવા માટે આવી મોટી ટ્રોલીઓ છે. અમે ટ્રામવેમાં બેસી, આજુબાજુનો નઝારો જોતા જોતા પર્વત પર પહોંચ્યા. અહીંથી આજુબાજુના પર્વતોનાં શિખરો દેખાતાં હતાં. બાજુના પર્વત પરનો ગ્લેશિયર પણ દેખાતો હતો. ગ્લેશિયર એટલે પર્વતના ઢોળાવ પર જામેલો બરફનો લાંબોપહોળો જાડો થર. એમાંથી બરફ પીગળીને નદી નીકળતી હોય, પણ ગ્લેશિયરનો બરફ ઓછો થાય નહિ, કેમ કે ઠંડીમાં નવો બરફ બન્યા જ કરે. અમે સીવર્ડમાં ‘એક્ઝીટ ગ્લેશિયર’ નજીકથી જોવાના હતા.

     અહીં દૂર પર્વતની ટોચ પરથી એક મોટું ઝરણું વહીને નીચે તરફ આવતું દેખાતું હતું. ઝરણા તરફ જવા માટે કેડી કંડારેલી હતી. થોડું ચડાણ હતું, પછી ઉતરાણ. અમે ઝરણા આગળ જવાનું વિચાર્યું. મીના, કિંજલ અને ધ્રુવ સિવાય અમે બધા નીકળી પડ્યા. પણ હું થોડે જઈને પાછો આવ્યો. કેમ કે ઉતરાણમાં ઉતર્યા પછી એ ચડવાનું બહુ જ કઠિન લાગતું હતું. એ બધા તો છેક ઝરણા સુધી જઈને પાછા આવ્યા. દૂરથી ભલે એ ઝરણું લાગે, પણ નજીક ગયા પછી તો એ ઉછળતી કૂદતી નદી જેટલો પાણીનો પ્રવાહ હતો. એમાં ઉતરો તો ખેંચાઈ જ જવાય.

     પર્વત પરનો વિશાળ વ્યૂ જોતાં મન ધરાતું ન હતું. છતાં, પાછા તો આવવું જ પડે ને ? પેલા રોપવેમાં નીચે આવ્યા. અલયેસ્કા રીસોર્ટમાં ગરમાગરમ કોફી પીધી અને ગીરવુડ પાછા આવ્યા. હાઈવે પર ચડ્યા અને સીવર્ડ તરફ આગળ ચાલ્યા. દસેક માઈલ પછી પોર્ટેજ ગામ આવ્યું. અહીં સુધી દરિયો અમારી સાથે હતો. દરિયાનો ફાંટો અહીં પૂરો થતો હતો. કહે છે કે જેમ્સ કૂક ઉત્તર ધ્રુવ જવા નીકળ્યો ત્યારે પેસિફિક મહાસાગરમાંથી દરિયાના આ ફાંટામાં થઈને વહાણમાં પોર્ટેજ સુધી આવ્યો હતો. તેને એમ હતું કે આ ફાંટો છેક ઉત્તર ધ્રુવ જતો હશે. પણ દરિયાનો આ ફાંટો અહી પૂરો થઇ જતાં, તે અહીંથી પાછો વળી ગયો હતો. એટલે પોર્ટેજ તરફના દરિયાના આ ફાંટાને ‘ટર્ન અગેઇન આર્મ’ કહે છે.

     પોર્ટેજ આગળ રસ્તાનો એક ફાંટો પડે છે, એ ફાંટો વીટીયર નામના શહેર સુધી જાય છે. વીટીયર ૧૨ માઈલ દૂર છે. આ રસ્તે ૬ માઈલ પછી પોર્ટેજ નામનો ગ્લેશિયર આવે છે. અમને થયું કે ચાલો, પોર્ટેજ ગ્લેશિયર જોતા જઈએ. ગાડી લીધી એ તરફ. રસ્તો વચ્ચે પર્વતમાં બનાવેલા બોગદા (ટનેલ)માંથી પસાર થાય છે. રસ્તાની બાજુમાં નદી વહે છે. એક જગાએ રસ્તાની બાજુમાં જ નાનોસરખો ધોધ પડતો હતો. ધોધ તો જોવો જ પડે ને? ગાડીમાંથી ઉતરીને અમે બધાય ધોધમાં જઇ આવ્યા. મજા પડી ગઈ. મોટો ધોધ હોત તો બધા તેમાં નાહ્યા વગર પાછા ના જાત. અહીંથી અમે પોર્ટેજ સરોવર તરફ વળ્યા. કેટલું સરસ દ્રશ્ય હતું ! સરોવરના આ કિનારે પાણીમાં પગ બોળીને અમે ઉભા હતા. સામે બરફ અને ધુમ્મસછાયા પર્વતોની હારમાળા અને તેમાં એક પર્વત પર પોર્ટેજ ગ્લેશિયર ! વરસાદ વરસતો હતો. કુદરતની આવી અદભૂત લીલા બીજે ક્યાં જોવા મળે? આ સરોવરમાંથી જ પેલી નદી નીકળતી હતી. અમે પાછા વળતાં, એ નદી કિનારે એક જગાએ ઉભા રહ્યા. અહીંથી નદીની સામે પોર્ટેજ ગ્લેશિયર એકદમ સ્પષ્ટ દેખાતો હતો. અમારાથી તે લગભગ એકાદ માઈલ દૂર હતો. બધા ખુશ થઇ ગયા.

     પોર્ટેજ પાછા આવ્યા અને હાઈવે પર સીવર્ડ તરફ આગળ વધ્યા. હવે દરિયો અમારી જોડે ન હતો. આગળ જતાં ટર્ન અગેઇન પાસ આવ્યો. ખાસ કઈ જોવાનું હતું નહિ. આગળ સમીત લેક આવ્યું. અહીં ખાણીપીણી માટે સગવડ છે. આગળ જતાં, તર્ન લેક આગળથી સીવર્ડ તરફ જતા ૯ નંબરના રસ્તા પર ચડ્યા. સીવર્ડ પહોંચ્યા ત્યારે સાંજના આઠ વાગ્યા હતા. એન્કરેજથી સવારના નીકળ્યા, પણ રસ્તામાં બધું જોતા જોતા આવ્યા એટલે સીવર્ડ પહોંચવામાં સાંજ પડી. સીવર્ડ હાઈવેની આજુબાજુનો બધો વિસ્તાર ચુગાક નેશનલ ફોરેસ્ટ કહેવાય છે.

     સીવર્ડમાં અમે ‘ફાર્મ, બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ નામની કોટેજ બુક કરાવી હતી. જેનેટ અને જેઓન નામની દેરાણી-જેઠાણીની માલિકીની આ કોટેજ એક સ્વતંત્ર બંગલો જ હતો. વિશાલ રૂમો હતી. અમને તો આ કોટેજ બહુ જ ગમી ગઈ. માસ્ટર બેડરૂમના પલંગની છતમાં ફુલ અરીસા લગાડેલ હતા, એટલે પલંગમાં સૂતા હોઈએ તો ઉપર છતમાંથી લટકતા દેખાઈએ. સીવર્ડમાં બે વસ્તુ ખાસ જોવાની હતી, એક તો પેસિફિક મહાસાગરમાં ક્રુઝની સફર અને બીજું એક્ઝીટ ગ્લેશિયર.

ચોથો દિવસ:                               ક્રુઝની સફર      

     સીવર્ડ નાનકડું ગામ છે. બધી બાજુ ડુંગરાઓ છે. પેસિફિક મહાસાગરનો એક ફાંટો સીવર્ડ સુધી છે. આજે પેસિફિકમાં ક્રુઝની સફરનો પ્લાન હતો. નાહીધોઈ તૈયાર થઇ નીકળ્યા બંદર તરફ. એક જગાએ પવનચક્કી ફરતી હતી, ધ્રુવને તે બહુ ગમી ગઈ. ક્રુઝની ટીકીટો બુક કરાવી. વરસાદ ચાલુ જ હતો. જો બહુ વરસાદ હોય તો ક્રુઝ ના ઉપાડે અથવા સમુદ્રમાં થોડેક સુધી જઈને પાછા લઇ આવે. ક્રુઝ બે માળની હતી. બરાબર સાડા અગિયારે ક્રુઝ ઉપડી. અમારી સીટો પર બેઠા બેઠા જ કાચમાંથી બહારનાં દ્રશ્યો દેખાતાં હતાં, તો પણ અમે બહાર તૂતક પર જઈને ઉભા રહ્યા. ક્રુઝ બહુ જ તેજ ગતિએ ભાગતી હતી. પાછળ ઉછળતાં પાણી એક અદભૂત દ્રશ્ય સર્જતાં હતાં. ગાઈડભાઈ વચ્ચે આવતી જગાઓ વિષે સમજાવતા હતા. દરિયામાં વચ્ચે છૂટાછવાયા નાનામોટા ટાપુઓ આવતા હતા. આ ટાપુઓ એવા હતા કે જાણે દરિયામાંથી સીધી જ એક ટેકરી બહાર ઉપસી આવી હોય અને તેની સપાટીઓ એકદમ ઉભી હોય. આવા ટાપુ પર ઉતરાય જ નહિ અને કોઈ રહી શકે પણ નહિ. ટાપુઓ પર ખડકો અને ઝાડો પુષ્કળ હતાં. જયારે કંઇક જોવા જેવું આવે ત્યારે ક્રુઝ ધીમી પડે અને ગાઈડ એ જગાનું વર્ણન કરે. એક જગાએ મોટી વ્હેલ માછલીઓ જોવા મળી. એ પાણીની બહાર આવે અને કૂદીને પાછી પાણીમાં જતી રહે. હાથી જેવું વિશાળ શરીર ધરાવતી વ્હેલ પહેલી વાર નજરોનજર જોવા મળી, એથી બધા આનંદથી ઝૂમી ઉઠ્યા. બીજા એક ટાપુ જેવા ખડક પર મોટી સંખ્યામાં જળબિલાડા (Sea Lion) પડ્યા હતા, એ પણ નજીકથી જોવા મળ્યા. એક ટાપુ પર એક બકરી ચરતી હતી.  

     આગળ જતાં વિશાળ ખુલ્લો દરિયો આવ્યો. બસ, બધી બાજુ પાણી જ પાણી. લાગ્યું કે પેસિફિક મહાસાગરમાં આવી ગયા છીએ. મહાસાગરમાં વચ્ચે પહોંચવાની આવી તક ક્યાં મળે? વળી પાછા બીજા ટાપુઓ દેખાયા. પાણી, ટાપુના કિનારે અથડાય ત્યારે ઉંચું મોજું ઉછળે. ક્યાંક સમુદ્રના પાણીએ ટાપુમાં ગુફા કોતરી કાઢી હોય, એમાં પાણી પેસે અને બહાર આવે. આ બધું જોવાની મજા આવી ગઈ.

     આગળ જતાં દરિયા પર ઉડતાં સફેદ રંગનાં સંખ્યાબંધ પક્ષીઓ દેખાયાં. કેટલાંકને લાલ કે પીળી ચાંચ હતી. આ પક્ષીઓ પફીન્સના નામે ઓળખાય છે. પહેલાં એમ લાગ્યું કે આ પક્ષીઓ ક્યાં રહેતાં હશે? એટલામાં તો બીજા ટાપુઓ દેખાયા, આ ટાપુઓ પર હજારોની સંખ્યામાં આવાં પક્ષી બેઠેલાં હતાં. તેઓ દરિયા પર ઉડીને પાછાં ટાપુ પર આવી જતાં હતાં. દરિયાઈ માછલી એ એમનો ખોરાક હતો. ટાપુઓ પર બેઠેલાં પફીન્સનો કલબલાટ પણ સંભળાતો હતો. આ આખું દ્રશ્ય એવું હતું કે જાણે કે ટીવીની નેશનલ જ્યોગ્રોફીક ચેનલ આપણી નજર સમક્ષ આવી ગઈ હોય. મીનાને નેશનલ જ્યોગ્રોફીક ચેનલના પ્રાણીઓ-પક્ષીઓવાળા એપિસોડ બહુ જ ગમે છે. આ બધું અહીં નજરોનજર જોઇને એને બહુ જ આનંદ થયો. ક્યારે ય એવી કલ્પના કરી હોય ખરી કે આવાં દ્રશ્યો નજર સામે અસલી સ્વરૂપમાં જોવા મળે? મીના અને અમે બધાએ વરસાદી કોટ (પોન્ચો) પહેરીને તૂતક પર ઉભા રહી આ દ્રશ્યોનો આનંદ માણ્યો. અરે ! ઉપલા માળે છત પર જઇ ઝડપથી ભાગતી ક્રુઝમાં દરિયા વચ્ચે સખત પવન અને વરસાદનો અનુભવ પણ કરી આવ્યા.

     ચારેક કલાકની દિલધડક સફર કરી ક્રુઝ પાછી વળી. ક્રુઝમાં ફૂડ પેકેટ પણ આપ્યું. કિનારાથી લગભગ ૪૦ માઈલ જેટલું દરિયામાં ગયા હોઈશું. કિનારે પાછા આવ્યા ત્યારે, છને બદલે ચાર કલાક જ મુસાફરી કરી હોવાથી, ક્રુઝ કંપનીએ થોડા ડોલર પાછા આપ્યા. ૪ કલાક પૂરતા જ લાગ્યા હતા. અને કંપનીની પ્રામાણિકતા દિલને સ્પર્શી ગઈ. ક્રુઝની આ મુસાફરી જિંદગીનું એક સંભારણું બની રહેશે. આજે પણ ક્રુઝનાં દ્રશ્યો યાદ આવતાં દિલના તાર ઝણઝણી ઉઠે છે. ક્રુઝમાં ફર્યા એ બધો વિસ્તાર કેનાઇ ફોર્ડ નેશનલ પાર્ક કહેવાય છે.

     ક્રુઝમાંથી ઉતરીને એક શોપમાં થોડું રખડ્યા, સોવેનીયર વગેરે લીધું અને અમારી પ્યારી કોટેજમાં પહોંચ્યા. આજે તો અમે કોટેજમાં ખીચડી બનાવીને ખાધી. ઘેરથી ઈલેક્ટ્રીક તપેલી, દાળ, ચોખા બધું લઈને જ આવ્યા હતા. આવતી કાલે એક્ઝીટ ગ્લેશિયર જોવા જવાનું હતું.

પાંચમો દિવસ:             એક્ઝીટ ગ્લેશિયર (Exit Glacier)

     સવારે કોટેજના રસોડામાં ભરપેટ નાસ્તો કર્યો અને ઉપડ્યા એક્ઝીટ ગ્લેશિયર તરફ. જેનેટ અમારા નાસ્તા માટે સારી કાળજી લેતી હતી. સીવર્ડની આજુબાજુ લગભગ ચાલીસેક જેટલા ગ્લેશિયર છે. પણ આ બધામાં એક્ઝીટ નામનો આ એક જ ગ્લેશિયર એવો છે કે જેની નજીક ગાડી જઇ શકે. સીવર્ડથી તે લગભગ ૧૨ માઈલ દૂર છે. એક્ઝીટ ગ્લેશિયરમાંથી નીકળતી નદી છેક સીવર્ડ સુધી આવે છે. એને કિનારે કિનારે જ જવાનું હતું. ગાડી દોડી રહી હતી. ગાડીમાંથી પણ દૂર પર્વતના શિખર પર એક્ઝીટ ગ્લેશિયર દેખાતો હતો. વચમાં એક જગાએ ગાડી ઉભી રાખી થોડી વાર સુધી તો ગ્લેશિયર જોયા કર્યો. છેવટે ત્યાં પહોંચી, ગાડી પાર્કીંગમાં મૂકી. ગ્લેશિયર હજુ દોઢ માઈલ દૂર હતો. આ અંતર ચાલીને જવાનું હતું. અમે બધા આ માટે તૈયાર જ હતા. વરસાદ ચાલુ હતો. ઠંડી તો હતી જ. એટલે શ્વેટરોની ઉપર વરસાદી કોટ ચડાવી દીધા. મારે પગમાં જેલીવાળા સ્પોર્ટ્સ બૂટ અને હાથમાં લાકડી તો ખરી જ. ધ્રુવ માટે સ્ટ્રોલર લીધું. અમે ચાલવાનું શરુ કર્યું. થોડેક સુધી ગયા પછી કાચો રસ્તો શરુ થયો. જંગલમાં કેડીમાર્ગે ચાલી રહ્યા હતા. પછી તો ચડાણ શરુ થયું. ક્યાંક તો કેડી પણ નહિ, ખડકો પર માંડ પગ ટેકવીને ચડાય એવો વિકટ રસ્તો હતો. મને જરૂર પડે વિરેન-મિલન હાથ પકડીને ઉપર ચડાવતા હતા. આવા રસ્તે સ્ટ્રોલર તો જઇ શકે નહિ, એટલે સ્ટ્રોલર રસ્તામાં એક જગાએ મૂકી દીધું. ધ્રુવ અને માનસીને સાચવીને ચડાવવાનાં. વચમાં બેચાર મિનીટ કોઈ પત્થર પર બેસીને સહેજ આરામ લઈને આગળ વધીએ. પણ ગ્લેશિયર સુધી પહોંચવું જ છે, એવો દ્રઢ નિર્ધાર કર્યો હતો. એટલે અમે નવે નબ જણ છેક ગ્લેશિયર સુધી પહોંચી ગયા.

     અ હા હા હા ! અહી ગ્લેશિયરની બાજુમાં ઉભા રહી, ગ્લેશિયરનાં શું ભવ્ય દર્શન થતાં હતાં ! બે પર્વતોની વચ્ચેના ઢોળાવ પર બરફનો ખૂબ જ લાંબોપહોળો જાડો થર. નજીકથી તો તે બહુ જ મોટો લાગતો હતો. આવો ભવ્ય ગ્લેશિયર નજરે જોવાની ક્યારેય કલ્પના નહોતી કરી. આજે એ દ્રશ્ય આંખોની સામે હતું.  આવું દ્રશ્ય જોવા મળે એ બેજોડ ઘટના હતી. હિમાલયમાં ઘણા ગ્લેશિયર છે. તેમાંથી કેટલીયે નદીઓ નીકળે છે. જેમ કે ગંગોત્રી આગળ ગૌમુખમાંથી ભાગીરથી (ગંગા) નદી નીકળે છે, એ બધું યાદ આવી ગયું. બરફથી છવાયેલ કૈલાસ પર્વત અને માનસરોવરનું પણ સ્મરણ થઇ આવ્યું. મનોમન શીવ ભગવાનને નમન કર્યું. આવાં સ્થળોએ શીવજીનો વાસ હોય જ.

     એક્ઝીટ ગ્લેશિયરની આ જગાનું દ્રશ્ય મનમાં કોતરાઈ ગયું. હું, ધ્રુવ અને મીના સિવાય બાકીના બધા તો થોડું આગળ જઇ, ગ્લેશિયરની સાવ નજીક જઇ આવ્યા. લગભગ અડધો કલાક અહીં બેસી પાછા વળ્યા, ચાલીને પાર્કીંગ સુધી પહોંચ્યા. પાછા વળતાં, વચ્ચે મૂકી દીધેલું સ્ટ્રોલર ના મળ્યું. પણ વીઝીટીંગ સેન્ટર પર પૂછપરછ કરતાં ત્યાંથી પાછું મળી ગયું. કોઈ પ્રામાણિક વ્યક્તિએ તેને લઇ જઈને, સેન્ટરમાં જમા કરાવેલું. એક્ઝીટ ગ્લેશિયરનો અનુભવ બહુ જ થ્રીલીંગ અને રોમાંચક રહ્યો. ગ્લેશિયરને નજીકથી જોવાની આવી તક જિંદગીમાં ભાગ્યે જ મળે. કુટુંબના નવ જણને એક સાથે આવી તક મળે એ ચમત્કાર જ કહેવાય ! જીવનની આ એક ઉત્તમ યાદગીરી છે.

     પછી તો કોટેજ પર પાછા આવ્યા. એવું જાણ્યું હતું કે ગ્લેશિયર સુધી હેલીકોપ્ટર ટુર જતી હોય છે. આવી ટુરમાં હેલીકોપ્ટરને બરફ પર ઉતારી, ત્યાં થોડી વાર બરફ પર ઉભા રહેવા દે છે. આ તો ઘણું ઘણું થ્રીલીંગ કહેવાય. એક ટુરવાળાને ફોન કર્યો તો તેણે ‘હા’ પણ પાડી. અમે ૪ જણ હેલીકોપ્ટરની ઓફિસે ગયા. હેલીકોપ્ટરે ય હાજર હતું. પણ ખરાબ હવામાનને કારણે તેઓએ હેલીકોપ્ટર ઉપાડવાની ના પાડી દીધી. નહિ તો અમે ગ્લેશિયરના બરફ પર પણ પગ મૂકી આવત. પણ એનો કોઈ અફસોસ નથી. જે જોઈ આવ્યા એ જ ઘણું ઘણું વધારે છે.

     થાક તો બધાને લાગ્યો હતો. સાંજે કોટેજ પર સેન્ડવીચ બનાવીને ખાધી. સીવર્ડમાં આ ત્રીજી રાત હતી. અહીં અમને બહુ જ ગમી ગયું હતું. આ માત્ર એક હોટેલ કે કોટેજ ન હતી, અહીં અમને ઘર જેવું લાગતું હતું. જેનેટ નાસ્તાની સાથે, ઝાડ પરથી તોડીને તાજાં ચેરીનાં ફળ પણ આપતી હતી. અહી વોશીંગ મશીનની પણ સગવડ હતી. કાલે સવારે અમે સીવર્ડ છોડવાના હતા. સીવર્ડમાં સીલાઈફ સેન્ટર છે, પણ એ ના જોઈએ તો ચાલે.

17d_IMG_240020b_IMG_323622e_IMG_247727d_IMG_258129a_IMG_395429e_IMG_359729k_IMG_372832d_IMG_378633a_IMG_378834b_IMG_380936b_IMG_405536e_IMG_406136m_IMG_4082

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: