હાથણી માતા ધોધ

                                     હાથણી માતા ધોધ

ચોમાસામાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય, ચારે બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય – આવા માહોલમાં નદીનાળાં કે ધોધ જોવા જવાની કેવી મજા આવે ! આવા આહલાદક વાતાવરણમાં અમે હાથણી ધોધ જોવા જવાનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો.

હાથણી માતા ધોધ એ ગુજરાતનો જાણીતો ધોધ છે. તે પંચમહાલ જીલ્લામાં જાંબુઘોડાથી 16 કી.મી. અને ઘોઘંબાથી 18 કી.મી. દૂર, સરસવા ગામ આગળ આવેલો છે. જાંબુઘોડાથી કે ઘોઘંબાથી બાકરોલ ચાર રસ્તા પહોંચવાનું, ત્યાંથી આ ધોધ ૩ કી.મી. દૂર છે. હાલોલથી પાવાગઢ અને શીવરાજપુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે. ગોધરાથી આ ધોધનું અંતર 56 કી.મી. અને વડોદરાથી 80 કી.મી. છે.

આ ધોધ આગળ ખૂબ ઉંચી ખડકાળ ટેકરીઓ છે. એમાંની એક ટેકરી પરથી આવતી નદીનું પાણી, ટેકરીની ઉભી કરાડ પર થઈને ધોધરૂપે નીચે પડે છે. સામે ઉભા રહીને, ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો કૂદતો અને નીચે પડતો ધોધ જોવાની મજા આવે છે. ધોધ નીચે જે જગાએ પડે છે ત્યાં પણ વાંકાચૂકા ખડકો પથરાયેલા છે તથા આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડી છે. એટલે ત્યાં સુધી પહોંચવાનું પણ કઠિન છે. આમ છતાં, ધીરે ધીરે સાચવીને ત્યાં જરૂર પહોંચી શકાય છે. જ્યાં ધોધ પડે છે તે જગાએ એક ગુફા છે, અમે તેમાં હાથણીના આકારનો મોટો ખડક છે. એટલે તો આ ધોધ, હાથણી માતાનો ધોધ કહેવાય છે. ઘણા લોકો ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને માતાજીને નૈવેદ્ય ચડાવે છે. હાથણી માતાના આ  મંદિરમાં જ શીવજીનું લીંગ પણ છે. શીવજીનો અહીં વાસ છે. ધોધ જોવા આવનારા લોકો માતાજીનાં અને શીવજીનાં દર્શન અચૂક કરે છે જ.

ધોધ જ્યાં પડે છે ત્યાંથી, ખડકો પર ધીરે ધીરે ચડવું હોય તો ચડી શકાય છે. ઘણા લોકો અહીં શક્ય એટલું ઉંચે ચડીને બેસે છે અને ધોધના પાણીનો આનંદ માણે છે. ટેકરીની છેક ઉપર જવું હોય તો બીજો રસ્તો પણ છે. ઘણા લોકો આ રસ્તે થઈને ટેકરીની ટોચે પણ જતા હોય છે. તેમને ઉપરથી આવતી નદી પણ જોવા મળે.

અમે આ ધોધ જોવા એક સવારે ગોધરાથી નીકળી પડ્યા. વેજલપુર, એરાલ, પરોલી, ઘોઘંબા અને બાકરોલ થઈને અમે ધોધ આગળ પહોંચ્યા. હવે તો આ ધોધ લોકોમાં બહુ જ જાણીતો થઇ ગયો છે. આ ધોધ વિષે છાપાંમાં સમાચારો પણ આવે છે. એટલે બહુ જ લોકો આ હાથણી માતાનો ધોધ જોવા આવતા થયા છે. એમાં ય વળી આજે રવિવાર હતો, એટલે સંખ્યાબંધ લોકો આ ધોધ જોવા ઉમટી પડ્યા હતા. રોડ પર તો ગાડીઓ અને બાઈકની લાંબી કતાર દેખાતી હતી. ધોધ આગળ પાર્કીંગની સારી વ્યવસ્થા કરી છે, એટલે વાહન પાર્ક કરવામાં તકલીફ પડતી નથી. વળી છેક સુધી સરસ પાકો રોડ છે, એટલે વાહન ચલાવવામાં પણ સરળતા રહે છે.

વાહન પાર્ક કર્યા પછી, ઢાળવાળા રસ્તે લગભગ અડધો કી.મી. ચાલીને ધોધ આગળ પહોંચાય છે. આ રસ્તે પુષ્કળ દુકાનો લાગી ગઈ છે. ભજીયાં, ઈડલી, સમોસા, શેકેલી અને બાફેલી મકાઈ, કાકડી, અમરખ એમ જાતજાતની વસ્તુઓ મળે છે. આપણે ત્યાં જોવાલાયક સ્થળોએ, બધે જ આવું વાતાવરણ હોય છે. અમે આ બધું જોતાજોતા ધોધ આગળ પહોંચ્યા.

અહીં તો એટલી બધી ગિરદી હતી કે ના પૂછો વાત. અમે પણ લોકોના સમૂહમાં જોડાઈ ગયા. વિકટ ગલીઓમાં થઈને, ધોધ પડે છે ત્યાં આગળ આવ્યા. અહીં તો શું માનવ મહેરામણ ઉમટ્યો હતો ! લોકો ખડકો પર ચડાય એટલું ચડીને ધોધના પડતા પાણી પર ગોઠવાઈ જતા હતા. અમે પણ જ્યાં જગા મળી ત્યાં ખડકને ટેકે ઉભા રહ્યા. જગા ભરચક હોવાથી પાણી તો જાણે દેખાતું જ ન હતું, પણ અનુભવાતું જરૂર હતું. ઉપરથી ઠંડુ પાણી પડે તેમાં મજા આવતી હતી. અમે સારું એવું નાહ્યા, પછી નીચે આવીને ગુફામાં હાથણી માતાનાં દર્શન કર્યાં. દર્શનથી મનમાં સંતોષ થયો. જો ગિરદી ઓછી હોય તો ધોધમાં નહાવાની ઓર મજા આવે.

વૃદ્ધ અને અશક્ત માણસોથી આ ધોધ સુધી અવાય એવું નથી. તેમણે ધોધની સામે ઉભા રહી, ધોધ જોયાનો સંતોષ માનવો પડે. હા, ખડકોના ખાડા પૂરી, પ્લાસ્ટર કરી, જમીન થોડી સરખી કરાય તો સરળતા રહે. પણ પછી કુદરતી માહોલ જતો રહે. બીજું કે ચોમાસામાં વરસાદ પડે ત્યારે જ આ ધોધમાં પાણી હોય. બાકી પાણી નથી હોતું. એટલે માત્ર ચોમાસામાં જ આ ધોધ જોવા મળી શકે.

ધોધમાં નહાવાનો આનંદ માણી અમે પાછા વળ્યા. મકાઈ અને કાકડીનો સ્વાદ પણ માણ્યો. છેવટે ઢાળવાળો રસ્તો ચડી પાર્કીંગમાં પહોંચ્યા.

સરસવા ગામ આ ધોધ આગળ જ છે. અમે દિવ્ય ભાસ્કર છાપામાં સમાચાર વાંચ્યા હતા કે આ સરસવા ગામમાં સવજી નામના એક વૃદ્ધ માણસ રહે છે, એમના માથાના વાળ 49 ફૂટ લાંબા છે. અમને થયું કે અહીં સુધી આવ્યા છીએ તો આ સવજીભાઈને પણ જોતા જઈએ. આટલા બધા લાંબા વાળ તો કોઈના ય જોયા નથી. ગામ નાનુસરખું જ હતું. એટલે પૂછપરછ કરતાં સવજીભાઈનું ઠેકાણું મળી ગયું. એક ભાઈ અમને છેક સવજીભાઈના ઘર સુધી મૂકી ગયા. અમારાં સદભાગ્ય કે સવજીભાઈ ઘેર જ હતા. ખેતરમાં ઝુંપડા જેવું એમનું ઘર હતું. ખાટલો ઢાળીને અમને બેસાડ્યા. આપણે ત્યાં, ગામડા ગામની પરોણાગત હજું યે જળવાઈ રહી છે. સવજીભાઈએ 49 ફૂટ લાંબા વાળ, ગૂંથીને દોરડા જેવા બનાવી, માથે પાઘડીની જેમ વીંટાળી રાખેલા હતા. વાળના આટલા જથ્થાનું વજન પણ લાગે. અમે તેમના વાળ જોઇને અચરજ પામ્યા. તેમની સાથે થોડી વાતો કરી. તેઓ જયારે સુઈ જાય ત્યારે વાળ ખાટલાની બાજુમાં લટકતા રાખે છે. ચારેક દિવસે તેઓ ડોલમાં સાબુવાળું પાણી ભરી, વાળ તેમાં બોળીને ધુએ છે. આટલા લાંબા વાળ કઈ રીતે થયા, તેનું રહસ્ય જાણવા ના મળ્યું. અમે તેમની સાથે ફોટા પડાવી, ત્યાંથી પાછા વળ્યા. એક કૌતુકભરી વસ્તુ જોઇને આનંદ અને રોમાંચ થયો.

અહીંથી અમે ઘોઘંબા આવ્યા. અમારા એક પરિચિત ભાઈએ, ઘોઘંબા પાસે પાલ્લી ગામમાં પોતાનું ગ્રીનહાઉસ ઉભું કર્યું છે. અહીં આવતા પહેલાં, તેમની સાથે વાત થયેલી હતી, એટલે અમે એ ગ્રીનહાઉસ જોવા ગયા. અહીં ખેતરમાં એક મોટો સફેદ કપડાનો મંડપ (પેવેલિયન) બાંધ્યો છે, અને તેમાં અંદર જરબીરા નામના ફૂલોના છોડ ઉગાડ્યા છે. મંડપ બધી બાજુ બંધ છે. ઉપરથી હવાની અવરજવર થઇ શકે એવી વ્યવસ્થા છે. મંડપને લીધે અંદર ગરમ અને ભેજવાળું વાતાવરણ જળવાઈ રહે છે. જરબીરાના ફૂલો માટે આવું જ વાતાવરણ જરૂરી છે. ફૂલો દેખાવમાં ઘણાં જ સરસ અને આકર્ષક છે. વળી, આ ફૂલો ચૂંટ્યા પછી અઠવાડિયા સુધી તાજાં ને તાજાં જ રહે છે. એટલે આ ફૂલોનો ઉપયોગ બુકે બનાવવામાં અને લગ્ન પ્રસંગે ગાડી શણગારવામાં થાય છે. ઉનાળામાં બહુ ગરમી પડે ત્યારે ગ્રીનહાઉસમાં પાણીના છંટકાવની પણ સગવડ કરેલી છે. બારે માસ આ ફૂલોનો પાક લઇ શકાય છે. ગ્રીનહાઉસ સિવાયના ખેતરના બાકીના ભાગમાં કેળાં અને કપાસના પાક લેવાય છે. એવું લાગ્યું કે આ ખેડૂતભાઈએ ખેતીનું સમજદારીપૂર્વકનું આયોજન કર્યું છે. અહીં કામ કરતા ભાઈઓએ અમને ચા બનાવીને પીવડાવી. ગામડાની મહેમાનગતિનો એક ઓર અનુભવ અમને થયો. ખુશી સાથે અહીંથી અમે વિદાય લીધી.

પછી, અમે ઘોઘંબાથી પરોલી પહોંચ્યા. પરોલીમાં જૈન મંદિરમાં ભગવાન નેમિનાથનાં દર્શન કર્યાં. મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી છે. રહેવાની પણ સગવડ છે. છેલ્લે અમે ગોધરા પહોંચ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. ગુજરાતનો એક જાણીતો ધોધ જોયાનો મનમાં સંતોષ હતો.

3

4a

8

109d

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: