ભારત અને અમેરીકા – 1

                                                     ભારત અને અમેરીકા – 1

આપણે અવારનવાર લોકોને ભારત અને અમેરીકા વિષે ચર્ચા કરતા સાંભળીએ છીએ. આવી ચર્ચામાં તેઓ ખાસ કરીને ભારત અને અમેરીકાની સરખામણી કરતા હોય છે, અને પોતે સાંભળેલી, વાંચેલી કે અનુભવેલી વાતો રજૂ કરતા હોય છે. ઘણા લોકો અમેરીકા કરતાં ભારતને સારો દેશ માને છે, જયારે અમુક લોકો અમેરીકાને વધારે સારો દેશ કહે છે. છાપાં, મેગેઝીનો અને ટીવીમાં પણ ક્યારેક આવી ચર્ચાઓ થતી હોય છે. આપણે અહીં કયો દેશ સારો એની વિગતે વાત કરવી છે. મારો અભિપ્રાય એવો છે કે અમુક બાબતોમાં ભારત દેશ સારો છે, અને બીજી થોડી બાબતોમાં અમેરીકા સારો દેશ છે. જો બંને દેશોની સારી બાબતો આપણે ત્યાં એકઠી થાય, તો આપણો દેશ કેવો મહાન બને ! ચાલો, તો સારાનરસાની વાતો શરુ કરીએ.

દુનિયામાં ઘણા બધા દેશો છે, પણ બધાને ખાસ કરીને અમેરીકા જોડે જ સરખામણી કરવાનું કેમ સૂઝે છે? એનું કારણ એવું છે કે આપણા લોકો, બીજા કોઈ પણ દેશ કરતાં અમેરીકામાં વધુ સંખ્યામાં ગયા છે અને ત્યાં સ્થાયી થયા છે. બીજા ઘણા લોકો અમેરીકા જઇ ત્યાં વસવાનાં સ્વપ્નાં સેવે છે. આમ, આપણા લોકોનો અમેરીકા સાથે સંબંધ વધારે છે. અમેરીકા એક પ્રગતિશીલ દેશ છે. આધુનિક ટેકનોલોજી, મેડીકલ વિજ્ઞાન અને બીજાં અમુક ક્ષેત્રોમાં અમેરીકા ઘણો આગળ છે. આ બધાને લીધે લોકો અમેરીકા વિષે વધુ વાતો કરે છે.

પહેલો મુદ્દો આપણે સ્વચ્છતાનો લઈએ. અમેરીકાની એક સારી બાબત, ત્યાંની સ્વચ્છતા અને શિસ્ત છે. ત્યાં તમને ક્યાંય ગંદકી જોવા નહિ મળે. રસ્તા પર કે ખૂણેખાંચરે ક્યાંય કાગળના ડૂચા, પ્લાસ્ટીકની કોથળીઓ, ગાભા, ઇંટોનાં રોડાં, ગંદા પાણીનાં ખાબોચિયાં, કાદવ, ગંદા પાણીની નીકો, પાનની પીચકારીઓ – એવું કંઇ જ નહિ દેખાય. આવી ગંદકી કરનારને મોટો દંડ ભરવો પડે છે. પણ લોકોમાં જ એવી શિસ્ત છે કે કોઈ આવી ગંદકી કરે જ નહિ.

સરકારે રસ્તાઓ પણ સારા બનાવ્યા છે. રસ્તામાં ક્યાંય ખાડા કે તોડફોડ ના હોય. રસ્તાની ધારે ફૂટપાથો પરની લાદી પણ સરસ રીતે બેસાડેલી હોય. એકેય ટાઇલ ઉંચીનીચી ના હોય કે જેથી ઠોકર ના વાગે અને ગબડી ના પડાય. રહેઠાણની સોસાયટીમાં રોડની બંને બાજુ મકાનોની લાઈનો હોય, પણ મકાનો સાવ રોડને અડીને ના હોય. રોડની ધારે પહેલાં તો થોડી જગામાં લોન ઉગાડેલી હોય, પછી ચાલવા કે સાઈકલ માટેની ફૂટપાથ હોય, પછી ફરીથી લોન, એમાં નાનો બગીચો કે ઝાડ ઉગાડેલાં હોય અને પછી મકાન હોય. એટલે આમ જોતાં, સામસામેનાં મકાનો વચ્ચે ઘણું જ અંતર થાય. આને લીધે મોકળાશ અને ખુલ્લી હવાનો લાભ મળે. જો કે ન્યૂયોર્ક, ન્યૂ જર્સી કે શીકાગો જેવાં વસ્તીથી ભરચક શહેરોના અમુક વિસ્તારોમાં આટલી ખુલ્લી જગા ના મળે, પણ મોટા ભાગનાં શહેરોને તો મોકળાશનો લાભ મળે છે. આનું કારણ એ પણ છે કે ભારત કરતાં અમેરીકાની વસ્તી ઘણી ઓછી, લગભગ ત્રીજા ભાગની છે, અને અમેરીકા પાસે કુલ જમીન ભારત કરતાં લગભગ ત્રણ ગણી છે. એટલે ત્યાં  દરેક વ્યક્તિને ફાળે ભારત કરતાં નવ ગણી જમીન આવે. આ રીતે વિચારતાં, બીજા લાભો પણ નવ ગણા મળે.

મૂળ વાત પર આવીએ તો, રહેઠાણનાં મકાનો આગળ લોન કરેલી હોવાથી, ક્યાંય ધૂળ ના ઉડે, એને લીધે વાતાવરણમાં પ્રદૂષણ ના થાય. આથી ખાંસી, શરદી, ન્યુમોનિયા કે તાવ જેવા રોગો જવલ્લે જ થાય. આપણા દેશમાં આવા સામાન્ય રોગો લોકોને અવારનવાર થાય છે. અમેરીકામાં આવું નથી થતું. તમે માનશો? કે ધૂળ ન હોવાને કારણે, સવારે પહેરેલા બૂટ, સાંજે ઘેર આવો ત્યારે એવાને એવા જ, બિલકુલ ધૂળ ચડ્યા વગરના હોય છે.

રહેઠાણ સિવાયના બીજા મોટા રોડ, મોલ, સ્ટોર કે અન્ય દુકાનો, ઓફિસો – એમ બધે જ રોડની સાઈડોમાં જ્યાં ખુલ્લી જગાઓ હોય ત્યાં બધે જ લોન કરેલી હોય છે અને ઝાડ કે ફૂલો ઉગાડેલાં હોય છે. આથી આખા શહેરમાં ક્યાંય ધૂળ ઉડવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. અરે, તમે એક શહેરથી બહારગામ બીજે શહેર જાઓ તો પણ હાઈવેની બાજુએ લોન કે ઘાસ હોય છે જ. હા, એક બાબત એ કે શહેરમાં બધે લોન જાળવી રાખવા નિયમિત પાણી પીવડાવવું પડે છે, અને લોન સારી દેખાય તે માટે લગભગ પંદર દિવસે તેને મશીનથી કપાવીને (લોન મુવીંગ) સરખી કરવી પડે છે.

ઘરમાંનો કચરો નાખવા માટે દરેક ઘરને બે પ્રકારનાં ડસ્ટ બીન હોય છે. એકમાં સૂકો કચરો નાખવાનો અને બીજામાં ભીનો. ઘરમાં પ્લાસ્ટીકની કોથળીઓ, કાગળના ડૂચા, પસ્તી, ભંગાર – એ બધું સૂકા કચરાના પીપમાં નાખવાનું અને એંઠવાડ કે ભીનો કચરો બીજા પીપમાં નાખવાનો. અહીં પસ્તી કે પિત્તળ-લોખંડ ભંગારના કોઈ પૈસા નથી ઉપજતા. એને સૂકા કચરામાં નાખી જ દેવાનાં. દર અઠવાડિયે મ્યુનિસિપાલિટીની ગાડી આવે અને બંને પીપનો કચરો ગાડીમાં બે અલગ વિભાગમાં ઠાલવીને લઇ જાય. સરકારે સૂકા કચરાને રીસાઈકલ કરવાની વ્યવસ્થા કરી છે. ભીનો કચરો ઘણે દૂર દૂર કે ખૂબ જ દૂરના દરિયામાં ઠાલવી દે છે.

અહીં બધી જ દુકાનોમાં, રેસ્ટોરન્ટમાં અને કોફી બારમાં ડસ્ટ બીન હોય જ છે. લોકો બિસ્કીટનું રેપર કે એવો કોઈ કચરો અચૂક ડસ્ટ બીનમાં જ નાખે. અહીં કોઈ દુકાન કે ચાની લારી ખુલ્લામાં નથી હોતી. એટલે કાગળના ડૂચા કે ચાનો કચરો ખુલ્લામાં નાખવાનો કે માખીઓ બણબણવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો.

શહેરમાં ગટરની વ્યવસ્થા બહુ જ સારી હોય છે. શહેર એકદમ ચોખ્ખું હોય એટલે ગટરમાં કોઈ જ જાતનો કચરો જાય નહિ. ગટરો અંદરથી બહુ જ પહોળી હોય છે. એટલે ગટરો જામ થઇ જવાનો પ્રશ્ન ખાસ ઉભો થતો નથી. અહીં ઘરમાંથી નહાવાનું, વાસણ અને કપડાં ધોયાનું જે પાણી ગટરમાં જાય તેના પર ટેક્સ લાગે છે. ગટરોનું ગંદુ પાણી નદી કે સરોવરમાં નથી ઠલવાતું, પણ તેને માનવ વસ્તીથી ઘણે દૂર લઇ જઇ, સૂકવીને કે ફિલ્ટર કરીને કચરો છૂટો પડાય છે. થોડો કચરો ખાતર તરીકે વપરાય છે અને સાવ નકામો કચરો, મોટી સ્ટીમરોમાં ભરી, દૂર દૂર વસ્તીવિહોણા સમુદ્રમાં પધરાવી દેવાય છે.

શહેરને પાણી પૂરું પાડતાં સરોવરો આગળ કિનારે ક્યાંય કોઈને ગંદકી કરવાની છૂટ નહિ. સરોવરમાં ઢોરને નહિ નવડાવવાનાં, ખટારા નહિ ધોવાના.

અહીં રસ્તામાં ક્યાંય રખડતાં ઢોર, ગાય, કૂતરાં, બકરી વગેરે નથી હોતાં. જે લોકો ગાયો રાખતા હોય, તે પોતાના વાડામાં જ રાખે. કૂતરું પાળનારા લોકો, પોતાના કૂતરાને પોતાના ઘરના કંપાઉંડમાં જ રાખે. આથી, આવાં પ્રાણીઓ દ્વારા કોઈ જાતની ગંદકી રોડ પર થાય જ નહિ.

આ બધું જોતાં, ક્યાંય ગંદકીને અવકાશ છે ખરો? આપણે ત્યાં સ્વચ્છતા માટેનું અભિયાન શરુ થયું છે, એ બહુ જ સારી બાબત છે. સરકાર સ્વચ્છતા માટે પ્રયત્ન કરે, એની સાથે સાથે લોકોમાં પણ સ્વચ્છતા માટેની જાગૃતિ આવે, તે એટલું જ જરૂરી છે. ખાસ તો લોકો સ્વચ્છતા શું છે તે સમજે, દરેકેદરેક જણ સ્વચ્છતા જળવાય એ રીતે વર્તે અને શિસ્ત પાળે તો આપણે ત્યાં પણ અમેરીકા જેવી ચોખ્ખાઈ થઇ જાય. આ માટે હું થોડાં સૂચનો કરું? પણ એ આપણે આવતા લેખમાં રાખીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: