મન થયું ને નીકળી પડ્યા !

                                     મન થયું ને નીકળી પડ્યા !

ચોમાસામાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય ત્યારે લીલીછમ ધરતી, ડુંગરા, ઝરણાં અને જંગલોની વચ્ચે ધોધરૂપે પડતી નદીઓ આપણને દૂરથી સાદ પાડીને બોલાવી રહી હોય એમ લાગે. આપણા ગુજરાતમાં આવું નૈસર્ગિક સૌંદર્ય અનેક જગ્યાએ વેરાયેલું પડ્યું છે. આ જગ્યાઓએ ભમવાની મજા તો કંઈ ઔર જ છે ! ચાલો, આવા એક યાદગાર પ્રવાસની તમને વાત કહું.

પ્રકૃતિની ખોળો ખૂંદવા માટે અમે બે દિવસનો એક કાર્યક્રમ ગોઠવી કાઢ્યો. અમારા આ કાર્યક્રમમાં સોનગઢની નજીક આવેલું ગૌમુખ, ગિરિમાલા ધોધ, શબરીધામ, પંપા સરોવર, ગિરાનો ધોધ અને ઉનાઈના ગરમ પાણીના કુંડનો સમાવેશ હતો હતો. અમે કુલ આઠ જણા ભરૂચથી એક ભીની ભીની સવારે ગાડીઓ લઈને નીકળી પડ્યા. ત્યાંથી સુરત અને વ્યારા થઈને અમે સોનગઢ પહોંચ્યા. સૂરતથી સોનગઢ 66 કિ.મી. દૂર છે. ચોમાસાની આહલાદક ઠંડકમાં અમે ચા સાથે ગરમ ગરમ ભજીયાંનો સ્વાદ માણ્યો.

અમારો ખરો પ્રવાસ સોનગઢથી શરૂ થતો હતો. જંગલોનું સૌન્દર્ય માણવાની કલ્પના મનમાં અનેરો આનંદ જગાવી રહી હતી. સોનગઢથી 14 કિ.મીનું અંતર કાપ્યા બાદ અમે સૌપ્રથમ ગૌમુખ પહોંચ્યા. ત્યાં જંગલોની મધ્યમાં, એક ગાયના મુખમાંથી પાણી નીકળે છે, જેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ તો એક ધોધ છે. ગૌમુખથી વૃક્ષોની ઘટાઓમાં પસાર થઈને 125 પગથિયાં નીચે ઊતરતાં આ ધોધ પાસે પહોંચી શકાય છે. ધોધ સુધી પહોંચવું આસાન છે એમ જાણ્યા પછી મન ઝાલ્યું રહે ખરું ? અમે સૌ સડસડાટ ધોધ સુધી પહોંચી ગયા. ધોધનું પાણી પથ્થર પર થઈને વહેતું હોવાથી સૌએ બે કલાક સુધી નહાવાનો આનંદ માણ્યો. ધોધ નીચે ઊભા રહેતાં પાણી એટલા જોરથી વરસે છે કે બરડા પર કોઈ ડંડા મારતું હોય એવો અનુભવ થાય છે ! આ રોમાંચક અનુભવને માણીને અમે પગથિયાં ચઢીને ઉપર આવ્યા. અહીં આસપાસમાં બે-ચાર દૂકાનો આવેલી છે જ્યાં ચા-નાસ્તો મળી રહે છે. એક દુકાનદારને થોડી માહિતી પૂછતાં એમણે આજુબાજુના ગામનો હાથે દોરેલો એક નકશો અમને બતાવ્યો. અમે એ ડાયરીમાં નોંધી લીધો. આગળના સ્થળોની મુલાકાત લેવા માટે આ નકશો અમને ખૂબ કામ લાગ્યો.

હવે અમારો પ્રવાસ આગળ વધ્યો. ગૌમુખથી 38 કિ.મીનું અંતર કાપીને ખપાટિયા થઈને અમે શીંગણા પહોંચ્યા. શીંગણાથી 14 કિ.મીના અંતરે ગિરિમાલાનો પ્રખ્યાત ધોધ આવેલો છે. અહીં છેલ્લા 4 કિ.મીનો રસ્તો ખૂબ ખરાબ છે જેથી ગાડી સાચવીને ચલાવવી પડે છે. રસ્તામાં આવતી નદીઓ પર ચેકડેમ બાંધેલા જોઈ શકાય છે. વરસાદની મોસમ હોવાથી બધા જ ચેકડેમો છલકાતાં જોવા મળ્યા. જંગલ વિસ્તારમાં આ દશ્ય મનોહર લાગતું હતું. એ પછી એક રેસ્ટોરન્ટ આવી, જેનું નામ હતું ‘યુ ટર્ન રેસ્ટોરન્ટ’. અફાટ જંગલની વચ્ચે આ એક માત્ર મકાન જણાતું હતું. અહીં અમે જમવાનો ઑર્ડર નોંધાવીને ગિરિમાલા ધોધ પહોંચ્યા. આ ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો ધોધ છે. તેની ઉંચાઈ 300 ફૂટ છે. (અત્રે ઉલ્લેખનીય છે કે ભારતનો સૌથી ઊંચો ધોધ જોગનો ધોધ કહેવાય છે. તેની ઉંચાઈ 2600 ફૂટની છે.) અહીં બે મોટી ધારાઓ નીચે મોટું તળાવ રચે છે અને એ પછી પાણી આગળ વહે છે. ગિરિમાલાના ધોધમાં કે ત્યાંથી આગળ વહેતા પાણીમાં ઉતરી શકાય એમ નથી. આસપાસના કિનારાઓ પર રેલિંગ બાંધેલી જોવા મળે છે. જો કે ધોધના સૌન્દર્યને નિહાળવા માટે અહીં આરામદાયક ‘પોઈન્ટ’ બનાવવામાં આવ્યા છે. કિનારેથી 109 પગથિયાં ઉતરીને ધોધ નજીકથી જોઈ શકાય છે. શહેરી વસવાટથી દૂર આ ગાઢ અંતરિયાળ જંગલમાં આ ધોધને જોઈને થાય છે કે આ કેવી નૈસર્ગિક જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ ! શું ખરેખર આપણે ગુજરાતમાં જ છીએ ? – ધોધને મન ભરી નિહાળી અમે એ જ રસ્તે 4 કિ.મી પાછા આવી પેલી રેસ્ટોરન્ટ તરફ પરત ફર્યા. બધાને જોરદાર ભૂખ લાગી જ હતી તેથી વરસાદી મોસમમાં અમે રોટલા, ખિચડી, કઢી અને રીંગણના શાકની મહેફિલ જમાવી.

ભોજન બાદ શીંગણા ગામ સુધી પાછા ફરી, સુબિર થઈને અમે ‘શબરીધામ’ પહોંચ્યા. શીંગણાથી શબરીધામનું અંતર 8 કિ.મી. છે. અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, શબરીની પ્રતિમા અને શીલાનાં દર્શન થાય છે. દર્શન કરતાં જ જાણે બધો થાક ઊતરી જાય છે. મંદિરના શિખરેથી આસપાસનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે. અમે પહોંચ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. તેથી શબરીધામથી ત્રણેક કિ.મી દૂર ‘શબરી રિસોર્ટ’ નામની રહેવા માટેની એક સરસ જગ્યા અમે શોધી કાઢી. જંગલની વચ્ચે માત્ર એકલો અટૂલો આ સગવડભર્યો આવાસ છે. ચા, ગરમાગરમ નાસ્તો અને જમવાની સગવડ મળી રહે છે. અમે રાત અહીં રોકાઈ ગયા. સૌ થાકેલા હતા. તેથી પરવારીને પથારીમાં પડતાં જ જાણે સવાર પડી ગઈ !

સવારે સૌ તાજામાજા હતા. બહાર વરસાદ વરસી રહ્યો હતો. રિસોર્ટની પરસાળમાં બેસીને અમે ચા-નાસ્તો લીધો. આસપાસના મનોરમ્ય ફોટોગ્રાફ્સ લીધા. મનમાં તો એમ થતું હતું કે બે દિવસ આ રિસોર્ટમાં જ રોકાઈ જઈએ પરંતુ અમારે તો હજી આગળ વધવાનું હતું. તેથી અમે ચાલ્યા પંપા સરોવર તરફ. શબરી રિસોર્ટથી 10 કિ.મી. દૂર પંપા સરોવર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. અહીં ચેકડેમમાંથી ઓવરફલો થતું પાણી આસપાસના પથ્થરોમાં વહીને સરોવરમાં આવે છે. પથ્થરોમાંથી વહેતા પાણીનો નાદ કાનને સાંભળવો ગમે છે. પાણીમાં સાચવીને ઊતરી શકાય એમ છે. પરંતુ ઑવરફલો થતા ડેમની નજીક જવામાં જોખમ છે. કિનારે બેસીને સ્નાનનો આનંદ માણી શકાય છે. જો કે અહીં રહેતા ગ્રામ્ય વિસ્તારના બાળકો ઊંડા પાણીમાં ભૂસકો મારીને આરામથી તરી શકે છે. તેઓ માટે આ સમાન્ય છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ વધતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું. અહીં એક મોટા પથ્થર પર હનુમાનજી મૂર્તિરૂપે બિરાજમાન છે.

પંપા સરોવરથી અમે ચાલ્યા આહવા તરફ. અમે ડાંગ જિલ્લામાં પ્રવેશી રહ્યા હતા. ચારે તરફ જંગલો વચ્ચે ઊંચા નીચા રસ્તાઓ અને એક તરફ ડુંગરા અને બીજી બાજુ ખીણો. એકંદરે રસ્તા સારા છે તેથી જોખમ નથી. 27 કિ.મીનું અંતર કાપીને અમે આહવા પહોંચ્યા. આહવા એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. ત્યાંથી અમે 32 કિ.મી પસાર કરીને વધઈ પહોંચ્યા. વધઈમાં બોટાનીકલ ગાર્ડન અને વાંસદા નેશનલ પાર્ક આવેલ છે. વધઈથી સાપુતારાને રસ્તે 4 કિ.મી જેટલું આગળ વધ્યા બાદ ‘ગિરા ધોધ’ તરફ જવાનો રસ્તો પડે છે. આ રસ્તે ફક્ત 2 કિ.મીના અંતરે ‘ગિરા ધોધ’ આવેલો છે. ગિરા ધોધનું દૂરથી દેખાતું દ્રશ્ય ખૂબ જ સુંદર છે. વિશાળ પટ ધરાવતી નદી ધોધરૂપે નીચે પડતી હોય ત્યારે એ કેવી સુંદર લાગે, એ તો કલ્પના જ કરવી રહી ! જ્યારે નદી આખી છલોછલ ન હોય ત્યારે આ ધોધ અલગ અલગ ઘણા નાના-મોટા ધોધમાં વહેંચાઈને પડતો હોય છે. અમે વરસતા વરસાદમાં ખડકાળ પથ્થરો વચ્ચે ચાલીને ધોધની નજીક જઈને ઊભા રહ્યા અને ધોધને ક્યાંય સુધી નિહાળ્યા કર્યો. કુદરતની અપાર લીલા જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. ઈશ્વરે માનવીને આનંદ આપવા માટે કેવી અજબગજબની રચનાઓ પૃથ્વી પર કરી છે ! પણ માનવીને આનંદ લેતાં આવડે તો ને ! પાણી ખૂબ ઊંડું હોવાથી અહીં સ્નાન કરી શકાય તેમ નથી. નદી-કિનારે ચા-નાસ્તો, મકાઈ વગેરે મળી રહે છે.

ગિરા ધોધનો આનંદ માણીને અમે પાછા ગાડીમાં ગોઠવાયા અને ચાલ્યા વાંસદા તરફ. આમ તો વધઈથી સાપુતારા માત્ર 48 કિ.મી. જ દૂર છે પરંતુ બે દિવસના અમારા ટૂંકા પ્રવાસમાં તેનો સમાવેશ કરવો શક્ય નહોતું. વાંસદા પસાર કરીને અમે ઉનાઈ પહોંચ્યા. વધઈથી ઉનાઈ કુલ 35 કિ.મી. છે. ઉનાઈમાં ગરમ પાણીના કુંડ આવેલા છે. અહીં જમીનમાંથી આવતું ગરમ પાણી એક હોજમાં ભેગું થાય છે અને એક પ્રવાહ રૂપે બહાર વહે છે. આ પ્રવાહને કિનારે બેસીને સ્નાન કરી શકાય છે પરંતુ પાણી ઘણું ગરમ હોય છે. એમ કહેવાય છે કે પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોવાથી, સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. ઉનાઈ નજીક પદમડુંગરી નામના સ્થળે સરકારી ગેસ્ટહાઉસમાં રહેવાની સુવિધા છે જો કે અમને તેની જરૂર નહોતી પડી. વધઈ પાસે કિલાડ તથા સુબિરની નજીક મહલમાં પણ રહેવાની આ પ્રકારની વ્યવસ્થા છે.

હવે અમારો પ્રવાસ સમાપ્ત થવા આવ્યો હતો. ઉનાઈથી વ્યારા થઈને અમે સીધા જ ભરૂચ પરત ફર્યા. વરસાદી ઋતુમાં નદીનાળાં, ધોધ અને જંગલો ખૂંદવાનો કાર્યક્રમ અમે મન ભરીને માણ્યો. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં આ પ્રકારના અનેક સ્થળો છે જે લોકોની જાણ બહાર છે. શહેરોથી દૂર એવાં આ નાનાં નાનાં ગામડાંમાં આવેલાં પર્યટન સ્થળો આપણા ગુજરાતને ખરા અર્થમાં સ્વર્ણિમ બનાવે છે. પ્રવાસમાં જોયેલી આ અદ્દભૂત જગ્યાઓ કાયમ યાદ રહેશે અને એ યાદો મનમાં હંમેશાં રોમાંચ જગાવતી રહેશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: