સાપુતારા, અજંતા, ઇલોરા….ના પ્રવાસે
ભારતભરમાં પ્રસિદ્ધ હોય એવાં થોડાં જોવાલાયક સ્થળોનાં નામ ગણાવું. ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન સાપુતારા, રામચંદ્રજી વનવાસ દરમ્યાન પંચવટીમાં રહ્યા હતા તે નાસિક, સાંઇબાબાની કર્મભૂમિ શિરડી, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘ્રુષ્ણેશ્વર જ્યોતિર્લીંગો, શનિદેવનું સ્થાનક શીંગણાપુર, ઔરંગઝેબનું ઔરંગાબાદ, મહમદ તઘલખની ટૂંક સમયની રાજધાની દોલતાબાદ, અજંતા અને ઇલોરાની જગમશહુર ગુફાઓ વગેરે. આ બધાં સ્થળો તથા ગીરા ધોધ અને સપ્તશૃંગી માતાનું મંદિર એક જ રૂટમાં આવેલાં છે. આ બધી જગાઓ જોવાની અમને બહુ જ ઉત્કંઠા હતી, એટલે તક મળતાં જ અમે છ દિવસનો આ પ્રવાસ ગોઠવી કાઢ્યો. અમે બે ફેમિલીના કુલ પાંચ જણ હતા. સાત સીટવાળી એક ગાડી ભાડે કરી લીધી અને શિયાળાની એક વહેલી સવારે વડોદરાથી નીકળી પડ્યા. આ બધી જગાઓનું સ્થાન, અંતરો વગેરેની માહિતી એકઠી કરીને સાથે લઇ લીધી. હવામાં ઠંડક હતી. મનમાં આ બધું જોવાની તાલાવેલી હતી. અમે ઘણી વાર ગમ્મતમાં ‘પ્રવાસ એટલે પ્રભુનો વાસ’ એવું કહીએ છીએ. એટલે પ્રવાસની શરૂઆત પ્રભુનું નામ લઈને કરી.
વડોદરાથી ટોલ ટેક્સ ભરતા ભરતા અમે ભરૂચ, સુરત અને નવસારી થઈને સાપુતારાના રસ્તે વળ્યા. ભરૂચ આગળ તો વારંવાર ટ્રાફિક જામ થતો હોય છે. આજે પણ એવું જ હતું. એટલે હાઈવે છોડી ગોલ્ડન બ્રીજ પર થઈને આગળ વધ્યા. નવસારી વિસ્તારમાં શેરડી ખૂબ જ પાકે છે, એટલે અહીં રસ પીવાની તક જતી કરાય ખરી? રસ પીધો જ. નવસારી પછી વાંસદા આગળથી ડાંગ જીલ્લો શરુ થાય છે. ગરમ પાણીના કુંડવાળું ઉનાઈ સાઈડમાં રહી જાય છે. વાંસદા વિસ્તારમાં ગાઢ જંગલો છે, એ વાંસદા નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. પછી વઘઇ ગામ આવે છે. વઘઇમાં બોટાનીકલ ગાર્ડન જોવા જેવો છે.
વઘઇથી સાપુતારા ૫૦ કી.મી. દૂર છે. વઘઇથી સાપુતારાના રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી જમણી બાજુ એક ફાંટો પડે છે. એ ફાંટામાં ૨ કી.મી. જાવ એટલે ગુજરાતનો પ્રખ્યાત ગીરા ધોધ આવે. અહીં ખાપરી નદી આખેઆખી અંબિકા નદીમાં ખાબકે છે. ચોમાસામાં પુષ્કળ પાણી હોય ત્યારે આ ધોધ જોવાની બહુ જ મજા આવે. અત્યારે તો પાણી ખૂબ જ ઓછું હતું, એટલે ધોધને બદલે માત્ર ધધુડી જ દેખાતી હતી. અહીં ગામડાના લોકો લાકડા અને વાંસમાંથી હાથે બનાવેલી ચીજવસ્તુઓ વેચે છે, એ લેવા જેવી ખરી. આપણને તે ઘર સુશોભનમાં વપરાય અને અહીંના લોકોને થોડી આવક થાય.
સાપુતારા ટેકરી પર આવેલું છે, એટલે વઘઇથી જ ચડાણ શરુ થાય છે. ગાડીને તો બહુ વાંધો ના આવે, પણ માલસામાન ભરેલી ટ્રકો તો હાંફતી હાંફતી ચડતી હોય એવું લાગે. સાપુતારાની ઉંચાઈ ૮૭૩ મીટર છે. ઉંચાઈ પર હોવાને લીધે અહીં વાતાવરણ ખુશનુમા રહે છે. ઉનાળામાં પણ બહુ ગરમી નથી હોતી. આથી તો લોકો અહીં ફરવા આવે છે. વડોદરાથી સાપુતારા ૩૦૦ કી.મી. દૂર છે.
બપોરે ૪ વાગે અમે સાપુતારા પહોંચ્યા. દાખલ થતામાં જ શહેરનો મુખ્ય ચોક નજરે પડ્યો. મુખ્ય ચોક આગળ ચાર બાજુ ચાર રસ્તા પડે છે. શહેરનું પ્લાનીંગ અને ચોખ્ખાઈ સરસ છે. અમે નજીકમાં જ એક હોટેલ શોધી કાઢી અને તેની કોટેજમાં ગોઠવાઈ ગયા. થોડા તાજામાજા થઇ સાપુતારા જોવા નીકળી પડ્યા.
સાપુતારાનું મુખ્ય આકર્ષણ અહીંનું સરોવર (લેક) છે. તે મુખ્ય ચોકની નજીકમાં જ છે. સરોવરમાં બોટીંગની વ્યવસ્થા છે. યાંત્રિક અને પગથી પેડલ મારીને ચલાવાય એવી હોડીઓમાં લોકો બોટીંગની મજા માણે છે. અહીં ચાપાણી, નાસ્તો, રમકડાં વગેરેની પુષ્કળ દુકાનો લાગેલી છે. બાળકોને તો બહુ જ મજા આવે છે. અહીં માનવમહેરામણ ઉમટી પડ્યો હોય એવું લાગે છે. અહીં ગિરદી હોવા છતાં ય ગંદકી નથી, એ ખાસ મહત્વની બાબત છે. ગંદકી ન હોવાથી આ જગા ગમી જાય એવી છે.
આ જ વિસ્તારમાં બે બગીચા છે, એક સ્ટેપ ગાર્ડન અને બીજો લેક ગાર્ડન. સ્ટેપ એટલે પગથિયાં. સ્ટેપ ગાર્ડનના પ્રવેશ આગળ, ઉપર પત્થરનો સાપ મૂકેલો છે. ગાર્ડનમાં મોટાં પગથિયાં છે, અને દરેક પગથિયે જાતજાતના ફૂલછોડ ઉગાડેલા છે. રંગીન ફૂલોને લીધે ગાર્ડન શોભી ઉઠે છે. એક મંડપ નીચે પણ ઘણા છોડ છે. બગીચામાં લટાર મારવા જેવી છે. ફોટા પાડવા માટે આ સરસ જગા છે. લેક ગાર્ડન, બિલકુલ લેકના કિનારે છે.
સાપુતારાનું બીજું એક આકર્ષણ રોપ વે છે. આ માટે એક ઉંચી ટેકરી પર જવું પડે છે. લેકથી એ જગા દૂર છે. એક ટેકરી પરથી રોપ વેમાં બેસીને દૂરની બીજી ટેકરી પર જવાય છે. રોપ વેમાં બેઠા બેઠા નીચેની ખીણનું અદભૂત દ્રશ્ય મનમાં અનેરો રોમાંચ જગાડે છે. પ્રવાસીઓ આ દિલધડક દ્રશ્યનું કાયમી સંભારણું પોતાની સાથે લેતા જાય છે. બીજી ટેકરી પરથી આથમતા સૂર્યનો ગોળો પણ ભવ્ય લાગે છે.
ચોકની બીજી બાજુ સ્નેક ગાર્ડન છે. અહીં ગાર્ડનની વચ્ચે પત્થર અને સિમેન્ટનો બનાવેલો મોટો સાપ મૂકેલો છે. બાળકો તો તે જોઇને કદાચ ડરી જાય. સાપુતારામાં પહેલાં સાપ બહુ થતા હતા. સાપુતારાનો અર્થ જ છે “સાપોનું રહેઠાણ”. આગળ જતાં રોઝ ગાર્ડન આવે છે. તેમાં ઘણી જાતનાં ગુલાબનાં ફૂલો ઉગાડેલાં છે.
આગળ એક જગાએ પેરાગ્લાઈડીંગની વ્યવસ્થા છે. એમાં છત્રીની નીચે લટકતા રહી ખુલ્લી હવામાં ઉડવાની મજા આવે છે. ડર લાગે, કાચાપોચાનું તો કામ નહિ, મજબૂત મનોબળવાળાને તો એમાં મજા પડી જાય. આગળ એક જગાએ ગણેશજીનું મંદિર છે. મંદિર સરસ છે, પણ બહુ ઓછા લોકો ત્યાં જાય છે. ઇકો પોઈન્ટ પણ આ તરફ જ છે.
સાપુતારાના ઢોળાવો પર સર્પગંગા નદી વહે છે. તેના કાંઠે સાપની પત્થરની મૂર્તિ છે. સાપુતારાની મૂળ જગાની આ નિશાની છે. સાપુતારામાં આ ઉપરાંત, વનસ્પતિ ઉદ્યાન, વનકુટિર, નાગેશ્વર મહાદેવ, ડાંગ જાતિનું મ્યુઝીયમ વગેરે જોવા જેવાં છે. આજુબાજુ હજુ પણ આદિવાસી પ્રજા અહીં વસે છે ખરી. સાપુતારામાં રહેવા માટે ઘણી હોટેલો છે. ગુજરાત સરકારનું ગેસ્ટ હાઉસ પણ છે. ખાણીપીણીની દુકાનો પણ ઘણી છે.
સાંજ સુધીમાં સાપુતારા જોઇને, બીજે દિવસે સવારે અમે નાસિક તરફ પ્રયાણ કર્યું. સાપુતારાથી નાસિક ૮૦ કી.મી. દૂર છે. સાપુતારા છોડો કે તરત જ મહારાષ્ટ્ર રાજ્યની હદ શરુ થઇ જાય છે. અમારે નાસિક પહોંચતા પહેલાં વચ્ચે સપ્તશૃંગી માતાનાં દર્શન કરવાં હતાં. સાપુતારાથી નાસિકના રસ્તે વીસેક કી.મી. જેટલું ગયા પછી, ડાબી બાજુ એક ફાંટો પડે છે. આ ફાંટામાં ૨૫ કી.મી. ગયા પછી અભોણા ગામ આવે છે. અભોણાથી સપ્તશૃંગી જવાય છે. સપ્તશૃંગી માતા ટેકરી પર બિરાજેલાં છે. અભોણાથી જ ટેકરીનું ચડાણ શરુ થઇ જાય છે. દસેક કી.મી. જેટલું ચડ્યા પછી ગાડી પાર્ક કરી દેવાની. અહીં પ્રસાદ કંકુ વગેરેની ઘણી દુકાનો છે. અહીંથી ૫૦૦ પગથિયાં ચડીએ એટલે માતાના મંદિરે પહોંચાય.
અમે પગથિયાં ચડી માતાના મંદિરે પહોંચ્યા. ચડાણ દરમ્યાન આજુબાજુની ટેકરીઓનું દ્રશ્ય મનોહર લાગે છે. ઉપર દર્શન માટે ભક્તોની ભારે ભીડ હતી. અડધો કલાક જેટલું લાઈનમાં ઉભા રહ્યા પછી દર્શન થયાં. માતાના ૧૮ હાથમાં ૧૮ શસ્ત્રો છે. એ દાનવો સામે લડવા માટે છે. આ દેવીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. એથી તે ‘મહિષાસુર મર્દિની’ તરીકે પણ ઓળખાય છે.
મંદિર ઘણું સરસ છે. નીચેથી મંદિરનો વ્યૂ ઘણો સુંદર લાગે છે. રીનોવેશન ચાલે છે. કદાચ ભવિષ્યમાં અહીં રોપ વે પણ બને. એવું થાય તો માતાજીનાં દર્શને જવાનું સરળ થઇ જાય. અમે દર્શન કરીને પાછા અભોણા આવ્યા. અભોણાથી વણી થઈને નાસિક પહોંચ્યા. વણી એટલે સાપુતારાથી નાસિકના મૂળ રસ્તા પરનું ગામ.
નાસિક મોટું શહેર છે. અહીં તપોવન, રામકુંડ,પંચવટી, મુક્તિધામ વગેરે સ્થળો જોવાનાં હતાં. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ નાસિકથી ૨૫ કી.મી. દૂર આવેલું છે, ત્યાં પણ જવાનું હતું. બપોરનો સમય હતો એટલે એમ વિચાર્યું કે પહેલાં ત્ર્યંબકેશ્વર જઈને સાંજ સુધીમાં નાસિક પાછા આવી જઈએ, પછી નાસિકનાં સ્થળો નિરાંતે જોઈશું. અમે ગાડી લીધી ત્ર્યંબકેશ્વર તરફ.
નાસિકથી ત્ર્યંબકના આખા રસ્તે અમે, ચાલીને જતી કેટલી યે ભજનમંડળીઓ જોઈ. ત્યારે મનમાં એમ થયું કે આટલા બધા લોકો ત્ર્યંબક જઇ રહ્યા છે તો ત્યાં દર્શનમાં કેટલી ભીડ હશે. અને એમ જ થયું. ત્ર્યંબકમાં ગાડી પાર્ક કરી, એક કી.મી. જેટલું ચાલીને, મંદિર આગળ પહોંચ્યા. અહીં તો માનવમહેરામણ ઉભરાયો હતો. પગ મૂકવાની એ જગા ન મળે એટલી ગિરદી હતી. દર્શન માટે લાંબી લાઈન લાગી હતી. અમે લાઈનમાં ઉભા રહી ગયા. ઘણી બધી હારો મળીને લાઈન લગભગ એક કી.મી. લાંબી હતી. બે કલાકે મંદિરમાં પેસવા મળ્યું. મનમાં ઘણો આનંદ થયો.
ત્ર્યંબકેશ્વર એ શીવ ભગવાનનાં બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. એ દ્રષ્ટિએ આ મંદિરનું મહત્વ ઘણું છે. જિંદગીમાં એક વાર તો બાર જ્યોતિર્લીંગોનાં દર્શન કરવાં જોઈએ. અમને અહીં લીંગનાં દર્શન કરીને ખૂબ જ સંતોષ થયો. લાઈન અને ચાલવાનો થાક ભૂલાઈ ગયો. એક માત્ર શીવ જ દેખાતા હતા. મન પ્રસન્ન થઇ ગયું. મંદિરની પાછળ થોડી વાર બેઠા. મંદિર પરની કોતરણી જોઈ. આ મંદિર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. આ પર્વતમાંથી ગોદાવરી નદી નીકળે છે અને નાસિક તરફ વહે છે. આ મંદિર નાનાસાહેબ પેશ્વાએ ૧૭૬૦ના અરસામાં બંધાવેલું છે. તે કાળા પત્થરોનું બનેલું છે. કહેવાય છે કે અહીં શીવજીનું લીંગ કુદરતી રીતે જ બનેલું છે.
દર્શન કરીને બહાર આવ્યા. પેલી બધી મંડળીઓ તો આવે જ જતી હતી. લગભગ લાખ જેટલા લોકો તો હશે જ. ઉત્તરાયણ હતી એટલે એ બધા તો અહીં રાત રોકાવાના હતા. ભગવાન શીવનું હૃદય એટલું ઉદાર છે કે નાનકડા ગામમાં ય આટલા બધા લોકોને સમાવી લે છે. અમે ચાપાણી કરી, ત્ર્યંબકથી નાસિક પાછા આવ્યા. નાસિકમાં હોટેલ રાખીને, જમીને નિદ્રાધીન થયા.
(ક્રમશઃ)