સાપુતારા, અજંતા-ઈલોરાના પ્રવાસે – ૩

સાપુતારા, અજંતા-ઈલોરાના પ્રવાસે – ૩

પાંચમા દિવસે સવારે અમે શનિદેવથી નીકળ્યા ઔરંગાબાદ જવા. શનિદેવથી ઔરંગાબાદનું અંતર ૮૦ કિ.મી. છે. ઔરંગાબાદ જોવાનું બાકી રાખી અમે અહીંથી દોલતાબાદ અને ઈલોરા થઈને ઘ્રુષ્ણેશ્વર પહોંચ્યા. ઔરંગાબાદ, દોલતાબાદ, ઈલોરા અને ઘ્રુષ્ણેશ્વર એક જ રૂટ પર છે. આ રસ્તો આગળ ધૂળિયા થઈને સૂરત જાય છે. ઔરંગાબાદથી દોલતાબાદ ૧૩ કી.મી., ત્યાંથી ઈલોરા ૧૧ કી.મી.અને ત્યાંથી ઘ્રુષ્ણેશ્વર માત્ર ૧ કી.મી. દૂર છે.અમારે આ બધાં સ્થળ જોવાનાં હતાં.

ઘ્રુષ્ણેશ્વર એ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. અમે ત્ર્યંબકેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લીંગોનાં દર્શન કરી આવ્યા. અમારા આ પ્રવાસમાં આ ત્રીજું જ્યોતિર્લીંગ હતું. એક સાથે ત્રણ જ્યોતિર્લીંગ જવા મળે એ અમારું અહોભાગ્ય !

ઘ્રુષ્ણેશ્વરને ઘ્રુષ્મેશ્વર પણ કહે છે. તે વેલુર નામના ગામમાં આવેલું છે. આ જ્યોતિર્લીંગ અંગેની કથા એવી છે કે “જૂના જમાનામાં ઘુશ્મા નામની એક સ્ત્રી રોજ શીવલીંગ બનાવીને શીવજીની પૂજા કરતી. તેના પતિની પહેલી પત્ની સુદેહાને તેની ઇર્ષ્યા આવતી. ઇર્ષ્યામાં તેણે ઘુશ્માના દિકરાને મારી નાખ્યો. ઘુશ્માએ તો શીવની આરાધના ચાલુ રાખી. શીવજીની કૃપાથી તેનો પુત્ર જીવતો થયો. શીવજી તેની અને ગામલોકોની સમક્ષ સદેહે પ્રગટ થયા. ઘુશ્માની વિનંતિથી શીવજી અહીં જ જ્યોતિર્લીંગ તરીકે નિવાસ કરવા લાગ્યા.” આ જગા એ જ ઘ્રુષ્ણેશ્વર જ્યોતિર્લીંગ. રાજા કૃષ્ણદેવરાયે ૧૦મી સદીમાં આ મંદિર બંધાવ્યું હતું.

અહીં દર્શન કરીને બહુ જ આનંદ થયો. અમે સાક્ષાત શીવ ભગવાનની સામે જ ઉભા હોઈએ એવો ભાવ મનમાં પેદા થયો. અહીંનું વાતાવરણ બહુ જ પવિત્ર હતું.

અહીં દર્શન કરી, અમે ૧ કી.મી. પાછા આવી ઈલોરાની ગુફાઓ જોવા ગયા. આ ગુફાઓ ભારત તથા વિદેશોમાં પણ પ્રખ્યાત છે. અહીં કુલ ૩૪ ગુફાઓ છે. આ ગુફાઓ એક લાઈનમાં અને ક્રમમાં જ છે. એમાં ૧ થી ૧૨ નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, ૧૩ થી ૨૯ નંબરની હિંદુ ધર્મની અને ૩૦ થી ૩૪ નંબરની જૈન ધર્મની છે. આ ગુફાઓ છઠ્ઠીથી તેરમી સદી દરમ્યાન બની હોવાનું કહેવાય છે. દરેક ગુફા પોતાના ધર્મની વિશેષતાથી ભરપૂર છે. દરેક ગુફામાં ટેકરીઓના પત્થરના ખડકોમાં કોતરકામ કરીને અદભૂત સ્થાપત્ય ઉભું કર્યું છે.

બુદ્ધ ગુફાઓમાં ૧૦ નંબરની ગુફા અગત્યની છે. એની છત લાકડાનાં બીમ ગોઠવ્યાં હોય એવી દેખાય છે. ગુફામાં ૧૫ ફૂટ ઉંચું બુદ્ધનું પૂતળું બેઠેલી અને ઉપદેશ આપતી મુદ્રામાં છે. અજંતાની ૨૬ નંબરની ગુફા જેવી અહીં રચના છે.

હિંદુ ગુફાઓમાં ગુફા નં. ૧૬ અગત્યની છે. તે કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે. અહીં જાણે કે શીવજીનું નિવાસસ્થાન ઉભું કર્યું છે. એક જ ખડકમાંથી ગુફા કોતરેલી છે. બે માળનું પ્રવેશદ્વાર, U આકારનો સભામંડપ, તેની બંને બાજુ ૩ માળની ગેલેરીઓ, દરેકમાં કોતરકામ અને દેવદેવીઓનાં શિલ્પ, વચ્ચે ૧૬ થાંભલા પર ઉભેલું ૩૦ મીટર ઉચું શીવમંદિર, મંદિરમાં લીંગ, નંદી, બે ધ્વજસ્તંભ, રાવણ કૈલાસ પર્વત ઉંચકતો હોય એવું શિલ્પ – આ બધું જોઇને એમ લાગે છે કે જાણે શીવના ધામમાં આવી ગયા છીએ. અહી સભામંડપમાં બેસી રહેવાનું ગમે છે.

૧૯ નંબરની ગુફામાં નૃત્ય કરતા શીવ (નટરાજ) તથા શીવપાર્વતીના લગ્નનું સ્થાપત્ય છે. ગુફા નં. ૩૨માં બે માળની ઇન્દ્રસભા છે. ઈલોરાની ગુફાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેલ છે.

ઈલોરાની ગુફાઓ ચાલીને જોવી હોય તો ચાલવાનું બહુ જ થાય. જૈન ગુફાઓ તો દૂર અલગ જગાએ છે. અમે રીક્ષાઓ કરી લીધી. રીક્ષાવાળો ચાર જગાએ ફેરવે છે. દરેક જગાએ ઉતરીને આજુબાજુની ગુફાઓ જોઈ લેવાની. વળી, ગુફામાં ચડવાનું-ઉતરવાનું પણ થાય. થાકી જવાય. આમ છતાં, ગુફાઓ જોવાની મજા આવે છે. પત્થરોમાં આટલું સુંદર કોતરકામ જોઇને છક થઇ જવાય છે. ગુફાઓ આગળ બગીચો બનાવ્યો છે. અહીંનો માહોલ બહુ જ સરસ છે.

આજે રવિવાર હતો. અજંતાની ગુફાઓમાં સોમવારે રજા હોય છે. એટલે અમે અજંતા પણ આજે જ જોવાનું નક્કી કર્યું, અને દોલતાબાદ-ઔરંગાબાદ જોવાનું કાલે સોમવાર પર રાખ્યું.

ઈલોરાથી અમે નીકળ્યા અજંતા તરફ. અજંતા અહીંથી ૧૧૦ કી.મી. દૂર છે. અજંતાની ગુફાઓ પણ જગપ્રસિદ્ધ છે. અહીં ગાડી પાર્કીંગમાં મૂક્યા પછી, દુકાનો વચ્ચે થઈને દસેક મિનીટ ચાલવાનું છે. પછી બસમાં બેસી ત્રણેક કી.મી. જવાનું, એટલે અજંતાનું પ્રવેશદ્વાર આવે. અમે ટીકીટ લઈને અંદર પેઠા.

અહીં કુલ ૩૧ ગુફાઓ છે. તે વાધુર નદીના કિનારે યુ આકારની ભેખડોમાં કોતરેલી છે. આ ગુફાઓ ઈ.સ. ૨૦૦ થી ૬૫૦ના અરસામાં બનેલી છે. એક બ્રિટીશ ઓફિસરે ૧૮૧૯માં આ ગુફાઓ શોધી હતી. અહીં પહેલાં તો પચાસેક પગથિયાં ચડવાનાં છે. પછી ગુફાઓ શરુ થાય. અહી ભેખડોના પત્થરોમાં ગુફાઓ કોતરી તેમાં બુદ્ધ ભગવાનની મૂર્તિઓ, મંદિરો, બુદ્ધના જીવનપ્રસંગો તથા અન્ય સ્થાપત્યો કંડાર્યાં છે. થોડી ગુફાઓમાં દિવાલો અને છત પર રંગીન ચિત્રો દોરેલાં છે. આ ચિત્રો બહુમૂલ્ય ગણાય છે. ગુફા નં. ૯, ૧૦, ૧૯ અને ૨૬નાં સ્થાપત્યો જોવા જેવાં છે. ગુફાઓમાં બૌદ્ધ ધર્મની ઉત્તમ કલા પ્રદર્શિત થઇ છે. અજંતા પણ યુનેસ્કોની સાઈટમાં છે.

અહીંથી આજુબાજુનું દ્રશ્ય બહુ જ સરસ દેખાય છે. ચોમાસામાં પાણી હોય ત્યારે અહીં નદીમાં ધોધ પડતો દેખાય છે. ગુફાઓ જોયા પછી નદીના કિનારે થઈને પાછા અવાય છે.

ઈલોરા અને અજંતાની ગુફાઓ જોઈ મનમાં ભારતનો ભવ્ય ઈતિહાસ તાજો થયો. આ ગુફાઓ કોતરવામાં કેટલી મહેનત પડી હશે, એની તો કલ્પના જ કરવી રહી. અમે અજંતાથી ઔરંગાબાદ પાછા આવી, એક મિત્રના આગ્રહને વશ થઇ રાત્રે તેમને ત્યાં જ રોકાયા.

બીજા દિવસે નાહીધોઈને અમે નીકળી પડ્યા. પહેલાં તો અમે દ્વારકાધીશની હવેલીમાં દર્શન કર્યાં. પ્રવાસનો આ છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો. આજે ઔરંગાબાદ અને દોલતાબાદ જોઈ વડોદરા પરત ફરવાનું હતું.

ઔરંગાબાદનું નામ ઔરંગઝેબના નામ પરથી પડ્યું છે. ઔરંગાબાદ એક ટુરિસ્ટ સેન્ટર છે. અહીં રહેવા માટે ઘણી હોટેલો છે. આ શહેરમાં ઘણાં ઐતિહાસિક સ્મારકો આવેલાં છે. અમદાવાદના દરવાજાઓની જેમ અહીં શહેરમાં કુલ ૫૨ દરવાજા છે. આથી તો ઔરંગાબાદને ‘દરવાજાઓનું શહેર’ કહે છે. શહેરમાં લટાર મારવા નીકળો તો આ વાતની ખબર પડી જાય છે.

ઔરંગાબાદમાં ખાસ જોવાલાયક જગા ‘બીબી કા મકબરા’ છે. આ મકબરો, ઔરંગઝેબના દિકરા આઝમશાહે, તેની મમ્મી રૂબિયા ઉદ દુરાનીની યાદમાં ૧૬૬૦માં બંધાવ્યો હતો. એ આગ્રાના તાજમહાલની કોપી જેવો છે. એને ‘ડેક્કનનો મીની તાજ’ પણ કહે છે. દૂરથી તે ખૂબ ભવ્ય લાગે છે. પ્રવેશદ્વાર ઘણું જ સરસ છે. પછી પાણીનો નાનો કુંડ, ફુવારા અને ફુવારાની બંને બાજુ ચાલવાના વિશાળ રસ્તા છે. આ રસ્તે ચાલીને મકબરા આગળ પહોંચાય છે. અહીં ખૂબ ઉંચા પ્લેટફોર્મ પર મકબરો બાંધેલો છે. અંદર કબર છે. ચાર ખૂણે મિનારા છે. અહીં બે ઘડી ઉભા રહીને આજુબાજુનાં દ્રશ્યો જોવાનું ગમે એવું છે,

બીજી જોવા જેવી જગા બાબાશાહ મુસાફિરની દરગાહ આગળ આવેલી પનચક્કી છે. તેમાં ૮ કી.મી. દૂરના પર્વત પરથી પાણી આવે છે. એનાથી પનચક્કીનાં પાંખિયાં ફરે છે. આથી એની સાથે જોડેલી લોટ દળવાની ઘંટી ચાલે છે. વગર વીજળીએ ચાલતી આ ઘંટી એ ઉર્જાબચતનું અનોખું ઉદાહરણ છે.

નૌખંડા મહેલ પણ જોવા જેવો છે. તે મલિક અકબર નામના સુલતાને, મોગલો સામેની જીતની યાદમાં ૧૬૧૬માં બંધાવેલો. ઔરંગાબાદમાં આ ઉપરાંત, સુનહરા મહેલ, સલીમ અલી તળાવ, પક્ષી અભ્યારણ્ય, બુદ્ધ ગુફાઓ વગેરે જોવા જેવાં છે.

અમે ‘બીબી ક મકબરા’ જોઈએ ખુશ થઇ ગયા. અહીંથી અમે દોલતાબાદ ઉપડ્યા.

દોલતાબાદ એટલે આબાદીનું શહેર. તેનું મૂળ નામ દેવગીરી હતું. દિલ્હીનો સુલતાન મહમદ બીન તઘલખ ૧૩૨૭માં રાજધાની દિલ્હીથી બદલીને અહીં લઇ આવ્યો. તેણે દેવગીરી નામ બદલીને દોલતાબાદ કરી નાખ્યું. બે વર્ષ અહીં રહ્યા બાદ, પાણીની તકલીફને લીધે, રાજધાની પાછી દિલ્હી લઇ ગયો. આથી તો ‘દિલ્હીથી દોલતાબાદ’ અને ‘તઘલખી તુક્કા’ જેવી કહેવતો પડી છે.

અહીં ટેકરી પર ૧૨મી સદીમાં બનેલો કિલ્લો જોવા જેવો છે. તેની બાંધણી સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. સારા કિલ્લામાં તેની ગણતરી થાય છે. કિલ્લો ખામ નદીને કિનારે છે. સંરક્ષણના હેતુથી, ૨૦૦ મીટર ઉંચી શંકુ આકારની આ ટેકરીની ધારો કાપીને સીધી કરી દીધેલી છે. કિલ્લા પર જવા ફક્ત એક સાંકડો બ્રીજ છે. પછી ખડકોમાં કોતરેલી ચડતા ઢાળવાળી લાંબી ગેલેરી છે. ગેલેરીના અડધે રસ્તે, સાઈડમાં પગથિયાંવાળો ભાગ છે, જ્યાં યુદ્ધ સમયે મશાલો સળગેલી રહેતી. વચ્ચે વચ્ચે ક્યાંક ગુફાના દ્વાર જેવું દેખાય છે, પણ એ તો દુશ્મનને ગૂંચવવા માટે જ. કિલ્લો ખૂબ મજબૂત છે. આ કિલ્લામાં ખાનગીમાં છટકવાના ઘણા રસ્તા છે. કિલ્લાની બહારની દિવાલ ૪.૪૩ કી.મી. લાંબી છે.

કિલ્લાની અંદર ભારતમાતા મંદિર, જામી મસ્જીદ, ચાંદ મિનાર, હાથી તળાવ, ચીની મહલ, જૂના જમાનાની તોપ વગેરે સ્મારકો છે. ચાંદ મિનાર એ ૬૪ મીટર ઉંચો ટાવર છે. પાયા આગળ તેનો ઘેરાવો ૨૧ મીટર છે. તે અલ્લાઉદીન બહમનીએ ૧૪૪૫માં કિલ્લો જીતવાના માનમાં બંધાવ્યો હતો. આ મિનાર અને કિલ્લો ઘણે દૂરથી દેખાય છે.

દોલતાબાદની બાજુમાં જ ખુલદાબાદ છે. અહીં ઘણા સુફી સંત રહેતા હતા. અહીં ઔરંગઝેબનો મકબરો છે.

અમે કિલ્લો જોઈ બહાર આવ્યા. અમારે જોવાનાં બધાં સ્થળો પૂરાં થયાં હતાં. એટલે આ જ રસ્તે ઈલોરા, ઘ્રુષ્ણેશ્વર થઈને ધૂળિયા તરફ આગળ વધ્યા. ધૂળિયાથી નવાપુર, બારડોલી અને સુરત થઈને વડોદરા પહોંચ્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. દોલતાબાદથી ધૂળિયા ૧૩૦ કી.મી., ધૂળિયાથી કડોદરા ૨૨૦ કી.મી. અને કડોદરાથી વડોદરા ૧૩૫ કી.મી. દૂર છે. કડોદરા એટલે સુરત નજીકનું હાઈવે પરનું ગામ.

પ્રવાસ બહુ જ સરસ રહ્યો. છ જ દિવસમાં આટલાં બધાં સ્થળો જોયાં, એટલે પ્રોગ્રામ બહુ જ પેક રહ્યો. બહારગામ જઇ હોટેલોમાં પડી રહી આરામ ફરમાવીએ, એવું ના થયું. પણ એકંદરે તો ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના દર્શને મજા કરાવી દીધી. કોઈ જ તકલીફ વગર પ્રવાસ હેમખેમ પૂરો થયો તે શીવજી, મહાપ્રભુજી, બુદ્ધ, મહાવીર, રામ ભગવાન, ગણેશજી, સાંઇબાબા, શનિદેવ અને સપ્તશૃંગી માતાની કૃપાને લીધે જ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: