વાર્તા – કુદરતનો કરિશ્મા

                                                             કુદરતનો કરિશ્મા

અમારા એક ઓળખીતા શ્રી નટવર મકવાણા ગાંધીનગરની એક સરકારી ઓફિસમાં નોકરી કરતા હતા. પોતે બી.એ.થી આગળ ભણેલા નહિ, પણ એ જમાનામાં કારકુન(ક્લાર્ક)ની નોકરી જલ્દી મળી જતી હતી. એટલે તેઓ સરકારી નોકરીમાં ગોઠવાઈ ગયા હતા. લોકોમાં એવી માન્યતા છે કે એક વાર સરકારી નોકરીમાં અંદર ઘૂસો, પછી જલસા જ જલસા. કામ કરો કે ના કરો, નોકરીમાંથી કોઈ કાઢી મૂકે નહિ. હા, સરકારી નોકરીમાં અમુક સારા માણસો પણ હોય છે. બીજા ભલે ગમે તે કરે, પણ પોતે નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી પોતાનું કામ કર્યે જ જાય. એટલે તો સરકારો ચાલતી રહે છે.

પણ આપણી આ વાર્તાના હીરો મી. નટવરભાઈ એ નિષ્ઠાવાન લોકોમાંના ન હતા. તેમણે તો ધીરે ધીરે નોકરીમાં પોતાની વગ વધારવા માંડી. ઉપરી અધિકારીઓને ખુશ રાખવામાં અને તેમના મારફતે કામ કઢાવી લેવામાં તેઓ પાવરધા થવા માંડ્યા. તેમના ગૃપમાં તેઓ આ બધી બાબતો માટે જાણીતા થઇ ગયા. પછી તો તેમાં પૈસાનું દૂષણ પણ ઉમેરાયું.

એક વાર, અમારી નજીક રહેતા ચંદુભાઈ, નટવરલાલને મળવા ગયા. ચંદુભાઈ પ્રાંતિજમાં નોકરી કરતા હતા. રોજ અમદાવાદથી પ્રાંતિજ અપડાઉન કરતા. છોકરાં મોટાં મોટાં, એટલે પ્રાંતિજમાં ફેમિલી લઈને રહેવાનું ફાવે એવું ન હતું. પ્રમાણિકપણે ફરજ બજાવીને પ્રાંતિજમાં પાંચ વર્ષ કાઢી નાખ્યાં. તેઓ ઈચ્છતા હતા કે હવે અમદાવાદ બદલી થાય તો સારું. બદલી માટે તેમનો હક પણ બનતો હતો. છતાં ય કંઈ થતું ન હતું. નાછૂટકે તેઓ નટુભાઈને મળ્યા. નટુભાઈ પણ તેમને ઓળખાતા હતા.

નટુભાઈ મુડમાં હતા, બોલ્યા, ‘બોલો ચંદુભાઈ, કેમ આવવું થયું?’

ચંદુભાઈએ થોડો ખચકાટ અનુભવ્યો, પણ છેવટે વાત કરી જ નાખી, ‘જુઓને નટવરભાઈ, મને પ્રાંતિજમાં પાંચ વર્ષ થઇ ગયાં, પણ હજુ મારી અમદાવાદ બદલી થતી નથી.’

નટવરભાઈએ કહ્યું, ‘ઓહો એમ? એમાં તો શું મોટી વાત છે? બદલી માટે તો તમારો હક છે. હું આજે જ ગાંધીનગરમાં તમારી વડી કચેરીમાં તપાસ કરું અને પછી તમને કહું. બે દિવસ પછી મને મળજો ને.’

ચંદુભાઈ તો, જાણે કે બદલીનો હુકમ હાથમાં આવી ગયો એમ હરખાતા હરખાતા ઘેર આવ્યા. તેમણે બદલીનાં સ્વપ્નાં દેખાવા લાગ્યાં.

બે દિવસ પછી તેઓ ફરીથી નટવરભાઈને ત્યાં પહોંચ્યા. નટવરભાઈએ સ્વાગત કર્યું, ‘આવો ચંદુભાઈ, તમારી જ રાહ જોતો હતો.’

ચંદુભાઈને થયું કે આવો માણસ મારી રાહ જુએ ખરો? તેમને સમજણ ના પડી કે નટુભાઈ કહેવા શું માગે છે? બોલ્યા, ‘હા નટુભાઈ, કંઈ થયું મારી બદલીના કેસમાં?’

નટુભાઈ કહે, ‘થઇ તો જાય, પણ…..’

ચંદુભાઈ ગભરાયા કે આ ‘પણ…..’માં શું હશે?

નટુભાઈ આગળ બોલ્યા, ‘પણ વહીવટ કરવો પડે એમ છે. વીસ હજાર રૂપિયા ખર્ચવાની તૈયારી છે?’

ચંદુભાઈ આંકડો સાંભળીને ચમક્યા. પોતે બચરવાળ માણસ. પગાર પર જ ઘર નભે. બચત થાય નહિ. એકસામટા વીસ હજાર રૂપિયા કોઈકને આપી દેવાના?

બેચાર દિવસની માનસિક મથામણ પછી તેમણે નટુભાઈ સાથેનો સોદો સ્વીકાર્યો. ઉછીનાપાછીના કરીને રૂપિયા ભેગા કર્યા. નટવર એટલે કૃષ્ણ ભગવાન. એક નટવર એમના જમાનામાં લોકોને નિઃસ્વાર્થભાવે  મદદ કરતા હતા. આજના આ નટવર નામધારી, લોકોને ચૂસીને પૈસા બનાવતા હતા. એક મહિનામાં તો ચંદુભાઈ બદલીનો ઓર્ડર લઈને અમદાવાદ આવી ગયા. લોકોનાં સાચાં કામ પણ પૈસા આપ્યા સિવાય ના થાય, એનો ચંદુભાઈએ અનુભવ કર્યો.

અમારા વિસ્તારમાં રહેતા જમુભાઈને પણ નટુભાઈની ‘સેવા’ની જરૂર પડી. જમુભાઈનો દિકરો કિરીટ હમણાં જ બી.કોમ. થયો હતો. સરકારી નોકરીઓમાં ફીક્સ પગારે નવા ઉમેદવારો લેવાની પ્રથા શરુ થઇ હતી. આવી નોકરીઓ એડ હોક નોકરીઓ કહેવાતી. પછી યોગ્યતા અનુસાર, તેમને કાયમી કરાતા. કિરીટ આવી એડ હોક નોકરી માટે યોગ્ય હતો. પણ તેનો મેળ પડતો ન હતો. જમુભાઈને થયું કે લાવ, નટુભાઈને વાત તો કરી જોઉં.

જમુભાઈ આવ્યા નટુભાઈ પાસે. બોલ્યા, ‘નટુભાઈ, તમારું કામ પડ્યું છે.’

નટુભાઈ કહે, ‘કહો ને શેઠ, તમારે માટે તો બેઠા છીએ. તમારું કામ નહિ કરીએ તો કોનું કરીશું?’

જમુભાઈને લાગ્યું કે ‘હાશ ! મારા કિરીટનું ઠેકાણું પડી જશે ખરું.’ બોલ્યા, ‘નટુભાઈ, મારા કિરીટને તો તમે ઓળખો જ છો. એણે એડ હોક નોકરી માટે અરજી કરી છે. પણ કંઈ જવાબ આવતો નથી. જો તમે એમાં રસ લઈને એની અરજી આગળ ધપાવો તો કંઇક થાય.’

નટુભાઈ કહે, ‘જુઓ, આ તો નવી નોકરીનો સવાલ છે. નોકરી મળી જાય એટલે સરકારી ધારાધોરણો મૂજબ પગાર મળતો થઇ જાય. કિરીટ અત્યારે કંઈ જ નથી કમાતો, એને બદલે વર્ષે દહાડે એક લાખ રૂપિયા જેટલું કમાતો થઇ જાય.’

જમુભાઈ કહે, ‘એટલે તો તમારી પાસે આવ્યો છું. એનું ઠેકાણું પાડી આપો.’

નટુભાઈએ હવે પોત પ્રકાશ્યું, ‘એક લાખ રૂપિયા વેરવા પડે. બધે થોડા થોડા આપવા પડે. બોલો છે તૈયારી? એમ સમજજો કે એક વર્ષ મોડી નોકરી મળી’તી.’

જમુભાઈ તો હબકી ગયા. ‘હજુ એક રૂપિયો તો કમાયો નથી, અને એને માટે એડવાન્સમાં એક લાખ રૂપિયા આપી દેવાના?’ તેઓ નિરાશ થઈને ઘેર પાછા આવ્યા.તેમની એક લાખ રૂપિયા ખર્ચવાની ત્રેવડ પણ ન હતી.

નટવરભાઈને સારું ફાવી ગયું હતું. તેમનો ‘ધંધો’ પૂરબહારમાં ચાલતો હતો. પણ એમના ઘરમાં શું ચાલે છે, તે તો જુઓ. તેમની પત્ની રાધા (નટવર એટલે કે કૃષ્ણની પત્ની રાધા જ હોય ને?) બહુ જ ડાહી સ્ત્રી હતી. પતિ સારું ‘કમાયા’, પણ પતિના આવા બધા ધંધા તેને પસંદ ન હતા. નટવરે તો પોતાનું નાનું મકાન તોડીને મોટો બંગલો બાંધ્યો હતો, પણ તેમાં તે ઝાઝી સુખી ન હતી. રાધાને બાળકો થયાં નહિ. નટુભાઈની મિલકતનો વારસદાર કોણ બને? એટલે નટખટ નટવરે બીજી સ્ત્રી ઘરમાં લાવવાની પેરવી કરવા માંડી. રાધાની મનેકમને સંમતિ લઈને, નટવરે સીતા નામની બીજી એક સ્ત્રી શોધી પણ કાઢી. સીતા વિધવા હતી, તેને અમર નામે એક પુત્ર પણ હતો. નટુભાઈ સીતાને પરણ્યા. બે સ્ત્રીઓએ એક પતિ સાથે રહેવાનું, એમાં કેટલો મેળ જામે? આમ છતાં, રાધા સીતાના પુત્રને પોતાનો ગણી તેના ઉછેરમાં મદદ કરવા લાગી. નવી આવેલી સીતા વધારે ચબરાક હતી. પાંચ વર્ષના ગાળામાં સીતાએ બીજા બે પુત્રોને જન્મ આપ્યો.

બધું જ બરાબર ચાલતું હતું. નટુભાઈની ‘કમાણી’ ચાલુ જ હતી. તેઓ બધી રીતે સુખી હતા. પણ એમણે ચંદુભાઈ અને જમુભાઈ જેવા કેટલા બધા લોકોની ‘હાય’ લીધેલી ! અચાનક જ એક દિવસ…..

એક દિવસ નટુભાઈ બાઈક પર જતા હતા. મનમાં ‘એક રાસ્તા હૈ જિંદગી….’ ગીત ગણગણતા હતા. પોતે કેટલા પૈસા ભેગા કર્યા, તેનો મનમાં આનંદ માણતા હતા, ધીમો ધીમો વરસાદ વરસતો હતો. તેઓ એક સ્કુટરને ઓવરટેક કરવા ગયા, ત્યાં ભીના રસ્તા પર બાઈક સ્લીપ થયું. બાઈક સાથે પોતે રસ્તા પર લગભગ આડા પડી ગયા. તેમના બાઈક પાછળ એક કાર આવતી હતી. કારવાળાએ બ્રેક તો મારી, પણ તે નટુભાઈના શરીર પર ફરી વળ્યા પછી જ અટકી. એક ક્ષણમાં તો શું નું શું બની ગયું !

લોકો ભેગા થઇ ગયા. લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને તેમને દવાખાને પહોંચાડ્યા. તેમને બહુ જ વાગ્યું હતું. ડોકટરોએ ઓપરેશન કર્યું. નટુભાઈ જીવી ગયા, પણ કરોડરજ્જુ તૂટી ગઈ હતી, તેને ડોકટરો બહુ સુધારી ના શક્યા. બે મહિના પછી તેઓ દવાખાનેથી ઘેર પહોંચ્યા ત્યારે સ્વસ્થ હતા, પણ હવે તે ઉભા રહી શકે કે ચાલી શકે તેમ ન હતા. બાકીની જિંદગી આમ જ પલંગમાં પસાર કરવાની હતી.

નટુભાઈની નોકરી ચાલી ગઈ. વીમાનું વળતર, પેન્શન બધું જ મળ્યું, પણ હવે તે કશું જ કરી શકે તેમ ન હતા. ઓળખીતાઓ ખબર જોવા આવતા, સહાનુભૂતિ દર્શાવતા, અને પાછળ બોલતા ય ખરા કે, ‘નટીયો આ જ લાગનો હતો. આખી જિંદગી એણે જે કર્યું, એનાં આ ‘ફળ’ ભોગવી રહ્યો છે.’

આમ ને આમ બે વર્ષ પસાર થઇ ગયાં. નટુનું શરીર સુકાઈને લાકડી જેવું થઇ ગયું. બોલવાના પણ ફાંકા પડતા હતા. અચાનક એક દિવસ, તેમના શરીરનું હલનચલન બંધ થઇ ગયું. અજીબાજુવાળા ઝડપથી તેમને કોઈકની કારમાં નાખીને એક દવાખાને લઇ ગયા. ત્યાં તેમને ઉતારી, કમ્પાઉન્ડમાં સુવડાવ્યા. શબ પડ્યું હોય એવું લાગતું હતું. કોઈકે અંદર જઇ, ડોક્ટરને બહાર બોલાવ્યા. ડોક્ટર કહે, ‘આ તો મરેલો દેખાય છે. મરેલાને અહીં કેમ લાવ્યા છો? હું ના તપાસું. લઇ જાઓ સરકારી હોસ્પિટલમાં.’ એ ડોકટરે તેમને ના તપાસ્યા. શરીરમાં જીવ રહ્યો છે કે મરી ગયા છે, એ નક્કી તો કરવું પડે ને? એ તો ડોક્ટર જ નક્કી કરી શકે. છેવટે બીજી જગાએ એક માયાળુ ડોકટરે તેમને ‘મરેલા’ જાહેર કર્યા. તેમના મૃત્યુનો મલાજો પણ ના સચવાયો.

તેમના અવસાન પછી, તેમની બંને પત્નીઓ વચ્ચે ખટરાગ વધ્યો. નટુભાઈના આ બંગલાની માલિકી કોની? સીતાને હજુ ૩ બાળકો ઉછેરવાનાં હતાં. તેને રાધાનું મો જોવાનું ય ગમતું ન હતું.

એવામાં કોઈકની ચઢવણીથી રાધાએ મકાનના માલિકીહક માટે કોર્ટમાં કેસ કર્યો. રાધા તો નટુભાઈની પત્ની હતી જ. સીતા તો પછીથી આવીને ગોઠવાઈ ગઈ હતી. હિંદુ લગ્નના કાયદા મૂજબ, એક પત્ની પર બીજી પત્ની કરાય નહિ. એટલે રાધા કેસ જીતી ગઈ. તેણે સીતાને છોકરાં સહિત ઘરની બહાર કાઢી મૂકી. એ તો સારું હતું કે નટુભાઈએ જીવતાંજીવત સીતા માટે એક બીજું ઘર ખરીદી રાખેલું. સીતા ત્યાં ચાલી ગઈ.

આ બાજુ મોટા બંગલામાં રાધા હવે એકલઅટૂલી થઇ ગઈ. એ પણ તેને ગમતું ન હતું. માંડ માંડ દિવસો પસાર કરતી હતી. એવામાં એક દિવસ ભીના ઓટલા પર તેનો પગ લપસ્યો. હાડકું તૂટ્યું, ખાટલે પડી, તે ઉભી જ ના થઇ. ચારેક મહિનામાં તો તે મરી ગઈ.

રાધાના મૃત્યુ પછી, સીતા આ ઘરના હક માટે દોડી આવી. રાધાનાં સગાંવહાલાંએ તેને રોકવા ઘણો સામનો કર્યો. આ સગાંવહાલાં પણ બધાં અત્યારે જ ફૂટી નીકળ્યાં. છેવટે સીતા સફળ થઇ. તે આ ઘરમાં પાછી આવી ગઈ.

સીતાનાં બાળકો મોટાં થઇ ગયાં હતાં. તેઓ ભણીને કમાતા પણ થયા, અને સીતાનો સંસાર સરસ ચાલવા લાગ્યો. નટુભાઈએ એકઠું કરેલું ધન હવે રહ્યું ન હતું. પણ તેમનું ધન જ્યાં સુધી ચાલ્યું, ત્યાં સુધી નટુભાઈ, રાધા કે સીતા કોઈ શાંતથી જીવી ના શક્યું. આ એક જોગાનુજોગ છે, પણ આને તમે શું કહેશો?

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. ચેતન ઠકરાર
  ઓક્ટોબર 29, 2014 @ 10:28:44

  કુદરત નો કરિશ્મા જ કહેવાય

  જવાબ આપો

 2. hirals
  ડીસેમ્બર 11, 2014 @ 16:19:42

  જે પણ લોકો બીજાની ‘હાય’ લે છે, ત્યાં જોગાનુજોગ કરતાં વધુ ‘કુદરતનો ન્યાય’ વધુ હોય છે.

  આવી વાતો વધુને વધુ લખાવી અને વંચાવી જોઇએ. કદાચ કોઇ એકાદ જણ ‘હાય’ લેવામાંથી પીછેહઠ કરે અને પ્રામાણિકતાથી ફરજ બજાવતો થાય. સુંદર વાર્તા.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: