ભારત અને અમેરીકા – ૪

                                        ભારત અને અમેરીકા – ૪

                                         અમેરીકાનાં શહેરો અને જીવન

સ્વચ્છતા અને પાણીની વાત પછી હવે, અમેરીકાનાં શહેરોના આયોજન વિષે થોડી વાતો કરીએ. અમેરીકાનાં શહેરોમાં ખરીદી માટેના સ્ટોર, મોલ, દુકાનો, રેસ્ટોરન્ટ, પોસ્ટ ઓફિસ, બેંક, ઓફિસો – આ બધાં મકાનો રહેઠાણની સોસાયટીઓની સાવ નજીક તો નથી જ હોતાં. એટલે આ બધી જગાઓએ ગાડી લઈને જ જવું પડે.

આવાં બધાં મકાનો રોડની બંને બાજુએ હોય પણ રોડને સાવ અડીને ના હોય. રોડની બાજુએ લોન, ઝાડ અને ફૂલ ઉગાડેલાં હોય, પછી પાર્કીંગ માટે સારી એવી જગા હોય અને પછી જ મકાન શરુ થાય. વળી, લાઈનબંધ મકાનો એકબીજા સાથે સાવ અડીને ના હોય, તેઓ વચ્ચે સારી એવી જગા હોય. આમ, દરેક જાહેર મકાનની ત્રણ બાજુ પાર્કીંગ થઇ શકે, આગળ અને બે સાઈડોમાં. આ રીતે જોતાં, મકાનો છૂટાં છૂટાં જ લાગે.

ખરીદી માટે વોલમાર્ટ જેવા મોટા સ્ટોર હોય, એમાં રોજિંદી જરૂરિયાતની લગભગ બધી જ વસ્તુઓ મળી જાય. જેવી કે દૂધ, દહીં, શાક, ફ્રુટ, બિસ્કીટ, બ્રેડ, બટર, મીઠું, સીંગદાણા, તજ, મરી, રમકડાં, કપડાં, રસોઈનાં વાસણો વગેરે. હવે તો ભારતના લોકોએ ઘણા ભારતીય સ્ટોર પણ ઉભા કર્યા છે. એમાં ભારતીય લોકોને જરૂરી હોય એવી વસ્તુઓ જેવી કે પૌઆ, મમરા, ગોળ, મગ, મગ દાળ, તુવેર, વટાણા, ચા, ખાંડ, અજમો, જીરૂ, ધાણા, તલ, ચોખા, ઘઉંનો લોટ, પાપડ, તેલ વગેરે મળી રહે છે. અમેરીકન સ્ટોરમાં આવું બધું નથી મળતું. અહીં અનાજ દળવાની ઘંટી નથી હોતી. એટલે સીધો લોટ જ ખરીદવાનો હોય છે.

કોઈક મોટા વિસ્તારમાં મોલ ઉભો થયો હોય, એમાં જુદી જુદી દુકાનો હોય, કોઈ દુકાન કપડાંની તો કોઈ જૂતાંની, કોઈ ઘરેણાંની તો કોઈ આઈસ્ક્રીમની વગેરે. આ દુકાનો જરાય સાંકડમાંકડ ના હોય, દુકાનોની બે લાઈનો વચ્ચે ચાલવાનો રસ્તો સારો એવો પહોળો હોય,

આ ઉપરાંત, ક્યાંક લાઈનબંધ આઠદસ અડોઅડ નાની દુકાનોનું ઝુમખું પણ હોય. આવી દુકાનો, હજામત, કોમ્પ્યુટર રીપેરીંગ અને એવી બધી હોય. આવા ઝુમખાને પણ આગળ પાર્કીંગ તો હોય જ. આવી દુકાનો, આપણા દેશની જેમ ખુલ્લી ના હોય. બારણું ખોલીને જ અંદર જવાનું. કોફી, આઈસ્ક્રીમ વગેરેની દુકાનો પણ બંધબારણે જ હોય. અહીં સોસાયટીના નાકે આડેધડ ચાની લારી, પાનના ગલ્લા, પાણીપૂરીનો ખૂમચો એવું કંઇ જ ના હોય.

ટૂંકમાં તમારે ખરીદી, ઓફિસ કે અન્ય કોઈ કામ માટે બહાર જવાનું થાય તો ગાડી લઈને જ જવું પડે. ચાલતા ક્યાંય જવાય નહિ. આમ તો આ એક ખામી કહેવાય.

અમેરીકાના કોઈ શહેરમાં સ્કુટર કે બાઈક રાખવાની પ્રથા નથી. કોઈક બાઈક જોવા મળે ખરું, પણ તે જવલ્લે જ. અહીં બાઈક કાર જેટલાં જ મોંઘાં હોય છે. વળી, ઠંડી વધુ પડે, એટલે કાર રાખવી સારી. પેટ્રોલ  પ્રમાણમાં સસ્તું છે. ત્રણ સાડાત્રણ ડોલરમાં એક ગેલન એટલે આશરે ૬૦ રૂપિયે લીટર થયું. અમેરીકાની ઉંચી કમાણી તથા મોંઘી ચીજવસ્તુઓની સરખામણીમાં પેટ્રોલ સસ્તું કહેવાય. એટલે લોકોને ગાડી પોસાય છે.

બીજું કે અહીં આપણી જેમ, ભાડે ફરતી રીક્ષા કે છકડા કે જીપો હોતાં નથી. ટેક્સીઓ છે, પણ તે રસ્તે હરતીફરતી જોવા ના મળે કે જેથી હાથ કરીને ઉભી રખાવાય. ટેક્સીને ફોન કરીને બોલાવવી પડે અને તે ખૂબ જ મોંઘી હોય. આપણે ત્યાં તો સોસાયટીના નાકે આવો કે તરત જ રીક્ષા મળી જાય અને તેને કહો ત્યાં તે લઇ લે. આવી સગવડ અમેરીકામાં નથી. આ પણ એક ખામી છે. હા તમારી પાસે ગાડી ન હોય અને દવાખાને જવાની કે એવી કોઈ ઈમરજન્સી આવી જાય તો ૯૧૧ નંબર પર પોલિસને ફોન કરી દેવાનો, તો પોલિસની ગાડી તરત જ આવીને ઉભી રહેશે, અને તમને તે જગાએ પહોંચાડી દેશે.

અહીં દરેક વ્યક્તિ ખરીદી કે ઓફિસે જવા, ઘરના ગેરેજમાંથી જ ગાડીમાં બેસીને નીકળે, એટલે સોસાયટીમાં કે બહાર રોડ પર કોઈ જ માણસ ચાલતો જોવા ના મળે. સોસાયટી સુનકાર લાગે. પાડોશીઓ ઘરના ઓટલે બેઠક જમાવી વાતો કરે એવું અહીં ક્યાંય જોવા ના મળે. લોકો સ્ટોર કે ઓફિસ આગળ ગાડી પાર્કીંગમાં મૂકી, મકાનમાં દાખલ થાય ત્યાં માણસો જોવા મળે. હા, પછી સ્ટોર કે ઓફિસ કે રેસ્ટોરન્ટમાં અંદર માણસો જરૂર જોવા મળે.

મોટા ભાગનાં શહેરોમાં સીટી બસ જેવો પબ્લીક ટ્રાન્સપોર્ટ નથી. એટલે લોકોએ પોતાની ગાડી ખરીદવી જ પડે. ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક કે શીકાગો જેવાં ગીચ શહેરોમાં સીટી બસની વ્યવસ્થા છે. ઘણાં શહેરોમાં લોકલ મેટ્રો ટ્રેનની સગવડ પણ છે. સીટી બસની વ્યવસ્થા બધાં શહેરોમાં ઉભી કરવી જોઈએ. સીટી બસ હોય તો શહેરમાં ટ્રાફિક ઓછો થાય. ૪૦ વ્યક્તિ પોતપોતાની ૪૦ ગાડીઓ લઈને ઓફિસે જાય, એને બદલે એ ૪૦ વ્યક્તિ એક જ બસમાં જાય તો સ્વાભાવિક છે કે રોડ પર ટ્રાફિક ઘટે જ. વળી, દેશના પેટ્રોલની પણ બચત થાય. પણ અમેરીકામાં દરેકને પોતાની સ્વતંત્રતાનું મહત્વ વધારે છે. સીટી બસમાં બીજી અજાણી વ્યક્તિની અડોઅડ બેસવાનું તેમને કદાચ ગમે નહિ. અમેરીકામાં સ્થાયી થયેલ આપણા ભારતીય લોકોનાં અમેરીકામાં જન્મેલાં અને ત્યાં જ ઉછરેલાં બાળકો થોડાં દિવસ માટે ભારત આવે ત્યારે તેમને આપણી સીટી બસ, એસ.ટી. બસ કે ટ્રેનમાં ફરવાનું નથી ગમતું. તેમને આપણો દેશ ગંદો અને પછાત લાગે છે.

અમેરીકામાં એક શહેરથી બીજે શહેર જવા માટે બસ કે ટ્રેનની વ્યવસ્થા બહુ ઓછી છે. બીજું શહેર જો બહુ દૂર ના હોય તો લોકો પોતાની ગાડીમાં જ જવાનું પસંદ કરે છે. અને જો દૂર હોય તો વિમાનમાં જવાનું રાખે છે. અહીં વિમાનની સગવડ બહુ જ સારી છે. એરપોર્ટ પર ગાડી મૂકી રાખવાની પૂરી સગવડ હોય છે.

અમેરીકામાં મેડીકલ સારવાર ખૂબ જ મોંઘી છે. અહીં દરેક નાગરિકને મેડીકલ વીમો હોય છે જ. વીમો હોય તો પણ સારવાર ખૂબ જ મોંઘી પડે છે. સાદો તાવ, શરદી, ખાંસી કે એવો સાદો રોગ હોય તો બહુ ખર્ચ ના થાય, પણ જો હોસ્પિટલમાં દાખલ થવું પડે, ઓપરેશન કરાવવાનું હોય, દાંત કે ગાયનીક તકલીફ હોય – આવા કિસ્સામાં બહુ મોટું બીલ આવે, અને જો વીમો ના હોય તો તમારી બધી બચતો વપરાઈ જાય એવો તગડો ખર્ચ થાય. માંદા ના પડાય તો વધુ સારું.

બીજું કે અહીં આપણા દેશની જેમ ડોક્ટર જલ્દી મળતા નથી. અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે. તે પણ તાત્કાલિક ના મળે એવું બને. હા, ઈમરજન્સી કેસમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે ખરી. આપણે ત્યાં તો ગલીના નાકે કે બજારમાં તરત જ ડોક્ટર અને દવાખાનું મળી જાય. અમેરીકામાં એવું નથી. આ પણ અહીંની વ્યવસ્થાની ઉણપ કહેવાય.

અમેરીકામાં મકાન ખરીદવા માટે બેંકમાંથી, મકાનની કીમતની ૮૦% જેટલી લોન મળે છે. વ્યાજનો દર પણ બહુ ઉંચો નથી હોતો, એટલે મોટા ભાગના લોકો લોનથી જ મકાન ખરીદે છે. લોન મેળવવાની પધ્ધતિ પણ સરળ છે.

અમેરીકામાં આપણા ભારતીય લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે, એના વિષે હવે વાત કરીશું.