સંગીત સંધ્યા

                                                                 સંગીત સંધ્યા

“ચિનગારી કોઈ ભડકે, તો સાવન ઉસે બુઝાયે …………….” (ફિલ્મ અમરપ્રેમ)

કિશોરકુમારનો સુરીલો અવાજ દેવાંગ ઠાકોરના કંઠમાંથી રેલાઈ રહ્યો છે. દેવાંગ ઠાકોર અમારી બાજુમાં જ ઉભા ઉભા ગાઈ રહ્યા છે. અમે બધા શ્રોતાઓ તેમના અવાજના જાદુમાં રસતરબોળ બની રહ્યા છીએ. દેવાંગભાઈ ગીત પૂરું કરે છે, અમે તાળીઓથી તેમનું અભિવાદન કરીએ છીએ.

પછી અમારા બીજા મહેમાન અનંત શાહ બીજું ગીત શરુ કરે છે,

“યે મેરા દિવાનાપન હૈ, યા મહોબ્બતકા સુરુર …………..”  (ફિલ્મ યહૂદી)

વાહ ! શું સરસ મૂકેશજીનો અવાજ છે ! જાણે કે મૂકેશજી બાજુમાં જ ગાતા હોય એવી કલ્પના થઇ જાય છે. બધા તેમના સૂરને તાળીઓથી વધાવી લે છે.

આજે અમારે ત્યાં બે ગાયકો દેવાંગ ઠાકોર અને અનંત શાહ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા હતા. દેવાંગ એટલે ‘વોઈસ ઓફ કિશોરકુમાર’ અને અનંત એટલે ‘વોઈસ ઓફ મૂકેશ’.

અમે અત્યારે અમેરીકાના બેન્ટનવીલ ગામમાં અમારા પુત્ર મિલનને ત્યાં છીએ. દેવાંગ અને અનંત પણ બેન્ટનવીલમાં જ રહે છે. બંને મિલનના મિત્રો છે. અમે આજે બંનેને કુટુંબસહિત આમંત્રણ આપ્યું હતું. અને તેથી આજે સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું.

બંનેના કુટુંબનો પરિચય કરાવું. દેવાંગના પિતા શ્રી ભુપેન્દ્રભાઈ વર્ષોથી સૂરતના ‘ગુજરાત મિત્ર’ છાપામાં નિયમિત લખતા હતા. હાલ તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં, તેઓ સૂરતના ‘ગુજરાત ગાર્ડિયન’ છાપામાં અવારનવાર લખતા રહે છે. તેઓ અમારે ત્યાં વ્હીલચેરમાં આવ્યા છે. (હું પણ ગુજરાત ગાર્ડિયનની ટ્રાવેલ પૂર્તિમાં દર ગુરુવારે ‘વિદેશ પ્રવાસ’ને લગતો એક લેખ લખું છું.) દેવાંગનાં મમ્મી ચિત્રાબેન પણ ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. દેવાંગની પત્ની જૈશાલી ફીમેલ અવાજમાં ગાવા માટે દેવાંગને સાથ આપે છે. દેવાંગ એન્જીનીયર અને એમબીએ છે, તો જૈશાલી ફાર્મસીમાં માસ્ટર છે. બંને જોબ કરે છે. તેઓ પુત્ર ઇશાનને લઈને અત્રે આવ્યા છે. જૈશાલીના પપ્પા જીતુભાઈ અને મમ્મી હેમાબેન પણ આવ્યાં છે. તેઓ મુંબઈનાં વતની છે. જીતુભાઈ એક પ્રતિષ્ઠિત કંપનીમાંથી નિવૃત થયા છે. તેઓ જૂનાં મધુર ગીતોના સંગ્રાહક છે. હેમાબેન પણ સ્કુલના પ્રીન્સીપાલપદેથી નિવૃત થયાં છે. ચોપડીઓ વાંચવાનાં શોખીન છે. તેઓને અઢળક ગીતો કંઠસ્થ છે. મધુર અવાજ ધરાવે છે.

અનંત શાહ અને તેમની પત્ની પાયલ બંને જોબ કરે છે. પાયલનાં મમ્મી મીનાબેન અને પુત્ર અરહમ પણ આવ્યાં છે. મીનાબેન રસોઈ અને ઘરકામમાં નિષ્ણાત છે.

અમે બધાં એટલે કે હું, મીના, મિલન, કિંજલ અને ધ્રુવ – બધાને ગીતો સાંભળવાનાં ખૂબ જ ગમે. એમાં ય એકસાથે બબ્બે મધુર અવાજ –કિશોરજી અને મૂકેશજી – એટલે આજની સંગીત સંધ્યા ખરેખર જામી. દેવાંગ અને અનંત કેરીઓકે સિસ્ટીમ લઈને આવેલા. આ સિસ્ટીમમાં દરેક ગીતનું અસલી સંગીત રેકોર્ડ કરેલું હોય, ગાયકનો અવાજ રેકોર્ડ કરેલો ના હોય. આ સિસ્ટીમને ટીવી સાથે જોડી દેવાની. ગીતના શબ્દો અને  લાઈનો ટીવીમાં લખાતી જાય, ગાયકે એ જોઈ, માઈક હાથમાં રાખી તે ગાવાનું. ગીતની દરેક લીટી મેલ કે ફીમેલનો અવાજ છે, તે પણ ટીવીમાં લખાતું જાય.અને કયા ટાઈમે લીટી ગાવાની શરુ કરવી તેનો સંકેત પણ હોય. એટલે ગાવામાં જરા ય તકલીફ પડે નહિ. ગાયક ટીવી સામે જોઇને માઈકમાં ગાતા જાય, સંગીત તો સાથે છે જ, એટલે સ્ટેજ પ્રોગ્રામ ચાલતો હોય એવું જ લાગે. જેને ગાતાં ન આવડતું હોય એ પણ આમાંથી શીખી શકે.

અમારી સંગીત સંધ્યાની વાત આગળ વધારુ. સાંજે લગભગ ૭ વાગે તો બધા મહેમાનો આવી ગયા. થોડી ઔપચારિક વાતો, ચા – નાસ્તો ચાલ્યાં, એટલામાં તો કેરીઓકે સિસ્ટીમ ગોઠવાઈ ગઈ. પછી તો ચાલી અનંત અને દેવાંગની જમાવટ. તેઓ વારાફરતી ગાતા ગયા અને અમે બધા રસમાં તરબોળ થઈને ગીતોને માણતા રહ્યા. અમે પણ વચ્ચે વચ્ચે ગીતોની ફરમાઈશ કરતા હતા, અને તેઓ તેને ન્યાય આપતા હતા. એમણે ગાયેલાં થોડાં ગીતો આ રહ્યાં.

(૧) મેરે નયનાં સાવન ભાદો……….(ફિલ્મ મહેબૂબા)

(૨) તુજ સંગ પ્રીત લગાઈ સજના ……….(કામચોર)

(૩) તેરે મેરે હોંઠો પે, મીઠે મીઠે ……… (ચાંદની)

(૪) પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા ……… (દર્દ)

(૫) ઝીલમીલ સિતારોંકા આંગન હોગા ……..(જીવન મૃત્યુ)

(૬) આવાજ દે કે હમેં તુમ બુલાઓ ………..(પ્રોફેસર)

(૭) દિલ લુંટનેવાલે જાદુગર ……….. (મદારી)

(૮) ફુલ તુમ્હેં ભેજા હૈ ખત મેં ……….(સરસ્વતીચંદ્ર)

(૯) ઇશારો ઇશારો મેં દિલ લેને વાલે …….. (કાશ્મીરકી કલી)

(૧૦) યે મેરી આંખોકે પહેલે સપને ………….(મનમંદિર)

(૧૧) ચપા ચપા ચરખા ચલે …………..(માચીસ)

(૧૨) તેરે પ્યારકા આશરા ચાહતા હું …………(ધુલ કા ફુલ)

(૧૩) તુઝ સે નારાજ નહી જિંદગી, હૈરાન હું મેં ………..(માસુમ)

એક વાત એ કે આ ગીતોમાં મહમદ રફી કે બીજો કોઈ પુરુષ અવાજ હોય તો તે દેવાંગ કે અનંત જ ગાઈ લે. ગાયકને તો બધું જ આવડે. અને લતાજી કે અન્ય કોઈ સ્ત્રી અવાજ હોય તો તેને જૈશાલી પોતાનો કંઠ આપે. સાથે પાયલ, મીના, હેમાબેન અને કિંજલ તો ખરાં જ. અરે ! દેવાંગ અને અનંત પણ ફીમેલ અવાજમાં સરસ ગાતા હતા !

જમવાનું કોઈને યાદ જ નહોતું આવતું, તેમ છતાં, નવ વાગે જમવાનો બ્રેક પાડ્યો. જમ્યા પછી બધા ફરીથી ગોઠવાઈ ગયા. ફરીથી ગીતોની રમઝટ ચાલી. અમે પણ વચમાં વચમાં ગાવાની તક ઝડપી લેતા હતા. વચમાં મનહર ઉધાસનું એક ગીત ‘શાંત ઝરુખે ….’ પણ સાંભળી લીધું.

દેવાંગ અને અનંતે, ઉપર લખ્યાં છે, તે ઉપરાંતનાં બીજાં ઘણાં ગીત ગાયાં. આધુનિક જમાનાનાં ગીતો પણ ગાયાં. એકેએક ગીત ખૂબ જ કર્ણપ્રિય અને મીઠાશભર્યું હતું. બસ, જલસા જ જલસા ! મજા આવી ગઈ. ફરમાઈશ કરનારા ઉત્સાહી અને ગાનારા પણ એટલા જ ઉત્સાહી. સંગીત સંધ્યા સંગીત રાત્રિમાં ફેરવાઈ ગઈ. છેવટે ૧૨ વાગે સમાપન કર્યું. મહેમાનો વિદાય થયા, અને સંભારણાં અહીં મૂકતા ગયા.

બધાનો એક જ પ્રશ્ન હતો, “હવે બીજો પ્રોગ્રામ ક્યારે?”

પાયલે જવાબ આપી દીધો, “બે અઠવાડિયાં પછી, અમારે ત્યાં”.

બધા જ ખુશ.

મારા વાંચકોને વિનંતિ કે તમને પણ ગાવાનો શોખ હોય તો મને કોમેન્ટમાં અથવા ઈ-મેલથી અચૂક જણાવજો. (pravinkshah@gmail.com)

1 ટીકા (+add yours?)

  1. pravinshastri
    સપ્ટેમ્બર 25, 2014 @ 14:22:17

    પ્રવીણભાઈ, સંગીતસંધ્યાની વાત જાણી આનંદ થયો. મારે ત્યાં પણ આવો જ પ્રોગ્રામ રાખ્યો હતો. ન્યુ જર્સીમાં બંદિશ નોન પ્રોફિટ ચેરીટી ગ્રુપને મારી ૭૫ની વર્ષગાંઠ નિમિત્તે સંગીતનો પ્રોગ્રામ રાખ્યો હતો. કોઈ પણ તૈયારી વગર મેં પણ કેરેકી પર કંઈક ગાયું હતું. જો રસ હોય તો મારા બ્લોગની મુલાકાત લઈને વિડીયો જોઈ અભિપ્રાય આપશો તો આનંદ થશે. (હું કેળવાયલો ગાયક નથી.)
    http://pravinshastri.wordpress.com

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: