બેન્ટનવીલનું બાલમંદિર (KG)

                                                    બેન્ટનવીલનું બાલમંદિર (KG)

આપણા દેશની જેમ અમેરીકામાં પણ નાનાં બાળકો માટે બાલમંદિરો હોય છે. તેને મોન્ટેસરી સ્કુલ પણ કહેવાય છે. ૩ થી ૬ વર્ષનાં બાળકો માટેનાં આ બાલમંદિરોમાં નાનાં ભૂલકાંઓને ઘણું શીખવા મળે છે.

મારો પૌત્ર ધ્રુવ બેન્ટનવીલ શહેરના આવા જ એક બાલમંદિરમાં જાય છે. તેના બાલમંદિરનું નામ ‘Little Einstein Montessori school છે. તેના બાલમંદિરનો ટાઈમ સવારના ૮ થી ૧૨નો છે. તેને દરરોજ મૂકવા અને લેવા જવાનું હોય છે. અહી બાળકો પર બહુ બંધનો લાદેલાં નથી હોતાં. મૂકવા-લેવાના ટાઈમમાં થોડું આઘુપાછુ થાય તો કોઈ વાંધો નહિ. મૂકવા જવામાં આઠના સવા આઠ થાય તો પણ ધ્રુવનાં મેડમ મીસ મોરગન તેને ‘હાય ધ્રુવ’ કહીને, રોજ જેટલા જ ઉમળકાથી આવકારે. તેને લેવામાં મોડું પડાય તો પણ મેડમ તેને સાચવતાં હોય. મૂકવા-લેવા જનારને કોઈ ટેન્શન નહિ. મગજ પર બંધનોના બોજ સિવાય જીવવાની કેવી મજા આવે !

આઇન્સ્ટાઇન કેવા મહાન વૈજ્ઞાનિક હતા ! કેટલા વિચક્ષણ અને બુદ્ધિશાળી હતા ! બાલમંદિરનાં બાળકો આઇન્સ્ટાઇનની નાની આવૃત્તિ, એટલે કે Little Einstein જેવાં જ હોય છે.  સ્કુલનું નામ કેટલું બધું સાર્થક છે ! બાળકો નાનપણથી જ બુદ્ધિશાળી છે, એવી હકારાત્મક ભાવના તેમના મનમાં કેટલો બધો આત્મવિશ્વાસ ઉભો કરે છે !

બાલમંદિરમાં બાળકોને મોટે ભાગે તો રમવાનું જ હોય છે. એ ઉપરાંત, અહીં ઘણી જાતની રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવે છે. જેમ કે દરેક બાળકને કાગળ પર ડ્રોઈંગ કરીને આપ્યું હોય, તો તેમાં ક્રેયોન પેન્સીલથી રંગ પૂરવાનો. મેડમે ચોરસ દોરીને આપ્યો હોય, તો ચોરસની અંદર કોઈ એક રંગની પેન્સીલથી લીટા દોરવાના. બાળક પેન્સીલ પકડતાં શીખે (એ પણ જમણા હાથથી), પેન્સીલથી લીટા દોરે, લીટા ચોરસની બહાર ન આવી જાય, ચોરસની અંદર કોઈ જગા ખાલી ના રહી જાય, કોઈ ભાગ વધુ ડાર્ક કે ઓછા ડાર્ક ના રહે – એ બધું જ ધ્યાન રાખવાનું. મેડમ દરેક બચ્ચાને શીખવાડતાં જાય, રોજ પ્રેક્ટીસ કરાવે અને ધીરે ધીરે બાળકને આવડતું જાય. કોઈ બાળક રડે, કોઈને છીંક આવે, કોઈને નાકમાંથી શેડાં નીકળે, કોઈ ઉભું થઈને દોડવા માંડે – આ બધું જ સાચવવાનું.

લીટલ આઇન્સ્ટાઇન સ્કુલ વર્ષમાં એકબે વાર વાલીઓ માટે ‘ઓપનહાઉસ’ નામનો પ્રોગ્રામ રાખે છે. એમાં વાલીઓએ સ્કુલમાં આવવાનું અને એમનું બાળક કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે એ જોવાનું. સાથે કંઇક નાસ્તો બનાવીને સ્કુલમાં લઇ જવાનો. આવા એક ઓપનહાઉસ પ્રોગ્રામમાં અમે ધ્રુવ સાથે તેના બાલમંદિરમાં ગયા. ભારતની સરખામણીમાં અહીંનાં બાલમંદિરો કેવાં છે, તે જાણવાની ઈંતેજારી પણ ખરી.

અમે નાસ્તામાં કેક બનાવીને લઇ ગયા હતા. બીજા ઘણા વાલીઓ આવ્યા હતા. એમાં ધોળા અમેરીકન, શ્યામવર્ણા હબસી અને ચપટા નાકવાળા ચીના પણ હતા. ભારતીયો તો ખરા જ. એમાં ય ગુજરાતી, રાજસ્થાની, તમિલ અને કેરળવાસીઓ પણ હતા. એમ લાગ્યું કે આખી દુનિયાની પ્રજા અમેરીકામાં આવીને વસી છે. દુનિયાની બધી પ્રજા અહીં હળીમળીને રહે છે. ઘણા દેશોનો અહીં સુભગ સમન્વય છે.

બાલમંદિરનું આખું મકાન અંદરથી એસી છે. જો કે અહીં અમેરીકામાં તો બધાં જ મકાન એસી હોય છે. ચોખ્ખાઈ તો ખૂબ જ. આખા અમેરીકામાં બધે જ આટલી ચોખ્ખાઈ હોય છે. બીજા દેશોએ ચોખ્ખાઈ રાખવાનું તો અમેરીકા પાસેથી શીખવા જેવું છે. ચોખ્ખાઈને લીધે અહીં તાવ, શરદી અને ખાંસી જેવી સામાન્ય બીમારીઓ જવલ્લે જ આવે છે.

બાલમંદિરમાં સ્વાગત રૂમથી આગળ જતાં, એક લોબીમાં બાળકનું નાનું દફતર ભરવવા માટે લાઈનબંધ હૂક લગાડેલા જોયા. આ હૂક બાળકને પહોંચાય એટલી ઉંચાઈએ લગાડેલા હતા. એમાં દરેક હૂક આગળ બાળકનું નામ લખેલો રંગીન વર્તુળાકાર કાગળ ચોંટાડેલો હતો. દરેક બાળકે સ્કુલમાં આવીને અહીં પોતાના નામવાળા હૂક પર પોતાની બેગ લટકાવી દેવાની અને બાજુના સ્ટેન્ડ પર પાણીની વોટરબેગ મૂકી દેવાની, પછી પોતાના વર્ગમાં જવાનું. આ બધાથી બાળકમાં એક શિસ્ત કેળવાય છે.

વર્ગમાં પેસવાના બારણા આગળ, ભીંત પર મેડમનું નામ લખેલું હતું. અમે ‘મીસ મોરગન’ના વર્ગમાં ગયા, કેમ કે ધ્રુવ આ વર્ગમાં ભણતો હતો. રૂમમાં બાળકોને બેસવા માટે નાની નાની રંગીન ખુરશીઓ હતી. એ જ સાઈઝનાં ટેબલો હતાં. બાળકો અહીં બેસીને ડ્રોઈંગ કરે, ડ્રોઈંગમાં રંગ પૂરે, કાગળમાં દોરેલા ચોરસ કે વર્તુળ આકારને કાતરથી કાપે, બીજા કાગળ કે પૂંઠા પર આ કાપેલા આકારને ગ્લુ (ગુંદર)થી ચોંટાડે – આવી બધી પ્રવૃત્તિઓ કરે. દરેક બાળક, બીજા બાળકે કેવું બનાવ્યું છે તે જોવામાં રસ ધરાવતું હોય છે.

રૂમમાં ભીંત પર, દરેક બાળકને અમુક જગા ફાળવી આપેલી હતી. ત્યાં બાળક પોતાનાં ચિત્રો કે અન્ય ચીજો લગાડે. રૂમમાં દરેક બાળકને એક ખુલ્લું ખાનું ફાળવેલું હતું. ત્યાં તે પોતે કરેલી પ્રવૃત્તિની વસ્તુઓ મૂકી રાખે.

રૂમમાં રમકડાં તો ખરાં જ. પ્લાસ્ટીકની નાનીમોટી કાર, ટ્રેન, હેલીકોપ્ટર, ઘર – એવું ઘણું બધું હતું. જુદા જુદા ભાગો ભેગા કરીને કોઈ એક વસ્તુ (દા.ત. ઘર) બનાવવાની હોય. બાળકોને રમવાની મજા પડી જાય. મીસ મોરગન દરેક બાળકને રમવાની પ્રવૃત્તિ સોંપે.

સ્કુલમાં આ ઉપરાંત, ખાસ પ્રકારનાં ‘વીક’ ઉજવાય છે. જેમ કે કોઈ એક અઠવાડિયું ‘ટ્રાફિક વીક’ હોય ત્યારે રોજ ટ્રાફિકના નિયમોના પ્રયોગો બતાવે. રસ્તો બનાવી એના પર ડાબે જમણે જતી કારો, લાલ સીગ્નલ આગળ ઉભેલી કારો વગેરે શીખવાડે.

બાળકોને દરરોજ સ્કુલની પાછળની રમતની જગામાં લઇ જાય. ત્યાં લપસણી, ઝૂલા, હીંચકા વગેરે છે. બાળકોને મજા આવી જાય.

ઉપરાંત, દરરોજ નાસ્તો આપે. નાસ્તા રૂમ જુદો હોય. ત્યાં દરેક બાળક પોતે ઘેરથી લાવેલો અને અહીંથી આપેલો નાસ્તો ખાય. ખાધા પછી પોતાની ડીશ, ભૂલ્યા વગર ડસ્ટ બીનમાં નાખી દેવાની. બાળકને ઉંઘ આવે તો સુવાની પણ સગવડ છે.

અમે ધ્રુવનો રૂમ જોઈ ખુશ થઇ ગયા. મીસ મોરગને પણ બધું બતાવ્યું. અમે પૂછેલા બધા જ પ્રશ્નોના ખૂબ જ વિવેકપૂર્વક અને સ્મિત સાથે ઉત્તરો આપ્યા. બીજાં મેડમ મીસ ડોડી પણ અહીં હતાં. તેઓ ખૂબ જ કોઓપરેટીવ હતાં. અમને લાગ્યું કે અમે આ લોકો સાથે ભળી ગયા છીએ. જરા ય અતડાપણું નહિ, કોઈ જ અહંકાર કે ઉપરીપણાનો ભાવ નહિ. રૂમમાં તો ફોટા પાડવાની છૂટ હતી, એટલું જ નહિ, મીસ ડોડીએ તો અમારી સાથે ઉભા રહીને ફોટો પડાવ્યો.

અમે બીજી રૂમો પણ જોઈ આવ્યા. પછી અમે નાસ્તા રૂમમાં ગયા. બધા વાલીઓએ પોતે લાવેલો નાસ્તો એક મોટા ટેબલ પર ડબ્બા ખોલીને મૂકી દીધો હતો. અમે પણ અમારી કેક એમાં ગોઠવી દીધી હતી. બધા વાલીઓ ખુરશીઓમાં બેઠા હતા. પોતપોતાની રીતે વાતોમાં મસ્ત હતા. પણ ઘોંઘાટ અને શોરબકોર જરા ય નહિ. ટેબલ પરના નાસ્તાઓમાંથી જેને જે ખાવું હોય તે પ્લેટમાં લઈને ખાવાની છૂટ. અહીં ગોરાઓ, હબસીઓ, ચીનાઓ, ગુજરાતીઓ અને તમિલો એમ બધા હતા. તેમાં ઘણા મારા પુત્રના ઓળખીતા હતા. ‘હાય, હલ્લો, કેમ છો?’ એવું બધું ચાલ્યું. અમે પણ ગુલાબજાંબુ, દ્રાક્ષ એવું થોડું થોડું ખાધું.

અહીં નિયમોનાં કોઈ બંધન નહિ. ખુરશીમાં બેસવાની કોઈ પડાપડી નહિ. ખુરશી ખાલી ના હોય તો કંઈ નહિ, ઉભા રહેવાનું. ખાવામાં કોઈ પડાપડી નહિ. ઢોળાયું હોય તો જાતે ભરી લેવાનું. ખાધા પછી પ્લેટ ડસ્ટ બીનમાં નાખવાની જ. આથી ક્યાંય ગંદકી થાય જ નહિ. જગા જેવી હતી એવી ને એવી જ ચોખ્ખી રહે.

લીટલ આઇન્સ્ટાઇનનો સુખદ અનુભવ કરી, અમે પાછા વળ્યા. એવું લાગ્યું કે ‘લીટલ આઇન્સ્ટાઇન’માં ભણનારાં બાળકો મોટાં થઈને ‘બીગ આઇન્સ્ટાઇન’ બની બતાવશે.

IMG_4882IMG_4893IMG_4894IMG_4902

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Saralhindi
  ઓક્ટોબર 16, 2014 @ 19:45:29

  Very good,
  Here is a link
  http://www.le-ms.com/

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ, ,નરેન્દ્ર મોદી અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપીનો અને ભાષાનો રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ?

  ગુજરાતીઓ એ ફક્ત હીન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે , તેમનો ધ્યેય શું છે,તેમના હીન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

  આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં ,ભાષા લીપી રૂપાંતર દ્વારા શીખી શકાય છે.

  જવાબ આપો

 2. hirals
  ડીસેમ્બર 11, 2014 @ 16:23:14

  મજા આવી વાંચવાની.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: