ઈલોરાની ગુફાઓ

                                                 ઈલોરાની ગુફાઓ

અજંતા અને ઈલોરાની ગુફાઓનું નામ કોણે નહિ સાંભળ્યું હોય? આ બંને સ્થળોની ગુફાઓ ભારતમાં તથા વિદેશોમાં પણ જાણીતી છે. આ ગુફાઓની કોતરણી, અંદરનાં સ્થાપત્યો અને શિલ્પકામ એવાં અદભૂત છે કે દર વર્ષે દુનિયામાંથી લાખો પ્રવાસીઓ આ ગુફાઓ જોવા આવે છે. ખડકોમાં કોતરકામ કરીને અંદર બનાવેલ મંદિરો, મૂર્તિઓ, પ્રસંગો, પેઈન્ટીંગ વગેરે જોઇને મુલાકાતીઓ દંગ રહી જાય છે કે આવાં સુંદર કલાત્મક શિલ્પો કેવી રીતે કંડાર્યાં હશે !

અજંતા અને ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. ઈલોરાની ગુફાઓ ઔરંગાબાદ શહેરથી ઉત્તર-પશ્ચિમમાં આશરે ૨૦ કી.મી. દૂર છે. અજંતાની ગુફાઓ, ઈલોરાથી આશરે ૧૦૦ કી.મી. દૂર છે. બંને ગુફાઓ એકબીજાથી બહુ દૂર ન હોવાથી બંનેનું નામ સાથે જ લેવાય છે, અને એ બાજુ ફરવા જનારા લોકો બે ય ગુફા જોવાનું સાથે સાથે જ ગોઠવી દેતા હોય છે.

ઈલોરાની ગુફાઓ આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ વર્ષ પહેલાં બની છે અને અજંતાની ગુફાઓ ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ જૂની મનાય છે. ગુફાઓ બન્યા પછી, કાળક્રમે વરસાદ અને પવનથી, માટી અને જંગલોમાં દટાઈ ગયેલી, પણ ઈ.સ. ૧૮૧૯ના અરસામાં એક બ્રિટીશ ઓફિસરને એ બાજુ ફરતાં, ગુફાઓનો કંઇક અણસાર મળ્યો. એટલે ખોદકામ કરાવતાં આ ગુફાઓ મળી આવી છે. આ ગુફાઓએ એ જમાનાની કલાને જગત સમક્ષ ખુલ્લી મૂકી છે. અહીં આપણે ઈલોરાની ગુફાઓની વાત કરીશું.

ઈલોરાના ગુફાસમૂહમાં કુલ ૩૪ ગુફાઓ છે. આ ગુફાઓ રાષ્ટ્રકૂટસામ્રાજ્યના સમયમાં બની હોવાનું મનાય છે. આ ગુફાઓ ચરનાન્દ્રી નામની ખડકાળ ટેકરીની પશ્ચિમ તરફની ઉભી ધાર પર કોતરેલી છે અને તે ઉત્તર-દક્ષિણ ફેલાયેલી છે. ગુફાઓને દક્ષિણથી ઉત્તર તરફ ક્રમમાં જ ૧ થી ૩૪ નંબર આપેલા છે. તેમાં ૧ થી ૧૨ નંબરની ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે, ૧૩ થી ૨૯ નંબરની ગુફાઓ હિંદુ ગુફાઓ અને ૨૯ થી ૩૪ નંબરની જૈન ગુફાઓ છે. ગુફાઓ આગળ બગીચાઓ, લોન અને વિશાળ પાર્કીંગ બનાવ્યું છે. ગુફાઓના સંકુલમાં દાખલ થયા પછી, વાહન પાર્કીંગમાં મૂકીને, ટીકીટ લઈને એક પછી એક ગુફાઓ જોઈ શકાય છે. ઘણા લોકો પોતાની ગાડી લઈને આવે છે, ઘણા બસમાં આવતા હોય છે. ગુફાઓ ચાલીને જુઓ તો આશરે બે અઢી કી.મી. જેટલું ચાલવાનું થાય, ગુફાઓમાં પણ અંદર ફરો એટલે એ પણ ચાલવું પડે, થાકી જવાય. પણ અહીં રીક્ષાઓ મળે છે. રીક્ષા કરી લઈએ તો બહારનું ચાલવું ના પડે. રીક્ષા કરવી સારી. ઈલોરાની ગુફાઓ મંગળવારે બંધ રહે છે.

હવે, આ ગુફાઓમાં અંદર શું જોવાનું છે, એની વાત કરીએ. ૧ થી ૧૨ નંબરની બૌદ્ધ ગુફાઓ ઈ.સ. ૫૦૦ થી ૭૫૦ના સમયગાળામાં બની છે. મોટા ભાગની બૌદ્ધ ગુફાઓ વિહાર જેવી છે, જે અભ્યાસ, ધ્યાન, સામાજિક વિધિઓ તથા રહેવા, રસોઈ અને સુવા માટે વપરાતી હશે એવું અનુમાન છે.

ગુફા નં. ૧માં અંદર આઠ રૂમો છે. આ રૂમો અનાજ ભરવા માટે વપરાતી હશે, એવું લાગે છે. અહીં સ્થાપત્ય ઓછું છે. ગુફા નં. ૨માં વચ્ચે મોટો હોલ છે. હોલની છત ૧૨ થાંભલા પર ટેકવેલી છે. દિવાલો પર બુદ્ધનાં, બેઠેલી મુદ્રામાં શિલ્પો કંડારેલાં છે. સામે વચ્ચે બુદ્ધ ગાદી પર બિરાજમાન છે. ગુફા નં. ૩ અને ૪, ગુફા ૨ જેવી જ છે, પણ અહીં થોડુંઘણું તૂટી ગયું છે. ગુફા નં. ૫ મહારવાડા ગુફા કહેવાય છે. અહીંનો સભાખંડ ઘણો મોટો છે. સામે બેઠક પર બુદ્ધ બિરાજેલા છે. તેમનો જમણો હાથ જમીન પર ટેકવેલો છે. ગુફા ૬નાં શિલ્પો બહુ જ સરસ છે. ડાબી બાજુ દેવી તારા છે.જમણી બાજુ મહામયૂરી દેવી છે. આ દેવી હિંદુઓની સરસ્વતી દેવી જેવી છે.તેમની બાજુમાં મયૂર (મોર) છે. અભ્યાસુ વિદ્યાર્થીઓ દેવીના પગ આગળ બેસે છે.

ગુફા નં. ૧૦ બહુ જ જાણીતી છે. તે ચૈત્ય કહેવાય છે. ચૈત્ય એટલે પ્રાર્થના હોલ. હોલની છત લાકડાનાં બીમ જેવી કોતરણીવાળી છે. આથી લોકો તેને ‘સુથારની ગુફા’, ‘સુથારની ઝૂંપડી’, ‘વિશ્વકર્મા ગુફા’ જેવાં નામથી પણ ઓળખે છે. ગુફાને છેડે સ્તૂપ છે. સ્તૂપની આગળ બુદ્ધ, ઉપદેશ આપતી મુદ્રામાં બેઠેલા છે. તે ૫ મીટર ઉંચા છે. બુદ્ધની પાછળ મોટું બોધિવૃક્ષ કોતરેલું છે. આ ગુફાનો દેખાવ અજંતાની ગુફા નં. ૧૯ અને ૨૬ જેવો છે.

ગુફા ૧૧ બે માળની છે, તે ‘દો તાલ’ કહેવાય છે. ઉપરના માળે લાંબુ સભાગૃહ છે. તેમાં થાંભલાઓ છે. હોલમાં બુદ્ધની મૂર્તિ છે. એમાં દુર્ગા અને ગણેશ પણ છે. પાછળથી હિંદુઓએ આ શિલ્પો ઉમેર્યાં હોય એવું બને. ગુફા નં. ૧૨ને ૩ માળ છે, તેથી તે ‘તીન તાલ’ કહેવાય છે. નીચેના મંદિરની દિવાલો પર ૫ મોટાં બોધિસત્વ અને ૭ બુદ્ધનાં શિલ્પો છે.

હિંદુ ગુફાઓ ઈ.સ. ૬૦૦ થી ૮૭૦ના અરસામાં બની હોવાનું કહેવાય છે. આ બધી ગુફાઓ ભગવાન શીવને સમર્પિત છે. દિવાલો પર હિંદુ શિલ્પો છે.

ગુફા ૧૪ને ‘રાવણ કી ખાઈ’ કહે છે.તેના પ્રવેશ આગળ ગંગા અને યમુના નદીઓ કોતરેલી છે. અંદર મોટું ગર્ભગૃહ છે. દિવાલો પર આકર્ષક શિલ્પો છે. ગુફા ૧૫ને દશાવતાર કહે છે. દિવાલો પર વિષ્ણુના અવતારોનાં શિલ્પો છે. વિષ્ણુ ભગવાન નરસિંહના રૂપમાં હિરણ્યકશીપુનો વધ કરે છે, તે શિલ્પ ઘણું જ સરસ છે. શીવજીનું ચિત્ર નટરાજની મુદ્રામાં છે. મંડપની પાછળની દિવાલે રાજા દંતીદુર્ગાનાં લખાણો છે.

ગુફા નં. ૧૬ બહુ જ અગત્યની છે. આ ગુફા સૌથી મધ્યમાં અને બીજી ગુફાઓ આજુબાજુ બનાવી હોય એવું લાગે. ઈલોરાની ૩૪ ગુફાઓમાં આ ગુફા સૌથી વધુ જાણીતી છે. આ ગુફાને કૈલાસ મંદિર કહે છે. કૈલાસ પર્વત એટલે શંકર-પાર્વતીનું રહેઠાણ. અહીં એક જ મોટા ખડકમાંથી કૈલાસ મંદિર બનાવ્યું છે. તે આપણને કૈલાસ પર્વતની યાદ અપાવે એવું ભવ્ય છે. મંદિર બહુમાળી છે. તે, એથેન્સના પ્રખ્યાત મંદિર પાર્થીનોન કરતાં બમણી જગા રોકે છે. પહેલાં અહીં સફેદ પ્લાસ્ટર કરેલું હતું, ત્યારે તે બરફાચ્છાદિત કૈલાસ પર્વતને ઘણું મળતું આવતું હતું.

મંદિરનું પ્રવેશદ્વાર બે માળનું છે, જે દક્ષિણ ભારતનાં મંદિરોના ગોપુરમ જેવું છે. પ્રવેશ પછી, બે બાજુ ખુલ્લી વિશાળ પરસાળો છે. વચમાં ૩ બાંધકામ છે. પહેલું નંદીમંડપ છે. એમાં નંદી (પોઠિયો)ની મોટી પ્રતિમા છે. નંદીમંડપ ૧૬ થાંભલાઓ પર અને ૩૦ મીટર ઉંચો છે. નંદીમંડપને મુખ્ય મંદિર સાથે જોડતો ખડકનો બ્રીજ છે. એના પછી વચ્ચેના મંડપમાં શીવજીનું લીંગ છે. તેની પાછળ મુખ્ય મંદિર છે. તે દક્ષિણ ભારતીય મંદિર જેવું લાગે છે.  મંદિરને થાંભલાઓ, રૂમો, બારીઓ વગેરે છે, અને દિવાલો પર શિલ્પો તો એટલાં બધાં કે ના પૂછો વાત !

ખુલ્લી પરસાળમાં બે ધ્વજસ્તંભ છે. બાજુમાં પૂર્ણ કદના બે હાથીઓ કોતરેલા છે. પરસાળની ધારોએ ત્રણ માળની થાંભલાઓવાળી ગેલેરીઓ છે. ગેલેરીઓમાં દેવીદેવતાઓનાં સ્થાપત્યો છે.

કૈલાસ મંદિર જોતાં એમ જ લાગે કે આપણે એક પૂર્ણ સ્વરૂપના શીવમંદિરમાં આવી ગયા છીએ. પણ આ મંદિર ચણીને બાંધકામ કરીને નથી બનાવ્યું, બલ્કે ખડકને કોતરીને બનાવ્યું છે. કેટલું અઘરું છે આ કામ ! અહીં ૨ લાખ ટન જેટલા વજનનો ખડક કોતરાયો છે, અને મંદિરને પૂરું કરતાં સો વર્ષ લાગ્યાં છે. રાષ્ટ્રકૂટ સ્થાપત્યની આ ભવ્ય સિદ્ધિ છે. માનવજાતે કરેલું આ મહાન કાર્ય છે.

ચાલો, આગળ વધીએ. ગુફા નં. ૨૧ ‘રામેશ્વર’ તરીકે ઓળખાય છે. અહીં એક ઉંચા ચબૂતરા પર નંદીનાં દર્શન થાય છે. અહીં બે નદી દેવીઓની જોડ, બે દ્વારપાલો તથા યુગલચિત્રો જેવાં સુંદર શિલ્પો છે. ગુફા નં. ૨૨ ‘નીલકંઠ’માં પણ ઘણાં સ્થાપત્યો છે. પછી આગળ જતાં રસ્તો નીચે ઉતરે છે. અહીં ચોમાસામાં અનેક ધોધ પડે છે. અહીં વેલગંગા નામની નદી પણ વહે છે. ગુફા નં. ૨૫ ‘કુંભારવાડા’માં રથ ચલાવતા સૂર્યદેવનું શિલ્પ છે. ગુફા ૨૭ ‘ગોપી લેના’ કહેવાય છે.

ગુફા નં. ૨૯ ‘ધુમાર લેના’ તરીકે ઓળખાય છે. તેનો દેખાવ મુંબઈ પાસેની એલીફન્ટા ગુફા જેવો છે. તેની સીડીઓ પર દ્વારપાલ તરીકે સિંહ બેસાડેલા છે. અંદર દિવાલો પર ઘણાં શિલ્પો કોતરેલાં છે. અહીં શીવ-પાર્વતીના લગ્નનું શિલ્પ છે. બીજા એક શિલ્પમાં રાવણ શંકર-પાર્વતી સહિત કૈલાસ પર્વતને ઉંચકાતો હોય એવું ચિત્ર છે. એક શિલ્પમાં પાર્વતી રમતમાં પાસા નાખવા જાય છે, શીવજી તેમને પીઠ પર હાથથી ટેકો આપે છે.

૩૦ થી ૩૪ નંબરની જૈન ગુફાઓ ઈ.સ. ૮૦૦ થી ૧૦૦૦માં બની છે. આ ગુફાઓ જૈન ધર્મની ફિલોસોફી પ્રમાણેની છે. તેમાં આર્ટ વર્ક ઘણું છે. કેટલીક ગુફામાં છત પર પેઈન્ટીંગ કરેલાં છે. આ ઉપરાંત, આ ગુફાઓમાં સમાવાસરના છે, જેમાં તીર્થંકરો બેસીને ઉપદેશ આપે છે. ગુફા નં. ૩૧ એ ૪ થાંભલાવાળો હોલ છે. જૈન ગુફાઓમાં ગુફા નં. ૩૨ અગત્યની છે. તે ‘ઇન્દ્રસભા’ તરીકે ઓળખાય છે. તે કૈલાસ મંદિરનું નાનું સ્વરૂપ છે. આ ગુફા ૨ માળની છે. તેની છત પર કમળના ફૂલનું કોતરકામ છે. અહીં યક્ષ અને માતંગનાં શિલ્પો છે. નં. ૩૩ જગન્નાથસભા તરીકે ઓળખાય છે. ગુફા ૩૪ નાની ગુફા છે.

ઈલોરાની ગુફાઓ જોઇને એમ લાગે છે કે ભારતનો કેટલો બધો ઈતિહાસ અને સંસ્કૃતિ અહીં અકબંધ પડ્યાં  છે ! જૂના જમાનામાં કેવી ભવ્ય કલા અહીં મોજૂદ હતી ! ત્રણ મોટા ધર્મો વચ્ચે કેવો સરસ સુમેળ હતો ! ઈલોરાનાં સ્થાપત્યો દુનિયામાં અજોડ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં ઈલોરાનો સમાવેશ થયેલો છે. ભારતીય પુરાતત્વ ખાતા હેઠળ આ રક્ષિત સ્મારક છે.

એક વાર આ સ્થાપત્યો જરૂર જોવાં જોઈએ. ઔરંગાબાદથી ઈલોરા તરફ આવતાં વચ્ચે દોલતાબાદનો કિલ્લો અને ચાંદ મિનાર આવે છે, તે જોવા જેવાં છે. વળી, ઈલોરાથી ૧ કી.મી. દૂર ઘ્રુષ્ણેશ્વર જ્યોતિર્લીંગ છે. ભારતનાં બાર જ્યોતિર્લીંગોમાંનું તે એક છે. તે પણ જોવા જેવું છે. ઔરંગાબાદમાં પણ ‘બીબી કા મકબરા’, ‘પનચક્કી’ વગેરે જોવા જેવાં છે.

3_Budhdhist cave

6_Cave 10

12_Cave 16 Pillar and elephant

16_Cave 21

કલહસ્તી (કલહત્તી) ધોધ

                                                    કલહસ્તી (કલહત્તી) ધોધ

મંદિરની ઉપર અને મદિરના ઓટલા આગળ જ ધોધ પડતો હોય એવું ક્યાંય જોયું છે? હા, કલહસ્તીમાં એવું છે. મંદિરના ઓટલે પાણીમાં થઈને જ જવાનું. ધોધમાં નહાવું હોય તો અહીં આગળ જ નાહી લેવાનું. મંદિર અને ધોધનો દેખાવ એટલો સરસ છે કે આ જગા જોવા જવાનું મન થઇ જાય.

કલહસ્તી ધોધ, કર્ણાટકના ચીકમગલુર જીલ્લામાં કલાતીપુરા (કલાતીગીરી) ગામ આગળ આવેલો છે. અહીં ચંદ્ર કોણ ટેકરીની તળેટીમાં વીરભદ્રેશ્વર મંદિર છે. આ મંદિર ભગવાન શીવને સમર્પિત છે. મંદિરના ઓટલા આગળ બાજુમાં પત્થરોમાંથી કોતરેલા ૩ મોટા હાથી છે. ટેકરી પરથી, ૧૨૨ મીટર ઉંચેથી પગથિયાં જેવા ઢાળ પરથી આવતા ધોધનું પાણી આ હાથીઓ પર પડે છે, અને ત્યાંથી મંદિરના ઓટલા આગળ પડે છે. આ વ્યૂ બહુ જ સરસ છે.

એવી કથા છે કે અગત્સ્ય ઋષિએ અહીં લાંબો સમય તપ કર્યું હતું. વીરભદ્રેશ્વર મંદિર વિજયનગર સામ્રાજ્યના ગાળામાં બંધાયું હોવાનું કહેવાય છે. આ મંદિર આગળ માર્ચ/એપ્રિલમાં ૩ દિવસ મોટો મેળો ભરાય છે. ત્યારે અહીં બહુ ભક્તજનો ઉમટી પડે છે. કહે છે કે આ ધોધના પાણીમાં રોગ મટાડવાની શક્તિ છે. અહીં ટેકરી પર ચડવા માટે થોડાં પગથિયાં છે. ઘણા લોકો અહીં ટેકરી પર ટ્રેકીંગ કરવા માટે આવે છે. અહીં જંગલમાં ઘણાં પ્રાણીઓ વસે છે. અહીં ધોધ આગળ રહેવા માટે ગેસ્ટ હાઉસ છે.

આ ધોધ જવા માટે, પહેલાં બિરૂર પહોંચવું જોઈએ. બિરૂર એ શીમોગા-બેંગ્લોર રૂટ પરનું મોટું સ્ટેશન છે. બિરૂરથી પશ્ચિમ તરફ ૧૫ કી.મી. દૂર લીંગદાહલી ગામે જવાનું. બિરૂરથી લીંગદાહલીની ઘણી બસો મળે છે. લીંગદાહલીથી કલાતીપુરા આઠેક કી.મી. દૂર છે. ત્યાં જવા ઘણાં વાહનો મળી રહે છે. કલાતીપુરાથી થોડું ચાલવાનું, ચડવાનું એટલે કલહસ્તી ધોધ આગળ પહોંચી જવાય. કલહસ્તી બેગ્લોરથી ૨૪૫ કી.મી.. મેંગલોરથી ૧૮૦ કી.મી. અને ચીકમગલુરથી ૪૩ કી.મી. દૂર છે.

કલહસ્તી ધોધની આજુબાજુ ઘણાં જોવાલાયક સ્થળો છે, એના વિષે થોડી વાત કરીએ.

(૧) કેમાનગુંડી: કલહસ્તી ધોધથી ૧૦ કી.મી. દૂર આવેલું કેમાનગુંડી એક હીલ સ્ટેશન છે. તેની ઉંચાઈ ૧૪૩૪ મીટર છે. કેમનગુંડીમાં કર્ણાટક હોર્ટીકલ્ચર ડીપાર્ટમેન્ટનું ગેસ્ટ હાઉસ છે. એમાં રહેવાની સગવડ છે.

(૨) હેબે ધોધ: આ ધોધ કેમાનગુંડીથી ૧૦ કી.મી. દૂર કોફી એસ્ટેટની અંદર આવેલો છે. જીપમાં જવાય છે. છેલ્લે ૧૫ મિનીટ ચાલવાનું. ૧૬૮ મીટર ઉંચાઈએથી પડતો આ ધોધ ૨ સ્ટેજમાં પડે છે, એક ડોડા હેબે એટલે કે મોટો ધોધ અને બીજો ચિકકા હેબે એટલે કે નાનો ધોધ. આ ધોધ ‘ટાઈગર રીઝર્વ’માં આવતો હોવાથી સુપ્રીમ કોર્ટે આ ધોધ જોવા જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે સપ્ટેમ્બર ૨૦૧૨થી તે પબ્લીક માટે બંધ છે. કલહસ્તી ધોધથી તે ૬ કી.મી. દૂર છે.

(૩) શાંતિ ધોધ: કેમાનગુંડીના ગેસ્ટ હાઉસથી આ ધોધ ત્રણેક કી.મી. દૂર છે. વેહીકલ ૧ કી.મી. સુધી જઇ શકે છે, પછી આગળ ચાલતા જવાનું. આ રસ્તે એક બાજુ ખીણ અને બીજી બાજુ ટેકરી, એટલે ટ્રેકીંગમાં નીકળ્યા હોઈએ એવું લાગે. જંગલમાં ઉંચા ખડક પરથી પડતો આ ધોધ જોવાની મજા આવે એવું છે. આ ધોધનું પાણી હંમેશાં બહુ જ ઠંડુ રહે છે. એમાં રોગ મટાડવાની શક્તિ છે, એવું કહેવાય છે. આ ધોધ આગળ નીરવ શાંતિ છે. ધોધના કે કોઈ પક્ષીના અવાજ સિવાય બીજો કોઈ અવાજ સાંભળવા મળતો નથી.1_Kalhasti1

2_Kalhasti

3_Kalhasti

આ ધોધથી ૨ કી.મી. આગળ ઝેડ પોઈન્ટ નામની જગા છે. લોકો અહીં ટ્રેકીંગ માટે આવે છે.

(૪) બેલુર: ચીકમગલુરથી દક્ષિણમાં ૨૨ કી.મી.દૂર આવેલા બેલુરમાં હોઈસાલા રાજાઓના સમયમાં બંધાયેલું ચન્નાકેશવ મંદિર બહુ જાણીતું છે. તે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. જોવા જેવું છે. બેલુર બેંગ્લોરથી ૨૨૨ કી.મી. અને મૈસોરથી ૧૪૯ કી.મી. દૂર છે.

(૫) હલાબીડ: તે બેલુરથી ૧૬ કી.મી. દૂર છે. અહીં હોઈસાલેશ્વર મંદિર અને કેદારેશ્વર મંદિર જોવાલાયક છે. હોઈસાલેશ્વર મંદિરમાં પત્થરના એક જ પીસમાંથી કોતરેલો મોટો નંદી છે.

(૬) શ્રવણ બેલગોલા: અહીં ગોમટેશ્વર બાહુબલીનું ઘણું ઉંચું સ્ટેચ્યુ છે. ઘણે દૂરથી પણ તે દેખાય છે. શ્રવણ બેલગોલા ચન્નરાયપટના શહેરથી ૧૩ કી.મી. દૂર છે. શ્રવણ બેલગોલા હલાબીડથી ૭૮ કી.મી., બેલુરથી ૮૯, હસનથી ૫૧, બેંગ્લોરથી ૧૫૮ અને મૈસોરથી ૮૩ કી.મી. દૂર છે. મેંગલોર-બેંગ્લોરને જોડતા રોડથી તે ૧૨ કી.મી.દક્ષિણમાં છે.

ગીરા ધોધ

                                                                ગીરા ધોધ 

     ધોધ જોવાનો કોને ન ગમે? ધોધ એ કુદરતનું અદભૂત સર્જન છે. ધોધને જોઇને મન આનંદથી ઝૂમી ઉઠે છે અને દોડીને ધોધમાં ઉભા રહેવાનું મન થઇ જાય છે. આપણા ગુજરાતમાં નાનામોટા અનેક ધોધ આવેલા છે, એમાં ગીરાનો ધોધ સૌથી વધુ જાણીતો છે. અહીં ડાંગ જીલ્લાના વઘઇ ગામ પાસે ખાપરી નદી ધોધરૂપે અંબિકા નદીમાં ખાબકે છે. અંબિકા નદી ત્યાર પછી આગળ વહીને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. આ ધોધની ઉંચાઇ ૨૫ મીટર જેટલી છે. આશરે ૩૦૦ મીટર પહોળી નદી આટલે ઉંચેથી પડતી હોય એ દ્રશ્ય કેવું ભવ્ય લાગે ! નદીમાં પાણી ઓછું હોય ત્યારે ધોધ આખો સળંગ દેખાવાને બદલે, ઘણા નાનાનાના ધોધમાં વહેંચાઇ જાય છે. એ જોવાની પણ મજા આવે છે. ચોમાસામાં ખાપરી નદી જયારે આખી ભરેલી હોય ત્યારે ધોધનું સ્વરૂપ બહુ જ જાજરમાન લાગે છે. એવે વખતે ધોધ જોવા અહીં હજારો ટુરિસ્ટો ઉમટી પડે છે. ચોમાસામાં ધોધમાં આવતું પાણી ડહોળું દેખાય છે. એનો અવાજ પણ ગર્જના જેવો મોટો લાગે છે.

ગીરા ધોધ વઘઇથી માત્ર ૪ કી.મી. જ દૂર છે. વઘઇથી સાપુતારા જવાને રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. આ સાઈડના રસ્તે બીજા ૨ કી.મી. જાવ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય. કિનારેથીજ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારેથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પત્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે. અહીં ખડકો પર જ ઉભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સંભાળવાનો. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગા છે. પાણીમાં ઉતરાય એવું છે નહિ. જો ઉતરો તો ડૂબી જવાય કે નદીમાં ખેંચાઈ જવાય. ધોધનું પાણી જે જગાએ પડે છે, તે જગાએ જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. ત્યાં જઈને ધોધમાં નહાવાનું તો શક્ય જ નથી.

સામે ખડકો પર ઉભા રહી, ધોધ જોવાનો અનેરો આનંદ આવે છે. મન પ્રફુલ્લિત થઇ જાય છે. ધોધ પડવાથી ઉઠતાં પાણીનાં ફોરાં અને ધુમ્મસ છેક આપણા સુધી આવે છે અને આપણને સહેજ ભીંજવે છે. પણ ભીંજાવાની મજા આવે છે. ધોધ જોવા આવેલા લોકો આનંદની ચિચિયારીઓ પાડે છે અને ખુશી વ્યક્ત કરે છે. ધોધનું દ્રશ્ય જ એટલું સરસ છે કે બસ એને જોયા જ કરીએ. અહીંનો માહોલ જોઇને એમ લાગે છે કે ‘વાહ ! ગુજરાતમાં કેવો સરસ ધોધ આવેલો છે !’ આપણને ગુજરાતનો પ્રખ્યાત ધોધ જોયાનો સંતોષ થાય છે. ટુરિસ્ટોનો આ માનીતો ધોધ છે. પીકનીક મનાવવા માટે આ એક સરસ સ્થળ છે.

નદીકિનારે ચાની લારીવાળા તથા ચવાણું, પાપડી, ભજીયાં, મકાઈ, બિસ્કીટ એવું બધું વેચવાવાળા ફેરિયાઓ ઉભા હોય છે. ધોધ જોયા પછી ચા નાસ્તો કરવાનું મન થઇ જ જાય છે. સ્થાનિક લોકો વાંસમાંથી બનાવેલી ચીજો વેચવા બેઠા હોય છે. અહીં નદીની બંને બાજુએ ગાઢ જંગલો આવેલાં છે. એમાં વાંસનાં ઝાડ ખૂબ જ છે. ધોધની નજીકમાં અંબાપાડા ગામ આવેલું છે.

અહીં ધોધ જોવા આવનારા લોકો ક્યારેક ગંદકી પણ કરતા હોય છે. કાગળના ડૂચા અને પ્લાસ્ટીકની કોથળીઓ ગમે ત્યાં ફેંકે છે. દુકાનોવાળા પણ ચોખ્ખાઈ નથી રાખતા. પ્રજાએ પોતે સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવાની જરૂર છે. અહીં સરકાર સરસ બગીચો બનાવે, રહેવાજમવા માટે સાફસુથરું એક મહેમાનગૃહ ઉભું કરે અને ધોધ જોવા માટે એક સુંદર વ્યૂ પોઈન્ટ બનાવે તો લોકોનું આ ધોધ પ્રત્યે આકર્ષણ વધે અને વધુ લોકો આવતા થાય. વઘઇથી ધોધ સુધી જવા માટે વાહન પણ સરળતાથી મળે એવી સગવડ થવી જોઈએ. વધુ લોકો અહીં આવે તો સરકાર અને સ્થાનિક લોકોની આવક વધે અને ધોધ દુનિયામાં વધારે જાણીતો થાય. કુદરતે ગુજરાતને આવો સરસ ધોધ આપ્યો છે, તો એની યોગ્ય જાળવણી થવી જોઈએ.

ગીરા ધોધ જોવા માટે ચોમાસાથી ડીસેમ્બર સુધીનો સમય ઉત્તમ છે. નદીના કિનારા સુધી વાહનો જઇ શકે છે. વઘઇ જવા માટે બસની ઘણી જ સરસ સુવિધા છે. અમદાવાદ, વડોદરા, સુરત, બીલીમોરા વગેરે શહેરોથી વઘઇની બસો મળે છે. આ શહેરોથી સાપુતારા જતી બસો વઘઇ થઈને જ જાય છે. વઘઇ, અમદાવાદથી ૩૬૦ કી.મી., વડોદરાથી ૨૫૦ કી.મી., સુરતથી ૧૧૦ કી.મી. અને બીલીમોરાથી ૬૫ કી.મી. દૂર છે. વઘઇથી સાપુતારા માત્ર ૫૦ કી.મી. જ દૂર છે. ડાંગના મુખ્ય મથક આહવાથી વઘઇ ૩૨ કી.મી. દૂર છે. વઘઇને રેલ્વે સ્ટેશન પણ છે. બીલીમોરાથી વઘઇની નેરોગેજ લાઈન પર વઘઇ છેલ્લું સ્ટેશન છે. લોકો પોતાની પ્રાઇવેટ કાર લઈને પણ ગીરા ધોધ જોવા આવતા હોય છે. સાપુતારા જનારા પ્રવાસીઓએ પોતાના રૂટમાં ગીરા ધોધ જોવાનું ગોઠવી દેવું જોઈએ. વઘઇ અને સાપુતારામાં રહેવા માટે હોટેલો છે.

વઘઇ જતાં, વઘઇ આવતા પહેલાં, ઉનાઈ અને વાંસદા ગામો આવે છે. ઉનાઈમાં ગરમ પાણીના કુંડ છે. વાંસદાનાં જંગલોમાં વાંસદા નેશનલ પાર્ક છે. આ બંને જગાઓ જોવા જવી છે. વઘઇમાં બોટાનિકલ ગાર્ડન જોવા જેવો છે.

ડાંગમાં શીંગણા ગામ આગળ ગીરામલ નામનો એક બીજો ધોધ છે. ૩૦૦ ફૂટની ઉંચાઈ ધરાવતો આ ધોધ ગુજરાતનો ઉંચામાં ઉંચો ધોધ છે. ડાંગમાં આ ઉપરાંત,બીજી ઘણી જોવા જેવી જગાઓ છે. ક્યારે જાઓ છો ગીરા ધોધ અને ડાંગ જોવા?

૧_ગીરા ધોધ

૨_ગીરા ધોધ

૩_ગીરા ધોધ, ચોમાસામાં

૪_ગીરા ધોધ, સુકી ઋતુમાં

૫_ગીરા