ભારત અને અમેરીકા – ૬

                                                 ભારત અને અમેરીકા –

                                                     બીજી થોડી વાતો

અમેરીકામાં, રોજિંદા જીવનમાં લોકો શિસ્તપૂર્વક વર્તે છે. એકબીજાને મળવાનું કે વાતો કરવાનું થાય તેમાં, ’Hallo’, ‘Thank you’, ‘Sorry’, ‘You are welcomed’  જેવા શબ્દોનો અવારનવાર ઉપયોગ થતો રહે છે. બીજા સાથે તોછડાઇથી વાત કરવાનું, ગુસ્સો કરવાનો, સામાને ઉતારી પાડવાનો, લડાઈ કે મારામારી પર આવી જવાનું – આવું બધું અહીં થતું નથી. પોસ્ટ ઓફિસ, એરપોર્ટ, બેંક વગેરે જગાએ લોકો કાઉન્ટર આગળ ખૂબ જ શિસ્તથી ઉભા રહે છે. કોઈ ધક્કામુક્કી કરતુ નથી કે કોઈ લાઈનમાં વચ્ચે ઘુસતુ નથી. કાઉન્ટર પર ઉભેલ વ્યક્તિની પાછળ બે ફૂટ દૂરથી જ લાઈન શરુ થાય કે જેથી કાઉન્ટર પર કામ પતાવતી વ્યક્તિને ડીસ્ટર્બ ના થાય.

લોકો ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. રોંગ સાઈડે વાહન નહિ ચલાવવાનું, લાલ સીગ્નલ આગળ ઉભા રહેવાનું, સીગ્નલ આગળ લેઈનમાં જ ઉભા રહેવાનું, ગમે ત્યાં વાહન પાર્ક નહિ કરવાનું, બોર્ડ અર લખેલી સ્પીડે જ ગાડી ચલાવવાની – આ બધા નિયમોનો કોઈ ભંગ કરતુ નથી. નિયમનું ઉલ્લંઘન કરીને કોઈ ભાગી જાય એવું ના બને. કોઈક કારણસર પોલિસ ગાડી ઉભી રખાવે અને કોઈ નિયમના ભંગ બદલ ટીકીટ આપે, તો તેટલો દંડ ભરવો જ પડે છે. એમાં થોડાક રૂપિયા પોલિસને આપી દઈ છૂટી જવાય એવું બનતું નથી. અહીં નિયમોના ભંગનો દંડ બહુ ઉંચો હોય છે.

અમેરીકામાં ગાડીઓની સંખ્યા ખૂબ જ છે. સ્કુટર કે બાઈક ખાસ નથી, એને લીધે પણ ગાડીઓનું પ્રમાણ વધુ છે. પણ ગાડીઓ લેઈનમાં જ દોડતી હોવાથી ટ્રાફિક જામ થવાનું બહુ ઓછું બને છે. રેડ સીગ્નલ આગળ કે ટ્રાફિક જામ થયો હોય ત્યારે બે લેઈનમાં ઉભેલી ગાડીઓની વચ્ચેની જગામાં કોઈ ઘૂસે નહિ. બધા શિસ્તપૂર્વક એક પાછળ એક જ ઉભા રહે.

અહીં અમેરીકામાં ડ્રાઈવીંગ આપણા કરતાં વિરુદ્ધનું છે. આપણે ત્યાં વાહનો ડાબી બાજુએ ચલાવવાનાં જયારે અહીં વાહનો જમણી સાઈડે ચલાવવાનાં. એને લીધે ગાડીમાં ડ્રાઈવરની સીટ ભારતમાં જમણી સાઈડે હોય જયારે અમેરીકામાં ડાબી સાઈડે હોય. અમેરીકામાં મોટા રોડ પર, ચાલીને રોડ ક્રોસ કરવાવાળા ભાગ્યે જ કોઈ હોય. એટલે ગાડીઓ પૂરપાટ ઝડપે દોડી શકે છે. સ્ટોર, ઓફિસો અને એવી જગાએ પાર્કીંગમાં ચાલતા માણસો જોવા મળે. આવી જગાએ ગાડીવાળા ચાલતા માણસને પહેલો પસાર થવા દે છે. ગાડી થોડી દૂર જ ઉભી રાખે અને ચાલતો માણસ પસાર થઇ જાય પછી જ ગાડીવાળો ગાડી ચલાવે. માણસની જિંદગીને અહીં ઘણું મહત્વ આપવામાં આવે છે. આથી તો અહીં અકસ્માતો જવલ્લે જ થાય છે. ચાર રસ્તાઓએ સીગ્નલ આગળ પણ ચાલીને રોડ ક્રોસ કરનારાની સલામતીનો પૂરતો ખ્યાલ રખાય છે. મોટા રોડ પર તો સીગ્નલ આવે જ નહિ. અમેરીકામાં ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટે લેખિત પરીક્ષા આપવાની હોય છે, અને પછી ગાડી ચલાવવાની પરીક્ષા તો ખરી જ.

અમેરીકામાં રોજિંદા જીવનમાં છેતરપીંડી અને ભ્રષ્ટાચારનું પ્રમાણ સાવ ઓછું છે. સામાન્ય રીતે સ્ટોરમાં વસ્તુઓની ગુણવત્તા, તેના પર લખ્યા મૂજબની હોય જ છે. રેસ્ટોરન્ટમાં પણ વાનગીઓ પૂરેપૂરી આરોગ્યપ્રદ હોય. તમે સ્ટોરમાંથી કોઈ વસ્તુ ખરીદો અને જો એની ગુણવત્તા ખરાબ હોય કે વસ્તુ એક્ષ્પાયરી ડેટ પછીની હોય કે કોઈ કારણસર એ વસ્તુ તમને ના ગમે તો બીલ બતાવી તમે તે પછી આપી શકો છો અને તેના પૂરેપૂરા પૈસા પાછાં મળી જાય છે. અરે ! કોઈ કારણ વગર પણ તમે વસ્તુ પાછી આપવા જાવ તો પણ, કારણ પૂછ્યા વગર જ, તે વસ્તુ દુકાનદાર હસતે મોઢે પાછી લઇ લે છે. અમેરીકાની આ સગવડ બહુ જ સારી છે.

અમેરીકામાં પૈસાની લેવડદેવડના બધા જ વ્યવહારો ક્રેડીટ કે ડેબીટ કાર્ડથી જ થાય છે. રોકડાનું ચલણ બહુ જ ઓછું છે. આથી ઇન્કમટેક્સમાં ચોરી કે બે નંબરની આવક જેવું અહીં કશું જ નથી. બધા લોકો નિયમ મૂજબ ઇન્કમટેક્સ ભરે જ છે. બેંકમાં કામકાજ માટે રૂબરૂ જવાનું બહુ ઓછું બને છે. મોટા ભાગનું કામ ઓનલાઈન કે ફોનથી પતી જાય છે.

જો કે અમેરીકામાં ગુનાખોરી સાવ આથી એવું નથી. અહીં પણ વ્યસનો, ડ્રગ્સ, ચોરી, ખૂનામરકી એવું બધું બને છે જ. પોલિસ, કોર્ટ અને વકીલો પણ છે. પણ સામાન્ય માણસોનું જીવન સરળતાથી શિસ્તથી ચાલતું રહે છે.

અહીં દરેક વ્યક્તિને સોશ્યલ સીક્યોરીટી નંબર હોય છે, આપણા આધાર કાર્ડ જેવું. આ નંબર પર તેના જીવનમાં બનતી જાહેર ઘટનાઓ નોંધાતી જાય છે. ગુનો કર્યો હય, એક્સીડન્ટ કર્યો હોય, ચોરી કરી હોય, સારું પદ પ્રાપ્ત કર્યું હોય આવી બધી નોંધ તેમાં થાય. વ્યક્તિને નોકરીએ રાખવાનો હોય, મકાન ભાડે આપવાનું હોય અને આવા કોઈ પ્રસંગે તેનો ઈતિહાસ ચેક થાય.

અમેરીકા વિષે ઘણી વાતો અહીં કરી. છેલ્લે, હવે પછીના લેખમાં ભારત વિષે થોડી વાતો કરી સમાપન કરીશું.