તુલસીશ્યામ અને દીવનાં દર્શને

                                                       તુલસીશ્યામ અને દીવનાં દર્શને

        તમે એક કહેવત સાંભળી છે?

દીવ દમણ ને ગોવા

ફીરંગીઓ બેઠા રોવા

દીવ,દમણ અને ગોવા એ ભારતમાં અરબી સમુદ્રને કિનારે આવેલાં સ્થળો છે. આશરે 400 વર્ષ પહેલાં, યુરોપના પોર્ટુગલ દેશના લોકોએ અહીં આવીને આ સ્થળો પચાવી પાડેલાં અને ભારતને આઝાદી મળી ત્યાં સુધી એ એમના કબજામાં રહ્યાં. દીવ તો છેક 1962માં, ભારતે લડાઈ કરીને પાછુ મેળવ્યું. પોર્ટુગલના લોકો ફીરંગીઓ કહેવાય છે. તેમને અહીંથી કાઢવામાં આપણને સફળતા મળી એટલે ‘ફીરંગીઓ બેઠા રોવા’ એવી કવિતા કોઈકે બનાવી દીધી.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ઉના શહેરથી માત્ર 17 કી.મી. દૂર અરબી  સમુદ્રના કાંઠે અહમદપુર-માંડવીનો બીચ આવેલો છે. અહીંથી સમુદ્રની આશરે અડધા કી.મી. જેટલી પહોળી પટ્ટી પછી દરિયામાં નાનો ટાપુ છે. આ ટાપુ એ જ દીવ. અડધો કી.મી. પહોળા દરિયા પર અત્યારે તો પુલ બાંધેલો છે, એટલે વાહનો આરામથી ટાપુ પર જઈ શકે છે.

દમણ શહેર દક્ષિણ ગુજરાતમાં વલસાડની નજીક દરિયાકિનારે આવેલું છે. ગોવા એ બહુ મોટો વિસ્તાર છે, અત્યારે તે ભારતનું એક રાજ્ય છે અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકને અડીને આવેલું છે. અહીં  આપણે વાત કરીશું દીવની.

પોર્ટુગલોનું અને હવે આપણું દીવ જોવાની, અમને બહુ જ ઈચ્છા હતી. એટલે અમે ચાર ફેમિલીએ ભેગા મળી, દીવ ફરવા જવાનો એક પ્લાન ઘડી કાઢ્યો. અમે કુલ 12 જણ હતા. 12 સીટની એક ગાડી ભાડે કરી લીધી અને અહમદપુર-માંડવીમાં એક હોટેલમાં એક રાત રહેવાનુ બુકીંગ પણ કરાવી લીધું. અમે અમદાવાદથી રાતના 11 વાગે નીકળી પડ્યા; કે જેથી સવાર સુધીમાં દીવ પહોંચી જવાય. અમે અમદાવાદથી બગોદરા, ધંધુકા, બરવાળા, વલભીપુર, લાઠી, અમરેલી, ધારી, તુલસીશ્યામ, ઉના અને અહમદપુર-માંડવીનો રસ્તો લીધો હતો. બધા સભ્યો બહુ ગેલમાં હતા. અંતાક્ષરીની રમઝટ જમાવી દીધી. પછી તો ઊંઘ આવી ગઈ. બગોદરામાં નવા બનેલા જૈન મંદિર પર નજર કરી લીધી. બહુ સરસ મંદિર છે. લાઠીમાં કવિ કલાપી યાદ આવી ગયા. તે લાઠીના વતની હતા. ધારીમાં શેત્રુંજી નદી પર બંધ બાંધેલો છે. અહીં ખોડિયાર માતાનો ગળધરો છે, તે બહુ જાણીતો છે. અમદાવાદથી ધારીનું અંતર આશરે 300 કી.મી. જેટલું છે. ધારી પછી તો જંગલ વિસ્તાર શરુ થઇ જાય છે. સાસણગીરના સિંહોવાળુ અભ્યારણ્ય છેક અહી સુધી વિસ્તરેલું છે. ધારી પછી તો સવારનું અજવાળું શરુ થઇ ગયું હતું, એટલે જંગલો સ્પષ્ટ દેખાતાં હતાં. ઉનાળો હતો એટલે ઝાડ બધાં સુકાઈ ગયાં હતાં. આમ છતાં ક્યાંક થોડી ઘણી લીલોતરી નજરે પડી જતી હતી. ક્યાંક જંગલમાં વિહરતાં હરણાં પણ જોવા મળ્યાં. આવી જગ્યાઓએ નીચે ઉતરીને ફોટા પણ પાડ્યા. જંગલમાંથી પસાર થતા વળાંકોવાળા અને ઊંચાનીચા રસ્તે જવાની મજા આવી ગઈ. ધારીથી તુલસીશ્યામ 40 કી.મી. દૂર છે. વચમાં એક જગાએ જંગલના ચેક પોસ્ટ પર ગાડીની નોંધણી કરાવવાની હોય છે.

તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે. પણ એ ઉપરાંત, તુલસીશ્યામ હમણાં હમણાં  ‘વિરુધ્ધ પ્રકારના ગુરુત્વાકર્ષણ’ માટે પણ જાણીતુ થયું છે. ધારીથી તુલસીશ્યામ આવતાં, તુલસીશ્યામ અડધો કી.મી. બાકી રહે ત્યારે રોડ પર સોએક મીટરની લંબાઈ જેટલા વિસ્તારમાં વિરુધ્ધ ગુરુત્વાકર્ષણની અસર માલુમ પડે છે. અહીં ચઢાણવાળો ઢાળ છે. સામાન્ય રીતે, બંધ એન્જીન અને ન્યુટ્રલમાં મૂકેલી ગાડી, એની જાતે ઢાળ પર ઉતરવા માંડે, જયારે અહી બંધ ગાડી એની જાતે ઢાળ ઉપર ચડવા માંડે છે. ગુરુત્વાકર્ષણનથી વિરુધ્ધ પ્રકારની આ ઘટના છે. આવું ક્યાંય બને નહિ, પણ અહીં બને છે. આવું બીજા લોકોએ અનુભવ્યુ છે. TV 9 ની ટીમે પણ અહીં જાતે આવીને આ પ્રયોગ જોયો છે અને એ ઘટનાને ભૂતકાળમાં TV 9 પર વિડીઓ સ્વરૂપે બતાવેલી પણ છે. અમે આ ઘટના TV 9 પર જોયેલી એટલે તુલસીશ્યામમાં એ જગા જોવાની બહુ જ ઈચ્છા હતી. અમે તો તુલસીશ્યામ પહોચી ગયા, પણ વચ્ચે રોડ પર આવો કોઈ ખ્યાલ આવ્યો નહિ. ગામમાં જઈને એક બે જણને પૂછ્યું, તો એમને આ વિષે ખબર હતી. એટલે અમે તો ખુશ થઇ ગયા અને પ્રભાતસિંહ નામના એક ભાઈને વિનંતી કરી કે ‘તમે અમારી જોડે આવી અમને એ જગા બતાવશો?’ એમણે ‘હા’ પાડી એટલે અમે પ્રભાતસિંહને અમારી ગાડીમાં બેસાડી લીધા અને તુલસીશ્યામથી રોડ પર અડધો કી.મી. પાછા ગયા. અમારામાંના ઘણાએ તો રોડ પર ચાલવા માંડ્યું હતું. છેવટે બધા પેલી જગાએ પહોચ્યા. રોડ ઢાળવાળો હતો. ઢાળના નીચેના છેડે ગાડી ઉભી રાખી. પછી એન્જીન બંધ અને ગાડી ન્યુટ્રલમાં. ગાડી એની જાતે ઢાળ પર ચડવા લાગી, સ્પીડ પણ આવી ગઈ. અમે બધા તો અચંબામાં પડી ગયા. ભલે ઢાળ બહુ ત્રાંસો ન હતો, પણ ઢાળ હતો એનો ખ્યાલ તો આવી જ જાય. આ પ્રયોગ બીજી વાર કર્યો, ત્રીજી વાર તો અમે બધાએ ગાડીમાં બેસીને આ પ્રયોગ કર્યો. બધાને મજા પડી ગઈ. પ્રભાતસિંહે બક્ષીસના પૈસા પણ ના લીધા. આ જગા એક વાર જોવા જેવી ખરી. પૃથ્વીના પેટાળમાં ઢાળના ઊંચા ભાગ તરફ વધુ ગુરુત્વાકર્ષણ ધરાવે એવા પદાર્થોની જમાવટ હશે એવું માની શકાય. ખુશ થતા થતા અમે તુલસીશ્યામ ગામમાં પાછા આવ્યા.

તુલસીશ્યામમાં બસસ્ટેન્ડ આગળ જ ગરમ પાણીના કુંડ છે, તે જોઈ આવ્યા. જમીનમાંથી ગરમ પાણી ઝરા રૂપે ફુટી કુંડમાં એકઠું થાય છે, પાણી સખત ગરમ છે. તેમાં નહાવું હોય તો છૂટ છે. પૂરુષ અને સ્ત્રી માટે કુંડમાં નહાવાની અલગ વ્યવસ્થા છે. કુંડની આજુબાજુ ગંદકી ખૂબ જ છે. જો અહીં  ચોખ્ખાઈ કરી નાનો બગીચો બનાવ્યો હોય તો આ જગા કેટલી બધી દીપી ઉઠે! જોવા આવનારની સંખ્યા પણ વધી જાય. પછી ટીકીટ રાખે તો પંચાયતને કમાણી પણ થાય.

કુંડની સામે શ્યામસુંદર ભગવાનનું મંદિર છે. કહે છે કે આ મંદિર 1000 વર્ષ જૂનું છે. દૂધાધારી બાપુએ આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવેલો. બાપુની સમાધિ પણ અહીં જ છે. અત્યારે આ મંદિર ઘણું સરસ અને નવું લાગે છે. શ્યામસુંદર ભગવાનનાં દર્શન કરી મન પ્રસન્નતા અનુભવે છે. પ્રાંગણમાં કાળ મેઘનાથ મહાદેવનું મંદિર છે. અહીં અમને સફેદ કબૂતર જોવા મળ્યાં. બગલા જેવાં સફેદ કબૂતર જોઇને બધા ખુશ થઇ ગયા.

શ્યામસુંદર મંદિરને સામેની ઉંચી ટેકરી પર રુક્ષ્મણીમાતાનું મંદિર છે. પગથિયાં ચડીને ઉપર જવાય છે. તુલસીશ્યામમાં તપોદક કુંડ અને ભીમચાસ નામની એક પુરાણી જગા છે. અહીંથી ચાહી નામની નદી નીકળે છે.

શ્યામસુંદરનું મંદિર જોઈ બસ સ્ટેન્ડ આગળની હોટેલમાં ચા અને ગાંઠિયા ઝાપટ્યા. સવારનો પહેલો નાસ્તો કરવાની તો કેવી મજા આવે! ગાંઠિયા બનાવવામાં સોડા કે વાસી તેલ ભલે વાપરતા હોય, ટેસ્ટ તો બહુ જ સારો હતો.

હવે અમે આગળ ચાલ્યા. જંગલ વિસ્તાર પૂરો થયો. ઉના શહેરમાંથી પસાર થયા, સારું શહેર છે. ઉનામાં જ ‘મહાપ્રભુજીની બેઠક’નું બોર્ડ નજરે પડ્યું. પણ અત્યારે નાહ્યા વગર, એમાં જવાનું ઠીક ના લાગ્યું. આગળ જતાં અહમદપુર-માંડવી આવ્યું. અહીં જ હોટેલમાં મુકામ હતો. હોટેલ પર પહોચ્યા ત્યારે સવારના 10 વાગ્યા હતા. તુલસીશ્યામથી ઉના 30 કી.મી. અને ત્યાંથી અહમદપુર માંડવી 17 કિમી. દૂર છે.

હોટેલમાં જંગલઝાડી સારી વિકસાવી હતી તથા તેની વચ્ચે વચ્ચે, ગામડાના ઘર જેવી રુમો ઉભી કરી હતી. વાતાવરણને કુદરતી બનાવવા પ્રયત્ન કર્યો હતો. અને સામે જ દરિયો. માત્ર 5 મિનિટ ચાલો એટલે દરિયાના કિનારે પહોંચી જવાય. અહીંથી આખો બીચ દેખાતો હતો. કિનારે અથડાતાં મોજાંનો ઘુઘવાત અહીં સુધી સંભળાતો હતો.

અમે નાહીધોઈને તાજામાજા થયા, નાસ્તો લઈને આવ્યા હતા તે કર્યો અને નીકળી પડ્યા દરિયા કિનારે. દરિયામાં નહાવા કૂદી પડ્યા. ખૂબ જ નાહ્યા. મોજાંની થાપટો ખાવામાં અને મોજાંનાં ધક્કે ગબડવામાં ઘણી મજા આવી. મોજાંનો માર ખાવામાં પણ આનંદ આવતો હોય છે. નાહ્યા પછી, જેને જે ગમી તે રમતોમા જોડાયા. પાણી પર દોડતું સ્કુટર, મોજાં પર સવાર સોફા સેઈલીગ વગેરે. દરેકના ભાવ પણ સારા એવા ઉંચા છે. ત્રણેક વાગે રૂમ પર આવી આરામ ફરમાવ્યો. છએક વાગે દીવ જોવા નીકળ્યા. અહમદપુર-માંડવીથી પ્રવેશ ફી ભરીને, પુલ ઓળંગીને દીવ ટાપુ પર પહોચ્યા.

પહેલાં તો આ ટાપુ પર થોડા પોર્ટુગલ લોકો અને તેમનું સૈન્ય જ રહેતાં હતાં. ટાપુ વેરાન જેવો જ હતો પણ પોર્ટુગલોના ગયા પછી અહીં સારો વિકાસ થયો છે. નવા સરસ રસ્તાઓ બન્યા છે. સરસ મજાનું બસસ્ટેન્ડ છે. ઘણા લોકો અહીં ઘર વસાવીને રહેવા લાગ્યા છે. ઘણી નવી હોટલો અને રિસોર્ટ ઉભા થયા છે. બીજા બીચો પણ વિકસાવાયા છે. નાગવા બીચ એ જૂનો અને જાણીતો બીચ છે.

દીવમાં અમે સૌ પ્રથમ, INS ખુકરી જોવા ગયા. અહીં દરિયાકિનારે એક ઉંચી ટેકરી પર ખુકરી સ્ટીમરનું મોડેલ મૂકેલું છે. 1971ના પાકિસ્તાન સાથેના યુધ્ધ વખતે ખુકરી નામની આપણી સ્ટીમર, દીવના દરિયાકિનારાથી 40 માઇલ દૂર દરિયામાં પાકિસ્તાની હુમલાનો ભોગ બની હતી અને 176 ઓફિસર તથા જવાનો સહિત સ્ટીમરે જળસમાધિ લીધી હતી. તેની યાદમાં આ મેમોરીયલ ઉભુ કર્યું છે. ડૂબી ગયેલા 176 જવાંમર્દોનાં નામ અહીં લખેલાં છે. આ મેમોરીયલ જોવા આવતા લોકો, બે ઘડી આપણા સૈનિકોનાં બલિદાનને યાદ કરી લે છે. મેમોરીયલની આજુબાજુ ફૂલ છોડ ઉગાડેલા છે. અહીંથી ત્રણ બાજુ દેખાતો દરિયો, બીચ તથા સૂર્યાસ્ત જોવાની મજા કોઈ ઓર જ છે! પગથિયા ઉતરી દરિયાકિનારે બેસવાની સગવડ છે.

અહીંથી નીકળી અમે નાગવા બીચ તરફ ચાલ્યા, વચમાં નઇડા ગુફાઓ ગાડીમાં બેઠા બેઠા જ જોઈ લીધી. નજીકમા ગંગેશ્વર મહાદેવ છે. તે જોવાનું બાકી રાખી, નાગવા પહોચ્યા. દીવનો આ ખૂબ જ પ્રખ્યાત બીચ છે. અહીં તો માનવ મહેરામણ ઉમટ્યો હતો. બીચ પર સેકડોની સંખ્યામાં લોકો ફરવા આવ્યા હતા. ઘણા લોકો દરિયામાં નહાતા હતા, ઘણા તરતા હતા, કૂદાકૂદ, મસ્તી અને કિલ્લોલનું વાતાવરણ હતું. ઘણી વોટર સ્પોર્ટ્સ પણ ચાલતી હતી. અને દરિયાકિનારે લાગેલી દુકાનોની તો વાત જ શું કરવી? ચા, નાસ્તા, મીઠાઈ, રમકડાં- એમ બધી જાતની દુકાનોમાં, મીઠાઈ પર જામેલી માખીઓની જેમ લોકો ટોળે વળ્યા હતા. અમે આ બધો માહોલ માણીને પાછા વળ્યા. સાંજ પડી ગઈ હતી. વચમાં શેલ મ્યુઝીયમ આવ્યું, પણ તે અત્યારે બંધ થઇ ગયું હતું, અહીં છીપલાં, શંખ વગેરે દરિયાઇ ચીજો પ્રદર્શનમાં મૂકેલી છે.

અમે દીવના મુખ્ય બજારમાં આવ્યા. અહીં ખાણીપીણી, દારૂના બાર, કપડાં વગેરેની અઢળક દુકાનો છે. લોકો મસ્તીથી બજારમાં ઘુમતા દેખાય છે. એક સારી રેસ્ટોરન્ટમાં કાઠીયાવાડી અને પંજાબી ખાણું ખાઈ, આખા દિવસની ક્ષુધા તૃપ્ત કરી, અમે હોટેલ પર પહોચ્યા. થોડી વાતો કરીને, થાક્યાપાક્યા પલંગ પર લંબાવ્યું, હવે વહેલી પડે સવાર.

પણ સવાર વહેલી ને બદલે મોડી પડી! ઝટપટ  તૈયારી થઇ, વળી પાછા બધા દરિયાકિનારે જઈ, પેરાસેઇલીંગ અને ડોલ્ફીન જોવાનો પ્રોગ્રામ માણી આવ્યા. દીવમાં હવે ફક્ત પોર્ટુગલોએ બાંધેલો દીવનો કિલ્લો જોવાનો બાકી રહ્યો હતો. અમે હોટેલની રૂમ ખાલી કરી, સામાન ગાડીમાં ચડાવી ઉપડ્યા દીવ. મુખ્ય બજારને છેડે દરિયાકિનારે ટેકરી પર દીવ કિલ્લો આવેલો છે. જૂના જમાનાનું, પત્થરોનું બાંધકામ છે. કિલ્લા ફરતે દિવાલ છે, અંદર, દરિયામાંથી આવતા વહાણમાંથી સીધું કિલ્લામાં ઉતરાય એવી વ્યવસ્થા છે. કિલ્લા પર ઉચાઈવાળા ભાગમાં બૂરજ બાંધેલા છે. બૂરજ પર તોપો ગોઠવેલી છે. ભારેખમ તોપો અહીં સુધી કેવી રીતે લાવ્યા હશે, એ માટે કેટલી મહેનત પડી હશે, એ કલ્પનાનો વિષય છે. તોપોનાં નાળચાં દરિયા તરફ તાકેલાં છે. દુશ્મનનું વહાણ દેખાય તો તેને તોપ વડે ફૂંકી દેવાય તેવું પ્લાનીગ છે. બૂરજો પર ચડવા માટે પગથિયાં નથી પણ ઢળતા રસ્તા જ છે, એટલે તોપો અને સામાન ગાડા પર મૂકી, ગાડાને ધકેલીને ઉપર ચડાવતા હશે, એવું અનુમાન કરી શકાય. સૌથી વધુ ઉચાઇવાળા ભાગે દીવાદાંડી છે. કિલ્લાથી થોડે દૂર દરિયામાં, એક નાના ટાપુ પર, જેલ બનાવી છે. ત્યાં તો હોડીમાં બેસીને જ જઈ શકાય. કિલ્લો ખંડેર જેવી હાલતમાં છે.

દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે, એ ગુજરાતમાં ભળેલું નથી. ગુજરાતમાં દારૂબંધી છે, પણ દીવમાં નથી. એટલે દીવમાં દારૂ છૂટથી મળે છે. ઘણા લોકો ‘પીવા’ માટે દીવ જતા હોય છે, અને પાછા વળતાં દારૂની બોટલ ગુજરાતમાં લઇ આવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. જોકે ગુજરાતમાં પ્રવેશ આગળ પોલીસ ચેકીંગ છે, તે દારુ અહીં  લાવવા દેતા નથી.

કિલ્લો જોઈ પાછા આવ્યા અને બજારમાં જમ્યા. હવે અમારો પ્લાન  સાસણગીરના સિંહ અભ્યારણ્યમાં સિંહો જોઇને અમદાવાદ પાછા ફરવાનો હતો. એટલે ગાડી લીધી સાસણગીર તરફ. દીવથી સાસણગીર 100 કી.મી. દૂર છે. સાસણગીરમાં સિંહદર્શનના સમય સવારે 6 થી 9 , 9 થી 12 અને બપોરે ૩ થી 6 હોય છે. અત્યારે બપોરના ૩ વાગ્યા હતા. પણ ‘કદાચ પહોંચી જવાશે’ એવી આશાભરી ધારણા લઈને અમે ઉપડ્યા. આ બધો વિસ્તાર, સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરીનો હતો એટલે રસ્તામાં ઠેર ઠેર આંબા અને આંબાનાં ફાર્મ જોવા મળ્યાં. એકાદ જગાએ ઉભા રહી, ફાર્મમાં ફરવાની ઈચ્છા મનમાં થઇ આવી, પણ સિંહ જોવાની લાલચે આંબા જોવાનું આકર્ષણ માંડી વાળ્યું. પાંચ વાગે અમે સાસણગીરના પ્રવેશ ‘સિંહસદન’ આગળ પહોચી ગયા. પણ અફસોસ! બધી ટીકીટો ત્રણ વાગે વેચાઈ ચૂકી હતી. અમારા માટે કોઈ સ્કોપ ન હતો. અહીંથી 13 કી.મી. દૂર ‘દેવલીયા સફારી પાર્ક’માં પણ સિંહ જોવાની વ્યવસ્થા છે, પણ એ 5 વાગે બંધ થઇ જાય છે, એટલે એ તક પણ જતી રહી.

છેવટે અમે અહી પ્રાંગણમાં ‘સ્વાગત કેન્દ્ર’, ‘મ્યુઝીયમ’, ‘શોપ’, બગીચો- વગેરેમાં લટાર મારી, બહાર આવ્યા. આ જગા બહુ જ સરસ અને આકર્ષક બનાવી છે. ગંદકીનું તો નામનિશાન નહિ. આ બધાને લીધે વિદેશીઓને પણ આ જગાનું સારું આકર્ષણ રહે છે.

બહાર થોડું ફરી, અમે અમારી ગાડીમાં ગોઠવાયા અને સિંહો જોવા ફરી સાસણગીર આવવાનું નક્કી કરી, ગાડી ઉપાડી. જૂનાગઢ, રાજકોટ, લીમડી થઇ રાત્રે 2 વાગે અમદાવાદ આવી પહોચ્યા. બે દિવસની ટ્રીપમાં તુલસીશ્યામ અને દીવ જોવાનો અનેરો આનંદ આવ્યો. દીવના બીચ માણવા જેવા છે. દરિયાકિનારાને લીધે અહીંનું વાતાવરણ ભેજવાળું રહે છે. આમ છતાં દીવ એ એક જોવાલાયક સ્થળ છે. ક્યારેક તો દીવ જોવા જજો જ. દીવથી સોમનાથ જ્યોર્તિલિંગ 80 કી.મી. દૂર છે, એ પણ સાથે સાથે જઈ શકાય.

IMG_4213

IMG_4215

 

IMG_4235

 

IMG_4247

IMG_4210

IMG_4302