સાપુતારા, અજંતા, ઈલોરાના પ્રવાસે – ૨

સાપુતારા, અજંતા, ઈલોરાના પ્રવાસે – ૨

ત્રીજે દિવસે સવારથી નાસિકમાં ફરવા નીકળી પડ્યા. નાસિક એ પવિત્ર યાત્રાધામ છે. ગોદાવરી નદી શહેરની વચ્ચેથી જ પસાર થાય છે. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમ્યાન અહીં પંચવટી વિસ્તારમાં પર્ણકુટી બાંધીને રહેતાં હતાં. રાવણ અહીંથી જ સીતાજીનું હરણ કરી ગયો હતો. લક્ષ્મણે શૂર્પણખાનું નાક નાસિકમાં કાપ્યું હતું. એટલે તો આ સ્થળ નાસિક કહેવાયું.

અમે પહેલાં તપોવન ગયા. અહી ગોદાવરીને કિનારે રામની પર્ણકુટી જોઈ. કિનારે સીતાકુંડ છે. સીતાજી ત્યાં સ્નાન કરતાં. બાજુમાં લક્ષ્મણ મંદિર છે. ત્યાં લક્ષ્મણ શૂર્પણખાનું નાક કાપતા હોય એવી મોટી મૂર્તિ છે. અહીંથી અમે કાલારામ મંદિરે ગયા. જૂના જમાનાનું આ મંદિર જોવા જેવું છે. તેની નજીકમાં સીતા ગુફા છે.

અહીંથી રામકુંડ જોવા ગયા. રામકુંડ એ ગોદાવરી નદીના કિનારે આવેલી ખૂબ જ જાણીતી જગા છે. અહીં લોકો નદીમાં સ્નાન કરે છે, નદીમાં ફૂલ વગેરે પધરાવે છે તથા કિનારે બેસીને પૂજા કરે છે. અહીં મૃત વ્યક્તિનાં અસ્થિ પધરાવવાની પ્રથા છે. ગાંધીજી, નેહરુ અને ઈન્દિરાજીનાં અસ્થિ અહીં પધરાવેલાં. અહીં બહુ જ લોકો એકઠા થાય છે, એટલે માનવમેળો ભરાયો હોય એવું લાગે છે. અહીંનું દ્રશ્ય, હરદ્વારની ગંગા કિનારે આવેલી ‘હર કી પૌડી’ જેવું લાગે છે. ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અહીં જોવા મળે છે. નાસિકનો અર્ધકુંભમેળો પણ આ જગાએ જ ભરાય છે. અમે રામકુંડમાં ગોદાવરીનું જળ માથે ચડાવી પાછા વળ્યા. નજીકમાં જ ગાંધી સ્મારક છે.

રામકુંડની પાસે જ મહાપ્રભુજીની બેઠક આવેલી છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાં, પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમહાપ્રભુજીએ દેશાટન કરી અમુક સ્થળોએ કથાઓ કરી લોકોને સન્માર્ગે વાળ્યા હતા. આ સ્થળો મહાપ્રભુજીની બેઠકો કહેવાય છે. ભારતમાં તેમની ૮૪ બેઠકો છે. અમે બેઠકમાં મુખ્યાજીને મળીને ઝારીજી ભરવાની વિધિ કરી. પછી બેઠકજીનાં દર્શન કર્યાં. બાજુના દ્વારકાધીશ મંદિરમાં પણ દર્શન કર્યાં. પછી પ્રસાદ લઈને, મહાપ્રભુજીને મનોમન વંદન કરીને બહાર આવ્યા.

પંચવટી વિસ્તારમાં, લક્ષ્મણે દોરેલી લક્ષ્મણરેખા છે, એવું વાંચ્યું હતું, પણ તે જગા મળી નહિ. અહીંથી અમે મુક્તિધામ જોવા ગયા. પંચવટીથી તે સાતેક કી.મી. દૂર છે. મુક્તિધામ એ સફેદ આરસનું બનેલું સુંદર બાંધકામ છે. અહીં બધા જ ભગવાનની મૂર્તિઓ છે, તથા ૧૨ જ્યોતિર્લીંગો પણ છે. દિવાલો પર ગીતાના ૧૮ અધ્યાયના શ્લોકો લખેલા છે. જોવાની ગમે એવી આ જગા છે.

નાસિકમાં આ ઉપરાંત, સોમેશ્વર મંદિર, પાંડવલેની ગુફા, શ્રીદત્ત મંદિર, ગણેશ મંદિર વગેરે જોવા જઇ શકાય. નાસિક નજીક દેવલાલીમાં સિક્કા બનાવવાની સરકારી ટંકશાળ છે. અમારે નાસિક જોવાનું પૂરું થયું હતું. એટલે અમે હવે ગાડી લીધી શિરડી તરફ. નાસિકથી શિરડી ૮૭ કી.મી. દૂર છે.

શિરડીમાં પેઠા પછી, રોડની બંને બાજુએ હોટેલો જ જોવા મળી. શિરડી એ સાંઇબાબાની કર્મભૂમિ છે. સાંઇબાબાએ અહીં ઘણા ચમત્કારો દેખાડેલા તથા લોકોની બહુ જ સેવા કરી હતી.તેમના ભક્તોની ઈચ્છાઓ તેમણે પૂરી કરી હતી. આજે દેશવિદેશમાં તેમના લાખો ભક્તો છે. આ ભક્તો અને ટુરિસ્ટોથી શિરડી હંમેશાં ઉભરાતું રહે છે. સાંઇબાબાના મંદિરમાં દર્શન માટે લાઈનો લાગેલી જ રહે છે.

અમે એક હોટેલમાં રૂમ રાખી લીધી અને સાંઇબાબાના મંદિરે દર્શન કરવા નીકળ્યા. ફેમિલી લાઈનમાં જઈને ઉભા રહ્યા. ત્રણ કલાકે નંબર લાગ્યો. સાંઇબાબાની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન કર્યાં. સાંઇના ચહેરા પર કરુણા અને સેવાના ભાવો જોઈ મનમાં તૃપ્તિ થઇ. લોકોમાં સાંઇ પ્રત્યેની આસ્થાનું ઘોડાપૂર નિહાળ્યું. સાંઇ મંદિરને સમાધિ મંદિર કહે છે. બાજુમાં ગુરુસ્થાન, ચાવડી અને દ્વારકામાઈ છે. આ બધે દર્શન કરી, રૂમ પર આવી, પથારીમાં લંબાવ્યું. થાક તો લાગ્યો જ હતો.

ચોથે દિવસે સવારે શિરડીથી નીકળ્યા. આજે ભીમાશંકર જ્યોતિર્લીંગ અને શીંગણાપુરમાં શનિદેવનાં દર્શનનો પ્લાન હતો. શિરડીથી ભીમાશંકર ૧૮૩ કી.મી. દૂર છે. અમે લોની થઈને સંગમનેર પહોંચ્યા. શિરડીથી સંગમનેરનું અંતર ૫૦ કી.મી. છે. અહીંથી પૂનાના રસ્તે ચડ્યા. આડેફાટા અને નારણગાંવ થઈને મંચર પહોંચ્યા. સંગમનેરથી મંચર ૭૩ કી.મી. દૂર છે. મંચરથી સાઈડમાં ફાંટો પડે છે. એ રસ્તે ૬૦ કી.મી. ગયા પછી ભીમાશંકર આવે. છેલ્લા ૩૩ કી.મી. તો ટેકરીઓમાં થઈને ચડાણવાળા રસ્તે જવાનું છે. ઉપર ચડતાં ચડતાં આજુબાજુનાં દ્રશ્યો જોવાની મજા આવે છે. એક જગાએ નદીમાં બંધ બાંધેલો દેખાય છે. એની પાછળ ભરાયેલું પાણીનું સરોવર, અહીં ઉંચાઈ પરથી જોતાં કેવું ભવ્ય લાગે ! ચડાણવાળો રસ્તો તો લગભગ નિર્જન હતો. મનમાં એમ થાય કે આ જગાએ તો બહુ ઓછા લોકો દર્શને આવતા હશે. અમે ભીમાશંકરની નજીક પહોંચ્યા ત્યારે એક રીસોર્ટ દેખાયો, પછી જાણે કે ગુફામાં પ્રવેશવાનું હોય એવી ઘનઘોર ઝાડી આવી, અને ભીમાશંકર માટેના પાર્કીંગમાં પહોંચ્યા ત્યારે તો અ હો હો હો ! ત્યાં એટલાં બધાં વાહનો પાર્ક થયેલાં હતાં કે અમને પાર્કીંગની જગા માંડ મળી. એટલા બધા લોકો અહીં દર્શને આવેલા હતા. અહીં પહોંચીને ખબર પડી કે અહીંથી ૨૫૦ પગથિયાં ઉતરીને ખીણમાં જવાનું છે, ત્યાં ભીમાશંકર જ્યોતિર્લીંગનું મંદિર છે. ચાનાસ્તાની થોડી દુકાનો વટાવ્યા બાદ, ઉતરવાનાં પગથિયાં શરુ થયાં. બપોર હતી, પણ પગથિયાં પર છાપરું બાંધેલું છે, એટલે ગરમી ના લાગી. પગથિયાં પર પણ દુકાનો લાગેલી છે. નીચે  પહોંચ્યા. અહીં વિશાળ ખુલ્લી જગામાં ભીમાશંકર જ્યોતિર્લીંગનું મંદિર છે.

ભીમાશંકર ડાકિની ક્ષેત્રમાં છે. આ મંદિર ૧૩મી સદીમાં બનેલું છે. સભામંડપ અને શિખર ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવેલા. મંદિરના આંગણામાં નંદી અને શનિમહારાજનું જુદું મંદિર છે. તેમાં જે ઘંટ છે તેના પર ઈ.સ. ૧૭૨૯ની સાલ કોતરેલી છે. આ ઘંટ, બાજીરાવ પેશ્વાના ભાઈ ચીમાજી અપ્પાએ આપેલો. ચીમાજીએ પોર્ટુગીઝો સામે જીતીને આ ઘંટ મેળવેલો.

મંદિરનો સભામંડપ મોટો છે. એમાં સ્થાનિક પુરોહિતો પૂજાઅભિષેક કરાવવા અને નોંધણી કરવા બેસે છે. અહીં જ્યોતિર્લીંગ પર બિલીપત્રની સાથે ગલગોટા અર્પણ કરવાની પ્રથા છે. ભીમાશંકર મંદિરની આજુબાજુ ૩ દિશામાં રામમંદિર, દત્તમંદિર અને વિઠ્ઠલમંદિર આવેલાં છે. દત્તમંદિર પરથી ભીમાશંકરના કળશ અને શિખરનાં દર્શન થઇ શકે છે. મંદિરમાં દર્શનનો સમય સવારના સાડા ચારથી સાંજના સાડા નવ સુધીનો છે. વચ્ચે અડધો કલાક સાડા અગિયારથી બાર મંદિર બંધ રહે છે.

અહીંથી ભીમા નદી નીકળે છે, અને રાયચુર ખાતે કૃષ્ણા નદીને મળે છે. નદીના મૂળ આગળ સર્વ તીર્થ અને કુશારણ્ય તીર્થ છે. નજીકમાં પાર્વતીજી મંદિર છે. તેમણે શીવને ત્રિપુરાસુર સામે લડવામાં મદદ કરેલી. શિવજીને લડાઈ દરમ્યાન જે પરસેવો થયો તેમાંથી ભીમા નદી બની.

આ વિસ્તાર જંગલ અભયારણ્ય જેવો છે. અહીં ઝાડ અને ફૂલ ઘણાં છે. ભીમા નદીનો અવાજ મધુર અને કર્ણપ્રિય છે. ટ્રેકીંગ કરનારા માટે આ સરસ જગા છે. શિવરાત્રિએ અહીં મેળો ભરાય છે. અહીં ધર્મશાળા અને હોટેલો છે. પ્રવાસીઓને આ સ્થળ ગમી જાય એવું છે.

બાર જ્યોતિર્લીંગોમાંનાં દરેક ત્યાં બિરાજતા શીવજીના નામથી ઓળખાય છે. દરેક જગાએ લીંગ હોય છે. લીંગ એ આદિ અને અંત વગરનો પ્રકાશનો પુંજ (થાંભલો) છે, જે શીવના અનંત સ્વરૂપને રજૂ કરે છે. જ્યોતિર્લીંગ વિષેની એક કથાની વાત કરીએ. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ચડસાચડસી થઇ. કોણ મહાન ? શીવજીએ તેમની પરીક્ષા કરવા, તેમને એક અનંત પ્રકાશની જ્યોતનો છેડો ક્યાં છે, તે શોધવા કહ્યું. બ્રહ્મા અને વિષ્ણુ બંને છેડે ફરી વળ્યા, પણ જ્યોતનો છેડો મળ્યો નહિ. બ્રહ્મા જૂઠું બોલ્યા, ‘મેં છેડો શોધી કાઢ્યો છે.’ વિષ્ણુએ હાર સ્વીકારી લીધી. શીવ દિવ્યજ્યોત તરીકે હાજર થયા અને બ્રહ્માને શાપ આપ્યો કે ‘તમને પૃથ્વી પર કોઈ નહિ પૂજે, વિષ્ણુને બધા પૂજશે.’ આમ, પૃથ્વી પર બ્રહ્માનાં મંદિરો નથી, પણ વિષ્ણુનાં મંદિરો બધે છે. શીવ જ્યોત તરીકે જ્યાં પ્રગટ થયા ત્યાં બધે જ્યોતિર્લીંગો છે.

અમે મંદિરમાં જઇ લીંગનાં દર્શન કર્યાં. શીવજીને જોઈ મન ભાવવિભોર થઇ ગયું. દર્શન કરી, પરસાળમાં થોડું બેઠા. પછી પગથિયાં ચડી ઉપર આવ્યા, અને એ જ માર્ગે ગાડી મંચર તરફ દોડાવી. મંચર આગળ ગાડીને પંચર પડ્યું. એક નટ પણ ખરાબ થઇ ગયો. પણ શીવકૃપાથી બધું રીપેર થઇ ગયું.

હવે જવાનું હતું શીંગણાપુર શનિદેવના ધામમાં. ધાર્યા કરતાં લગભગ બે કલાક જેટલું મોડું થઇ ગયું હતું. અમે મંચરથી આડેફાટા અને અહમદનગર થઈને શનિદેવ પહોંચ્યા ત્યારે રાતના સાડા દસ વાગ્યા હતા. વચમાં થોડી જગાએ રસ્તો પણ ખરાબ હતો. ભીમાશંકરથી શનિદેવનું અંતર આશરે ૨૩૦ કી.મી. જેટલું થયું.

અહીં પણ શનિદેવની કૃપા. શનિદેવનું મંદિર ચોવીસે કલાક ખુલ્લું રહે છે. એટલે રાત્રે સાડા દસે પણ દર્શન થયાં. વળી, અત્યારે કોઈ જ ભીડ ન હતી. દિવસ હોત તો દર્શનની લાઈન ખૂબ જ લાંબી હોત. શનિદેવનું મંદિર ખુલ્લામાં જ હોય છે. અહીં એક ચબૂતરા પર શનિદેવની કાળા પત્થરની બનેલી મૂર્તિ છે. મૂર્તિ પર બોટલમાંથી આપોઆપ તેલનો અભિષેક થાય છે. અમને રાત્રે રહેવા માટે હોટેલ પણ મળી ગઈ., ઠીક હતી.

શનિદેવના આ ગામનું નામ શીંગણાપુર છે. આ ગામની ખૂબી એ છે કે ગામમાં કોઈ ઘરનાં બારણાં બંધ કરતુ નથી. કિમતી ચીજોને પણ કોઈ તાળાચાવીમાં મૂકતું નથી. છતાં અહીં ચોરી થતી નથી. લોકો માને છે કે અહીં ભગવાન શનિદેવ ખૂબ જ શક્તિશાળી છે. ચોરી કરનારને તે સખત શિક્ષા કરે છે. અમારી હોટલના બારણાને પણ સ્ટોપર ન હતી.

શિરડીથી રાહોરી થઈને શનિદેવ સીધા જ જવાય છે. આ અંતર ૭૨ કી.મી. જેટલું છે.

1 ટીકા (+add yours?)

  1. pravinshastri
    માર્ચ 01, 2015 @ 16:05:22

    સરસ માહિતી સભર લેખ.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: