ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ
ભારતમાં શીવ ભગવાનનાં(શંકર ભગવાનનાં) ૧૨ જ્યોતિર્લીંગ આવેલાં છે. શીવભક્તો જીવનમાં એક વાર તો આ બધાં જ્યોતિર્લીંગનાં દર્શન કરવાની અદમ્ય ઈચ્છા ધરાવતા હોય છે. બારેબાર જ્યોતિર્લીંગો ભારતમાં ખૂબ જ જાણીતાં છે. ટુરિઝમની દ્રષ્ટિએ પણ આ જ્યોતિર્લીંગો મહત્વનાં છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ આ બારમાંનું એક છે. તે મધ્ય પ્રદેશના ખંડવા જીલ્લાના ઓમકારેશ્વર ગામ આગળ નર્મદા નદીના કિનારે આવેલું છે. લીંગ એટલે દિવ્ય પ્રકાશનો અનંત પુંજ. શીવ ભગવાન જ્યાં જ્યાં આ પુંજ તરીકે પ્રગટ થયા, ત્યાં બધે જ્યોતિર્લીંગો બન્યાં. આ બધે ખાસ આકારના લીંગની પૂજા કરવામાં આવે છે.
નર્મદા નદી માટે કહેવાય છે કે આ નદીમાં ‘કંકર એટલા શંકર. એટલે કે આ નદીમાં જેટલા કાંકરા છે, એ બધા શંકર ભગવાનનું સ્વરૂપ છે. આવી પવિત્ર નદીને કિનારે આવેલું જ્યોતિર્લીંગ, સ્વયં શંકર ભગવાનના નિવાસ સ્થાન જેવું લાગે.
નર્મદા નદી અમરકંટક આગળથી નીકળે છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તે જબલપુર, ઓમકારેશ્વર, શુક્લતીર્થ, ભરૂચ વગેરે ગામો આગળથી વહે છેલ્લે અરબી સમુદ્રને મળે છે. ઓમકારેશ્વર આગળ નર્મદાના બે ફાંટા પડે છે. ચારેક કિલોમીટર પછી આ બે ફાંટા ભેગા થઇ, સળંગ એક જ નદી આગળ વહે છે. જ્યાં બે ફાંટા પડે છે, ત્યાં નદી વચ્ચે ટાપુ રચાય છે. આ ટાપુ માંધાતા કે શીવપુરી તરીકે ઓળખાય છે. આ ટાપુ પર નર્મદાના એક ફાંટાને કિનારે ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ આવેલું છે.
માંધાતા ટાપુ લગભગ ૪ કી.મી. લાંબો અને ૨ કી.મી. પહોળો છે. ઉપરથી જોતાં એનો આકાર સંસ્કૃત શબ્દ ‘ઓમ’ જેવો દેખાય છે. એટલે આ જ્યોતિર્લીંગનું નામ ઓમકારેશ્વર પડ્યું છે. આ ટાપુની જમીન ઉંચી ટેકરી જેવી છે, એટલે ઓમકારેશ્વર જ્યોતિર્લીંગનું આ મંદિર ઉંચાઈ પર છે.
રાજા માંધાતાએ અહીં શંકર ભગવાનનું પ્રખર તપ કર્યું હતું. આથી શીવજી પ્રસન્ન થયા અને લીંગરૂપે અહીં પ્રગટ થયા હતા. એમના નામ પરથી આ ટાપુ માંધાતા ટાપુ કહેવાય છે. આ જગાએ અગત્સ્ય ઋષિએ પણ તપ કર્યું હતું. આ લીંગ પર અહીં મંદિર ક્યારે બન્યું, તેની બહુ આધારભૂત માહિતી મળતી નથી. પણ શરૂઆતમાં નાનું મંદિર બન્યું હતું, પછી ધીમે ધીમે સુધારાવધારા થઈને તે આજનું સ્વરૂપ પામ્યું છે. તેના સ્થાપત્યમાં ઉત્તર ભારતનાં મંદિરોની છાંટ દેખાઈ આવે છે.
આ મંદિર પાંચ માળનું છે. તેની ઉપરનો ઘુમ્મટ પત્થરોના એક ઉપર એક સ્લેબ ગોઠવીને બનાવેલો છે. બહારથી સફેદ રંગનો આ ઘુમ્મટ ઘણે દૂરથી દેખાય છે. એને જોઇને જ આ મંદિર તરફ દોડી આવવાનું મન થઇ જાય છે.
મંદિરની અંદર નીચેના પહેલા માળ પર ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ બિરાજમાન છે. મંદિરમાં દાખલ થયા પછી વિશાળ સભામંડપ છે. એને પ્રાર્થના હોલ પણ કહે છે. અંદરના ગર્ભગૃહમાં જ્યોતિર્લીંગ છે. સભામંડપ અને લીંગ એક જ લેવલે છે. સભામંડપમાં ઉભા રહીને લીંગનાં દર્શન કરી શકાય છે. સભામંડપમાં ૪ મીટર ઉંચા, ૬૦ જેટલા પત્થરના જાડા થાંભલા છે. થાંભલા પર ધાર્મિક પ્રસંગો દર્શાવતી અદભૂત કોતરણી પ્રવાસીઓનું તરત જ ધ્યાન ખેંચે છે. ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરીને અહીં દર્શને આવે છે. સાથે નર્મદાના જળ ભરેલો લોટો, શ્રીફળ અને પૂજાપો લઈને આવે છે. નદીથી તે છેક ઉપર મંદિર સુધી રસ્તામાં અને મંદિરની અંદર ‘ઓમ નમઃ શીવાય’નો નાદ સંભળાય છે. ભક્તો શીવજીનાં ભજનો ગાય છે, પૂજા કરે છે અને લીંગનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં વાતાવરણ એટલું ભક્તિમય હોય છે કે અહીં આવતો દરેક પ્રવાસી આ ભક્તિમાં તરબોળ થઇ જાય છે. અને અહીંના માહોલની ઝલક, સંભારણારૂપે પોતાની સાથે લઇ જાય છે. મંદિર હંમેશાં યાત્રિકોથી ભરચક રહે છે. લોકો દર્શન કર્યા પછી મંદિરની પ્રદક્ષિણા કરે છે, આ પ્રદક્ષિણાથી ઓમ પર્વતની પરિક્રમા કર્યાનું પુણ્ય મળે છે.
મંદિરમાં રોજ ૩ પૂજા નિયમિત થાય છે. સવારની પૂજા મંદિરના ટ્રસ્ટવાળા કરે છે. બપોરની પૂજા સિંધીયા સ્ટેટના પૂજારીઓ કરે છે, અને સાંજની પૂજા હોળકર સ્ટેટના પૂજારીઓ કરે છે. સાંજે શયન આરતી થાય છે.
મંદિરના બીજા માળે મહાકાલેશ્વર મંદિર છે. ત્રીજા, ચોથા અને પાંચમા માળે અનુક્રમે સિદ્ધનાથ, ગુપ્તેશ્વર અને ધ્વજેશ્વર મંદિરો છે. ઓમકારેશ્વર મંદિર આગળ દર કાર્તિકી પૂનમે મેળો ભરાય છે.
ટાપુ પરના ઓમકારેશ્વર મંદિર જવા માટે, ઓમકારેશ્વર ગામમાંથી નર્મદા નદી ઓળંગીને જવાનું હોય છે. આ માટે બોટમાં બેસીને જઇ શકાય છે. એ ઉપરાંત, બે પુલ પણ બનાવેલા છે. એક ઝૂલતો પુલ છે, એના પરથી ચાલીને સામે જઇ શકાય છે. બીજો પુલ સિમેન્ટ કોન્ક્રીટનો છે. એના પરથી વાહનો પણ જઇ શકે છે.
ટાપુ પર મંદિરની આસપાસ શ્રીફળ, પૂજાપો, ફુલો, બીલીપત્રો વગેરે મળે છે. ખાણીપીણીની પણ ઘણી દુકાનો છે. ટાપુ પર બીજાં થોડાં મકાનો પણ છે. બોટમાંથી ઉતરીએ ત્યાં ઘાટ બાંધેલા છે. જૂના ઘાટો સુધારીને નવા કરાયા છે. ઘાટનાં પગથિયાં અને બીજું થોડું ચડાણ ચડીને જ્યોતિર્લીંગ મંદિરે પહોંચાય છે. આજુબાજુની દુકાનોથી આખો વિસ્તાર ખીચોખીચ લાગે છે. એ બધું વ્યવસ્થિત કરીને રસ્તો સરસ બનાવાય તો યાત્રિકોને વધુ સગવડ રહે.
આ બાજુ ઓમકારેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. ગામ નાનું છે, પણ બધી સગવડ મળી રહે છે. રતલામ-ખંડવા રેલ્વે લાઈન ઓમકારેશ્વર આગળથી પસાર થાય છે. અહી ઓમકારેશ્વર રોડ નામનું રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશનથી ઓમકારેશ્વર ગામ ૧૨ કી.મી. દૂર છે. ઓમકારેશ્વર, ઇન્દોરથી ૭૭ કી.મી., મોરટાકાથી ૨૦ કી.મી., ખંડવાથી ૬૧ કી.મી. અને ઉજ્જૈનથી ૧૩૩ કી.મી. દૂર છે. આ બધેથી ઓમકારેશ્વર જવાની બસો મળે છે. ઇન્દોરથી ખંડવા જતી બસ મોરટાકા થઈને જ જાય છે. ઓમકારેશ્વરથી નજીકનું એરપોર્ટ ઇન્દોરમાં છે. ગાયક કિશોરકુમાર ખંડવાના વતની હતા. ખંડવામાં તેમનું મેમોરીયલ છે.
ઓમકારેશ્વર ગામ આગળ કાવેરી અને નર્મદાનો ગુપ્ત સંગમ થતો હોવાનું કહેવાય છે. ઓમકારેશ્વરના આ કિનારે મામલેશ્વર જ્યોતિર્લીંગનું મંદિર છે. નર્મદા નદી પર ઓમકારેશ્વરથી ઉપરવાસમાં થોડે દૂર એક બંધ બાંધેલો છે. મંદિર આગળથી પણ એ બંધ દેખાય છે. આ બંધનું પાણી સિંચાઈ અને વીજળી પેદા કરવામાં વપરાય છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લીંગનાં દર્શને ઘણા રાજામહારાજાઓ અને ગવર્નરો આવેલા છે. અંગ્રેજોના જમાનામાં લોર્ડ કર્ઝન આ મંદિરની મુલાકાતે આવ્યા હતા. અહીંનાં જૂનાં સ્મારકોનું રક્ષણ કરવાની તેમણે ખાત્રી આપી હતી. લોર્ડ રીડીંગ પણ અહીં દર્શન કરવા આવ્યા હતા. તેઓ પિત્તળનો મોટો લેમ્પ ભેટમાં આપી ગયા હતા. ઓમકારેશ્વર મંદિરનું ૧૯૫૯થી પબ્લીક ટ્રસ્ટ બન્યું છે.
ઓમકારેશ્વરથી આશરે ૭૦ કી.મી. દૂર માહેશ્વર નામનું સ્થળ નર્મદાને કિનારે જ આવેલું છે. આ જગાએ ઘણાં મંદિરો છે. હોળકર રાજ વખતનો મહેલ અને કિલ્લો પણ છે. ‘અશોકા’ તથા બીજી ઘણી ફિલ્મોનાં શુટીંગ અહીં થયેલાં છે.
નર્મદા નદી ભારતની અતિ પવિત્ર નદી છે. આ નદી પર કપિલધારા ધોધ, દૂધધારા ધોધ, ધુઆંધાર ધોધ, સરદાર સરોવર ડેમ, કબીરવડ જેવી બહુ જ જાણીતી જગાઓ આવેલી છે. ઓમકારેશ્વરનું ધાર્મિક અને ટુરિસ્ટ સ્થળ તરીકે ઘણું મહત્વ છે. ક્યારેક આ જગાએ જઇ શીવનો સાક્ષાત્કાર કરજો જ.