વાર્તા – બોલો, સત શ્રી અકાલ

                                          વાર્તા – બોલો, સત શ્રી અકાલ

‘મને તો ઉંઘ આવે એવું લાગતું નથી.’ મારી પત્ની મીના, પથારીમાં પડખાં ઘસતી ઘસતી મને કહી રહી હતી.

મેં કહ્યું, ‘કેમ?’

‘આજુબાજુ જુઓને, આટલા બધા લોકોને જોઇને મને તો ડર લાગે છે.’

‘ભગવાનનું નામ લઈને ઉંઘી જા, પછી સવાર પડે વહેલી.’

ખરેખર અમારી પથારીની આજુબાજુ અડોઅડ પથારીઓ અને પુષ્કળ લોકો સુતા હતા. ઘાંઘરિયા ગામનું આ ગુરુદ્વારા હતું. ગુરુદ્વારા એટલે શીખોનું મંદિર અને નિવાસસ્થાન. ઘાંઘરિયા ગામમાં ઉત્તર પ્રદેશના ગેસ્ટ હાઉસ કે બીજે ક્યાંય જગા ન મળવાથી, અમે એક રાત પસાર કરવા માટે આ ગુરુદ્વારામાં આવ્યા હતા. અહીં પણ જગા તો હતી જ નહિ. રૂમો બધી જ ફુલ હતી. કેટલાય શીખ લોકોને પણ જગા મળી ન હતી. જેને જગા ન મળી તે બધાય શીખો ગુરુદ્વારાની વિશાળ લોબીમાં પથારીઓમાં સુતા હતા. અમે અહીં આવીને ઓફિસમાં પૂછ્યું ત્યારે પંજાબી કર્મચારીએ કહ્યું હતું, ‘રહેવાની જગા તો નથી, પણ ગુરુના ધામમાં સાંકડેમાંકડે જગા તો થઇ જશે. તમને લોબીમાં સુવાનું ફાવશે?’

અમે તરત જ ‘હા’ પાડી હતી. તેઓએ અમને પાથરણું અને ઓઢવાનું આપ્યું. તેમના લંગરમાં જમીને લોબીમાં પથારી પાથરીને અમે આડા પડ્યા હતા. આજુબાજુ બધા પંજાબીઓ જ હતા. લોબી પણ પથારીઓથી ભરાઈ ગઈ હતી. મને ધરપત હતી કે ‘ચાલો, રાત પસાર કરવા માટે અમને દરેકને છ ફૂટની જગા તો મળી ગઈ.’ મારા બંને પુત્રો તો પડતામાં જ ઉંઘી ગયા. હું પણ ઉંઘવાની તૈયારીમાં જ હતો, પણ મીનાની નીંદર વેરણ બની ગઈ હતી.

અને એ માટે કારણ પણ હતું. આ વાત છે ૧૯૯૨ની સાલની. દેશમાં ઇન્દિરા ગાંધીની હત્યા થયા બાદ, શીખ લોકોમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આતંકવાદીઓનું જૂથ ઉભું થયું હતું. તે વખતે છાપામાં રોજ સમાચારો આવતા કે, ‘આજે આતંકવાદીઓએ ફલાણા ગામ પર હુમલો કર્યો અને આટલા લોકોને મારી નાખ્યા.’ બીજે દિવસે વળી બીજા ગામની વાત હોય. વળી, રાજીવ ગાંધીની હત્યા થઇ, આતંકવાદ હજુ ચાલુ જ હતો.

આ પરિસ્થિતિમાં અમે બદરી-કેદાર ફરવા માટે નીકળ્યા હતા. અમે કોઈ ટુરના પેકેજમાં નહોતા ગયા. બધું પ્લાનીંગ જાતે જ કરીને અમે ચાર જણ નીકળી પડ્યા હતા. એ જમાનામાં હોટેલોનું બુકીંગ કરાવીને જવાની પ્રથા હજુ બહુ વિકસી ન હતી. અમે તો આમ જ પ્રવાસ ગોઠવ્યો હતો. હરદ્વાર સુધીનું બુકીંગ કરાવ્યું હતું, પછી તો જે બસ કે ટ્રેન મળે, તેમાં આગળના સ્થળે જવાનું, જે હોટેલ મળે તેમાં રહી પડવાનું.

બદરી-કેદાર હિમાલયમાં આવેલાં યાત્રાધામ છે. અમે બદરીનાથ પહોંચી બદરી (વિષ્ણુ) ભગવાનનાં  દર્શન કર્યાં. પાછા વળતાં ગોવિંદઘાટ થઈને ઘાંઘરિયા ગામ પાસે આવેલી ‘ફુલો કી ઘાટી’ (Valley of flowers) જોવા જવાનો પ્લાન કર્યો હતો. આ ઘાટી બહુ જ જાણીતી છે. અહીં હિમાલયની ખીણમાં કેટલાય કિલોમીટર સુધી બસ, ફુલો જ ફુલો જોવા મળે છે. કુદરતની આ અદભૂત લીલા જોવા જેવી છે. ઘાંઘરિયાથી ૪ કી.મી. દૂર હેમકુંડ નામે શીખોનું બહુ જ પવિત્ર યાત્રાધામ છે. દરેક શીખ જિંદગીમાં ક્યારેક હેમકુંડ જવાની ઈચ્છા ધરાવતો હોય છે.

અમે ઘાંઘરિયા પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. એટલે અહીં રાત રોકાવું ફરજિયાત હતું. અત્યારે શીખોનો કોઈ ધાર્મિક પ્રસંગ કે એવું કાંઈ હશે, એટલે હજારો શીખભક્તો હેમકુંડની યાત્રાએ નીકળ્યા હતા. તેઓ બધા રાત્રિ રોકાણ માટે અહીં ઘાંઘરિયાના ગુરુદ્વારામાં રોકાયા હતા.

આજુબાજુ આટલા બધા શીખોને જોઈ મીનાને ચિંતા ઘેરી વળી હતી. તેમાંના ઘણા અરસપરસ વાતો કરે તે સંભળાતું હતું, પણ તેમની પંજાબી ભાષા સમજાતી ન હતી. મીનાને એમ થાય કે ‘આમાં આતંકવાદીઓ હશે તો? તેઓ તો ગમે તેને મારતાં અચકાય નહિ.’ તેઓની વાતોમાં જુસ્સો દેખાય ત્યારે તો મીનાને એમ જ લાગે કે આ લોકો કોઈ પ્લાન બનાવી રહ્યા છે. પણ મને તો કોઈ ચિંતા હતી નહિ. મેં મીનાને ધીમા અવાજે સમજાવી કે ‘જો, સાંભળ, આ તેઓનું પવિત્ર ધામ છે. અહીં તો બધા ધાર્મિક ભક્તો જ આવે. તેઓમાં કોઈ આતંકવાદી ના હોય. શાંતિથી ઉંઘી જા.’ એને ઉંઘ આવી કે ના આવી, પણ મને તો આવી ગઈ.

આખી રાત કોઈ બનાવ બન્યા વગર પસાર થઇ ગઈ. સવારે ઉઠ્યા ત્યારે અમે તાજામાજા હતા. અમે ફુલો કી ઘાટી જોઈ પણ આવ્યા. મજા આવી ગઈ.

પાછા ગોવિંદઘાટ આવ્યા. અહીંથી હવે જોશીમઠ જવાનું હતું. અમે બસની રાહ જોતા ઉભા હતા. ક્યાંય સુધી કોઈ બસ મળી નહિ. એટલામાં શીખ લોકોની એક પ્રાઈવેટ બસ આવી. શીખ લોકો તેમાં ચડતા હતા. અમે તેમાંના એક જણને ખાલી પૂછવા ખાતર જ પૂછ્યું, ‘તમારી બસ ક્યાં જવાની?’

તેણે કહ્યું, ‘ જોશીમઠ. તમારે આવવું છે?’

મેં કહ્યું, ‘અમારે ય જોશીમઠ જ જવું છે.’

તે કહે, ‘તો ચાલો, આવી જાવ અમારી બસમાં.’

અમે ચારે જણ તેમની બસમાં ચડી ગયા. તેઓએ બેસવાની જગા પણ કરી આપી. અત્યારે તો દિવસ હતો, એટલે મીનાને કોઈ બીક ના લાગી. પણ તેને આટલા બધા શીખ લોકો વચ્ચે બેસવાનું બહુ પસંદ નહોતું. મને શીખોની આ મદદ માટે માન હતું.

બસમાં શીખ લોકો ધાર્મિક ગીતો ગાતા હતા. અમને તેમાં બહુ સમજણ પડી નહિ. પણ થોડી થોડી વારે બધા લોકો સમૂહમાં ‘સત શ્રી અકાલ’ બોલતા હતા. અમે પણ તેમાં સાથ પુરાવ્યો. એટલામાં જોશીમઠ આવ્યું. પેલા શીખ ભાઈએ અમને અમારો સામાન ઉતારવામાં મદદ કરી, અને એણે કહ્યું પણ ખરું કે ‘જોશીમઠમાં અમારા ગુરુદ્વારામાં રહેવું હોય તો અમારી સાથે ચાલો.’

મેં જરા ગમ્મતમાં કહ્યું, ‘ચાલ મીના, એમની સાથે અહીં પણ રહી નાખીએ.’ પણ એમ તે માને ખરી?

અમે એ બધા શીખ ભાઈઓનો આભાર માની, ‘સત શ્રી અકાલ’. કહી, પ્રેમપૂર્વક તેમનાથી છૂટા પડ્યા. જોશીમઠમાં રહેવા માટે અમને એક હોટેલ મળી પણ ગઈ. મેં મીનાને કહ્યું, ‘દુનિયામાં બધા લોકો ખરાબ નથી હોતા. આપણે કોઈનું બુરું નથી ઈચ્છતા, એટલે આપણને સારા માણસો મળે છે. આપણને કેટલા પ્રેમાળ લોકો અહીં મળ્યા ! તને જે ડર લાગતો હતો, એને બદલે તો આપણને મદદ કરવા તત્પર હોય એવા માણસો અહી મળ્યા ને?’

Advertisements

1 ટીકા (+add yours?)

  1. pravinshastri
    ઓક્ટોબર 13, 2014 @ 15:51:23

    માહિતી પ્રધાન લેખ.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: