અમેરીકામાં ભારતીયોનું જીવન

                           અમેરીકામાં ભારતીયોનું જીવન 

ભારતમાંથી કેટલા ય લોકો ધન કમાવા અમેરીકા જવાનું સ્વપ્ન સેવતા હોય છે. આવા લોકોના બે પ્રકાર પાડી શકાય. એક વર્ગ એવા લોકોનો છે કે જે સારું ભણેલા હોય. આવા લોકો એન્જીનીયરીંગ, મેડિકલ, ફાર્મસી, સીએ જેવાં ક્ષેત્રોમાં ડીગ્રી મેળવીને અમેરીકા આવ્યા હોય છે. કોઈક માસ્ટર ડીગ્રીવાળા પણ હોય કે કોઈકે અમેરીકામાં પહોંચીને માસ્ટર કર્યું હોય. આવા લોકોને અહીં સહેલાઇથી સારી કંપનીમાં જોબ મળી જાય છે અને મહિને ઓછામાં ઓછો છએક હજાર ડોલર પગાર તો મળે જ. આજના એક ડોલરના આશરે ૬૩  રૂપિયાના ભાવે ૬૦૦૦ ડોલરને રૂપિયામાં ફેરવો તો ૩,૭૮,૦૦૦ રૂપિયા થયા. ભારતના હિસાબે આ કમાણી તો ઘણી ઘણી લાગે. એમાંથી મહિને ૨૦૦૦ ડોલર વાપરે તો પણ કેટલી બધી બચત થાય ! આવા લોકો ટૂંક સમયમાં જ ગાડી, મકાન વગેરે ખરીદી લે છે, અને છતાં ય સારી એવી બચત કરી શકે છે તથા ભારતમાં તેમના કુટુંબને સારી એવી રકમ મોકલી શકે છે.

અમેરીકા આવતા લોકોનો બીજો વર્ગ એવો છે કે જે ઓછું ભણેલા હોય, જેમ કે એસ.એસ.સી., બી.એ., બી.કોમ., ડિપ્લોમા વગેરે. તેમના સગા અહીં અમેરીકામાં રહેતા હોય અને તેમણે સ્પોન્સર કરીને અહીં અમેરીકા તેડાવ્યા હોય. આવા લોકો અહીં મોટેલમાં, પેટ્રોલ પંપ કે ગ્રોસરીની દુકાનમાં નોકરીએ લાગી જાય, કોઈ બીજાઓ માટે રસોઈ બનાવીને કમાય, કોઈ બાળકોને રાખવાનું કામ કરે. આવા બધા ધંધામાં મહિને માંડ ૨૦૦૦ ડોલર જેટલું મળે. મહેનત પણ વધારે રહે, રજા કે બીજો કોઈ ફ્રી ટાઈમ મળે નહિ. આમ છતાં, તેઓ ૨૦૦૦માંથી ૧૦૦૦ ડોલર વાપરે તો પણ ૧૦૦૦ ડોલરની બચત થાય. ભારતના હિસાબે આ બચત ૬૩૦૦૦ રૂપિયા જેટલી થાય. ભારતમાં વસતા તેમના કુટુંબીઓને આ રકમ જરૂર મોટી લાગે. વળી, આવા લોકો આગળ જતાં ક્યારેક મોટેલ, પેટ્રોલ પંપ કે દુકાનના માલિક પણ બની શકે છે અને અઢળક પૈસો મેળવે છે.

ટૂંકમાં પૈસા મેળવવા માટે અને સારી લાઈફ માટે આપણા લોકોને અમેરીકાનું આકર્ષણ છે. પણ એક વસ્તુ યાદ રાખીએ કે સારું જીવન જીવવા માટે પૈસો જરૂરી છે ખરો, પણ જીવનમાં પૈસો એ જ સર્વસ્વ નથી.

આપણા ભારતીય લોકો અમેરીકામાં નોકરી કે ધંધો કરતા હોય એટલે સોમથી શુક્ર, સવારથી સાંજ સુધી કામ રહે. સાંજે ઘેર આવે, થોડો થાક લાગ્યો હોય એટલે ખાસ કંઇ બીજું કામ થાય નહિ. શનિ-રવિ આરામ, ખરીદી, સિનેમા કે કોઈ મિત્રને ત્યાં જવાનું, એમ પસાર થઇ જાય. ભારતમાં રહેનારા એવું ધારતા હોય કે અમેરીકામાં જલસા છે, પણ એવું કંઇ નથી. સખત મહેનત કરવી પડે છે.

અહીં ભારતીય લોકોને, બીજા ભારતીયો જ મિત્ર થતા હોય છે. ભારતીયોને અમેરીકન જોડે મિત્રતા થાય એવું બહુ ઓછું બને છે. એટલે ભારતીયોને પોતાનું ભારતીય ગ્રુપ અને અમેરીકનોને પોતાનું અમેરીકન ગ્રુપ, એવી જ ગોઠવણ થઇ જતી હોય છે. ભારતીય લોકો પોતાને ઘેર ભારતીય ભોજન જ જમતા હોય છે. સવારે દાળ, ભાત, રોટલી, શાક અને સાંજે ભાખરી, ખીચડી, શાક, દૂધ, દહીં અને એવું બધું. ક્યારેક દાળઢોકળી, થેપલાં, ઢોકળાં, સમોસા, ભાજીપાઉં, બટાકાવડાં, ઢોંસા, ભજીયાં, પૂરી વગેરે પણ ખરું જ. એક વાર એક ભાઈ મને પૂછતા હતા, “આપણા લકો અમેરીકામાં શું જમે?” મેં કહ્યું, “ભાઈ, આપણે ભારતમાં જે જમીએ છીએ, એવું જ.” કોઈ ભારતીય પોતાના ઘરનું વાસ્તુ કરે કે બાળકની બર્થ ડે ઉજવે, એમાં આમંત્રિતો મોટા ભાગના ભારતીય મિત્રો જ હોય. આવે પ્રસંગે જમવાનું પણ ગુજરાતી કે પંજાબી એવું જ બને. પૂરી, શાક, ગુલાબજાંબુ, ખમણ, દાળ, ભાત, પંજાબી શાક વગેરે.

આપણા લોકોને અહીં ભારતીય મિત્રો તો હોય, પણ એ સિવાય અહીં બીજું કોઈ સામાજિક માળખું નથી. ભારતમાં કુટુંબમાં બધા સભ્યો સાથે રહેતા હોય, માતાપિતા, ભાઈભાભી, બહેન, બાળકો એમ બધા એક જ ઘરમાં હોય એટલે એકબીજા માટે હુંફ, લાગણી હોય, નાનાઓને મોટાઓ માટે માન અને આદર હોય, વડિલોની સૂચનાઓનું બધા સહર્ષ પાલન કરે, માતાપિતાની બધા કાળજી કરે, દરેકની સગવડ સચવાય, કોઈ માંદુ પડે તો બીજા એની સેવા માટે તત્પર હોય – આ કુટુંબભાવના ભારતમાં છે.

આ ઉપરાંત, ભારતમાં સગાંવહાલાં ઘણાં હોય, વારતહેવારે એકબીજાને મળવાનું થાય, અવારનવાર એકબીજાને ત્યાં જવાનું, જમવાનું અને વાતો કરવાનું થાય. આડોશીપાડોશી સાથે બેસીને ચર્ચા કરવાનું એવું બધું ચાલ્યા કરે. વળી, આપણા તહેવારો ઉતરાયણ, ધૂળેટી, જન્માષ્ટમી, દિવાળી વગેરે તો લોકો સમૂહમાં જ ઉજવે. મંદિરોમાં પણ બધાને મળવાનું થાય. આમ, ભારતમાં એક સામાજિક જીવન છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેને સમાજમાં રહેવાનું ગમે છે. આ સમાજ રચના ભારતમાં છે.

અમેરીકામાં આવું સામાજિક જીવન નથી. અમેરીકન લોકોને આવો સમાજ નથી. અમેરીકાની આ મોટામાં મોટી ખામી છે. આપણા જે લોકો અમેરીકા ગયા છે, તેમને, ત્યાં સગાંવહાલાં હોય તો એટલું ગ્રુપ બને છે. અત્યારની આપણી જે પેઢી અમેરીકા જઈને વસી છે, તે લોકોએ વીસપચીસ વર્ષ તો ભારતમાં કાઢયાં છે, પછી અમેરીકા ગયા છે. તેમને ભારતના સામાજિક જીવનની ખબર છે. અમેરીકામાં ભારતીય કલ્ચર જોવા ના મળે, એટલે તેમને ભારત યાદ આવી જાય છે. તેઓ ભારતીય કલ્ચર ત્યાં માણવા ઈચ્છે છે ખરા, એટલે તો તેઓ અમેરીકામાં જન્માષ્ટમી, દિવાળી, પંદરમી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી, ઉતરાયણ, શામળાજીનો મેળો વગેરે તહેવારો ઉજવે છે. આવે વખતે બધા ભેગા મળે છે, અને અહીંની જેમ ત્યાં મજા કરે છે. આપણા લોકોએ અમેરીકામાં જ્ઞાતિમંડળો પણ ઉભાં કર્યાં છે. હિંદુ મંદિર, સાંઇ મંદિર, સ્વામિનારાયણ મંદિર, અયપ્પા મંદિર , જૈન મંદિર એમ મંદિરો પણ સ્થાપ્યાં છે. અમેરીકાની સારી રહેણીકરણી અને પૈસાનું આકર્ષણ છોડી, તેઓ ભારત પાછા નથી આવી શકતા, પણ સમાજજીવન તો ભારત જેવું જ ઝંખે છે. તેઓ તેમનાં માબાપને અમેરીકા બોલાવવા ઈચ્છે છે, પણ આખી જીંદગી ભારતના સમાજમાં રહેલાં માબાપને અમેરીકામાં કાયમ રહેવાની ઈચ્છા નથી થતી. જો કે ઘણા જાય છે પણ ખરા.

આપણી અમેરીકામાં રહેતી આ પેઢીને ત્યાં જે નવાં બાળકો અમેરીકામાં જ જન્મ્યાં છે, તેમને તો ત્યાંનું કલ્ચર નાનપણથી જ સદી ગયું છે. તેઓ ભારતમાં રહ્યાં નથી, એટલે એમને ભારતીય સમાજ વિષે ખબર જ નથી. આ નવી પેઢીનો છોકરો/છોકરી નાનપણથી જ પોતાનું બધું અલગ રાખતો થઇ જાય છે. હા, છોકરો પોતે સ્વાવલંબી બને, પોતાની સંભાળ પોતે રાખે એવી એવી ભાવનાથી માબાપ છોકરાને સ્વાશ્રયી બનાવતાં શીખવે છે, એ સારી બાબત છે. પણ પછી શું થાય છે કે છોકરાએ પોતાનું બધું જ અલગ હોવાથી તે સ્વકેન્દ્રી થઇ જાય છે. પોતાની રૂમ અલગ, બાથરૂમ અલગ, ખુરસીટેબલ અલગ, પછી બીજા કોઈ તેની રૂમમાં આવીને બેસે તેમાં પણ તેને ડીસ્ટર્બ થતી લાગે. ઘણી વાર તો માબાપને છોકરા સાથે રમવાનો, વાતો કરવાનો કે તેને શીખવવાનો ટાઈમ ના હોય, એટલે છોકરાને કાર્ટૂન કે વિડીયો ગેઈમ પકડાવી દઈને તેને એકલો રહેતો કરી નાખે છે. આગળ જતાં તેને મોબાઈલ કે લેપટોપ મળી જાય એટલે એ એમાં જ મચ્યો રહે છે. ઘરમાં માતાપિતા કે ભાઈબહેન જોડે તેનું મળવાહળવાનું ઓછું થઇ જાય છે. જરૂર પૂરતી જ વાત કરે અને પોતાની દુનિયામાં જ રાચ્યા કરે. આવા માહોલમાં કુટુંબભાવના ક્યાંથી ઉભી થાય? અમેરીકન કુટુંબોમાં તો છોકરો અઢાર વર્ષનો થાય એટલે જુદો રહેતો થઇ જાય છે. એને વડિલો પ્રત્યે પૂજ્યભાવ એવી બધી બાબતોમાં કંઇ સમજણ જ પડતી નથી.

અમેરીકામાં ભારતીય લોકોના જીવનની અહીં વાત કરી. અમેરીકામાં રહીને પણ જ્યાં જરૂર હોય ત્યાં તેઓ ભારતીય કલ્ચરની સારી બાબતો અપનાવે તો, તેઓની જીંદગી બહુ જ સરસ રીતે દીપી ઉઠે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: