જેસ્પર(અમેરીકા) ગામની મુલાકાતે

                                                  જેસ્પર(અમેરીકા) ગામની મુલાકાતે

યુ.એસ.એ. (અમેરીકા)નું આર્કાન્સા રાજ્ય, એ નેચરલ સ્ટેટ (કુદરતી સૌન્દર્ય ધરાવતું રાજ્ય) કહેવાય છે. કેમ કે અહીં કુદરતી સૌન્દર્ય ઠેર ઠેર પથરાયેલું પડ્યું છે. અહીં ગાઢ જંગલો, જંગલો વચ્ચે વહેતી નદીઓ, પ્રાણીઓ-પક્ષીઓ, ટેકરાઓ, પર્વતો, ધોધ, તળાવો, વસંત ઋતુનાં રંગબેરંગી વૃક્ષો – બસ તમે જોતાં થાકો એટલું બધું અહીં માણવા મળે એવું છે. આ રાજ્યના બેન્ટનવીલે નામના ગામમાં અમે થોડો સમય રહ્યા હતા. ત્યારે અહીંની સુંદરતા નીરખવા માટે અમે એક વાર જેસ્પર નામના ગામની આસપાસ ફરવાનો બે દિવસનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો.

જેસ્પર (Jasper) ફક્ત ૫૦૦ માણસોની વસ્તી ધરાવતું ગામ છે. તે પર્વતોની તળેટીમાં ગાઢ જંગલો વચ્ચે બફેલો નદીને કિનારે વસેલું છે. ગામની આજુબાજુ ધોધ, નદીઓ વગેરેમાં ફરવાની મજા આવે એવું છે. એટલે અહીં ઘણા ટુરિસ્ટો આવતા હોય છે. ખાસ તો જેને જંગલ વચ્ચે રહેવાની, પર્વતોની ટ્રેઈલોમાં ઘુમવાની, નદીમાં રાફટીંગ કરવાની, ધોધ તરફ ચાલવાની વગેરે સાહસિક પ્રવૃત્તિઓ ગમતી હોય એવા લોકો ખાસ આવતા હોય છે. જેસ્પર આવી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.

બેન્ટનવીલેથી જેસ્પર આશરે ૮૫ માઈલ દૂર છે. અમેરીકામાં અંતરો કિલોમીટરને બદલે માઈલમાં ગણવાની પ્રથા છે. એટલે આપણે અહીં અંતરો માઈલમાં જ લખીશું. ૧ માઈલ બરાબર ૧.૬ કિલોમીટર થાય. અમે એક સવારે બેન્ટનવીલેથી ૨ ગાડીઓ લઈને નીકળી પડ્યા. અમે કુલ ૧૩ જણ હતા. રસ્તો જંગલોથી ભરપૂર હતો. વચ્ચે હન્ટસવીલે ગામ આગળ ચાનાસ્તો કર્યો. જેસ્પર પહોંચતા પહેલાં વચ્ચે ‘લોસ્ટ વેલી’ નામની એક જગા આવે છે. અહીં જંગલમાં એડન ફોલ નામનો એક ધોધ છે. અમને થયું કે ચાલો, આ ધોધ જોતા જઈએ, એટલે ગાડી લીધી લોસ્ટ વેલી તરફ. પાર્કીંગમાં પહોંચીને ગાડી પાર્ક કરી દીધી. હવે લગભગ દોઢ માઈલ ચાલવાનું હતું. બિલકુલ જંગલોની વચ્ચે ચાલવા માટે ટ્રેઈલ (કેડી જેવો રસ્તો) બનાવેલ છે. જંગલના પર્યાવરણને જરા પણ નુકશાન ન થાય એનો ખ્યાલ રાખીને રસ્તો બનાવ્યો છે. ચાલતા કે વધુમાં વધુ સાઈકલ પર જઇ શકાય. અમે ચાલવાનું શરુ કર્યું. વાતાવરણ વાદળછાયું હતું. ટ્રેઈલની બાજુમાં પાણીનો વહેળો હતો. ધોધનું પાણી આ વહેળામાં થઈને વહી જાય એવી રચના હતી. ચારે બાજુ ગાઢ ઉંચાં વૃક્ષો હતાં. વચ્ચે વચ્ચે બેસીને સહેજ આરામ કરવા માટે બાંકડા હતા. રસ્તો વળાંકો અને ચડાણવાળો હતો. અમે બધા જંગલમાં રખડવાની મસ્તી અને મજા માણતા હતા. ક્યાંક જંગલ કે વહેળા તરફ જઇ એમાં ઉતરવાની ખુશી અનુભવતા હતા. શહેરમાં રહેનારને આવો લ્હાવો ક્યાંથી મળે? કુદરતને ખોળે ફરવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. આમ કરતાં કરતાં ધોધ સુધી પહોંચ્યા. છેલ્લે તો ખડકો પર થઈને ઉતરવાનું હતું. ઉનાળાની ઋતુ હતી, એટલે ધોધમાં ખાસ પાણી ન હતું. પણ ચોમાસામાં વરસાદ પડી ગયા પછી તરત આવ્યા હોઈએ તો અહીં કેટલી બધી મજા આવે ! ધોધનો કર્ણપ્રિય અવાજ, ધોધમાં નહાવાનું, રખડવાનું, બસ અહીંથી ખસવાનું જ મન ના થાય. ધોધ પડ્યા પછી ગુફાઓમાં થઈને નીચે આવે છે. અમારામાંથી ઘણા એ ગુફાઓમાં પણ જઇ આવ્યા.

છેવટે એ જ રસ્તે ચાલતા પાછા આવ્યા. પાર્કીંગમાં આવી ચાલ્યા જેસ્પર તરફ. જેસ્પર ગામમાં થઈને, ગામથી એકાદ માઈલ દૂર આવેલી કેબિનમાં પહોંચ્યા. અમે બે દિવસ રહેવા માટે આ કેબિન અગાઉથી બુક કરાવી હતી. કેબિન એટલે આખો બંગલો જ જોઈ લ્યો. જંગલની વચ્ચે, ઝાડોના ઝુંડની વચ્ચે માત્ર આ એક જ બંગલો. આજુબાજુ દૂર સુધી બીજું કોઈ જ મકાન નહિ. શહેરની ભરચક વસ્તી વચ્ચે રહીને કંટાળેલા માણસોને હવે આવી એકાંત કેબિનમાં બેચાર દિવસ રહેવાનું મન થઇ જતું હોય છે. વળી, આ કેબિન એટલે માત્ર ખાલી મકાન જ નહિ, પણ બધી સગવડોથી સુસજ્જ એવો બંગલો. અમારી આ કેબિનમાં બેઠક રૂમ, રસોડું, ડાયનીંગ ટેબલ, નાનામોટા મળીને ત્રણ બેડરૂમ, ટેબલ ટેનીસ રૂમ, ગેલેરી, હોટ બાથ, પાછળ ખુલ્લી જગામાં બેસવા માટે લાકડાનાં ખુરસીટેબલ એમ બધું જ હતું. રસોડામાં રસોઈ માટે બધાં જ વાસણો, ખાંડ, મીઠું, મસાલા, ઓવન, માઈક્રોવેવ, જમવા માટેના થાળી, વાટકા એમ બધી જ સગવડ હતી. હા, રસોઈ માટેનું મટીરીયલ આપણે લઈને જવાનું. બાથરૂમોમાં ગરમ પાણી, ટુવાલો, નેપકીન, બેઠકરૂમમાં સોફા, ખુરસીઓ, ટીપોય – ટૂંકમાં સંપૂર્ણ સજાવટવાળો બંગલો જ હતો. અહીં કેબિનનો માલિક કે બીજું કોઈ જ ન હોય. આવી કેબિનમાં રહેવાની કેવી મજા આવે ! અરે, આજુબાજુ કંઈ જોવા ના જવું હોય અને બે દિવસ ખાઈપીને પડ્યા રહેવું હોય તો પણ ગમે.

અમે ઘેરથી ઘણું બધું ખાવાનું લઈને આવ્યા હતા. પૂરી, શાક, થેપલાં, અથાણું, ચીપ્સ એવું બધું જમી લીધું. ચા બનાવીને પીધી. બપોરે આરામ ફરમાવ્યો.

જેસ્પર ગામથી ૭ માઈલ દૂર ટ્રીપલ ફોલ નામનો ધોધ છે. તે ત્રણ મોટી ધારારૂપે પડે છે, એટલે એને ટ્રીપલ ધોધ કહે છે. અમે સાંજના છએક વાગે આ ધોધ જોવા નીકળી પડ્યા. મુખ્ય રોડ પર પાંચેક માઈલ ગયા પછી, સાઈડના કાચા રોડ પર છેલ્લા ૨ માઈલ જવાનું છે. માટી અને કાંકરાવાળા આ રસ્તે ગાડી બહુ સાચવીને ચલાવવી પડે. વળી, આ રસ્તો ઉતરાણવાળો છે. એટલે કે મુખ્ય હાઈવેથી ધોધ ખૂબ જ નીચાણમાં છે. વળાંકો અને ખાડાટેકરા પણ આવે. અમે આ રસ્તે થઈને નીચે પહોંચ્યા ત્યાં સુધીમાં તો અંધારું થઇ ગયું. પાર્કીંગ કહેવાય એવી જગાએ ગાડીઓ મૂકી દીધી. અહીં ‘ટ્વીન ફોલ’નું બોર્ડ મારેલું છે. ટ્રીપલ ફોલને જ ટ્વીન ફોલ કહે છે. બોર્ડ પર બતાવેલી દિશામાં ચાલીને જવાનું હતું. અહીં તો કેડી પણ ન હતી. ઝાડોની વચ્ચે ઘાસમાં ચાલવાનું હતું. જો કે ચાલવાનું પાંચ-છ મિનીટ જ હતું, તો પણ અંધારામાં જંગલમાં કોઈક જંતુઓ કરડી જવાની બીકે બધા લોકો ગયા નહિ. ચારેક જણ ધોધ સુધી ગયા, પણ અહીં યે ધોધમાં પાણી ખૂબ જ ઓછું હતું. નહિ તો ૭૦ ફૂટ ઉંચાઈએથી ત્રણ ધારાઓમાં પડતો ધોધ જોવાની કેવી મજા આવી જાય ! અમારામાંના એક ભાઈ તો પ્રોફેશનલ કેમેરામેં હતા. તેમણે ઘણા ફોટા પાડ્યા.

પાછા વળતાં રસ્તો ચડાણવાળો અને કાચો. શરૂઆતમાં તો એક જગાએ ગાડી આગળ વધે જ નહિ, રેતી અને કાંકરામાં વીલ ગોળ ગોળ ફર્યા જ કરે. પછી બધાને ઉતારી દઈ, વજન ઓછું કરીને ગાડી માંડ ચડાવી. એક ગાડીનું તો એક ટાયર ફાટી ગયું. છેવટે સારા મુખ્ય રોડ પર આવ્યા. ગાડીનું ટાયર બદલાવ્યું. ઘેર પહોંચ્યા ત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. ધોધ તરફનો જે કાચો રસ્તો છે, એને પાકો કરવો જોઈએ, એવું લાગ્યું.

કેબિન પર પહોંચી પાણીપૂરી અને મેગી બનાવીને ખાધાં. ઉંઘ તો ઘસઘસાટ આવી ગઈ. બીજે દિવસે નાહીધોઈને બફેલો નદી જોવા નીકળ્યા. જંગલોની વચ્ચે એક જગાએ નદીમાં ઉતરાય એવું છે. નદીમાં ઉતરી પાણીમાં જઈને ઉભા રહ્યા. અહીં નદીમાં નાહી શકાય એવું છે. બીજા ઘણા લોકો અહીં આવ્યા હતા. કોઈ નહાતા હતા, કોઈ ટાયર ભરાવીને નદીમાં તરતા હતા, કોઈ તરાપો બનાવી નદી પર પડ્યા હતા. કોઈ સામે કિનારે જઇ ખડકો પરથી નદીમાં ધુબાકા મારતા હતા, કોઈ કિનારે બેસી નદીના સૌન્દર્યને નીરખતા હતા. સામે ઉંચી ભેખડો અને તેના પર ઉગેલાં ઝાડ દેખાતાં હતાં. આ બધું માણીને પાછા વળ્યા. આજે બપોરનું લંચ જેસ્પરની એક હોટેલમાં જ પતાવ્યું.

જેસ્પર ગામમાં થોડું ફર્યા. અહીં એક જ મુખ્ય બજાર છે. ચેમ્બર ઓફ કોમર્સ નામના મકાનમાં માહિતી માટે વીઝીટર સેન્ટર છે. ગામમાં અમે ઘણા બાઈકર્સ જોયા, જે અહીં જંગલની કેડીઓમાં રખડવાના સાહસભર્યા હેતુથી આવ્યા હતા. ગામમાં ‘Emma’s museum of junk’ છે, એમાં જૂનીપુરાણી એન્ટીક વસ્તુઓનો સંગ્રહ છે. આવી ચીજો અહીંથી ખરીદી પણ શકાય છે. ટુરિસ્ટોમાં આ મ્યુઝીયમ બહુ જાણીતું છે.

જેસ્પર ગામની નજીક બફેલો નદીનાં ગ્રાન્ડ કેન્યન છે, તે જોવા જેવાં છે. એક જગાએ હોર્સશૂ ઝીપલાઈન છે. અહીં દોરડા પર લટકાવેલી સીટમાં બેસીને દોરડા પર સરકવાની મજા આવે છે. નીચે ખીણનું અદભૂત દ્રશ્ય જોવા મળે છે. કાચાપોચાને તો આ રીતે સરકવામાં બીક લાગે. અહીં ઘોડેસવારી પણ કરવા મળે છે. બીજી એક જગાએ મીસ્ટીક કેવ્ઝ નામની ગુફાઓ છે, તે પણ જોવા જેવી છે.

બપોર પછી અમે મારબલ ફોલ નામના ગામમાં અને તથા જંગલોમાં થોડું ફરી આવ્યા. અહીંથી નજીકમાં મારબલ ધોધ છે. પહેલાં આ ધોધમાંથી લોટ દળવાની ઘંટી, કાપડનું જીનીંગ મશીન અને લાકડાં વહેરવાની મીલ ચલાવવામાં આવતી હતી. અહીં જંગલમાં ‘એલ્ક’ નામનાં પ્રાણીઓ આખા ઝુંડમાં જોવા મળતાં હોય છે. હરણ જેવાં આ પ્રાણીઓ ઘણાં ગભરુ હોય છે, અને માણસોને જોઇને ભાગી જતાં હોય છે. અમને એક હરણ રસ્તા વચ્ચે જ ઉભેલું જોવા મળ્યું. ફોટો પાડીએ ત્યાર પહેલાં તો તે બાજુમાં ભાગી ગયું. ત્યાં બીજાં હરણ પણ હશે જ, પણ અમને તે જોવા મળ્યાં નહિ. બીજી એક જગાએ એક સુંદર નદી વહેતી હતી, ત્યાં ગયા. ખડ ખડ વહેતી નદીમાં પત્થર પર, પાણીમાં પગ લટકાવીને બેઠા. કિનારે રમવા માટે સરસ જગા હતી. બધાને બહુ જ મજા આવી ગઈ.

સાંજે કેબિનમાં પીઝા બનાવીને ખાધા. ત્રીજે દિવસે સવારે તો જેસ્પરથી નીકળી બપોર સુધીમાં બેન્ટનવીલે પાછા આવી ગયા. જંગલમાં રખડવાનો અદભૂત લ્હાવો મળ્યો, તેનાં સંસ્મરણો માનસપટ પર અંકિત થઇ ગયાં છે.

1_Way to Eden fall2_Way to Eden fall3_Towards Eden fall4_Way to Eden fall5_Eden fall from cave6_Near Eden fall7_Triple fall8_Baffalo river9_Elk10_Zip line11_Horse ride12_Flowing river

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: