વેક્સ મ્યુઝીયમ, કોલ્હાપુર

                                       વેક્સ મ્યુઝીયમ, કોલ્હાપુર

તમે મેડમ તુષાડના વેક્સ મ્યુઝીયમનું નામ સાંભળ્યું હશે, કદાચ એ જોયું પણ હશે. લંડન, ન્યૂયોર્ક, પેરીસ તથા બીજાં ઘણાં શહેરોમાં મેડમ તુષાડનાં વેક્સ મ્યુઝીયમ આવેલાં છે. આવાં મ્યુઝીયમમાં ખ્યાતનામ માણસોનાં મીણનાં બનાવેલાં પૂતળાં મૂકેલાં છે. એ પૂતળાં એવાં આબેહૂબ છે કે અદ્દલ એ અસલી વ્યક્તિ જ ત્યાં ઉભેલી હોય એવું લાગે. દુનિયાભરમાંથી બહુ જ લોકો આ પૂતળાં જોવા જાય છે અને પૂતળાં જોઇને દંગ રહી જાય છે.

ભારતમાં પણ કોલ્હાપુરમાં આવું એક વેક્સ મ્યુઝીયમ છે. એની કદાચ બહુ ઓછા લોકોને જાણ હશે. આ મ્યુઝીયમ, મેડમ તુષાડના મ્યુઝીયમ કરતાં થોડું જુદું પડે છે. મેડમ તુષાડના મ્યુઝીયમમાં જે સ્ટેચ્યુ મૂકેલાં છે, તે બહુ જાણીતી વ્યક્તિઓનાં છે. એમાં રાજકીય નેતાઓ, ફિલ્મ સ્ટાર, સંગીતકારો, રમતવીરો, વૈજ્ઞાનિકો અને એવી સેલેબ્રીટીનાં પૂતળાં છે. જેવા કે બરાક ઓબામા, ચર્ચિલ, હિટલર, મહાત્મા ગાંધીજી, માઈકલ જેક્સન, અમિતાભ બચ્ચન વગેરે. કોલ્હાપુરના વેક્સ મ્યુઝીયમમાં આ પ્રકારનાં સ્ટેચ્યુ નથી. પણ એને બદલે જૂના જમાનાના ભારતના ગ્રામ્ય જીવનની ઝાંખી કરાવે એ પ્રકારનાં દ્રશ્યોવાળાં સ્ટેચ્યુ મૂકેલાં છે. જેમ કે બળદ અને હળથી ખેતર ખેડતો ખેડૂત, કૂવેથી પાણી ખેંચતી સ્ત્રીઓ વગેરે. આ પૂતળાંમાં ચહેરા પરના ભાવો અને પ્રસંગોની ગૂંથણીને લીધે, આ દ્રશ્યો સાચુકલાં હોય એવું લાગે છે. આ મ્યુઝીયમમાં આવા ૮૦ પ્રસંગોનાં આશરે ૩૦૦ જેટલાં સ્ટેચ્યુ ઉભાં કર્યાં છે. જોવા જનારને આપણા ભારતના ગામડાનું અહીં સાચું દર્શન થાય છે. સુખશાંતિથી જીવવા માટે, કેવું જીવન જીવવું જોઈએ, એની પ્રેરણા એમાંથી મળે છે. આ મ્યુઝીયમની અહીં વિગતે વાત કરીએ.

કોલ્હાપુરના આ વેક્સ મ્યુઝીયમનું નામ સિદ્ધગિરિ ગ્રામજીવન વેક્સ મ્યુઝીયમ છે. તે કોલ્હાપુરથી ૧૫ કી.મી. દૂર કનેરી ગામમાં આવેલું છે. કનેરી ગામમાં શ્રીક્ષેત્ર સિદ્ધગિરિ નામનો એક મઠ છે, તે મઠની બાજુમાં જ આ મ્યુઝીયમ છે. મઠને ટૂંકમાં કનેરી મઠ પણ કહે છે. આ મઠ વધુ જાણીતો છે, જયારે વેક્સ મ્યુઝીયમ એટલું જાણીતું નથી. કનેરી જવા માટે, પૂના-બેંગ્લોરના હાઈવે નં. NH 4 પર, કોલ્હાપુરથી દસેક કી.મી. જેટલું જવાનું, પછી ગોકુલ-શીરગાંવ આગળથી જમણી બાજુ વળી જવાનું અને બીજા પાંચેક કી.મી. જવાનું, એટલે કનેરી ગામ અને આપણું વેક્સ મ્યુઝીયમ આવી જાય.

આ મ્યુઝીયમ કનેરી મઠના ૨૭મા મઠાધિપતિ શ્રી કાલસિદ્ધેશ્વર સ્વામીજીના વિઝન અને પ્રયત્નોથી ઉભું થયું છે. મહાત્મા ગાંધીજીને, ભારતનું ગામડું કેવું સ્વાવલંબી હોય તેનું એક સ્વપ્ન હતું. સ્વામીજીએ ગાંધીજીના સ્વપ્નાનું ગામ, અહીં વેક્સનાં પૂતળાં સ્વરૂપે સર્જ્યું છે. આ મ્યુઝીયમનો હેતુ, મોગલોના આક્રમણ પહેલાંના સ્વનિર્ભર ગ્રામજીવનનો ઈતિહાસ તાજો કરવાનો છે. એ જમાનામાં ગામડાંમાં જ્ઞાતિ આધારિત ધંધા હતા, સોની, લુહાર, સુથાર, મોચી વગેરે. આવા ૧૨ પ્રકારના ધંધા અને તેઓને સાધનો પૂરાં પાડનારા બીજા ૧૮ પ્રકારના ધંધા – આ બધું આ મ્યુઝીયમનાં દ્રશ્યોમાં વણી લીધું છે.

મ્યુઝીયમના પ્રવેશદ્વારમાં પેઠા પછી સૌ પ્રથમ એક ગુફા છે. ગુફા અંદરથી શણગારેલી છે. તેની ભીંતો પર રામાયણ અને મહાભારતના જાણીતા પ્રસંગોનાં ચિત્રો દોરેલાં છે. ગુફા પછીનો પૂતળાંવાળો બધો જ ભાગ ખુલ્લામાં છે. કોઈ બંધ મકાનમાં નહિ. મ્યુઝીયમ ૭ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં જે ૮૦ જેટલાં દ્રશ્યો, મીણનાં પૂતળાંરૂપે ઉભાં કર્યાં છે, તેમાંથી થોડાકનાં નામ ગણાવું.

(૧) બળદ અને હળથી ખેતર ખેડતો ખેડૂત

(૨) શાકભાજી વેચતી સ્ત્રી

(૩) કૂવેથી પાણી ભરતા લોકો

(૪) ભગવાનનું ભજન કરતા લોકો

(૫) ઘરેણાં ઘડતો સોની

(૬) દરદીની દવા કરતા વૈદ્ય

(૭) ઢોર ચરાવતો ભરવાડ

(૮) ઝાડ નીચે બેઠેલા લોકો

(૯) ગાયનું દૂધ દોહતી સ્ત્રી

(૧૦) એક સુખી કુટુંબ

(૧૧) બંગડી વેચતી સ્ત્રી

(૧૨) સેવ વણતી સ્ત્રી

(૧૩) લુહાર

(૧૪) વાંસની ટોપલી બનાવતા કારીગર

(૧૫) માટલાં બનાવતો કુંભાર

(૧૬) જોડા સીવતો મોચી

(૧૭) તેલની ઘાણી ચલાવતો માણસ

(૧૮) માછલીઓ વીણીને આવતી સ્ત્રી

(૧૯) હજામત કરતો હજામ

આ ઉપરાંત પણ બીજા ઘણા પ્રસંગોનાં સ્ટેચ્યુ છે.

ભારતના ગામડાનાં બધી જાતનાં લક્ષણો અહીં પૂતળાંરૂપે કંડારાયાં છે. ગામડાની જિંદગીને અહીં પૂતળાંમાં વણી લીધી છે. પૂતળાંના હાવભાવ. દેખાવની ચોકસાઈ અને જીવંતતા અદભૂત છે. દરેક સ્ટેચ્યુ પ્રવાસીઓના મન પર એક અસર છોડી જાય છે. દરેક સીનને એક ચોક્કસ ધ્યેય છે. સ્વામીજીએ દરેકેદરેક સીન એવો બનાવ્યો છે કે દરેક સીન એક વાર્તા કહેતો હોય એવું લાગે.

ગામડાના ધંધા જોતાં જ ખ્યાલ આવી જાય છે કે ગામડું સ્વનિર્ભર છે. ગામમાં સોની, લુહાર, મોચી, હજામ, વૈદ્ય, ભરવાડ, ખેડૂત એમ બધી જ જાતના લોકો છે. તેમના ધંધાથી ગામની બધી જ જરૂરિયાતો સચવાય છે. દરેક વચ્ચે સુમેળભર્યો અને સ્નેહાળ સંબંધ છે. મ્યુઝીયમ જોતાં એવું લાગે છે કે આખું ગામ એક જ કુટુંબ છે. અહીં ઉત્પાદનમાં કોઈ ભેળસેળ નહિ, બીજાને પાડી દેવાની ભાવના નહિ, ગાંડી સ્પર્ધા નહિ, પ્રદૂષણ નહિ, પણ એને બદલે આનંદી વાતાવરણ, ફળદ્રુપ જમીન, ચોખ્ખાં હવાપાણી અને તંદુરસ્ત ખોરાક છે. અહીં કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ અને કામધંધામાં સંતોષનું વાતાવરણ છે. માણસને આથી બીજું શું જોઈએ? આ બધી બાબતો જ માણસને સુખ અને આનંદ બક્ષે છે. મ્યુઝીયમ જોવા આવનારા પ્રવાસીઓ પર અહીં આવો બધો પ્રભાવ પડે છે. મ્યુઝીયમ જોઇને, આપણા વડવાઓ ગામડામાં કેવું જીવન જીવતા હતા તેની ઝાંખી જોવા મળે છે.

અહીંનો કનેરી મઠ તો ખૂબ જ જાણીતો છે. અહીં શીવમંદિર છે. શીવજીની મૂર્તિ ૧૩ મીટર ઉંચી છે. આગળ મોટો નંદી છે. મંદિર સુંદર અને શાંત છે. આજુબાજુ બગીચો અને ઝાડપાન છે. અહીં એક ૩૮ મીટર ઉંડો કૂવો છે.

કનેરી જવા માટે, કોલ્હાપુર સ્ટેશન અને બસ સ્ટેન્ડથી બસો મળે છે. મ્યુઝીયમ સવારના નવથી સાંજના ૬ સુધી ખુલ્લું રહે છે. મ્યુઝીયમ જોવાની ટીકીટ મોટાઓના ૧૦૦ રૂપિયા અને બાળકોના ૪૦ રૂપિયા છે. (ટીકીટના ભાવ બદલાયા હોય એવું પણ બને.) મ્યુઝીયમ આરામથી જોઈએ તો સહેજે ૩ થી ૪ કલાક લાગે છે. મ્યુઝીયમમાં ફોટા પાડવા દેતા નથી. મ્યુઝીયમ જોવા માટે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય વધુ સારો. સાંજના સમયે જવું કે જેથી ગરમી બહુ ના લાગે. બાળકો માટે ટ્રેન રાઈડ, હીંચકા વગેરે છે. ખાવાનું પણ મળે છે. ટીકીટ તો લેવી જ. એમ ને એમ થોડા પૈસા પકડાવી ના દેવા. ટીકીટ અંદર અને બહાર નીકળતી વખતે ચેક કરે છે.

કોલ્હાપુરનું આ મ્યુઝીયમ, ક્યાંય ન હોય એવું અજોડ મ્યુઝીયમ છે. ભારતે એ માટે ગૌરવ લેવા જેવું છે. હજુ અહીં વિજ્ઞાનને લગતાં નવાં સ્ટેચ્યુ બની રહ્યાં છે. કોલ્હાપુર મુંબઈથી ૩૮૦ કી.મી. દૂર છે. ક્યારેક કોલ્હાપુર જવાનો પ્લાન બનાવી કાઢજો.

10_ઝાડ નીચે બેઠેલા લોકો

13_બંગડી વેચતી સ્ત્રી

3_ખેતર ખેડતો ખેડૂત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: