મત્તુર ગામ, જ્યાં લોકો સંસ્કૃતમાં વાતો કરે છે.
ભારતમાં કે દુનિયામાં એવું ગામ ક્યાંય જોયું છે કે જ્યાં લોકો રોજબરોજની વાતો સંસ્કૃત ભાષામાં કરતા હોય? આવું એક જ ગામ ભારતમાં છે, તે ગામનું નામ મત્તુર છે અને તે કર્ણાટક રાજ્યના શીમોગા શહેરની નજીક આવેલું છે. શીમોગાથી ચીકમગલુર જવાના રસ્તે, શીમોગાથી માત્ર ૫ કી.મી.ના અંતરે તે આવેલું છે. અહીં લોકો સવારે ઉઠે ત્યાંથી તે રાત્રે સૂતા સુધી જે કંઇ બોલવાનું થાય, વાતોચીતો થાય, એ બધું જ તેઓ સંસ્કૃતમાં બોલે છે. અરે, શાકભાજી વેચનારા ફેરીયા પણ શાકની બૂમો સંસ્કૃતમાં પાડે છે. લોકોને એટલું સરસ સંસ્કૃત આવડે છે. બધાને તમે સંસ્કૃતમાં વાત કરતા જુઓ ત્યારે એમ જ લાગે કે પ્રાચીન ભારતના કોઈ ગામમાં આપણે પહોંચી ગયા છીએ. અહીંના લોકોને વેદો તથા સંસ્કૃત ધર્મગ્રંથોનું જ્ઞાન પણ ઘણું છે. આ ગામના લોકો ભારતની સંસ્કૃત ભાષાને તથા પુરાણી વેદ સંસ્કૃતિને જીવાડવા પ્રયત્ન કરી રહ્યા છે.
અહીંના લોકોની મહેમાનગતિ પણ એટલી જ ઉદાત્ત ભાવનાવાળી છે. તમે આ ગામમાં મહેમાન બનીને જાઓ ત્યારે, ભલે તમે કોઈને ઓળખતા ન હો, તો પણ અહીંના લોકો તમારું ઉમળકાભેર સ્વાગત કરશે. “આવો ભાઈ, અમારે ઘેર પધારો. તમારા જેવા મહેમાન અમારે આંગણે ક્યાંથી?” એવા પ્રેમભર્યા શબ્દોથી તમને આવકારશે. આપણને જરા ય પરાયાપણું નહિ લાગવા દે. આપણને એમ જ લાગશે કે આ લોકો તો આપણા જ છે. એમની સાથે આપણો જૂનો નાતો છે. આપણે જરા ય સંકોચ રાખ્યા વગર તેમની સાથે ભળી જઈશું. કોઈ ને કોઈ ઘરની મહેમાનગતિ માણીશું. તેમની સાથે જમીન પર બેસી ભોજન કરીશું. ગામલોકો સાથે અલકમલકની વાતોમાં પરોવાઈ જઈશું. રાતે મજાની નિદ્રા માણીશું, અને ગામનાં સંભારણાં મનમાં ભરીને, ભારે હૈયે તેમની વિદાય લઈશું, ત્યારે લાગશે કે આવો પ્રેમ, આવી લાગણી અને આવાં માનવી, આપણે દુનિયામાં ક્યાંય જોયાં નથી. ચાલો, અહીં આ ગામ વિષે થોડી વિગતે વાત કરીએ.
તુંગા નદીને કિનારે વસેલું મત્તુર ગામ આશરે ૫૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે. એમાં ૧૫૦૦ જેટલા તો બ્રાહ્મણો છે. રાજા કૃષ્ણદેવરાયે આ ગામ બ્રાહ્મણોને દાનમાં આપી દીધેલું. તુંગાને સામે કિનારે હોસાઅલ્લી ગામ છે. મત્તુર અને હોસાઅલ્લી જોડિયાં ગામ કહી શકાય. હોસાઅલ્લીમાં પણ ઘણાખરા લોકો સંસ્કૃતમાં વાત કરે છે.
મત્તુર ગામના બધા લોકોને સંસ્કૃત ભાષાનું અને હિંદુ પ્રણાલિકાઓનું સારું એવું જ્ઞાન છે. સંસ્કૃત એ એમના જીવનનો એક ભાગ છે. ગામનું દરેક કુટુંબ, સંસ્કૃત અને હિંદુ સંસ્કૃતિ વિષે શીખવવામાં પ્રવૃત્ત હોય એવું અહીં જોવા મળશે. લોકો અહીં સાદું જીવન જીવે છે અને મોટા ભાગનો સમય આધ્યાત્મિક કામોમાં પસાર કરે છે.
આ ગામ ઘણે અંશે ખેતી પર નિર્ભર છે. ગામની રચના એવી છે કે એક બાજુ બધાનાં ઘરો હોય, અને બીજી બાજુ ખેતરો હોય. લોકો ખૂબ હળીમળીને અને સંપીને રહે છે.
‘વાર્તા કહેવી’ એ અહીંના લોકોની એક આગવી કલા છે. ‘વાર્તા કહેવી’ એને અહીં ‘ગામાકા’ કહે છે. બહુ જૂના જમાનાથી આ કલા લોકોમાં ઉતરી આવી છે.
સંસ્કૃત એ અહીંના લોકોની સ્થાનિક ભાષા છે. સંસ્કૃત ઉપરાંત, બધાને કન્નડ ભાષા પણ આવડે છે. અહીં બહુ જ થોડા લોકોને હિન્દી કે ઈંગ્લીશ આવડતું હશે. આપણે મત્તુર ગયા હોઈએ તો ભાષાની તકલીફ પડે ખરી. (સંસ્કૃત આવડતું તો હોય તો કોઈ જ તકલીફ નથી.) પણ આમ તો સ્વાગત અને પ્રેમની ભાષા તો બધે જ એકસરખી હોય છે. તમે અહીં જાવ તો કશી જ મુશ્કેલી વગર અહીંના લોકો સાથે હળીભળી જાવ છો. તમારે સંસ્કૃત શીખવું હોય તો અહીં સાતેક દિવસ રહેવું પડે. એટલા દિવસોમાં તો સંસ્કૃતમાં બોલવાનું ફાવી જાય છે. વેદ અને ઉપનિષદો વિષે શીખવા માટે આ સારામાં સારું કેન્દ્ર છે. દુનિયામાં ક્યાંય પણ ઓનલાઈન સંસ્કૃત શીખવું હોય તો અહીંના લોકો ૨૦ દિવસમાં શીખવાડી દે છે.
મત્તુર વિષે જાણ્યા પછી, ઘણા લોકો મત્તુર જવાની ઈચ્છા ધરાવે છે. આથી તો અહીં દર વર્ષે ઘણા બધા પ્રવાસીઓ આવે છે. અહીંના લોકો તેમનું સ્વાગત કરવા તત્પર હોય છે. તેઓ મહેમાનોને જમાડે છે, રાત્રે તેમના ઘેર રહેવાની વ્યવસ્થા પણ કરે છે. મહેમાનોને પણ એક જૂની ભારતીય પરંપરામાં ભળવાની મજા આવે છે. અહીંના લોકોએ ‘અતિથિ દેવો ભવ’ સૂત્રને ખરેખર સાર્થક કર્યું છે. મત્તુર ગામમાં ક્યાંય રેસ્ટોરન્ટ કે હોટેલ નથી.
આ ગામનું બીજું એક ખાસ આકર્ષણ અહીંનાં મંદિરો છે. અહીં રામમંદિર, શીવાલય, સોમેશ્વર મંદિર અને લક્ષ્મીકેશવ મંદિર જાણીતાં મંદિરો છે. ગામથી લગભગ ૮૦૦ મીટર દૂર આ મંદિરો આવેલાં છે. મંદિર સંકુલમાં ચોખ્ખાઈ ખૂબ જ છે. ત્યાં એક બગીચો છે. તેની બાજુમાં એક ઝરણું વહે છે. મંદિરના રસ્તે જતાં, વચ્ચે ઘણાં ઝાડ અને પક્ષીઓના માળા છે, એ ગામની સુંદરતામાં વધારો કરે છે. ગામમાં બધા હિંદુ તહેવારો ઉજવાય છે. દશેરા એ અહીંનો મહત્વનો તહેવાર છે.
મત્તુર ગામમાં એક જ સ્કુલ છે. આમ તો એને પાઠશાળા જ કહી શકાય. અહીં બાળકોને સંસ્કૃત ઉપરાંત, થોડું અંગ્રેજી પણ શીખવાડાય છે. ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો શીમોગા, મેંગલોર કે બેંગ્લોર જવું પડે છે. અહીં છોકરો સામાન્ય રીતે ૧૧ વર્ષનો થાય એટલે એને હિંદુ ધર્મગ્રંથો અને વેદો શીખવાડાય છે. છોકરીઓએ આ બધું જ્ઞાન લગ્ન પછી તેના પતિ પાસેથી મેળવવાનું હોય છે. અહીં મોટા ભાગનાં લગ્નો ગામના જ છોકરા-છોકરી સાથે થાય છે. મત્તુરમાં પુરુષોનો પહેરવેશ લુંગી અને શાલ છે. લોકો લાંબા વાળ અને ચોટલી રાખે છે. સ્ત્રીઓ સાડી પહેરે છે અને માથામાં ફૂલોની વેણી કે ગજરો નાખે છે.
મત્તુરની મુલાકાતે વર્ષમાં ગમે ત્યારે જઇ શકાય છે. પણ નવેમ્બરથી માર્ચનો સમય વધુ સારો. એ વખતે હવામાન ખુશનુમા હોય છે. શીમોગા મોટું શહેર છે. શીમોગાથી મત્તુર જવા માટે ઘણી બસો અને રીક્ષાઓ મળે છે. શીમોગામાં રહેવા માટે હોટેલો અને ખાણીપીણીનાં રેસ્ટોરન્ટ ઘણાં છે.
એક દિવસ રોકાવા માટે મત્તુર સરસ જગા છે. દુનિયાનાં પ્રેમાળ માનવીઓને મળવું હોય તો મત્તુર જરૂર જજો. કર્ણાટક બાજુ ફરવા નીકળ્યા હો તો એક દિવસ મત્તુર માટે ફાળવજો. મત્તુરમાં રાત રોકાજો અને ભારતની જૂની પરંપરાનો અનુભવ કરજો. તમને મત્તુરમાં ગમી જશે. તમે પાછા ફરશો ત્યારે ત્યાંની યાદોને લઈને આવશો.