અલાસ્કાની સફરે – 3

                                                       અલાસ્કાની સફરે – 3

છઠ્ઠો દિવસ:                               સીવર્ડથી ડેનાલી તરફ

આજનો દિવસ ડ્રાઈવીંગનો હતો. સીવર્ડથી નીકળી ઉત્તરમાં એન્કરેજ થઈને ડેનાલી જવાનું હતું. સીવર્ડથી એન્કરેજ ૧૨૮ માઈલ અને એન્કરેજથી ડેનાલી ૨૩૭ માઈલ. સવારે જેનેટનો નાસ્તો કર્યો. છેલ્લે અગાશીમાં જઇ થોડા ફોટા પાડી આવ્યા. અહીં એક વરુની મોઢા સહિતની અસલી ખાલ પડી હતી. વિરેને તો આ ખાલ માથે મૂકીને ફોટા પડાવ્યા. પછી નીકળી પડ્યા એન્કરેજ તરફ. એ જ રસ્તો હતો, એટલે અત્યારે તો ક્યાંય કશું જોવા રોકાવાનું ન હતું. બપોરે એન્કરેજમાં ટાકો બેલમાં જમી લીધું, અને ચાલ્યા ડેનાલી તરફ.

ત્રીસેક માઈલ પછી એકલુટના તળાવ આવ્યું. અહીં નીચે ઉતરી તળાવ કિનારે ફરી આવ્યા. પાણી ચોખ્ખું નીતર્યા કાચ જેવું હતું. પવન સખત હતો, બધાને મજા પડી ગઈ. આ તળાવનું પાણી એન્કરેજને પૂરું પાડવામાં આવે છે. પછી આગળ ચાલ્યા. રસ્તો જંગલમાંથી જ પસાર થતો હતો. વશીલા વગેરે ગામો પસાર થયાં. વચમાં ઘણી નદીઓ આવી. ડેનાલી પહોંચ્યા ત્યારે સાંજના છ વાગ્યા હતા. અમારું બુકીંગ હોટેલ ‘નોર્ડ હેવન’માં હતું. હોટેલ ડેનાલી ગામથી ૧૫ માઈલ દૂર ફેરબેંક જવાના રસ્તા પર હતી. હોટેલ સરસ હતી. ખૂબ ખુલ્લા વાતાવરણમાં દૂરદૂરની ટેકરીઓનાં દ્રશ્યો નજરે પડતાં હતાં.

અમે પૃથ્વી પર ઘણા બધા ઉત્તરમાં આવી ગયા હતા. આથી અત્યારે ઉનાળામાં રાતના દસ વાગ્યા સુધી સૂર્યનું અજવાળું રહેતું હતું. અહીંથી પૃથ્વીનો ઉત્તર ધ્રુવ બહુ દૂર ના કહેવાય, તો પણ દૂર તો હતો જ. અમે કંઈ ઉત્તર ધ્રુવ જવાના ન હતા. થોડી ભૂગોળની ભાષામાં વાત કરીએ. આપણું અમદાવાદ કે ડલાસ આશરે ૨૩ અંશ અક્ષાંશ પર છે. જેમ ઉત્તર તરફ જઈએ એમ સ્થળના અક્ષાંશ વધતા જાય. અમે ફરેલાં ત્રણ સ્થળો સીવર્ડ, એન્કરેજ અને ડેનાલી એ ૬૧ થી ૬૪ અંશ વચ્ચે આવેલાં છે. ૬૬.૫ અંશ અક્ષાંશથી ધ્રુવપ્રદેશ શરુ થાય. ધ્રુવ પ્રદેશ એટલે બરફ જ બરફ. આપણે ભણ્યા છીએ કે ધ્રુવ પ્રદેશમાં એસ્કીમો વસે છે, અને તેઓ બરફનાં ઘર ઇગ્લુમાં રહે છે. અહીં કૂતરાઓ ખેંચતા હોય એવી બરફમાં ચાલતી સ્લેજ ગાડીઓ પણ હોય છે. અલાસ્કામાં ઉત્તરમાં ૭૧ અંશ અક્ષાંશ પર આવેલા ‘પૃધો બે’ સુધી જવાના પાકા રસ્તા છે. પછી તો આર્કટીક સમુદ્ર આવી જાય. છેક ૯૦ અંશ અક્ષાંશ પર ઉત્તર ધ્રુવ આવે. એટલે કે પૃથ્વીનો ઉત્તર છેડો, જ્યાં વર્ષના છ મહિના દિવસ અને છ મહિના રાત હોય છે. ત્યાં કોઈ રહેતુ નથી. માત્ર થોડા સાહસિકો ત્યાં જઈને પાછા આવ્યા છે. આ બધા વિસ્તારોમાં ક્યારેક રંગબેરંગી ધ્રુવીય જ્યોત (અરોરા) પણ દેખાય છે. અમે ધ્રુવ પ્રદેશની કેટલા બધા નજીક આવ્યા હતા ! આપણે ૬૬.૫ અંશ અક્ષાંશ ઓળંગીએ તો ધ્રુવવૃત ઓળંગ્યાનું સર્ટીફીકેટ પણ આપે છે. હવે ભૂગોળ છોડીને આપણી વાત પર આવીએ.

હોટેલમાં અમે રૂમ પર જ કસાડિયા બનાવીને ખાધા.

સાતમો દિવસ:                       ડેનાલી નેશનલ પાર્ક

આજે ડેનાલી નેશનલ પાર્કમાં ફરવાનો પ્રોગ્રામ હતો. આ માટે ફોનથી ૧૧ વાગ્યાની બસમાં બુકીંગ કરાવી લીધું. પરવારીને, હોટેલનો નાસ્તો ઝાપટીને નીકળી પડ્યા. બજાર તરફ ચાલ્યા. વચમાં નેનાના નદી આવે. એમાં જબરજસ્ત પાણી વહેતું હતું. બધાને નદીમાં ઉતરવાની ઈચ્છા થઇ. એક જગાએ નદીમાં ઉતરાય એવું લાગ્યું, એટલે ગાડી સાઈડમાં ઉભી રાખી અને બધા દોડ્યા નદી તરફ. નદીના વહેતા પાણીનો આનંદ માણ્યો, પણ ખૂબ સાચવીને, નદીમાં ખેંચાઈ ના જવાય એ રીતે. ઘણા ફોટા ક્લીક કર્યા. પછી બજારમાં પહોંચ્યા. અહીં પણ હેલીકોપ્ટર રાઈડ માટે પૂછ્યું, પણ ખરાબ વેધરને લીધે ના પાડી.

આ દરમ્યાન મિલન અને છોકરાં એક ટ્રેઈલ પર ચાલવા નીકળી પડ્યાં. તેઓ નેનાના નદીમાં ફરી લટાર મારી આવ્યા. ડેનાલી નેશનલ પાર્ક માટેની અમારી બસ ‘વાઈલ્ડરનેસ એક્સેસ સેન્ટર’ આગળથી ઉપડવાની હતી. અમે એ સેન્ટર શોધીને એ જગાએ પહોંચી ગયા. મિલન અને છોકરાં પણ ચાલતા ત્યાં આવી ગયા. ડેનાલી નેશનલ પાર્કમાં આપણી ગાડી લઈને ફરી શકાય નહિ. તેમની બસમાં જ જવું પડે. હા, ફક્ત ૧૫ માઈલ સુધી અંદર ગાડી લઇ જવા દે છે.

વાઈલ્ડરનેસ એક્સેસ સેન્ટરથી ડેનાલી નેશનલ પાર્કમાં ફરવા માટે ૪ જાતની ટુરો ઉપાડે છે. એમાંથી અમે ‘ટોકલાત’ની બસનું બુકીંગ કરાવ્યું હતું. અમે થોડો નાસ્તો કરી લીધો. બરાબર ૧૧ વાગે અમારી બસ ઉપડી. સાંજે ૬ વાગ્યા સુધી ફરવાનું હતું. બસની ડ્રાઈવરનું નામ ‘કીટી’ હતું. ડ્રાઈવીંગની સાથે સાથે તે ગાઈડ તરીકે બધું સમજાવતી પણ હતી.

ડેનાલી નેશનલ પાર્કમાં જંગલો, નદીઓ, પર્વતો અને ગ્લેશિયરો વગેરે છે. ઘણાં પ્રાણીઓ પણ વસે છે. બધી કુદરતી જગાઓ જેમની તેમ સચવાઈ રહે અને વન્ય પ્રાણીઓનું રક્ષણ થાય તેની પૂરતી કાળજી કરવામાં આવે છે. અમારે બસમાં બેઠા બેઠા જ બધું જોવાનું, ક્યાંક ઉતરવા જેવો પોઈન્ટ આવે ત્યાં ઉતરવાનું.

બસમાં ૧૫ માઈલ ગયા પછી, ગાડીઓનું પાર્કીંગ આવ્યું. પોતાની ગાડી લઈને આવનારને અહીંથી ગાડી આગળ ના લઇ જવા દે. અહી સેવેજ નામની નદી વહે છે. અમારી બસ આગળ ચાલી. જમણી બાજુના પર્વતોની ધારે ધારે રસ્તો આગળ વધતો હતો. ડાબી બાજુ ખીણોમાં અવારનવાર નદીઓ દેખાતી હતી. ડાબી બાજુ દૂર દૂર બરફછાયા પર્વતો એક પછી એક દેખાતા હતા. તેમાંના ગ્લેશિયરો પીગળીને આ નદીઓ બનતી હતી અને ખીણોમાં વહેતી હતી. આવાં દ્રશ્યો આપણે ત્યાં હિમાલય વિસ્તારમાં કેટલી યે જગાએ જોવા મળે છે. ડાબી બાજુના પર્વતોમાં સૌથી ઉંચો પર્વત મેકકીન્લે છે. તે ૨૦૩૨૦ ફૂટ ઉંચો છે. યુ.એસ.એ.નો આ ઉંચામાં ઉંચો પર્વત છે. જો કે એ નગાધિરાજનાં અમને દર્શન થવાનાં ન હતાં, કારણ કે અમારી બસના રસ્તાથી તો એ પર્વત ઘણો દૂર હતો. હેલીકોપ્ટરવાળા કદાચ માઉન્ટ મેકકીન્લેની આસપાસ ચક્કર મારતા હશે. તમને યાદ કરવું કે દુનિયાનું સૌથી ઉંચું પર્વત શિખર નેપાળમાં આવેલું હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ છે, એ ૨૯૦૦૦ ફૂટ ઉંચું છે.

અમારી બસના રસ્તે આગળ સેન્કચ્યુરી અને એકલાનીકા નદીઓ આવી. એક જગાએ અમે દૂર દૂર એક કાળુ રીંછ પણ જોયું. એક નદીના કિનારે સરસ વ્યૂ પોઈન્ટ હતું. અહીં અમે બધા બસમાંથી ઉતર્યા. નદી તો ઘણે ઉંડે હતી. સામેના પર્વતો અને નદીનો વ્યૂ બહુ જ સરસ દેખાતો હતો. અમે બાજુની એક ટેકરી પર ચડી ગયા. અહીંથી આજુબાજુનું દ્રશ્ય બહુ જ સુંદર લાગતું હતું. આવી જગાએ તો ફોટા પાડવાના જ હોય ને? આગળ એક રેસ્ટ એરીયામાં ફરીથી બસમાંથી ઉતર્યા. અહીં ફરવાની અને નદી કિનારાની ગેલેરીમાં ઉભા રહીને નદીનો નઝારો જોવાની મજા આવી.

છેલે ટોકલાત પહોંચ્યા. અહીં ટોકલાત નદીને કિનારે સરસ વ્યૂ પોઈન્ટ બનાવ્યું છે. એક શોપ પણ છે. નદીમાં ઉતર્યા. અહીંની બધી નદીઓ હિમાલયની નદીઓની જેમ ખડ ખડ વહેતી છે, એટલે એ જોવાનું ખૂબ ગમે. મેદાનમાં ફર્યા, છોકરાંને ખુલ્લામાં ફરવાનું ગમ્યું. અહીં એક પ્રાણીનાં મોટાં શીંગડાં પડ્યાં હતાં, ઘણાએ તે માથે મૂકીને ફોટા પડાવ્યા.

ટોકલાતથી અમારી બસ એ જ રસ્તે પાછી વળી. પાછા વળતાં મૂઝ અને કરીબુ પ્રાણીઓ જોવા મળ્યાં. કરીબુ ઘોડા જેવું પણ ઘોડા કરતાં મોટું પ્રાણી છે. આવાં અલભ્ય પ્રાણીઓ તો ફક્ત આવી જગાએ જ જોવા મળે.

છેલ્લે ડેનાલી પહોંચ્યા, ત્યારે સાંજના ૭ વાગ્યા હતા. આજે પાર્કમાં બધું થઈને ૫૩ માઈલ ફર્યા હતા. અમે એન્કરેજથી બ્રેડ અને ઘણું બધું ખરીદ્યું હતું, તે આજે સાંજે ખાઈ લીધું. ડેનાલીનો અમારો પ્રોગ્રામ પૂરો થયો હતો.

આઠમો દિવસ:                         બેન્ટનવીલે તરફ પાછા

અમારા પ્રવાસનો આ છેલ્લો દિવસ હતો. અમે એન્કરેજ, સીવર્ડ અને ડેનાલી એમ ત્રણ સ્થળોએ ફર્યા. આજે સાંજે ૫ વાગે એન્કરેજથી અમારી રીટર્ન ફ્લાઈટ હતી.

ડેનાલીથી સવારે હોટેલમાં નાસ્તો કરી, એન્કરેજ આવવા નીકળી પડ્યા. બપોરે ૧ વાગે એન્કરેજ પહોંચ્યા. એન્કરેજમાં ઇન્ડીયન ફૂડ મળે છે, એવું જાણ્યું હતું. એટલે અમે ભારતીય ખાણું પીરસતા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. ગુલાબજાંબુ, પંજાબી રોટી અને શાક, ગુજરાતી બટાકા-ફ્લાવરનું શાક, ચણા, સલાડ, ભાત, દાલ ફ્રાય અને ઘણું બધું હતું. કેટલા બધા દિવસો પછી ભારતીય ખાણું મળ્યું હતું ! મજા આવી. રેસ્ટોરન્ટ ચલાવનારા પણ પંજાબી હતા. અમેરીકામાં આટલે દૂર અલાસ્કામાં ગુજરાતી-પંજાબી ખાવાનું મળે એ કેટલા આનંદની વાત છે ! આપણા ભારતીય લોકો દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયા છે.

જમીને ઉપડ્યા એરપોર્ટ તરફ. ત્યાં પહોંચી રેન્ટલ કાર પછી આપી. અઠવાડિયાથી અમારી સાથે રહેલી આ કાર, જાણે કે અમારું સ્વજન બની ગઈ હતી. સામાન લઇ, કાઉન્ટર પર જઇ, બોર્ડીંગ પાસ લીધા, અને સમય થતાં, અલાસ્કાને ‘રામ રામ’, ‘બાય બાય’, ‘ટા ટા’ કહી, વિમાનમાં ગોઠવાયા. રીટર્નમાં પણ એ જ રીતે પાછા આવવાનું હતું. એન્કરેજથી સીએટલ અને સીએટલથી વિમાન બદલી ડલાસ પહોંચ્યા ત્યારે ડલાસમાં સવારના ૫ વાગ્યા હતા. પ્રવાસનો નવમો દિવસ શરુ થયો હતો. અહીથી બેન્ટનવીલેનું વિમાન ૧૧ વાગે હતું. અમે છ કલાક એરપોર્ટ પર જ આરામ અને ઉંઘવામાં પસાર કરી નાખ્યા. નાસ્તો કર્યો. સમયસર વિમાન ઉપડ્યું અને બપોરે ૧૨ વાગે બેન્ટનવીલે પહોંચી ગયા. સામાન લીધો. અગાઉ નક્કી કર્યા મૂજબ, મિલનના બે દોસ્તો નાગેશ અને સુરભિ પોતપોતાની ગાડીઓ લઈને અમને લેવા આવ્યા હતા. તેઓએ અમને આવકાર્યા અને અમને મિલનને ઘેર પહોંચાડી દીધા.

પ્રવાસ બિલકુલ હેમખેમ પૂરો થયો હતો. એક જ કુટુંબના અમે નવ જણ એક સાથે, અલાસ્કા ફરી આવ્યાનો ખૂબ જ આનંદ હતો. અલાસ્કામાં ફેરબેંક અને જુનેઉ બીજાં જાણીતાં શહેરો છે. અલાસ્કા, વિમાનને બદલે ક્રુઝમાં પણ જઇ શકાય છે. પણ એમાં દિવસો વધુ લાગે.

ઘેર પહોંચ્યા પછી વિરેનનો પહેલો પ્રશ્ન એ હતો કે “પપ્પા, હવે નવો પ્રવાસ ક્યારે ગોઠવવો છે?”

37i_IMG_389237j_IMG_385937m_IMG_386538g_IMG_391938h_IMG_392441d_IMG_397741e_IMG_398042a_IMG_271743_IMG_272143d_IMG_405643g_IMG_405844e_IMG_274446b_IMG_276046e_IMG_415346f_IMG_4157

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: