સાંવલિયાજી
રાજસ્થાનના મંડપિયા ગામમાં ભગવાનશ્રી સાંવલિયા શેઠનું વિખ્યાત મંદિર આવેલું છે. અહીં સાંવલિયા શેઠ બિરાજતા હોવાથી આ ગામ સાંવલિયાજી તરીકે પણ ઓળખાય છે. સાંવલિયા શેઠ એ કૃષ્ણ ભગવાનનું જ સ્વરૂપ છે. સાંવલિયા શેઠ બહુ જ ઉદાર છે. તેઓ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે.
કહે છે કે મીરાંબાઈ જે ગિરધરગોપાલની પૂજા કરતાં હતાં, તે જ મૂર્તિ અહીં સાંવલિયા શેઠ તરીકે બિરાજમાન છે. મીરાંબાઈ, ભગવાનની ચાર મૂર્તિઓ લઈને અહીંતહીં ભ્રમણ કરતાં હતાં. મોગલ સેનાના ડરથી તેમણે આ મૂર્તિઓ બાગુન્ડ ગામની નજીક વડલાના એક ઝાડની નીચે ખાડો ખોદીને દાટી દીધી. આશરે ૨૦૦ વર્ષ પહેલાં, મંડપિયા નિવાસી ભોલીરામ નામના એક ગોવાળિયાને સ્વપ્નમાં આ મૂર્તિઓ વિષે જાણકારી મળી. ગામલોકોની સહાયથી ત્યાં ખોદકામ કરતાં, આ ચાર મૂર્તિઓ નીકળી. તેમાંની સૌથી મોટી મૂર્તિને અહીંથી દોઢેક કી.મી. દૂર ભાદસોડા ગામમાં સ્થાપિત કરાઈ. તેનાથી નાની મૂર્તિ બાગુન્ડમાં જ પ્રાગટ્ય સ્થળે સ્થાપિત કરાઈ. એક મૂર્તિ થોડી તૂટેલી હોવાથી ત્યાં જ પાછી પધરાવી દીધી અને સૌથી નાની મૂર્તિને ભોલીરામ મંડપિયા લઇ આવ્યા અને અહીં સ્થાપના કરીને મંદિર બંધાવ્યું. એ જ આ સાંવલિયા શેઠનું મંદિર. ભોલીરામ જીવનપર્યંત તેમની સેવા કરતા રહ્યા, જીવનના અંતિમ સમયે તેમણે સેવા વૈષ્ણવોને સોંપી દીધી. મંદિરનું પણ અવારનવાર રીનોવેશન થયું અને આજે અહીં ભવ્ય મંદિર ઉભું છે.
ઉદયપુરથી ચિત્તોડગઢ જવાના રસ્તે 61 કી.મી. ગયા પછી ભાદસોડા ગામ આવે છે. અહીં ચાર રસ્તા પડે છે. ચાર રસ્તાથી આશરે દોઢ કી.મી. દૂર ભાદસોડા ગામમાં મંદિર છે. ચાર રસ્તા આગળ જ બાગુન્ડનુ મંદિર છે. અને આ ચાર રસ્તાથી 7 કી.મી. દૂર મંડપિયા ગામમાં ત્રીજું મંદિર છે. નાથદ્વારાથી માવલી અને કપાસન થઈને ભાદસોડા અને મંડપિયા અવાય છે. નાથદ્વારાથી મંડપિયા 100 કી.મી. દૂર છે. ભાદસોડા ચાર રસ્તાથી ચિત્તોડગઢ 35 કી.મી. દૂર છે.
સાંવલિયાજી શેઠ વિષે અવારનવાર સાંભળ્યું હતું, એટલે ત્યાં દર્શન કરવા જવાની ખૂબ જ ઉત્કંઠા હતી. આથી, આ વખતે અમે નાથદ્વારા ગયા ત્યારે સાંવલિયાજી જવાનુ મનોમન નક્કી જ કર્યું હતું. નાથદ્વારાથી જીપ કે ટેક્સી કરીને જઈ શકાય અથવા તો એસ.ટી. બસમાં કે ખાનગી બસમાં પણ જઈ શકાય. અમે નાથદ્વારાથી સવારે ચિત્તોડ તરફ જતી બસમાં નીકળી પડ્યા.
વાતાવરણ ખુશનુમા હતુ. રસ્તો પાકો અને સારો હતો. ટ્રાફિક તદ્દન ઓછો હતો. 29 કી.મી. પછી માવલી આવ્યું. માવલીને રેલ્વે સ્ટેશન છે. અમદાવાદથી નાથદ્વારા ટ્રેનમાં આવો તો આ માવલી સ્ટેશન વચમાં આવે છે. માવલીથી 43 કી.મી. દૂર પછી કપાસન આવ્યું. અમે અહીં ઉતરી ગયા, કેમ કે આ બસ ચિત્તોડગઢ જવાની હતી, જયારે અમારે સાંવલિયાજી જવું હતું. કપાસનથી સાંવલિયા જવા ઘણી ખાનગી બસો મળે છે, એમાં બેસી અમે સાંવલિયાજી તરફ ઉપડ્યા. માવલી અને કપાસન બંને મોટાં ગામ છે. કપાસનથી ભાદસોડાનો રસ્તો ઠીક-ઠીક છે. વચમાં શનિદેવ મહારાજનું મોટું મંદિર આવે છે, આ વિસ્તારમાં તે પ્રખ્યાત મંદિર છે. ભાદસોડા જતા લોકો, શનિદેવ આગળ બસમાંથી ઉતરી શનિદેવના ફટાફટ દર્શન કરી આવે છે. બસ એટલી વાર ઉભી પણ રહે છે. અમે ભાદસોડા ચાર રસ્તા પહોચ્યા. કપાસનથી ભાદસોડા ચાર રસ્તાનું અંતર 24 કી.મી. છે. અહીં અમે બાગુન્ડનું સાંવલિયા શેઠનું મંદિર, બસમાં બેઠા બેઠા જ જોયું. ભાદસોડા ચાર રસ્તા આગળ વિશાળ ખુલ્લી જગા છે. અહીં બેઘડી વિશ્રામ કરવાનું મન થાય એવું છે. અહીંથી મંડપિયા 7 કી.મી. દૂર છે. બસ અમને લઈને ઉપડી મંડપિયા તરફ. મંડપિયા પહોંચ્યા ત્યારે સવારના સાડા દસ વાગ્યા હતા. મંદિર આશરે અડધો કી.મી. દૂર હતું. ચાલતા ચાલતા મંદિરે પહોચ્યા. રસ્તામાં સ્ત્રીઓના શણગારની ઘણી વસ્તુઓ બંગડીઓ, પાટલા, બુટ્ટી, સેટ, માળાઓ, ઝાંઝર વગેરેની પુષ્કળ દુકાનો લાગેલી હતી. દૂરથી મંદિરના શિખરનાં પણ દર્શન થયાં, મનમાં આનંદની એક લહેરખી પ્રસરી ગઈ.
મંદિરની બહાર વિશાળ ખુલ્લી જગા છે. અહીં પ્રસાદની તથા નાસ્તા અને ખાણીપીણીની દુકાનો છે. અમે પહેલાં તો દર્શન કરવાની તીવ્ર ઈચ્છાથી, મંદિરમાં પ્રવેશ્યા. રાજભોગની આરતી ચાલુ જ હતી. સેંકડો લોકો દર્શનાર્થે આવેલા હતા. અમે પણ તેમાં ગોઠવાઈ ગયા. ભગવાન સાંવલિયા શેઠનાં દર્શન કરી મન ભાવવિભોર થઇ ગયું. આગળ જઈ નજીકથી પણ દર્શન કરી આવ્યા. બધાં સ્નેહીજનોને યાદ કરી તેમના વતી પણ દર્શન કર્યાં. મનમાં અપાર પ્રસન્નતા અનુભવી. દર્શન કરી સભાગૃહમાં બેઠા. ગર્ભગૃહમાં સાંવલિયા શેઠ રત્નજડિત આસન પર બિરાજેલા છે.
ગર્ભગૃહનો મુખ્ય ઘુમ્મટ 121 ફૂટ ઉંચો છે. તેની આગળના બે સભામંડપનાં શિખરો 70 ફૂટ ઉંચાં છે. થાંભલાઓ અને છત લાલ પથ્થરનાં બનેલાં છે. તેઓ પર સુંદર સ્થાપત્યો કંડારેલાં છે. દેવીદેવતાઓ અને વાદ્યો વગાડતાં નરનારીનાં સ્થાપત્યો બહુ જ અદભૂત લાગે છે. થાંભલાઓ વચ્ચેની કમાનોની રચના તો બહુ જ આકર્ષક છે. આરસની ફરસ અને બધી ખુલ્લી બાજુઓથી આવતી હવાને લીધે ગરમી જરાયે લાગતી નથી. ગુંબજો પર બહારના ભાગે કરેલી ડીઝાઇન પણ ઘણી જ સુંદર છે. અહીં અડધો પોણો કલાક બેઠા પણ મજા આવી.
મંદિરની આગળ વિશાળ ખુલ્લી જગા છે. આ જગામાં મંદિરની બંને બાજુ બાગબગીચા બનાવવાનું આયોજન છે. પાછળ તથા આગળ વિશાળ લોબીઓ (પરસાળ) બનાવેલી છે. હજુ અહીં કામ ચાલુ છે. અહીં દર્શનાર્થીઓ માટે આરામ કરવા, ટોઇલેટ વગેરે સુવિધાઓ ઉભી કરવાનો પ્લાન હોય એવું લાગે છે.
આ બધુ જોઇને અમે બહાર આવ્યા. બહારથી પ્રસાદ લીધો. પ્રસાદમાં મઠડી અને લાડુ હતા. મઠડી સરસ પોચી હતી. થોડો નાસ્તો પણ કર્યો. અહીં નાસ્તાની દુકાનોમાં ખાસ કરીને કચોરી, સમોસા અને જલેબી મળતાં હતાં. કચોરીનો ટેસ્ટ તો દાઢે વળગે એવો સરસ હતો. પછી પેલું બંગડી બજાર જોયા વગર કેમ ચાલે? એમાંય ફર્યા અને જે ઠીક લાગ્યું તે ખરીદ્યું. મંડપિયા ગામમાં રહેવા માટે ગેસ્ટ હાઉસ, હોટલો વિગેરે સગવડ છે. પછી બસ સ્ટેન્ડ આગળ પાછા આવ્યા.
હવે એ જ રસ્તે પાછા ફરવાનું હતું. ખાનગી બસમાં ઠાંસી ઠાંસીને લોકોને ભર્યા. ઘેટાંબકરાંની જેમ માણસોને બસમાં ભર્યા. અહીં બીજી કોઈ સગવડ નથી, પછી શું થાય? સ્થાનિક લોકો, પ્રવાસીઓનો ગેરલાભ ઉઠાવે છે. કપાસન પાછા પહોંચ્યા. ગરમી બરાબર હતી. કપાસન થોડી રાહ જોયા પછી, માવલી સુધીની જ બસ મળી, માવલીથી વળી બીજી બસમાં નાથદ્વારા પહોંચ્યા. આમ છતાં, સાંવલિયા શેઠનાં દર્શનની અભિલાષા પૂરી થઇ, તેનો આનંદ હતો. પોતાની કે ભાડાની ગાડી કરીને અહી આવ્યા હોઈએ તો વધુ સગવડ રહે.
સાંવલિયાજીમાં મંદિર સવારે 5 થી બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. તે દરમ્યાન મંગળા, શણગાર અને રાજભોગનાં દર્શન થાય છે. 12 થી 2:30 મંદિર બંધ રહે છે. પછી બપોરના અઢીથી 11 સુધી દર્શનનો લાભ મળે છે.
સાંવલિયાજીથી ચિત્તોડગઢ જોવા જઈ શકાય છે. અહીં ચિત્તોડગઢનો કિલ્લો ખાસ જોવા જેવો છે. કિલ્લામાં રાણા કુંભાનો પેલેસ, વિજય સ્તંભ, કીર્તિ સ્તંભ વિગેરે જોવા જેવા છે.
મંડપિયાથી ઘણા લોકો આવરી માતાનાં દર્શને જતા હોય છે. મંડપિયાથી 12 કી.મી. દૂર આવેલું આ મંદિર, લોકોની અતૂટ આસ્થાનું સ્થળ છે.