ભારત અને અમેરીકા -૩
આપણે ભારત અને અમેરીકાની સ્વચ્છતાના મુદ્દે વાત કરી. બીજો મુદ્દો પાણીનો લઈએ.
અમેરીકામાં લોકોનો પાણીનો વપરાશ ખૂબ જ છે. નહાવા માટે લોકો, આપણી જેમ ડોલ અને ટમ્બલરનો ઉપયોગ નથી કરતા. એને બદલે તેઓ સીધા જ ફુવારા કે બાથટબમાં નહાય છે. એમાં પાણી ઘણું વપરાય. નળ નીચે ડોલ મૂકી, ટમ્બલરથી પાણી લઈને નહાવામાં પાણી ઓછું વપરાય. ટોયલેટમાં અને વોશ બેઝીનમાં પણ લોકો છૂટથી પાણી વાપરે છે. એંઠા વાસણ ધોવાનાં પણ મશીન હોય છે. એ ય ઘણું પાણી વાપરે છે. કપડાં ધોવાના વોશીંગ મશીનમાં પણ ઘણું પાણી વપરાય છે. અમેરીકાનાં શહેરોને આ બધા માટે પૂરતુ પાણી મળી રહે છે, પાણી ખૂટી નથી પડતું. હા, પાણીના વપરાશ પર ટેક્સ લાગે છે. પાણીનો વપરાશ માપવા માટે મીટર મૂકેલું હોય છે. પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં થઈને જ આવે છે. એટલે પીવા કે રાંધવા માટે પાણીને ગાળવું નથી પડતું. સીધું નળમાંથી જ ગ્લાસ ભરીને પાણી પી શકાય છે. લોકો પીવાનું પાણી ભરવાનું માટલું રાખતા જ નથી. અહીં માટલું ક્યાંય મળતું નથી. પાણી ચોવીસે કલાક આવતું હોય છે. એટલે પાણીની ટાંકી કે પીપ ભરી રાખવાની પણ જરૂર પડતી નથી.
લોકોને આટલું બધું પાણી કઈ રીતે મળી રહે? ડલાસ શહેરની જ વાત કરું. (ડલાસને હવે ઘણા લોકો ‘ડેલસ’ કહે છે.) આ શહેરની આસપાસના ખુલ્લા બીનખેતી જેવા વિસ્તારોમાં મોટાં મોટાં કૃત્રિમ સરોવરો ખોદીને બનાવેલાં છે. થોડાં વર્ષોમાં આવાં ખોદેલાં સરોવરો વરસાદના પાણીથી ભરાઈ જાય છે. આ સરોવરો એટલાં વિશાળ છે કે નાખી નજર ના પહોંચે. દરિયા જેવાં લાગે. એમાંથી ગમે એટલું પાણી વાપરો તો ય ખૂટે નહિ. અને વરસાદ આવે ત્યારે શહેરમાં અને આજુબાજુ પડેલા વરસાદનું બધું પાણી વહીને આ સરોવરોમાં જાય એવી વ્યવસ્થા કરેલી છે. વરસાદનું પાણી વહીને નદી કે દરિયામાં નથી જતું રહેતું. પછી પાણી ક્યાંથી ખૂટે?
સરોવરને કિનારે કોઈને ગંદકી કરવાની છૂટ નહિ. કિનારે અમુક જગાએ પીકનીક પોઈન્ટ બનાવ્યા હોય. ત્યાં લોકો પીકનીક મનાવે, સરોવરમાં બોટીંગની મજા માણે. ઘણા લોકો પોતાની અંગત બોટ લઈને પણ આવે. કારની પાછળ, બોટને ટ્રેઇલરની જેમ બાંધીને લાવવાની સગવડ હોય છે. આવાં સરોવરો શહેરની શોભામાં વધારો કરે છે તથા ઉનાળામાં શહેરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.
અમેરીકાની સરખામણીમાં આપણા દેશમાં પાણી બાબતનું ચિત્ર બહુ સારું નથી. આપણે ત્યાં હજુ એવાં ઘણાં ગામડાં છે જ્યાં પીવા અને વાપરવા માટેનું પાણી લેવા દૂર સુધી ચાલીને જવું પડે છે. કેટલાં ય ગામમાં હજુ ઘેર ઘેર પાણીનાં જોડાણ આપવાની સગવડ નથી થઇ. શહેરી વિસ્તારોમાં પણ પૂરતું પાણી ન મળવાના અને પાણી કાપના પ્રસંગો બન્યા કરે છે. પાણીનું લીકેજ અને પાણીના બગાડની ઘટનાઓ અવારનવાર બને છે. લીકેજ અને બગાડથી ગંદકી થાય તે તો વધારામાં. વરસાદનું અને નદીનું પાણી સાચવી રાખવાની પૂરતી વ્યવસ્થા નથી.
આપણે ત્યાં બધાને પૂરતું અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે થોડાં સૂચનો આ રહ્યાં.
(૧) આપણે ત્યાં નાનીમોટી નદીઓ ઘણી છે. ચોમાસામાં મોટા ભાગનું પાણી નદીઓમાં થઈને દરિયામાં વહી જાય છે. આ નદીઓમાં બહુ મોટો બંધ બાંધવાને બદલે, થોડા થોડા અંતરે અનેક નાના બંધ બાંધવા જોઈએ. આથી વરસાદનું પાણી દરેક બંધ આગળ સંગ્રહી શકાશે. એને લીધે લગભગ દરેક ગામને પોતાની નજીકના બંધમાં સંગ્રહાયેલું પાણી મળી શકશે. નદીમાંથી ઘરો સુધી પાણી પહોંચાડવા પાઈપલાઈન તો નાખવાની જ. વળી નાના બંધોને કારણે બંધની જાળવણીનો ખર્ચ ઓછો આવશે, તથા જોખમ પણ ઓછું રહેશે. નહેરો પણ બહુ લાંબા અંતરની નહિ નાખવી પડે. નદીઓ ચોખ્ખી રહે એ માટે ખાસ કાળજી કરવી.
(૨) પાણીની પાઈપોની નિયમિત સંભાળ રાખવી જરૂરી છે કે જેથી લીકેજ ના થાય. સ્ટીલની પાઈપો થોડાં વર્ષો બાદ બદલી નાખવી કે જેથી કાટ અને લીકેજ ના થાય. ઘરમાં નળ પણ સારી ગુણવત્તાના નખાવવા.
(૩) જ્યાં નદી ન હોય ત્યાં ચેક ડેમ બનાવીને પાણીનો સંગ્રહ કરવો.
(૪) મોટાં કૃત્રિમ તળાવો અને સરોવરો, ખોદકામ કરીને બનાવવાં. વરસાદનું પાણી તેમાં જ વાળવું.
(૫) ગટરો અને ઉદ્યોગોમાંથી નીકળતું પાણી, નદી કે તળાવમાં ન જ છોડવું. આ પાણીને ઘણે દૂર દૂર વસ્તીવિહોણા સ્થળે લઇ જઇ, ત્યાં તેનો યોગ્ય નિકાલ કરવો.
પાણીની વ્યવસ્થા માટે સરકારે ઘણું કરવાનું છે, પણ લોકોએ તેમાં સાથ આપવો ખૂબ જરૂરી છે.