વાર્તા – વાત એક વિદ્યાર્થીની

                                                          વાર્તા – વાત એક વિદ્યાર્થીની

મારે વડોદરામાં એક કામ પતાવીને અમદાવાદ પાછા જવાનું હતું. હું એકલો જ હતો. ગાડી લાવ્યો ન હતો. એટલે પછી એસ.ટી. બસમાં જ જવાનું વિચાર્યું. વડોદરા બસ સ્ટેન્ડ પર પહોંચ્યો. ‘સૂરત-અમદાવાદ’ની બસ ઉભી જ હતી. બસમાં ઘણી સીટો ખાલી હતી. બે સીટવાળી એક જગા પસંદ કરી હું બારી પાસે ગોઠવાઈ ગયો. હાશ ! હવે અમદાવાદ સુધી શાંતિ. કલાકેક ઉંઘ ખેંચી કાઢવી હશે તો ય વાંધો નહિ આવે. થોડી વારમાં મારી બાજુની સીટ પર એક ભાઈ આવીને બેસી ગયા.

મારે બસની મુસાફરી કરવાની ઓછી આવે છે. પણ મને બસની મુસાફરી ગમે ખરી. નાના હતા ત્યારે અને યુવાનીમાં તો બધે બસમાં જ જતા હતા. મને બારી આગળની સીટ બહુ જ ગમે. બહારનાં દ્રશ્યો જોવાની મજા આવે. મુસાફરીમાં કયાં કયાં ગામ વચ્ચે આવે છે, તે જાણવાનું ગમે. રોડ પર કિલોમીટરના અંતર લખેલા પત્થર (માઈલ સ્ટોન) આવે એના પરથી કયું ગામ કેટલું દૂર છે, એ પણ જાણવા મળે. ક્યાંક ચાર રસ્તા આગળ, સાઈડના રસ્તાઓ તરફ કયાં ગામ આવે છે એની યે માહિતી મળે. અને વચ્ચે વચ્ચે કઈ નદીઓ, કોતરો કે મંદિરો આવ્યાં, એ બધું ય બારીમાંથી જોતા જોતા જવાનું. ટૂંકમાં, રસ્તાની ભૂગોળ જાણવાની મજા આવે.

ટાઈમ થયો એટલે બસ ઉપડી. બસ વાયા આણંદ, નડિયાદ થઈને જવાની હતી. ઉભેલા લોકોની ગીર્દી ન હતી, એ સારું હતું. કંડકટર આવ્યા અને મેં ટીકીટ માગી, ‘એક અમદાવાદ.’

મારી બાજુમાં બેઠેલા ભાઈએ એ સાંભળ્યું ને બોલ્યા, ‘એમ, તમે અમદાવાદ જવાના? લ્યો, મારે પણ અમદાવાદ જ જવાનું છે, મજા આવી જશે.’

હું ચમક્યો. મારા અમદાવાદ જવામાં, આ બાજુવાળા ભાઈને શું મજા આવી જશે, એ હજુ મને ખબર ન હતી. પણ એવું લાગ્યું કે એ ભાઈ છેક સુધી વાતોનાં વડાં કરશે, મને બેઘડી ઉંઘવા ય નહિ દે, બારીમાંથી બહારના સીન પણ કદાચ જોવા નહિ દે. ઘણા લોકો આવા હોય છે.

અને એમ જ બન્યું. બસે વડોદરા છોડ્યું, ના છોડ્યું એટલામાં તો એ ભાઈ ચાલુ થઇ ગયા.

‘તમે સાહેબ, ક્યાંના? અમદાવાદના જ?’

‘હા’ મેં ટૂંકાક્ષરી જવાબ આપ્યો.

એમનો પ્રશ્ન, ‘એમ? અમદાવાદના કયા વિસ્તારમાં રહેવાનું?’

‘એસ.જી. હાઈવે પર, ગોતામાં.’ મેં કહ્યું.

‘એસ.જી. હાઈવે બાજુ તો આજકાલ બહુ નવાં મકાનો બને છે. મોંઘાં ય ખૂબ છે.’ એમણે એમની જાણકારી પ્રગટ કરી.

મેં કહ્યું, ‘હા, એવું જ છે.’

એમણે આગળ પૂછતાછ ચાલુ રાખી, ‘ તે સાહેબ, તમારે શાનો ધંધો છે? કે પછી નોકરી?’

મેં કહ્યું, ‘હું તો ભાઈ, નોકરી કરું છું. વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરું છું.’

એ બોલ્યા, ‘એમ જ કહો ને કે સ્કુલમાં શિક્ષક છો.’

મેં કહ્યું, ‘શિક્ષક ખરો, પણ…..’

હું આગળ કંઈ બોલું એ પહેલાં જ એ બોલી ઉઠ્યા, ‘હમજ્યા હવે ભાઈ, સ્કુલમાં હો કે કોલેજમાં, છેવટે તો મા…..ટીચર જ કહેવાયને?’

એમના મોઢામાં ‘માસ્તર’ શબ્દ આવી ગયો હતો, પણ ‘મા…’ બોલતાં જ એમને ખ્યાલ આવી ગયો કે એ શબ્દ કદાચ મને નહિ ગમે, એટલે સુધારીને ‘ટીચર’ કરી દીધું. પણ મને એનો કોઈ વાંધો ન હતો. ટીચર હોવું એ કોઈ નીચો ધંધો નથી. ઉલટાનું, મારી દ્રષ્ટિએ ટીચર તો ઘણું ગૌરવશાળી પદ છે.

મને થયું કે ‘એ એકલા જ પૂછપૂછ કરે છે, તો લાવ, હું પણ એ ભાઈને કંઇક પૂછું.’

મેં કહ્યું, ‘ભાઈ, તમારું નામ શું?’

જવાબ, ‘હરિભાઈ.’

મેં રસ લઈને નામ પૂછ્યું, એટલે એ તો ખુશ થઇ ગયા. એમની જીભને વધુ ચાનક ચડી. બોલ્યા, ‘હરિ એટલે ભગવાન. ભગવાનનું નામ લેવાય અને આપણું કામકાજ ચાલ્યા કરે.’

મેં પૂછ્યું, ‘શેનું કામ કરો છો?’

હરિભાઈ, ‘આપણે તો હરિની મહેરબાનીથી જલસા છે. કોન્ટ્રાક્ટર છું, બિલ્ડર છું. વડોદરા પાસેના કરજણ ગામનો છું, એટલે એ જ ગામમાં મકાનો બાંધવાનું કામ કરું છું.’

મેં કહ્યું, ‘તો તમારે દોડાદોડી ઘણી રહે.’

હરિભાઈ, ‘ના, ખાસ એવું નથી. બધું કામ સેટ થઇ ગયેલું છે. ફોનથી જ બધું પતી જાય. રેતી, કપચી, ઇંટો, સિમેન્ટ બધો સામાન સ્થળ પર પહોંચી જાય. કડિયાઓ અને મજૂરો કામ કર્યા કરે. હા, ક્યારેક હલકો સિમેન્ટ આવી જાય કે ક્યારેક માલમાં સિમેન્ટનું પ્રમાણ ઓછું હોય, પણ એવું બધું તો ચાલ્યા કરે. કડિયાના ભરોસે જ કામ કરવાનું.’

એટલામાં મહી નદી પરનો પુલ આવ્યો. મને થયું કે ‘આ પુલના બાંધકામમાં હરિભાઈનો ફાળો ના હોય તો સારું.’

હરિભાઈની વાત આગળ ચાલી, મારો છોકરો ભણી રહે, એટલે એને મારા ધંધામાં લઇ લેવો છે.’ ભણવાની વાત આવી એટલે મને પૂછવાનું મન થયું, ‘શામાં ભણે છે તમારો દીકરો?’

હરિભાઈ બોલ્યા, ‘અમદાવાદની ‘વિશ્વાસ એન્જીનીયરીંગ કોલેજ (નામ કાલ્પનિક છે.)માં ભણે છે. બારમામાં ટકા ઓછા આવ્યા, પણ ડોનેશનથી સીવીલ એન્જીનીયરીંગમાં એડમીશન મળી ગયું છે. એટલે હવે વાંધો નહિ.’

મેં કહ્યું, ‘તો તો તમારો દિકરો અમદાવાદમાં કોઈ હોસ્ટેલમાં રહીને ભણતો હશે.’

હરિભાઈ બોલ્યા, ‘મારો દિકરો સેતુ અને એના બીજા બે ભાઈબંધોએ ભેગા મળીને કોલેજની નજીક એક રૂમ ભાડે રાખી છે, ત્યાં રહે છે.’

મેં કહ્યું, ‘એને સારું ફાવતું હશે.’

હરિભાઈ બોલ્યા, ‘હા, ફાવે છે તો સરસ. પણ જુઓને, મારે કામ પડે એટલે એને અહીં બોલાવી લઉં. એને ય ભણવા કરતાં અહીં કરજણ આવવાનું વધુ ગમે છે. અત્યારથી જ ધંધામાં પલોટ્યો છે.’

મેં કહ્યું, ‘તો પછી ભણવાનું શું? કોલેજમાં હાજરીનું શું?’

હરિભાઈ કહે, ‘ હાજરીનું તો હવે હમજ્યા મારા ભાઈ. તમે સાહેબો બહુ ‘વેદિયા’.

હરિભાઈના ‘હમજ્યા મારા ભાઈ’માં ઘણું બધું આવી જતું હતું. તે આગળ બોલ્યા, ‘ હાજરી માટે તો એનો ભાઈબંધ ક્લાસમાં પ્રોક્સી પુરાવી દે. ‘પ્રોક્સી’ ખબર છે ને? લેબોરેટરીમાં ય ભાઈબંધનું જર્નલ લઇ, છેલ્લે દા’ડે રાતોરાત કોપી કરી નાખે.’

મેં કહ્યું, ‘કોલેજવાળા આવું બધું ચલાવી લે ખરા?’

હરિભાઈ કહે, ‘નથી ચલાવતા. એની તો મોકાણ છે. મેં સાંભળ્યું છે કે ‘વિશ્વાસ કોલેજ’ બહુ જ સારી છે. પ્રોફેસરો ભણાવવામાં ઘણા સારા છે. એટલે તો અહીં એડમીશન લીધું. ક્લાસની ‘પ્રોક્સી’ની તો સાહેબોને બહુ ખબર ના પડે. પણ લેબોરેટરીમાં ગેરહાજરી તરત દેખાઈ જાય. એટલે કોક દિવસ મારો સેતુ લેબોરેટરીમાં ગયો હોય તો સાહેબ તરત પકડી પાડે. એ દિવસે બેત્રણ કલાક વધારે બેસાડે, રીસેસમાં ય બેસાડે, અને બાકીના પ્રેક્ટીકલ પુરા કરાવે. એને ઝટ છોડે નહિ.’

મેં કહ્યું, ‘એ તો સારું કહેવાય. એને બધું ભણવા મળે એમાં ખોટું શું?’

હરિભાઈ કહે, ‘અરે, શું ધૂળ સારું કહેવાય? મારે અહીં કામ રખડતાં હોય, દોડનારું ઘરનું કહેવાય એવું કોઈ માણસ મળે નહિ, અને સેતુને એ દિવસે અમદાવાદ રોકાઇ રહેવું પડે.’

મને થયું કે કોલેજ સેતુને ભણાવવા આટલી મહેનત કરે છે, અને એને કે એના બાપાને એની કોઈ કિંમત નથી. ઉપરથી કોલેજને ભાંડે છે. કોલેજ સારી છે, એવું સ્વીકારે છે ખરા, પણ પોતે સુધરવું નથી. એમને નજર સામે બિલ્ડીંગોમાંથી મળતો પૈસો જ દેખાય છે. પણ એમને આ બધું ભાષણ આપવાનો કોઈ અર્થ નથી.

એટલામાં તો આણંદ અને નડિયાદ પસાર થઇ ગયાં. મેં કહ્યું, ‘હરિભાઈ, પરીક્ષા આવે ત્યારે તમારો સેતુ શું કરે? એ વાંચવા બેસે છે ખરો? પરીક્ષામાં એ પેપર કઈ રીતે લખી શકે?’

હરિભાઈ કહે, ‘મને આ બાબતમાં શું કરવું એ જ સમજણ પડતી નથી. પરીક્ષામાં ચોરી તો કરવા દેતા નથી. અને સેતુ ખાસ કંઈ વાંચતો નથી. મારે એના માટે ટ્યુશન રખાવવું છે, પણ એની કોલેજના સાહેબો ટ્યુશન રાખવાની ના પાડે છે. કહે છે કે ‘અમે તો ટ્યુશન કરતા નથી.અમે ક્લાસમાં સારું ભણાવીએ છીએ, તો છોકરાને ક્લાસમાં ભણવા બેસાડો ને?’ મને તો એ નથી સમજાતું નથી કે સાહેબો આવા કેવા? ટ્યુશનમાં પૈસા મળે તો ય ટ્યુશનો કરવાની કેમ ના પાડે છે?’

મેં કહ્યું, ‘હરિભાઈ, પ્રામાણિકતાના પાઠ તમને નહિ સમજાય. હવે તો તમારે કંઇક વિચારવા જેવું છે.’

હરિભાઈ કશું સમજ્યા કે નહિ, એ તો એ જ જાણે. પણ એટલામાં અમદાવાદ આવી ગયું. બસ ઉભી રહી. અમે બંને નીચે ઉતર્યા, પછી હરિભાઈએ છેલ્લે મને પૂછ્યું, ‘ સાહેબ, મારી વાતો ને વાતોમાં હું એક વસ્તુ તમને પૂછવાની ભૂલી ગયો. તમે કઈ સ્કુલ કે કોલેજમાં ભણાવો છો?’

મેં કહ્યું, ‘હું સેતુની ‘વિશ્વાસ એન્જીનીયરીંગ કોલેજ’માં જ પ્રોફેસર છું. હું પણ ટ્યુશન નથી કરતો.’

હરિભાઈ ચમક્યા, ‘શું વાત કરો છો સાહેબ? તમે વિશ્વાસ કોલેજમાં પ્રોફેસર છો? મને માફ કરો સાહેબ, મારાથી તમને ઘણું આડુંઅવળું કહેવાઈ ગયું.’

મેં કહ્યું, ‘તમે એની ચિંતા ના કરતા. અમે કોઈ પણ વિદ્યાર્થી માટે પૂર્વગ્રહ નથી રાખતા. અમે તો હંમેશાં તેમનું કલ્યાણ જ ઈચ્છીએ છીએ.’

હરિભાઈ વિદાય થયા. થોડા દિવસોમાં મેં જોયું તો કોલેજમાં સેતુ ધીમે ધીમે સુધરી રહ્યો હતો. કદાચ એના બાપાએ થોડી શીખામણ આપી હોય. આટલો સુધારો જોઇને, તે દિવસે બસમાં મારી ઉંઘ હરામ થયાનો મને કોઈ અફસોસ નથી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: