ચીમેર ધોધ, ડાંગ
ચિત્રકોટ અને તીરથગઢ ધોધ
06 નવેમ્બર 2014 Leave a comment
ચિત્રકોટ અને તીરથગઢ ધોધ
ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટ નામે એક ખૂબ જ જાણીતું નગર છે, જ્યાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમ્યાન, ઘણો લાંબો સમય રહ્યા હતા. ચિત્રકૂટ એક ધાર્મિક સ્થળ છે. અહી ઘણાં મંદિરો આવેલાં છે. આ લેખમાં આપણે જે વાત કરવાના છીએ તે, આ ઉત્તર પ્રદેશવાળા ચિત્રકૂટની નહિ, પણ છત્તીસગઢ રાજ્યના બસ્તર જીલ્લામાં આવેલા ચિત્રકોટ ધોધની વાત છે.
છત્તીસગઢમાં જગદાલપુર નામે શહેર આવેલું છે. આ શહેરની વસ્તી ૨ લાખ જેટલી છે. ચિત્રકોટ ધોધ આ શહેરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ૪૦ કી.મી. દૂર આવેલો છે. અહીં ઇન્દ્રાવતી નદી જ આખી ધોધરૂપે પડે છે. ધોધ ૨૯ મીટર ઉંચાઈએથી પડે છે.
ઇન્દ્રાવતી નદી વિંધ્ય પર્વતમાળામાંથી નીકળે છે, અને પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તે ચિત્રકોટ આગળ ધોધરૂપે પડ્યા પછી આગળ વહીને ગોદાવરી નદીને મળે છે. અહીંની ભાષામાં ચિત્તલ એટલે હરણ. અહીં આજુબાજુ હરણની વસ્તી ખૂબ છે. ચિત્તલનું ચિત્તર થયું, પછી ધોધનું નામ પડી ગયું ચિત્રકોટ. બસ્તરના લોકો એને ચિત્રકોટ ઘુમર પણ કહે છે. ઘુમર એટલે ધોધ.
ચિત્રકોટ ધોધમાં ચોમાસામાં પાણી ખૂબ જ હોય છે. નદી બંને કાંઠે વહેતી હોય ત્યારે ધોધની પહોળાઈ ૧૫૦ મીટર જેટલી થાય છે. આ વખતે ધોધ ખૂબ જ વિશાળ, જાણે કે મોટો દરિયો ઘુઘવતો હોય એવો રૌદ્ર લાગે છે. ધોધમાં પાણીનો જથ્થો એટલો બધો હોય છે કે લોકો તેને અમેરીકાના નાયગરા ધોધ જોડે સરખાવે છે. અને તેને ‘ભારતનો નાયગરા‘ કહે છે. નાયગરાની જેમ, ચિત્રકોટ ધોધનો આકાર પણ ઘોડાની નાળ જેવો છે. ધોધ પડવાનો અવાજ એટલો મોટો થાય છે કે ધોધની નજીક ઉભા રહીને બીજા જોડે વાત કરીએ એ પણ સંભળાતી નથી. ચોમાસામાં પાણીમાં કાંપ અને માટી ઘસડાઈ આવે છે, એટલે પાણી બહુ જ ડહોળું માટી કલરનું દેખાય છે. ચોમાસામાં નદી જયારે ગાંડીતૂર બને છે, ત્યારે લોકોને ધોધની નજીક જવા દેતા નથી.
શિયાળામાં ધોધમાં પાણી ઓછું થાય છે ત્યારે તેની પહોળાઈ ઘટે છે. પાણી સફેદ દૂધ જેવું દેખાય છે. નદીના કિનારા પરથી ધોધ તથા ઉપરવાસમાંથી આવતી આખી નદી દેખાય છે. થોડાં પગથિયાં ઉતરીને નીચે આવીએ એટલે નીચવાસના કિનારે અવાય છે. અહીં બોટની વ્યવસ્થા છે. બોટવાળા બોટને ધોધની બિલકુલ સામે, સાવ નજીક સુધી લઇ જાય છે. ધોધનાં ફોરાં અને ધુમ્મસ આપણા પર ઉડે છે. પલળી જવાય છે. અહીંથી ઉપર નજર કરો તો એમ લાગે કે ઉપર આકાશમાંથી ધોધમાર પાણી પડી રહ્યું છે, અને તે બોટને ડુબાડી દેશે. જોઇને કદાચ ડર લાગી જાય. પણ આ એક અદભૂત રોમાંચ છે. આ બોટીંગ ફક્ત શિયાળામાં જ થઇ શકે. ચોમાસામાં પુષ્કળ પાણી હોય ત્યારે ના થઇ શકે. શિયાળામાં લોકો ઉપરવાસમાં નદીમાં ઉતરે છે પણ ખરા.
ધોધ જોવા આવનારા લોકો ધોધના સીનીક સૌન્દર્યને માણવા કિનારે બેસી રહે છે અને મન ધરાય ત્યાં સુધી ધોધને નિહાળ્યા કરે છે. અહીં સવારમાં જોગીંગ કરનારા, યોગ કરનારા, ધ્યાન ધરવાવાળા, ચિત્રકારો અને ફોટોગ્રાફરો આવતા હોય છે. મનની શાંતિ અને ધ્યાન ધરવા માટે આ સરસ જગા છે. રોજ ઘણા બધા પ્રવાસીઓ ધોધ જોવા આવે છે. અહીં નદી કિનારે સ્થાનિક લોકો લાકડાનાં રમકડાં, પીણાં, દૂધ, નમકીન વગેરે વેચતા નજરે પડે છે. શિયાળામાં સ્થાનિક લોકો માછલાં પણ પકડે છે.
ધોધની બધી બાજુ જંગલો છે. ધોધ આગળ પક્ષીઓના અવાજ સંભળાય છે. ધોધ પર ક્યારેક મેઘધનુષ્ય રચાય છે. પહેલી વાર આ ધોધ જોનારા લોકો આ ધોધના પ્રેમમાં પડી જાય છે. અને કોઈ લાગણીના બંધનમાં બંધાઈ જાય છે. એવું અહીંનું આકર્ષણ છે. આ એક સરસ પીકનીક સ્થળ છે.
ચોમાસામાં ધોધ જોવા માટે જુલાઈથી ઓક્ટોબર સૌથી સારો સમય છે. શિયાળામાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી અનુકૂળ સમય છે. જગદાલપુર, રાયપુરથી આશરે ૩૦૦ કી.મી. દક્ષિણમાં આવેલું છે. જગદાલપુરને રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ છે. જગદાલપુરમાં તથા ધોધ આગળ રહેવાની વ્યવસ્થા છે. જગદાલપુરથી ધોધ તરફ આવવા માટે બસ તથા ઘણાં વાહનો મળી રહે છે. છેક ધોધના કિનારા સુધી વાહનો આવી શકે છે. ધોધના કિનારે છત્તીસગઢ ટુરીઝમનું ગેસ્ટ હાઉસ છે. તેના રૂમોની બાલ્કનીમાંથી ધોધનો વ્યૂ બહુ સરસ દેખાય છે. આ ગેસ્ટ હાઉસમાં જમવાનું પણ મળી રહે છે. ગેસ્ટ હાઉસ તરફથી નદી કિનારે રાત્રે લાઈટીંગની વ્યવસ્થા છે. નદી કિનારે કેમ્પ સાઈટ છે, ત્યાં તંબૂમાં રહેવાની વ્યવસ્થા છે.
લોકો મોટે ભાગે જગદાલપુરમાં રહેવાનું રાખે છે અને ધોધની દિવસની ટ્રીપ કરીને પાછા આવી જાય છે. જગદાલપુરથી ધોધ તરફના રસ્તામાં પણ ઘણી હોટેલો અને રીસોર્ટ છે.
આ જ વિસ્તારમાં બીજો એક જાણીતો ધોધ તીરથગઢ છે. તે જગદાલપુરથી દક્ષિણ-પશ્ચિમમાં ૩૮ કી.મી. દૂર કંગાર નદી પર આવેલો છે. આ વિસ્તાર કંગાર વેલી નેશનલ પાર્ક કહેવાય છે. આ ધોધ ખડકોનાં એક પછી એક એવાં ઘણાં સ્તરો પર થઈને પડે છે. એટલે પગથિયાં પરથી ધોધ પડતો હોય એવું લાગે છે. ધોધ ૯૧ મીટરની ઉંચાઈએથી પડે છે, એટલે જાણે કે ઉંચે આકાશમાંથી પડતો હોય એવું દેખાય છે. પાણી બહુ હોય ત્યારે આ ધોધ બહુ જાજરમાન લાગે છે. ચોમાસામાં તેની પહોળાઈ ૧૬૦ મીટર જેટલી થઇ જાય છે. બાકીના સમયે તે શાંત અને સફેદ દૂધ જેવો દેખાય છે. અહીં પગથિયાં ઉતરીને છેક ધોધ સુધી જઇ શકાય છે. ધોધમાં ઉભા રહેવાય એવું છે. નાહી પણ શકાય છે.
તીરથગઢ ધોધ જગદાલપુરથી સુકમા જવાના રોડ પર દરભા ગામ આગળ આવેલો છે. દરભાથી જીપ કે રીક્ષામાં જઇ શકાય છે. આ ધોધ આગળ એક શીવમંદિર છે. એટલે અહીં ઘણા ભક્તો આવે છે.
આ ધોધની નજીક કુટુમસર અને કૈલાસ ગુફાઓ જોવા જેવી છે. કુટુમસર ગુફા જમીનથી ૩૫ મીટર ઉંડે છે અને ૧૩૭૧ મીટર લાંબી છે. ભારતની આ લાંબામાં લાંબી ગુફા છે. અંદર થોડેક સુધી જ જવાય છે. ગુફામાં દેડકા, સાપ, ચામાચીડિયાં વગેરે રહે છે અને ઓક્સીજનનું પ્રમાણ પણ ઓછું હોય છે.
જગદાલપુરની નજીક મન્દ્રા (૧૨ કી.મી.) અને ચિત્રધારા (૧૯ કી.મી.) વગેરે ધોધ પણ છે. જગદાલપુર શહેરમાં બસ્તર પેલેસ અને જૂની જાતિઓને લગતું એન્થ્રોપોલોજીકલ મ્યુઝીયમ જોવા જેવાં છે.
કહે છે કે જગદાલપુરની આસપાસ જંગલોમાં નક્સલવાદીઓ રહે છે. તેઓ ક્યારેક કોઈ ગામમાં લોકોને બાનમાં લે છે. એટલે તપાસ કરીને ત્યાં જવું જોઈએ.
છતાં, ક્યારેક તક મળે ત્યારે જગદાલપુર જજો અને ચિત્રકોટ તથા તીરથગઢ ધોધ જોતા આવજો. ચિત્રકોટ જોઇને ભારતનો મોટો ધોધ જોયાનો સંતોષ થશે.
ભવ્ય ધોધ કુટ્રાલમ
01 નવેમ્બર 2014 Leave a comment
ભવ્ય ધોધ કુટ્રાલમ
દુનિયામાં નાયગરા, વિક્ટોરીયા, ઇગ્વાસુ વગેરે બહુ જાણીતા ધોધ છે. ભારતમાં પણ ભવ્ય અને વિશાળ હોય એવા ઘણા ધોધ છે. થોડાં નામ ગણાવું? જોગનો ધોધ, શીવસમુદ્રમ, હોગેન્કલ, અથીરાપલ્લી, કુટ્રાલમ, ચિત્રકોટ, ગોકાક, દૂધસાગર, પાયકારા વગેરે બહુ જ મોટા ધોધ છે. આ બધા ધોધ જોઇને મોઢામાંથી ‘વાહ, અદભૂત, ભવ્ય’ એવા શબ્દો નીકળ્યા વગર રહે નહિ. ભારતનો કુટ્રાલમ ધોધ એવો છે કે જે ખૂબ પાણી ધરાવતો હોવા છતાં એમાં સહેલાઇથી નાહી શકાય છે. આ ધોધ જોવા દર વર્ષે દેશી તેમ જ પરદેશી લાખો ટુરિસ્ટો અહીં આવે છે. ચાલો, આપણે પણ આ ધોધ જોવા જઈએ.
કુટ્રાલમ ધોધ તમિલનાડુ રાજ્યના તીરુનલવેલી જીલ્લામાં કુટ્રાલમ ગામ પાસે આવેલો છે. તીરુનલવેલી શહેરથી તે ૫૯ કી.મી. દૂર છે. કુટ્રાલમની નજીક તેનકાશી અને સેનગોટ્ટાઈ નગરો આવેલાં છે. તેનકાશી કુટ્રાલમથી ૬ કી.મી. અને સેનગોટ્ટાઈ ૫ કી.મી. દૂર છે. કુટ્રાલમ વિસ્તારમાં કુલ ૯ ધોધ આવેલા છે. એ દરેક વિષે ટૂંકમાં વાત કરીએ.
(૧) મુખ્ય ધોધ (Main fall, Peraruvi fall) : કુટ્રાલમમાં આ મોટામાં મોટો ધોધ છે. તે કુટ્રાલમ ગામમાં જ આવેલો છે. તે ૬૦ મીટર ઉંચાઈએથી પડે છે. આ ધોધને પેરારુવી ધોધ પણ કહે છે. આ તમિલ નામ છે. અહીં દરેક ધોધને તમિલ નામ આપેલાં છે. આ ધોધ જ્યાં પડે છે ત્યાં ઉભા રહેવાય એવાં પ્લેટફોર્મ બનાવેલાં છે. એટલે એના પર ઉભા રહીને ધોધમાં નાહી શકાય છે. એક સાથે ઘણા બધા લોકો નાહી શકે છે. પુરુષ અને સ્ત્રીઓને અલગ નહાવાની વ્યવસ્થા છે. આ ધોધ તેની ઔષધિય અસર માટે જાણીતો છે. અહીં નહાવાથી તન અને મન બંને તાજાં થઇ જાય છે. નહાતાં નહાતાં એનું થોડું પાણી પી લેવાથી, પાચનતંત્ર અને કીડનીની તકલીફો માટી જાય છે, એવું કહેવાય છે.
(૨) પંચમ ધોધ (Five falls, Aintharuvi falls) : મુખ્ય ધોધથી તે ૪ કી.મી. દૂર આવેલો છે. અહીં ધોધ પાંચ જુદી જુદી ધારારૂપે પડે છે. એને લીધે, આ ધોધ કોઈ મોટો નાગ પાંચ ફેણ માંડીને બેઠો હોય એવો દેખાય છે. આ ધોધમાં પણ નહાવા માટે સરસ પ્લેટફોર્મ બનાવેલાં છે.
(૩) જૂનો ધોધ (Old fall, Pazhaya Coutralam aruvi) : આ ધોધ મુખ્ય ધોધથી આશરે ૬ કી.મી. દૂર આવેલો છે. મુખ્ય ધોધ કરતાં તે નાનો છે. અહીં પણ લોકો નહાય છે.
(૪) નાનો ધોધ (Small fall, Chitraruvi fall) : આ ધોધ મુખ્ય ધોધની નજીક છે.
(૫) શેનબાગદેવી ધોધ : નાના ધોધથી ૨.૫ કી.મી. ઉપર છે. ત્યાં જંગલોમાં ટ્રેકીંગ કરીને જવાય છે. અહીં ધોધનું પાણી શેનબાગનાં ઝાડો વચ્ચે થઈને વહે છે. આ ધોધ આગળ શેનબાગદેવી અમાનનું મંદિર છે.
(૬) હની ધોધ (Honey fall, Thenaruvi fall) : આ ધોધ મુખ્ય ધોધથી ૩ કી.મી. દૂર છે. અહીં ચાલતા જ જવું પડે. આ ધોધ આગળ ઘણા મધપૂડા હોવાથી તેને હની ધોધ કહે છે.
(૭) વીઆઈપી ધોધ (VIP fall, Pazhathotta aruvi) : આ ધોધ પંચમ ધોધની ઉપર જંગલોમાં આવેલો છે. અહીં રાજકીય નેતાઓ અને અધિકારીઓ આવતા હોવાથી તેને વીઆઈપી ધોધ કહે છે. અહીં ઓરચાડ અને બીજાં ફળો થાય છે. આથી એને ફ્રુટ ગાર્ડન ધોધ પણ કહે છે.
(૮) ટાઈગર ધોધ (Tiger fall, Puli aruvi) : આ ધોધ કુટ્રાલમ બસ સ્ટેન્ડથી ૨ કી.મી. દૂર આવેલો છે. આ ધોધનું પાણી એક તળાવમાં ભેગું થાય છે, પછી તે સિંચાઈ માટે વાપરવામાં આવે છે. અહીં ક્યારેક વાઘ પાણી પીવા આવે છે.
(૯) નવો ધોધ (New fall, Puthu aruvi) : આ ધોધ સરકારી હોર્ટીકલ્ચર પાર્કમાં આવેલો છે.
આ નવ ધોધમાંથી લોકો ખાસ કરીને પહેલા ૩ ધોધ – મુખ્ય ધોધ, પંચમ ધોધ અને જૂનો ધોધ – જોવા જ જતા હોય છે. આ ત્રણે ધોધની છેક સુધી પાકો રોડ છે, વાહનો છેક સુધી જઇ શકે છે.
આ બધા ધોધ જંગલો અને વનસ્પતિમાં થઈને આવતા હોવાથી તેના પાણીમાં સાજા કરવાની શક્તિ છે. નહાતી વખતે ધોધનું પાણી જે જોરથી પડે છે એનાથી તે આપણને ચિંતામુક્ત અને હળવા બનાવી દે છે. નાહ્યા પછી એવી તાજગી લાગે છે કે ઘરડા લોકો જુવાન થઇ ગયા હોય એવું અનુભવે છે, આ ધોધમાં નહાવાથી બધાં દુખદર્દ ભૂલી જવાય છે. અહીં મસાજવાળા પણ હોય છે. મસાજ કરાવ્યા પછી નહાવા જાવ તો ઓર મજા આવે છે.
કુટ્રાલમમાં લોકો માત્ર ધોધ જોવા જ નહિ, અહીંનાં મંદિરોમાં દર્શન માટે પણ આવે છે. મુખ્ય ધોધ આગળ બે ખાસ જાણીતાં મંદિરો છે. એકનું નામ છે થીરુકુટ્રાલાનાઘર. અહીં વર્ષમાં એક વાર ૧૦ દિવસનો ઉત્સવ ઉજવાય છે, તેમાં છેલ્લા પૂનમના દિવસે ખાસ પ્રાર્થના કરાય છે. બીજું મંદિર છે નૃત્ય કરતા નટરાજ શીવની ચિત્રસભા. તેમાં દેવદેવીઓનાં અને ધાર્મિક પ્રસંગોનાં ચિત્રો જોવા જેવાં છે. (શીવની કુલ ૫ સભાઓ છે. બાકીની ૪, રત્નસભા થીરુવલંગાડુમાં, કનકસભા ચિદમબરમમાં, વેલ્લીસભા મદુરાઈમાં અને થમીરસભા તીરુનલવેલીમાં છે.) પંચમ ધોધની સામે અય્યાનાર અને મુરુગા મંદિરો છે. કુટ્રાલમમાં આ ઉપરાંત બોટહાઉસ, સ્નેક પાર્ક અને માછલીઘર જોવા જેવાં છે.
કુટ્રાલમ ગામ પશ્ચિમઘાટની તળેટીમાં તમિલનાડુ-કેરાલાની સરહદ પર આવેલું છે. આ નાના ગામની વસ્તી માત્ર ૨૪૦૦ લોકોની છે, પણ ધોધને કારણે અહીં લોકોની અવરજવર ઘણી જ રહે છે. ગામને બે બસ સ્ટેન્ડ છે. તેનકાશી અને સેનગોટ્ટાઈથી કુટ્રાલમ જવા માટે ઘણી બસો મળે છે. તેનકાશીમાં રેલ્વે સ્ટેશન છે. તે ચેન્નાઈ અને તીરુનલવેલી સાથે રેલ્વેથી સંકળાયેલું છે. તેનકાશીને દક્ષિણ ભારતનું કાશી કહે છે. તેનકાશીમાં કાશીવિશ્વનાથારનું મંદિર છે.
કુટ્રાલમ અને તેનકાશીમાં રહેવાની સારી સુવિધા છે. કુટ્રાલમમાં ઘણા રીસોર્ટ, હોટેલ અને કોટેજો છે. મોટા ભાગની લક્ઝરી હોટેલો મુખ્ય ધોધની નજીક છે. કુટ્રાલમમાં રીક્ષા, પગરીક્ષા અને ટેક્સી ઘણી છે. રજાના દિવસે ધોધમાં બહુ જ ગીર્દી હોય છે. અહીં બજારમાં મસાલા દૂધ, હલવો અને સુતરાઉ ટુવાલ ખાસ મળે છે.
કુટ્રાલમ ધોધ જોવા જવા માટે જૂનથી સપ્ટેમ્બર ઉત્તમ સીઝન છે. અહીં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન વરસાદ પડે છે. તે વખતે ધોધમાં બહુ જ પાણી હોય છે. એવે વખતે ત્યાં નહાવાનું જોખમી ગણાય. કુટ્રાલમ મદુરાઈથી ૧૬૦ કી.મી., ત્રિવેન્દ્રમથી ૧૧૨ અને ચેન્નાઈથી ૬૪૦ કી.મી.દૂર છે. કુટ્રાલમની નજીકનું એરપોર્ટ તુતીકોરીન ૮૬ કી.મી. દૂર છે.
કુટ્રાલમ ધોધની સીનીક સુંદરતાને કારણે ઘણી તમિલ-તેલુગુ ફિલ્મોનાં શુટીંગ અહીં થયાં છે. જેવી કે પૂવા થલાયા (૧૯૬૯), અરાવન (૨૦૧૨), વેટ્ટાઈ (૨૦૧૨), મિર્ચી (૨૦૧૩), અંજાલા (૨૦૧૪) વગેરે.
કુટ્રાલમ આટલી સરસ જગા હોવા છતાં અહીં ગંદકી દેખાય છે. લોકો ધોધ આગળ પાણી-દારૂની ખાલી બોટલો ફેંકે છે. ગમે ત્યાં પાનની પિચકારી મારે છે. ડ્રેસીંગ રૂમ ચોખ્ખા નથી હોતા. સરકારે અને પ્રજાએ આ બધું સુધારવાની જરૂર છે, તો જ દેશી અને વિદેશી બધા પ્રવાસીઓ પર સારી છાપ પડે.
કુટ્રાલમની નજીક પલારુવી (Milky fall) અને પાપનાશમ ધોધ જોવા જેવા છે. પલારુવી, કુટ્રાલમથી ૨૦ કી.મી. દૂર, કેરાલાની સરહદની નજીક આર્યનકાવું ગામ આગળ છે. પાપનાશમ, કુટ્રાલમથી દક્ષિણમાં ૩૫ કી.મી. દૂર છે. પાપનાશમમાં અગાસ્થીયાર, પનાથીરથામ વગેરે જાણીતા ધોધ છે.
કુટ્રાલમ એ ભારતનો સુંદર અને મોટો ધોધ છે, જ્યાં જોખમ વગર નાહી શકાય છે. ફોટા જોઇને જ તમને એમાં નહાવાનું મન થઇ જશે. જીવનમાં એક વાર તો અહીં નહાવા જજો જ.