બેન્ટનવીલની નવરાત્રિ

                                     IMG_4925                                                                              બેન્ટનવીલની નવરાત્રિ

‘આવો તો રમવાને, ગરબે ઘુમવાને

માડી મારે જોવાં છે તમને રમતાં રે….’

માઈકમાંથી સુમધુર ગીતસંગીત રેલાઈ રહ્યું છે, નાનાંમોટાં સૌ છોકરાછોકરીઓ ગરબે ઘુમી રહ્યાં છે, સંગીતના તાલે સૌ ઝુમી રહ્યાં છે, મોટા ભાગના છોકરાઓ લેંઘા, કલરફુલ ઝભ્ભા અને ગળે દુપટ્ટો પહેરીને તો છોકરીઓ ચણીયાચોળીમાં શોભી રહ્યાં છે, ઘણાએ તો ગુજરાતી ચોળણી, બાંડિયુ અને માથે ફાળિયુ ચડાવ્યાં છે. મહેફિલ બરાબર જામી છે. સામે બેઠેલા પ્રેક્ષકો પણ ફુલ મૂડમાં છે. સ્ટેજ પર વાજિંત્રોની રમઝટ અને ગાયકો બરાબર તાનમાં છે. અસલ આપણા ગુજરાતના ગરબા ચાલી રહ્યા છે. અહીં હજારો કિલોમીટર દૂર અમેરીકામાં ગુજરાત ખડુ થઇ ગયુ છે. આ છે બેન્ટનવીલ ગામમાં નવરાત્રિનો માહોલ.

અમે આ નવરાત્રિ વખતે બેન્ટનવીલમાં છીએ. ગામ છે નાનું, પણ આ નાના ગામમાં ય થોડા ગુજરાતીઓ વસે છે. ઉપરાંત, રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરાલા અને કર્ણાટકના લોકો પણ ખરા. આપણા ભારતીય લોકો તો દુનિયામાં બધે જઈને વસ્યા છે. દુનિયાનો ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ભારતીય ના પહોંચ્યા હોય.

ગુજરાતીઓ હોય એટલે નવરાત્રિ વખતે ગરબા તો યાદ આવે જ. બેન્ટનવીલના ગુજરાતીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. નવરાત્રિના ગરબા એકલા બેન્ટનવીલમાં નહિ, પણ અમેરીકાનાં લગભગ બધાં શહેરોમાં ઉજવાય છે. આખું અમેરીકા જાણે કે ગુજરાતમય બની ગયું હોય એવું લાગે. ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, શીકાગો, એટલાન્ટા, ડલાસ, સાન ફ્રાન્સિસ્કો જેવાં શહેરો જ્યાં ગુજરાતી અને ભારતીયોની વસ્તી વધુ છે ત્યાં તો નવરાત્રિ બરાબર જામે.

એક વાત એ કે અહીં અમેરીકામાં ગરબા, નવે નવ દિવસ ના હોય. ફક્ત વીક એન્ડ એટલે કે શનિ-રવિમાં જ હોય. એટલે નવરાત્રિ દરમ્યાન એક કે વધુમાં વધુ બે દિવસ જ ગરબાનો પ્રોગ્રામ હોય. હા, અહીં મંદિરોમાં બધા દિવસ નવરાત્રિ ઉજવાતી હોય છે. બીજી વાત એ કે ગરબા યોજવાની પરવાનગી તો લેવી જ પડે, એટલું જ નહિ, ગરબા ખુલ્લા મેદાનમાં કે ખુલ્લા પાર્ટી પ્લોટમાં કે રોડ પર કે ચાર રસ્તા પર યોજી શકાય નહિ. ગરબા બંધ હોલમાં જ રાખવા પડે, કે જેથી બીજા કોઈને ગરબાથી ડીસ્ટર્બન્સ ના થાય. એટલે અહીં તમને રાત્રે સ્કુટર અને બાઈક પર ભાગતા છોકરાછોકરીઓ જોવા ના મળે.

બેન્ટનવીલમાં ગરબાનો પ્રોગ્રામ ‘મેટ્રોપ્લેકસ ઇવેન્ટ સેન્ટર’ નામના એક મોટા હોલમાં હતો. હોલ ઘણો જ મોટો હતો. વિશાળ સ્ટેજ હતું. આખો હોલ એસી હતો, જો કે અહીં તો એસી બધે જ હોય. લાઈટ અને સાઉન્ડ સિસ્ટીમ સરસ હતી. આયોજકોએ ગરબાને અનુલક્ષીને વધારાની લાઈટો, ગોળ ફરતી વિવિધરંગી લાઈટો, ગેસના ધુમાડા છોડતી પાઈપો, ક્લોઝ્ડ સર્કીટ ટીવી, માઈક – એમ ઘણું બધું આયોજન કર્યું હતું. વ્યવસ્થા એકદમ સંપૂર્ણ હતી. ગુજરાતીઓમાંથી ત્રણેક ગાયકો તો હતા જ. એ ઉપરાંત, ગરબાની કેસેટો, સીડીઓ પણ હતી.

એક બાજુ મા અંબામાતા બિરાજમાન હતાં. સુંદર આસન, શણગાર, દીપ, અગરબત્તી, લાઈટો, પૂજાપો તથા પ્રસાદ વગેરેનું સુંદર આયોજન હતું. ગરબે ઘુમવા માટે હોલમાં વિશાળ જગા હતી. સામે ખુરશીઓની ગોઠવણ હતી, એટલે જેને ના ગાવું હોય તેઓ અહીં બેસી ગરબા જોઈ શકે. એક બાજુ નાસ્તાપાણીના સ્ટોલ તથા નાસ્તો કરવા માટે ટેબલ-ખુરશી પણ હતાં.

આટલા મોટા પ્લાનીંગનો ખર્ચ ઘણો થાય, છતાં માત્ર પાંચ ડોલરની ટોકન ટીકીટ રાખવામાં આવી હતી., અને એમાં ય બાળકો તથા અમારા જેવા પેરન્ટસ માટે તો મફત હતું, કોઈ ટીકીટ નહિ.

અમે સમયસર લગભગ સાત વાગે હોલ પર પહોંચી ગયા. ગરબાની શરૂઆત થઇ ચૂકી હતી. લગભગ ૫૦૦ જેટલા લોકો આવ્યા હતા. હોલ ભરચક હતો.

જે કોઈને ગરબામાં જોડાવું હોય તે જોડાઈ શકે. સ્ટેજ પરથી ગરબાની કેસેટ વાગતી હતી. લોકો મસ્તીમાં ગરબે ઘુમતા હતા. ગુજરાત અહીં આબેહૂબ ઉભુ થઇ ગયું હતું. આપણને જરાય ના લાગે કે આપણે અમેરીકામાં છીએ. ગુજરાતના ગરબામાં હોય એવી જ ચહલપહલ અહીં હતી. અમે જોયું તો એક ગોરી અમેરીકન પણ તેની બે નાનકડી દિકરીઓને લઈને ગરબા ગાઈ રહી હતી ! પછી ખબર પડી કે તે સ્ત્રી ભારતીય છોકરાને પરણી હતી. તેને ગરબામાં બહુ જ મજા આવતી હતી, તે તેના ચહેરા પરથી દેખાઈ આવતું હતું. આવી કોઈ અમેરીકનને ગરબાનો શોખ થતો હોય તો આપણા લોકોનું તો પૂછવું જ શું !

અમે પણ ગરબામાં જોડાઈ ગયા. બેતાલી, ત્રણ તાલી એમ બધા જ ગરબામાં મજા આવી ગઈ. તમને થોડા ગરબાનાં નામ લખું?

(૧) તારા વિના શ્યામ મને એકલડું લાગે

(૨) સોનલ ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

(૩) ઢોલીડા ઢોલ તું ધીમો વગાડ ના, ધીમો વગાડ ના

(૪) પાવલી લઈને હું તો પાવાગઢ ગઇ’તી

(૫) કૃષ્ણ ભગવાન હાલ્યા, દ્વારકા ને કંઈ લીધો મણિયારા તારો વેશ કે હોવે હોવે

(૬) મણિયારો તે હલુ હલુ

(૭) મેંદી તે વાવી માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે

(૮) ઓઢણી ઓડુ ઓડુ ને ઉડી જાય

(૯) જોડે રહેજો રાજ, જોડે રહેજો રાજ

(૧૦) જેતલપુરમાં પાવો વાગ્યો ને મારો સુતો સોનીડો

(૧૧) પાંદડું લીલું ને રંગ રાતો

(૧૨) માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે

(૧૩) કેસરીયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા

(૧૪) આ તો મારી માડીના રથનો રણકાર

બસ, આ તો થોડી ઝલક જ છે. અહીં તો નોનસ્ટોપ ગરબા ચાલુ જ હતા. વચમાં ૧૦ મિનીટના વિરામ બાદ પણ ચાલુ જ હતા. મજા આવી ગઈ. પછી તો દાંડિયા રાસની રમઝટ ચાલી. લોકો જોડીઓ બનાવીને રાસમાં જોડાઈ ગયા. માહોલ બરાબર જામ્યો હતો. એમ થાય કે આ પ્રોગ્રામ ચાલ્યા જ કરે, બસ ચાલ્યા જ કરે તો સારું. દાંડિયા રાસમાં ઘણાં ગીતો સ્ટેજ પર ગાયકોએ ગાયાં. ઘણાં નવાં ગીતો અને સનેડો પણ ચાલ્યા.

પણ આ મદહોશ વાતાવરણનો ક્યાંક તો અંત આવે જ ને? લગભગ બાર વાગે ગરબાની પરાકાષ્ટા પૂરી થઇ. પછી જેઓએ આરતી નોંધાવી હતી, તેઓએ અંબા મા સમક્ષ આરતી ઉતારી. માતાજીને પ્રસાદનો થાળ ધરાવાયો. છેલ્લે પ્રસાદની વહેંચણી. પ્રસાદ પણ કેટલો બધો હતો ! ખાતાં પેટ ભરાઈ જાય.

નવરાત્રિનો સુંદર પ્રોગ્રામ માણી, બધા મિત્રોને ‘હાય, હલ્લો, આવજો’ કરી, ઘેર જવા નીકળ્યા. મનમાં હજુ ગીતો ગુંજતાં હતાં. અમેરીકામાં પણ આપણા લોકો આપણા તહેવારોને આટલી સરસ રીતે માણે છે, એ જોઇને ઘણો જ આનંદ થયો. આપણા લોકો ભલે અમેરીકામાં વસ્યા કે દુનિયાને છેડે જઈને વસ્યા, તેમને આપણું ગુજરાત, આપણી સંસ્કૃતિ ભૂલાતી નથી. આપણા વતનની સંસ્કૃતિ માટે બધા તલસે છે. એટલે તો નવરાત્રિ, દિવાળી, ઉતરાયણ, શામળાજીનો મેળો, પંદરમી ઓગસ્ટ – આ બધા તહેવારો ઉજવે છે અને વતનને યાદ કરે છે.

અમે નીકળ્યા પછી પણ હોલમાં થોડો ટાઈમ ભાંગડા નૃત્યનો પ્રોગ્રામ ચાલ્યો હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: