ડબકાના કેમ્પ બંગલાની મુલાકાતે
ગુજરાતની મહી નદી એક પવિત્ર નદી છે. એને કિનારે વસેલાં કેટલાં ય ગામ અને શહેરોને તે પોષે છે. તે પીવા અને ખેતીવાડી માટે પાણી પૂરું પાડે છે. મહી નદીનો દરિયા સાથેનો સંગમ ગુજરાતમાં જ ખભાતના અખાતમાં થાય છે. આ નદીમાં બારે માસ પાણી રહે છે. ચોમાસામાં પૂર આવે ત્યારે આ નદીમાં એટલું બધું પાણી ધસમસતું વહે છે કે જાણે દરિયો જ જોઈ લ્યો. એટલે તો લોકો મહીને ‘મહીસાગર’ પણ કહે છે.
મહી નદીના કેટલા ય કાંઠા એવા છે કે જ્યાં વહેતા પાણીમાં નહાવાની ખૂબ જ મજા આવે છે. મહીનો આવો જ એક કાંઠો, વડોદરા જીલ્લાના ડબકા ગામ આગળ છે. વડોદરાથી ડબકા આશરે ૩૦ કી.મી. દૂર છે. જૂના જમાનામાં ડબકાની આજુબાજુ ગાઢ જંગલો હતાં અને વડોદરાના ગાયકવાડ રાજા અહીં શિકાર ખેલવા આવતા. શિકાર કર્યા પછી આરામ ફરમાવવા માટે, તેમણે મહી નદીના કિનારે ઉંચી ટેકરી પર, એક બંગલો બંધાવ્યો હતો. આજે પણ આ એકલોઅટૂલો બંગલો અહીં ઉભો છે. જર્જરિત થઇ ગયો છે, પણ જોવા જેવો ખરો. તે કેમ્પ બંગલો (શિકારખાનું) તરીકે ઓળખાય છે.
અમે આ બંગલો જોવા અને મહી નદીમાં નહાવાના હેતુથી, એક સવારે વડોદરાથી ગાડી લઈને નીકળી પડ્યા. પહેલાં ભાયલી થઈને પાદરા પહોંચ્યા. પાદરામાં મહાપ્રભુજીની બેઠક આવેલી છે. અત્યારે અધિક મહિનો (પુરુષોત્તમ માસ) ચાલતો હતો, એટલે બેઠકજીનાં દર્શન કરવાની ઈચ્છા રોકી શક્યા નહિ. બેઠકે પહોંચ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી. આશરે 500 વર્ષ પહેલાં થઇ ગયેલા મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યે મનુષ્યોના ઉદ્ધાર માટે ઘણાં સત્કાર્યો કર્યાં હતાં.
પાદરાથી ડબકા 16 કી.મી. દૂર છે. અહીંથી આગળ ચાલ્યા જંબુસર તરફ. વચ્ચે મહુવડ ગામ આગળથી ડબકાનો રસ્તો પડે છે. એ રસ્તે થઈને ડબકા પહોંચ્યા. ડબકા નાનુંસરખું ગામ છે. ગામ વીંધીને ગામને છેડે પહોંચ્યા. અહીંથી દૂર મહી નદી દેખાય છે. અહીંથી નદી તરફ ઢાળવાળો પત્થરનો બનેલો રસ્તો છે. થોડાં પગથિયાં ઉતર્યા પછી ઢાળ શરુ થાય છે. ઢાળ ઉતરી અમે નદી કિનારે પહોંચ્યા.
કિનારે ઉભા રહીને નદી જોઈ. નદી બહુ જ ભવ્ય લાગે છે. નદીનો વિશાળ પટ, ભરપૂર પાણી અને ડાબીજમણી બે ય બાજુએ દૂર દૂર સુધી દેખાતી નદીનું દર્શન બહુ જ રમણીય લાગે છે. આવો ખુલ્લો વિસ્તાર ગીચ શહેરમાં ક્યાંય જોવા ના મળે. અહીંનો માહોલ જોઇને મન સંતોષની લાગણી અનુભવે છે. કુદરતે અહીં છુટ્ટા હાથે સૌન્દર્ય વેર્યું છે.
નદી જોઇને નહાવાનું મન થઇ ગયું. અમે કપડાં બદલી સાચવીને નદીમાં ઉતર્યા અને કિનારા આગળના પાણીમાં નહાવાની મજા માણી. અધિક મહિનામાં નદીમાં નહાવાનું પુણ્ય કમાઈ લીધું ! નદીમાં આગળ જવાય એવું નથી. પાણીમાં તળિયું દેખાતું નથી. પાણી ક્યાં ઉંડું આવી જાય એ કહેવાય નહિ. ગામડાની ત્રણચાર સ્ત્રીઓ અહીં કપડાં ધોતી હતી. તેમણે અમને હાથ પકડીને, પાણીમાં ઉતરવામાં અને બહાર નીકળવામાં મદદ કરી. ગામડામાં હજુ આવી સેવા ભાવના સચવાઈ રહી છે.
રમીલાબેન નામની એક સ્ત્રીએ કહ્યું કે ‘સામે કિનારે જાવ, ત્યાં પાણી ઉંડું નથી, એટલે નહાવાનું સારું ફાવશે.’ સામે કિનારે જવા માટે હોડી પણ તૈયાર હતી. પણ સામે રેતીને બદલે માટી અને કાદવ જ દેખાતા હતા, એટલે ત્યાં જવાનું મુનાસિબ માન્યું નહિ. ગામની સ્ત્રીઓ રોજ આટલો ઢાળ ઉતરીને કપડાં ધોવા આવે અને વળતાં ઢાળ ચડે, એ બહુ કઠિન કામ છે. પણ આપણે ત્યાં હજુ બધે બધી સગવડો ઉપલબ્ધ થઇ નથી.
અહીં નદી કિનારે માતાજીનું મંદિર છે. દર મંગળ, ગુરુ અને રવિવારે અહીં ઘણા લોકો સ્નાન કરવા આવે છે. ત્યારે તો અહીં મેળો ભરાયો હોય એવું લાગે.
છેવટે અમે ઢાળ ચડીને ઉપર ગયા. અહીંથી રાજાનો કેમ્પ બંગલો લગભગ અડધો કી.મી. દૂર ટેકરી પર છે. રસ્તો સાંકડો અને કાચો છે, પણ ગાડી છેક સુધી જઇ શકે છે.
ટેકરી પર ફક્ત આ એક જ મકાન સૂમસામ ઉભું છે. બંગલા ફરતે હમણાં જ કોટ બાંધી, બંગલાની હદ નક્કી કરી છે. વડોદરાના હાલના રાજકીય વારસદાર સંગ્રામસિંહ આ બંગલાના માલિક છે. દૂરથી આ બંગલાનો દેખાવ સરસ લાગે છે. બંગલામાં હાલ કોઇ રહેતું નથી. બંગલાની જાળવણી માટે ચોકીદાર રાખેલા છે. તેઓ નજીકમાં એક ઝુંપડી જેવા મકાનમાં રહે છે.
બંગલામાં વચ્ચે મુખ્ય ખંડ છે. આગળ વરંડા જેવી રૂમ, બીજી બાજુ રસોડું, બધી બાજુ ઓટલા, થાંભલા વગેરે છે. ફરસ પત્થરની અને છત નળિયાંવાળી છે. જૂના જમાનાની હવેલી જેવું લાગે. બારીબારણાં તૂટી ગયાં છે. પ્લાસ્ટર ઘણી જગાએ ઉખડી ગયું છે. અહીં રહેવું હોય તો ઘણા સુધારાવધારા કરવા પડે. પણ ચોકીદાર, બંગલાને વાળીઝૂડીને સ્વચ્છ રાખે છે. એટલે જોવાનો ગમે એવો છે. બંગલો પબ્લીકને જોવા માટે ખુલ્લો છે.
બંગલો ટેકરી પર હોવાથી, અહીં ઉભા રહીને જોતાં, નદીનું દ્રશ્ય બહુ જ મનોહર લાગે છે. એમ થાય કે આ દ્રશ્ય બસ જોયા જ કરીએ અને કુદરતની લીલાને માણ્યા કરીએ. ભૂતકાળમાં રાજા જયારે અહીં આવતા હશે ત્યારે અહીં કેવી જાહોજલાલી હશે ! અમે એની કલ્પનામાં ડૂબી ગયા.
બંગલા આગળ નદીની કરાડ એકદમ ઉભી છે. એટલે અહીં નદીમાં ઉતરાય એવું નથી. એવું સાંભળ્યું છે કે આ બંગલાને રીપેર કરી, અહીં એક આરામદાયક રીસોર્ટ ઉભો કરવાના છે. બાગબગીચા, નદીમાં ઉતરવા માટે પગથિયાં, રેસ્ટોરન્ટ વગેરે બનાવવાના છે. લાગે છે કે પછી અહીં સહેલાણીઓનો ધસારો વધશે. પણ ત્યારે બંગલાની આ જૂની શૈલી જોવા નહિ મળે. અત્યારે આ બંગલો જોવા થોડાઘણા લોકો આવે છે ખરા.
અમે બંગલો જોઈ પાછા વળ્યા. મહુવડ ગામ આગળથી રણુ ગામ જવાનો રસ્તો પડે છે. રણુ અહીંથી 4 કી.મી. દૂર છે. રણુમાં પ્રખ્યાત તુળજાભવાની માતાનું મંદિર આવેલું છે. ઘણે દૂર દૂરથી લોકો અહીં માતાજીનાં દર્શને આવે છે. અમે અત્યારે રણુથી ખૂબ જ નજીક હતા, એટલે ગાડી લીધી રણુ તરફ.
માતાજીનું મંદિર ઘણું જ સરસ છે. બાંધકામ નવું જ લાગે છે. મંદિરમાં છત, થાંભલા વગેરે પરની દેવીદેવતા, મોર વગેરેની કોતરણી ઘણી જ આકર્ષક છે. માતાજીની મૂર્તિ ખૂબ જ જીવંત લાગે છે. મંદિરના પ્રાંગણમાં રહેવા-જમવાની વ્યવસ્થા છે. બહાર પાર્કીંગની પણ સારી સગવડ છે. આ બધું જોઇને ઘણો જ આનંદ થયો. કોઈ એક સુંદર ધાર્મિક સ્થળે આવ્યાની અનુભૂતિ થઇ.
આજનો અમારો પ્રોગ્રામ હવે પૂરો થયો હતો. મનમાં મહીનો કાંઠો અને કેમ્પ બંગલાનાં સ્મરણો વાગોળતા અમે વડોદરા તરફ પાછા વળ્યા. સાથે આવેલાં સ્વજનો અમને પૂછી રહ્યાં છે કે ‘હવે પછીનો પ્રોગ્રામ ક્યાંનો છે?’








