પ્રોફેસરનું લેકચર

                                                    પ્રોફેસરનું લેકચર

“શાહસાહેબ, તમે મારું આઠમી સેમેસ્ટરના ક્લાસનું શુક્રવારનું છેલ્લું લેકચર ભણાવી આવશો? હું તમારું બુધવારનું લેકચર લઇ લઈશ.”

મેં કહ્યું, “ભલે વાડિયાસાહેબ, મને કોઈ જ વાંધો નથી. મને ફાવશે.”

વાડિયાસાહેબ આગળ બોલ્યા, “શાહસાહેબ, વાત એમ છે ને કે મારું ફેમિલી મારા વતન સુરેન્દ્રનગરમાં રહે છે. એટલે હું દર શનિ-રવિ સુરેન્દ્રનગર જાઉં છું. શુક્રવારે કોલેજ પત્યા પછી હું સુરેન્દ્રનગર જવા નીકળી જાઉં છું, એટલે સાંજે જ ઘેર પહોંચી જવાય. મારા ટાઈમટેબલમાં મારે શુક્રવારનું છેલ્લું લેકચર છે. એટલે જો એ તમે લઇ લો તો હું એક કલાક વહેલો નીકળી શકું અને સુરેન્દ્રનગર વહેલો પહોંચું.”

મેં કહ્યું, “ વાડિયાસાહેબ, મને કોઈ જ વાંધો નથી. તમારું શુક્રવારનું લેકચર હું ભણાવી દઈશ.”

વાડિયાસાહેબ બોલ્યા, “શાહસાહેબ, બસ તો પછી તમે દર શુક્રવારે મારું લેકચર લઇ લેજો, અને હું દર બુધવારે તમારું લેકચર લઇ લઈશ.”

મેં કહ્યું, “સારું.”

પહેલાં તો હું આ ગોઠવણ એક અઠવાડિયા પૂરતી સમજ્યો હતો. પણ વાડિયાસાહેબે મારી સાથે આ ગોઠવણ આખી ટર્મ માટે કરી નાખી. જો કે એમાં મને કશી તકલીફ નહોતી.

ઉપરનો સંવાદ આજથી ૩૦ વર્ષ પહેલાંનો છે. એ વખતે અમે બધા પ્રોફેસરો અમદાવાદની એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં નોકરી કરતા હતા. એ જમાનામાં તો વિદ્યાર્થીઓ કોલેજમાં બહુ જ નિયમિત રીતે લેકચરોમાં હાજરી આપતા. દરેક ક્લાસમાં આશરે નેવું ટકા જેટલી હાજરી તો હોય જ. અને આખી ટર્મ સુધી નિયમિત ક્લાસ ચાલે. અમે બોર્ડ પર જે ભણાવીએ તે, વિદ્યાર્થીઓ પોતાની નોટમાં ઉતારે. તે વખતે કોમ્યુટર અને લેપટોપ નહોતાં. મોબાઈલ ફોનનું તો કોઈએ નામે ય નહોતું સાંભળ્યું. આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી હોય છે. આખી ટર્મમાં પણ તેઓ થોડાઘણા ક્લાસ ભરે. અમે ભણાવીએ તે, પોતાની નોટમાં ઉતારવાની તસ્દી પણ લેતા નથી. અરે ! નોટીસબોર્ડ પરની નોટીસનો ય મોબાઈલથી ફોટો પાડી લે. અમે તૈયાર કરેલી નોટનો ય ફોટો પાડી લે. દાખલા ય વાંચી જાય, કાગળપેન લઈને જાતે ના ગણે. તેમને હાથથી લખવાનું કશું જ નથી ગમતું. પરીક્ષામાં પેપર હાથથી લખવાનું આવે ત્યારે કેટલું વસમું લાગે?

પણ એ વાત બાજુએ રાખી, આપણે વાડિયાસાહેબની વાત આગળ ચલાવીએ. મેં એમનું શુક્રવારનું લેકચર લેવાની હા પાડી, એટલે તે ખુશ થઇ ગયા. મેં તેમનું શુક્રવારનું લેકચર લેવાનું શરુ કરી દીધું, અને તેમણે દર શુક્રવારે એક કલાક વહેલા નીકળી, સુરેન્દ્રનગર એક કલાક વહેલા પહોંચવાનું શરુ કરી દીધું.

આમ તો કોલેજમાંથી એક કલાક વહેલા નીકળી જવાની છૂટ હોય નહિ, પણ બધું ચાલ્યા કરતુ હોય છે .

એમ ને એમ બે અઠવાડિયાં પસાર થઇ ગયાં. મારું શુક્રવારે તેમનું લેકચર લેવાનું ચાલુ જ હતું. એક વાર મને વિચાર આવ્યો કે “લાવ, મારું બુધવારનું લેકચર, છોકરાઓ ભરે છે કે નહિ, તે જઈને જોઉં તો ખરો.” એટલે ત્રીજે અઠવાડિયે હું બુધવારે મારા લેકચરના ટાઈમે ક્લાસ આગળ પહોંચ્યો, એવી ધારણા સાથે કે વાડિયાસાહેબ ક્લાસમાં ભણાવતા જ હશે. ક્લાસ આગળ જઈને જોયું તો ક્લાસમાં કોઈ નહોતું. છોકરાઓ ય નહોતા, અને વાડિયા સાહેબ પણ નહિ. મને થયું કે આમ કેમ હશે? બેચાર છોકરા આજુબાજુ ફરતા હતા. હું તેમને ઓળખી ગયો. તેઓ મારા ક્લાસના જ હતા. મેં તેમને ઉભા રાખ્યા, અને એક જણને પૂછ્યું, “કેમ મહેશ, અત્યારે તમે બધા, ક્લાસમાં ભણવા આવ્યા નથી? ક્યાં ગયા બધા?”

મહેશ બોલ્યો, “સર, તમારું અત્યારનું લેકચર તો ફ્રી હોય છે ને? તમે દર બુધવારે લેકચર લેવા આવતા નથી ને, એટલે.”

મેં કહ્યું, “એવું કેમ બને? મારું બુધવારનું લેકચર લેવા, મારે બદલે વાડિયાસાહેબ આવે છે ને?”

મહેશ બોલ્યો, “ના સર, વાડિયાસાહેબ આ લેકચર લેવા નથી આવતા.”

મેં કહ્યું, “કેમ, વાડિયાસાહેબે તમને કહ્યું નથી કે તમારા ક્લાસમાં એમનું શુક્રવારનું લેકચર હું લઈશ, અને મારું બુધવારનું લેકચર એ લેશે?”

મહેશ બોલ્યો, “ના સર, એમણે એવું નથી કહ્યું.”

મેં પૂછ્યું, “તો એમણે શું કહ્યું હતું?”

મહેશ, “એમણે તો એટલું જ કહ્યું હતું કે શુક્રવારનું એમનું લેકચર શાહસાહેબ લેશે.”

ઓહ ! હું તો આશ્ચર્યચકિત થઇ ગયો. મને અત્યારે જ ખબર પડી કે તેઓ મારું બુધવારનું લેકચર લેવા નથી જતા. એટલું જ નહિ, તેમણે છોકરાઓને આવું કહ્યું પણ નથી. એટલે છોકરાઓ પર તો એવી જ છાપ પડે કે “શાહસાહેબ બુધવારનું લેકચર લેવા આવતા નથી.” છોકરાઓ ડીપાર્ટમેન્ટના હેડને આ બાબતની ફરિયાદ કરવા પણ જઇ શકે. એવું થાય તો હેડ આગળ એવી છાપ પડે કે “શાહસાહેબ બુધવારે પોતાનું લેકચર લેવા જતા નથી.”

એક બાજુ મેં વાડિયાસાહેબને સગવડ કરી આપી, અને તો ય હેડ આગળ મારી જ છાપ બગડે. ભલે એવું કંઇ થયું નહિ. પણ વાડિયાસાહેબની મને સાચી ‘ઓળખ’ પડી.

પછી મેં એક વાર વાડિયાસાહેબને આ વાત કરી પણ ખરી. તો તેમનો જવાબ હતો કે “બુધવારે છોકરાઓ જ આવતા નથી. કદાચ તમારું એ લેકચર ભરવાનું તેમને નહિ ગમતું હોય.”

બુધવારે છોકરાઓ જો ખરેખર નહોતા આવતા, તો વાડિયાસાહેબ મને આ વાત જણાવી શક્યા હોત. અને એ જ છોકરાઓ શુક્રવારે છેલ્લું લેકચર ભરવા તો આવતા હતા, જે હું ભણાવતો હતો. એટલે છોકરાઓને મારું લેકચર નથી ગમતું, એવું તો કેવી રીતે બને?”

પણ વાડિયાસાહેબ આગળ આ બધી દલીલો કરવાનો કોઈ અર્થ ન હતો. તેઓ તેમનું કામ બીજાને સોંપી, કામમાંથી છટકવાના રસ્તા શોધવામાં પાવરધા હતા. પછી તો મને ખબર પડી કે વાડિયાસાહેબ બીજાં કામોમાંથી પણ છટકબારીઓ શોધી લેતા હતા.

અમે બધા ક્લબમાં જયારે ચા પીવા એકઠા થતા ત્યારે આ વાડિયાસાહેબ ઘણી વાર મન અને ભગવાન વિષેની આધ્યાત્મિક વાતો કરતા, જેમ કે “માણસનું મન જ માણસ પાસે સારાંનરસાં કામ કરાવે છે. જો મનને વશ કરી લઈએ અને સારાં કામ કરીએ તો જીવનનું કલ્યાણ થઇ જાય, જીવનમાં સુખ અને આનંદ છવાઈ જાય” વગેરે વગેરે. આવું સાંભળીને અમને લાગતું કે વાડિયાસાહેબ મહાન છે વિદ્વાન છે, જીવનની ફિલોસોફી તેમણે પચાવી જાણી છે. પણ પછી લાગ્યું કે વાડિયાસાહેબનો આ એક ‘શો’ જ છે, દેખાવ જ છે, પોતે કામ કરવું નથી, એ બાબતને ઢાંકવા માટેની આ એક ચેષ્ટા જ છે.

એલ.ડી. એન્જીનીયરીંગ એ સરકારી કોલેજ છે. કોલેજમાં આવા પ્રોફેસરો હોઈ શકે છે. પણ….. કૃષ્ણ ભગવાને ઉદબોધેલી ‘ગીતા’ તો દુનિયાનો સૌથી ઉત્તમ ગ્રંથ છે. કર્મ કોઈને છોડતું નથી.

એક મહિના પહેલાં જ હું એક કોલેજમાં એક મિત્રને મળવા ગયેલો. મને વાડિયાસાહેબ અચાનક ત્યાં મળી ગયા. અમે બંને એકબીજાને ઓળખી ગયા. તેઓ વૃદ્ધ થઇ ગયા હતા, શરીર ખખડી ગયું હતું, માંડ ચાલી શકતા હતા. મેં કહ્યું, “ અરે સાહેબ, તમે અહીં ક્યાંથી? તમારી તબિયત કેમ છે? કેટલાં બધાં વર્ષ પછી તમને જોયા. શું ચાલે છે?”

મેં તો પ્રશ્નોની ઝડી વરસાવી નાખી. નિરાશવદને તેઓ બોલ્યા, “જુઓ ને, મારા છોકરાનો છોકરો ઋત્વિક અહીં આ કોલેજમાં ભણે છે. પણ અહીં કોઈ ભણાવતું જ નથી લાગતું. જો કોઈ સાહેબ ટ્યુશન કરતા હોય તો મારે ઋત્વિકનું ટ્યુશન રખાવવું છે. મારા દિકરાને ટાઈમ નથી, એટલે હું અહીં આ કામે આવ્યો છું.”

મને મનમાં થયું કે “સાહેબ, તમે પણ તમારા જમાનામાં કેટલું ભણાવતા હતા?” હું મનમાં ગણવા બેઠો કે આ સાહેબે, કામ નહિ કરીને જેટલા રૂપિયા મફત પગાર ખાધો હશે એટલા રૂપિયા, કદાચ એથી યે વધુ રૂપિયા તેઓ ટ્યુશન પાછળ ખર્ચી નાખશે. આ તો એક ભૌતિક બાબત થઇ, પણ બીજી અનેક બાબતો –મનની શાંતિ, સુખ, આરોગ્ય, કામ કર્યાંનો સંતોષ- આ બધામાં પણ કર્મનો સિધ્ધાંત લાગુ પડતો હશે ને? ‘વાડિયાસાહેબો’ આ બધું સમજે તો દુનિયા કેટલી સુખી થઇ જાય !

1 ટીકા (+add yours?)

  1. Raj Shah
    માર્ચ 25, 2015 @ 04:48:55

    સરસ વાર્તા

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: