વાર્તા – એકલીઅટૂલી કાજલ

વાર્તા – એકલીઅટૂલી કાજલ  

કાજલ પટેલ છેલ્લા બાર વર્ષથી અમેરીકામાં છે. સારું ભણેલી છે, સારું કમાય છે. અહીં તેની લાઈફ સ્ટાઈલ અને સુખદુખની થોડી વાત કરવી છે.

ભારતમાંથી કેટલાય લોકો ધન કમાવા માટે અમેરીકા જવાનું સ્વપ્ન સેવતા હોય છે. આવા લોકોના બે પ્રકાર પાડી શકાય. એક વર્ગ એવા લોકોનો છે કે જે સારું ભણેલા હોય. એન્જીનીયરીંગ, મેડિકલ, ફાર્મસી, સીએ વગેરે ક્ષેત્રોમાં ડીગ્રી મેળવીને અમેરીકા આવ્યા હોય. કોઈક માસ્ટર ડીગ્રીવાળા પણ હોય કે કોઈકે અમેરીકામાં પહોંચીને માસ્ટર કર્યું હોય. આવા લોકોને અહીં સહેલાઇથી સારી કંપનીમાં જોબ મળી જાય છે અને મહિને ઓછામાં ઓછો છએક હજાર ડોલર પગાર તો મળે જ. આજના એક ડોલરના આશરે ૬૧ રૂપિયાના ભાવે ૬૦૦૦ ડોલરને રૂપિયામાં ફેરવો તો ૩,૬૬,૦૦૦ રૂપિયા થાય. ભારતના હિસાબે આ કમાણી તો ઘણી ઘણી લાગે. એમાંથી મહિને ૨૦૦૦ ડોલર વાપરે તો પણ કેટલી બધી બચત થાય ! આવા લોકો ટૂંક સમયમાં જ ગાડી, મકાન વગેરે ખરીદી લે છે. અને છતાં ય ભારતમાં તેમના કુટુંબને સારી એવી રકમ મોકલી શકે છે.

અમેરીકા આવતા લોકોનો બીજો વર્ગ એવો છે કે જે ઓછું ભણેલા હોય, જેમ કે એસ.એસ.સી., બી.એ., બી.કોમ., ડિપ્લોમા વગેરે. તેમના સગા અહીં અમેરીકામાં રહેતા હોય અને તેમણે સ્પોન્સર કરીને અહીં અમેરીકા તેડાવ્યા હોય. આવા લોકો અહીં મોટેલમાં, પેટ્રોલ પંપ કે ગ્રોસરીની દુકાનમાં નોકરીએ લાગી જાય, કોઈ બીજાઓ માટે રસોઈ બનાવીને કમાય, કોઈ બાળકોને રાખવાનું કામ કરે. આવા બધા ધંધામાં મહિને માંડ ૨૦૦૦ ડોલર જેટલું મળે. મહેનત પણ વધારે રહે, રજા કે બીજો કોઈ ફ્રી ટાઈમ મળે નહિ. આમ છતાં, તેઓ ૨૦૦૦માંથી ૧૦૦૦ ડોલર વાપરે તો પણ ૧૦૦૦ ડોલરની બચત થાય. ભારતના હિસાબે આ બચત ૬૧૦૦૦ રૂપિયા જેટલી થાય. ભારતમાં વસતા તેમના કુટુંબીઓને આ રકમ જરૂર મોટી લાગે. વળી, આવા લોકો આગળ જતાં ક્યારેક મોટેલ, પેટ્રોલ પંપ કે દુકાનના માલિક પણ બની શકે છે અને અઢળક પૈસો મેળવે છે.

આપણી આ વાર્તાની કાજલ, પહેલા પ્રકારના લોકોમાંની છે. ભારતમાં તે બી.એસ.સી., એમ.એસ.સી. અને પછી એમ.સી.એ. સુધી ભણી. એમ.સી.એ. એટલે કોમ્પ્યુટરમાં માસ્ટર ડીગ્રી કહેવાય. કાજલ એમ.સી.એ. ભણી પછી અમેરીકામાં ન્યૂયોર્કમાં રહેતા તેના એક સંબંધીએ તેને અમેરીકા આવવાની સલાહ આપી. કાજલને થયું કે ચાલો, અમેરીકા જઈને સારું કમાઈશું અને નવો દેશ જોવા મળશે. પ્રયત્ન કરતાં, તેને ન્યૂયોર્કમાં એક જોબ પણ મળી ગઈ. એટલે તે ૨૫ વર્ષની ઉંમરે H1 વિસા પર ન્યૂયોર્ક આવી.

ભારતમાં તેના કુટુંબમાં માતાપિતા, મોટો ભાઈ અને મોટી બહેન હતાં. ભારતમાં તેનું ઘર સુપેરે ચાલતું હતું, એટલે તેને અમેરીકા આવવામાં કોઈ કૌટુંબિક અડચણ પણ હતી નહિ. પિતા જીઈબીમાં મીકેનીકલ એન્જીનીયર હતા. ભાઈ ભણીને એક કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. બહેનનાં લગ્ન થઇ ગયાં હતાં.

કાજલ અમેરીકામાં કોઈ વધુ સારી જોબ માટે પ્રયત્નશીલ હતી. અમેરીકામાં તો લોકો ઝડપથી જોબ બદલે, શહેર અને મકાન પણ બદલી નાખે. કાજલને આર્કાન્સાસ રાજ્યના ફાયટવીલ ગામની નજીક વોલમાર્ટ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ઓફર મળી. આ નોકરી તેના અભ્યાસને વધુ અનુકૂળ હતી. એટલે તેણે આ જોબ સ્વીકારી અને ન્યૂયોર્કમાં બે વર્ષ ગાળ્યા પછી તે ફાયટવીલ આવી ગઈ.

વોલમાર્ટ વિષે થોડી વાત કરું. વોલમાર્ટ એ અમેરીકાનો બહુ જ જાણીતો અને બહુ જ શાખાઓ ધરાવતો રીટેઈલ સ્ટોર છે. વોલમાર્ટના સ્ટોરમાંથી તમને રોજીંદા જીવનમાં વપરાતી બધી જ વસ્તુઓ એક જ જગાએથી મળી રહે. પૌઆ, મમરા, સીંગદાણા, મગ દાળ, તુવેર, ગોળ, ખાંડ, દૂધ, ચા, કોફી, બિસ્કીટ, પીણાં, સાબુ, પાવડર, ક્રીમ, શાકભાજી વગેરે બધું જ મળે. હવે તો આપણા દેશમાં પણ આવા કેટલાય સ્ટોર ખુલી ગયા છે. તમને એમ થશે કે આવા સ્ટોરમાં સોફ્ટવેર એન્જીનીયરનું શું કામ પડે? વોલમાર્ટના સ્ટોરમાં રોજેરોજ કઈ આયટમ કેટલી વેચાઈ, કઈ વસ્તુનો કેટલો નવો સ્ટોક સપ્લાય કરવો પડશે, તેનાં ગોદામોમાંથી કેટલો નવો સામાન ક્યાં પહોંચાડવો, વેન્ડરો પાસેથી કેટલો નવો માલ ખરીદવો પડશે – આ બધાનું રોજેરોજનું ઝડપી પ્લાનીંગ કરવું પડે છે. આ કામની ગણતરી હાથથી કરવા બેસો અને એના પરથી નિર્ણયો લેવાનું રાખો તો એનો પાર આવે જ નહિ. એ રીતે થઇ શકે જ નહિ. આ કામ બહુ જ માથાકૂટિયુ છે. એટલે આ બધું કામ કોમ્પ્યુટરોની મદદથી થાય છે. એ માટે પ્રોગ્રામો લખવા પડે, નવા સોફ્ટવેર તૈયાર કરવા પડે. આ બધાં કામ માટે વોલમાર્ટને સોફ્ટવેર એન્જીનીયરોની જરૂર પડે. ફાયટવીલની નજીક વોલમાર્ટ આ માટેની મસમોટી ઓફિસ ધરાવે છે. આ ઓફિસમાં ગુજરાતીઓ સહિત ઘણા ભારતીય લોકો જોબ કરે છે.

કાજલ વોલમાર્ટની આ ઓફિસમાં ગોઠવાઈ ગઈ. રહેવા માટે તેણે ફાયટવીલમાં એક બેડરૂમનો ફ્લેટ ભાડે લીધો. ઘરવખરી વસાવી. ન્યૂયોર્કમાં કરેલી બચતમાંથી ગાડી પણ લીધી.

કાજલની રોજીંદી જિંદગી શરુ થઇ ગઈ. સવારે વહેલી ઉઠે, નાહીધોઈ પરવારી ભગવાન સ્વામીનારાયણનું થોડું નામ લે, ભારતમાં તેના પપ્પામમ્મીને ફોન કરી ખબરઅંતર પૂછે, ચા બનાવીને પીએ, રસોઈ કરે અને આઠ વાગે જોબ પર જવા નીકળી જાય. સાંજે છ વાગે ઘેર આવી ખાવાપીવાનું કરે, ટીવી જુએ, થોડું વાંચે અને નવ સાડાનવમાં તો સુઈ જાય. ક્યારેક રસોઈ બનાવવાનો કંટાળો આવે તો બ્રેડબટર, પીઝા કે એવું કંઇક બહારથી લેતી આવે અને એનાથી ચલાવી લે. શનિરવિની બે રજા હોય ત્યારે કોઈ સ્ટોરમાંથી ઘર માટેની જરૂરી વસ્તુઓ ખરીદી લાવે. પણ શનિરવિનો મોટા ભાગનો ફાજલ સમય પસાર કરવાનો તેને ક્યારેક કંટાળો આવી જાય. હજુ તેણે લગ્ન કર્યાં ન હતાં.

કાજલ બહુ જ રિઝર્વ્ડ છોકરી હતી. તેનો સ્વભાવ એવો હતો કે તે બીજાઓ સાથે બહુ હળીભળી શકતી નહિ. આથી તેને ખાસ મિત્રો ન હતા. એની સાથે કામ કરતી છોકરીઓમાં પણ તેની અંગત કહેવાય એવી કોઈ સખી હતી નહિ. તે જે ફ્લેટમાં રહેતી હતી, તેની આજુબાજુ રહેતા બીજા લોકો સાથે પણ તેને વાત કરવાના પ્રસંગ બહુ ઓછા આવતા. આમે ય અમેરીકામાં ભારતીય લોકોને અમેરીકન મિત્રો બહુ હોતા નથી. હા, ભારતીયો એકબીજાના મિત્રો જલ્દી બની જાય છે.

કાજલ લગભગ દર બે વર્ષે પપ્પામમ્મીને મળવા ઇન્ડિયાનો એક આંટો મારી આવતી. જયારે જાય ત્યારે ત્યાં એક મહિનો તો રહેતી. એટલે ભાઈ, બહેન, સગાંવહાલાં બધાંને મળવાનું થાય. દિવસો ક્યાં પૂરા થઇ જાય એની ખબર પણ પડતી નહિ. પપ્પામમ્મી તેને લગ્ન કરવાનું કહે, પણ કાજલનો સ્વભાવ એવો થઇ ગયો હતો કે તેને લગ્ન કરવાની ઈચ્છા થતી નહિ. ભારતથી પાછી આવીને તે અમેરીકાની રોજીંદી ઘટમાળમાં પરોવાઈ જતી.

આમ ને આમ વર્ષો પસાર થઇ ગયાં. વોલમાર્ટની નોકરીમાં આજે તેને દસ વર્ષ થયાં છે. દસ વર્ષથી તે એના એ જ ફ્લેટમાં ભાડે રહે છે. તેણે મકાન બદલ્યું નથી. ઘરમાં રાચરચીલું પણ એનું એ જ છે. એની એ જ ઘરેડથી તે જીવી રહી છે. તેને ત્યાં મિત્ર કે મહેમાન ભાગ્યે જ આવે છે. તે પણ કોઈને ઘેર જતી નથી. આ સ્થિતિમાં તેને થોડીક માનસિક હતાશા (ડીપ્રેશન) ઘેરી વળી છે. ૩૭ વર્ષની થઇ, હવે તેને લગ્ન કરવાં નથી. તેની ઓફિસમાં બધા તેના સ્વભાવથી પરિચિત છે. હા, તે તેની જોબના કામમાં બહુ જ ચોક્કસ છે. ઘણી જ હોંશિયાર છે. પણ માનસિક રીતે હતાશ લાગતી હોવાથી, તેના મેનેજરે તેને માટે એક મેન્ટર નીમ્યો છે કે જે તેને મોટીવેટ કરી નોર્મલ બનાવવામાં મદદ કરે.

કાજલના પપ્પા ક્યારનાય રીટાયર થઇ ગયા છે. વચમાં તેમની તબિયત બગડી તો કાજલ બેત્રણ વાર ભારત જઇ આવી.

આ સ્થિતિમાં કાજલનું ભવિષ્ય શું? તેના પપ્પામમ્મી એવું ઈચ્છે છે કે કાજલ અમેરીકા છોડી ભારતમાં સેટલ થાય. વિચાર સારો છે. ત્યાં પપ્પામમ્મી, ભાઈ, બહેન, સગાંવહાલાં બધાના સહવાસમાં મન હળવું થાય અને તે સારી રીતે જીવી શકે. પણ ત્યાં અહીંના જેવી નોકરી ના મળે અને ઘરના સભ્યો લગ્ન માટે દબાણ કરે. આથી તે ભારતમાં જઈને રહેવા તૈયાર નથી. અહીં અમેરીકામાં આ બધી શાંતિ છે.

પણ અમેરીકામાં આપણા દેશની જેમ સામાજિક કલ્ચર નથી. સમાજ વગરની જિંદગીએ તેને એકલમુંડી બનાવી દીધી છે. થોડો તેના સ્વભાવનો પણ વાંક ખરો. કદાચ જો તે લગ્ન કરી લે તો તેની જિંદગી નોર્મલ થઇ જાય. મનુષ્ય સામાજિક પ્રાણી છે. તેને માણસો સાથે રહેવાનું ગમે છે. આશા રાખીએ કે કાજલ આ દિશામાં કંઈક વિચારે.

તમે શું ઉકેલ સૂચવો છો?

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. pravinshastri
  નવેમ્બર 21, 2014 @ 15:40:35

  હું અમેરિકામાં ૪૪ વર્ષથી રહું છું. આપે અમેરિકન ભારતીય સમાજનું આછેરું શબ્દચિત્ર આપ્યું છે. કાજલ અમેરિકન સમાજ વ્યવસ્થાથી નથી દુખી પણ તમારી રજુઆત પ્રમાણે તો ડિપ્રેશનની બિમારી ભોગવતી મહિલા છે. આજે સફળ અને સુખી જીવન જીવવા માટે લગ્ન જરૂરી જ છે એવું રહ્યું નથી. જો સ્વભાવ બદલાય અને વાસ્તવિકતાને સ્વીકારી નવી દૃષ્ટિ કેળવાય તો જ સુખી થવાય. એને સાઈકો થેરેપીની જરૂર છે.

  જવાબ આપો

  • hirals
   ડીસેમ્બર 11, 2014 @ 14:09:42

   સાચી વાત છે, મળતાવડા સ્વભાવ વાળા લોકો, દુનિયાના કોઇ પણ ખૂણે સહેલાઇથી ગોઠવાઇ જાય છે ને સમૂહ ઉભો કરે છે.
   પણ એકલવાઇ પ્રકૄતિ કે અંતર્મુખી લોકો, ભારતદેશમાં પણ, અને લગ્ન થયાં હોવાં છતાં પણ બહુધા અતડા જ રહેતા હોય છે.
   કોઇની સાથે જલ્દી ભળે નંઇ, કોઇના ત્યાં જાય નંઇ, કદાચ કોઇ એમની સાથે મિત્રતા કરે અને એમના ત્યાં સહાનુભૂતિથી પણ
   એમનાં ત્યાં જાય છતાં સારો સત્કાર પામે નંઇ, અને પછી એકલા જ રહે. કુટુંબ હોવા છતાં પણ જલ્દી ભળે નંઇ, કોઇનામાં રસ લે નંઇ, ત્યારે
   ઉપરછલ્લું લોકો, સંબંધીના નાતે થોડો ભાવ આપે પણ અંદરખાને કોઇ જલ્દી ગમાડે નંઇ અને સરવાળે એકલા જ રહે, સહાનુભૂતિ મેળવતા રહે.

   આવા લોકોએ આર્ટઓફ લિવીંગ વગેરે કોર્સમાં જોડાઇને, કે પછી પોતાના શોખને ઓળખીને એ પ્રમાણે લોકોમાં રસ લેવામાં પુરુષાર્થ કરવો જ રહ્યો.
   ખુશ રહેવાના પ્રયત્નોમાં લાગેલા રહેવું જોઇએ. લોક વ્યવહારમાં આત્મવિશ્વાસ વધે તેવા પ્રયત્નો કરવા જોઇએ.

   જવાબ આપો

 2. pravinshah47
  નવેમ્બર 21, 2014 @ 22:26:27

  શ્રી પ્રવીણભાઈ

  તમારા જવાબથી ઘણો જ આનંદ થયો. તમારું સુચન બિલકુલ બરાબર છે. મેં તો ફક્ત મને સુઝ્યો તે ઉકેલ (લગ્નનો) ‘કદાચ’ કરીને વાર્તામાં રજુ કર્યો છે. આ એક સત્ય ઘટના છે. નામઠામ બદલ્યાં છે.

  જવાબ આપો

 3. hirals
  ડીસેમ્બર 11, 2014 @ 16:07:36

  કદાચ બહુ સંવેદનશીલ સંજોગો છે. પણ કુદરત સારા માણસોને રસ્તો કરી જ આપે છે.
  જો તમે કાજલને ઓળખતા હોવ, તો એને ઇવિદ્યાલયનો સંપર્ક કરવાનું કહેશો.
  અથવા કાજલે કોઇ પણ નોન-પ્રોફિટ કાર્યોમાં થોડો સમય આપવો જોઇએ. ત્યાં એને લાગણીશીલ સંપર્કો મળી રહેશે.
  યુ.એસ માં આ પ્રમાણેનું કલ્ચર ઘણી અનોખી ભાત પાડે છે. આશા, પ્રથમ, વગેરે ઘણી સંસ્થાઓમાં મહેનતુ યુથ શનિ-રવિમાં સમૂહ બનાવીને સુંદર કાર્યો કરે છે. ભારતમાં આ પ્રમાણેની દોરવણી કે માળખું ખાસ પ્રચલિત નથી એટલે ધ્યાન દોરવાની ઇચ્છા થઇ.
  એક ઉપાય, કદાચ કાજલ માટે કામ કરી જાય.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: