હિંગોળગઢ અને આજુબાજુના પ્રવાસે
આપણા ગુજરાતમાં ઘણાં જોવાલાયક સ્થળો જાણીતાં છે. એ ઉપરાંત, ઓછાં જાણીતાં હોય એવાં સ્થળો જોવાની મજા પણ કંઇ ઓર છે. આવાં થોડાં નામ ગણાવું? વેળાવદરનો કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ઘેલા સોમનાથ મહાદેવ, હિંગોળગઢનો કિલ્લો, ગોંડલના ઓર્ચાર્ડ અને નવલખા પેલેસ, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ, નરારાની દરિયાઈ જીવસૃષ્ટિ, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, ઝરીયા મહાદેવ વગેરે. આવી જગાઓને પોતાની આગવી વિશેષતા છે. આવું બધું જોવા નીકળીએ ત્યારે એમ લાગે કે ઓ હો ! ગુજરાતમાં કેટલું બધું છે ! ચાલો ત્યારે, આ પ્રવાસની વિગતે વાત કરું.
અમે કામકાજમાંથી પાંચ દિવસની રજા લઈને, ઉપર જણાવ્યાં તે સ્થળોનો એક પ્રવાસ ગોઠવી કાઢ્યો. નાનામોટા મળીને અમે કુલ 22 જણ, આ પ્રવાસમાં જોડાવા તૈયાર થઇ ગયા. મોટા ભાગના સભ્યો ભરૂચના હતા. અમે બે તવેરા અને એક ઝાયલો ગાડી ભાડે કરી લીધી, અને એક સવારે ભરૂચથી નીકળી પડ્યા. થોડા સભ્યો વડોદરાથી જોડાયા. સૌ પ્રથમ વેળાવદરનો કાળીયાર નેશનલ પાર્ક જોવાનો પ્લાન હતો. અમે ભરૂચથી વડોદરા, બોરસદ, તારાપુર, વટામણ ચોકડી, પીપળી, ધોલેરા અને અધેલાઇ થઇ વેળાવદર પહોંચ્યા. તારાપુર આગળ એક હોટેલમાં જમી લીધું. વડોદરાથી અધેલાઈનું અંતર 163 કી.મી. છે. અધેલાઇથી વેળાવદરનો પાર્ક 10 કી.મી. દૂર છે.
અધેલાઇથી જ રોડની બંને બાજુ પાર્કનો વિસ્તાર શરુ થઇ ગયો હોય એવું લાગે છે. ક્યાંક દોડતાં અને કૂદતાં હરણાં દેખા દે છે. એક હરણને તો અમે તેની ઉંચાઇ કરતાં પણ લગભગ દોઢી ઉંચાઇ જેટલું કૂદતું જોયું. જાણે કે હાઈ જમ્પ કરતું હોય એવું લાગ્યું.
પાર્કના પ્રવેશ આગળ બોર્ડ મારેલું છે, “કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર. (Blackbuck National Park).” ટીકીટ લઈને અમે પાર્કમાં પ્રવેશ્યા. આપણી ગાડી લઈને અંદર જવા દે છે. અમે ગાઈડ પણ કરી લીધો. પાર્કમાં રસ્તા બનાવેલા છે, પણ કાચા. રસ્તાની બંને બાજુ ઝાડ ઉગાડેલાં છે. ઝાડો પછીના ખુલ્લા વિસ્તારમાં કાળીયાર, હરણ, નીલગાય વગેરે પ્રાણીઓ મુક્તપણે હરેફરે છે. અમે એક જગાએ હરણાંનું એક મોટું ટોળું જોયું. થોડી વારમાં આ હરણાંએ અમારી આગળ જ રસ્તો ક્રોસ કરવાનું શરુ કર્યું. એક પછી એક હરણ દોડતાં અને કૂદતાં રસ્તો ઓળંગતાં હતાં. જોવાની મજા આવી ગઈ. ફોટા પાડ્યા, શુટીંગ પણ કર્યું.
ગાડીઓ ધીરે ધીરે આગળ વધી રહી હતી. ગાઈડ અમને માહિતી પીરસતો હતો. આ જંગલમાં મુખ્યત્વે શીંગડાંવાળાં કાળીયાર રહે છે. ચારેક હાજર હરણાં અને 2000 જેટલી નીલગાય છે. ઝરખ, વરુ, શિયાળ અને જંગલી બિલાડીઓ પણ ખરી. જો કે વાઘ, સિંહ જેવાં શિકારી પ્રાણીઓ અહીં નથી. કાળો કોશી, ચોટેલ, અને હેરિયર જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે. અહીં ચોમાસામાં લગભગ 2 ફૂટ ઉંચું ઘાસ થાય છે, એટલે પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે છે. ઉનાળામાં ઘાસ સુકાઈને પીળું પડી જાય છે, પણ સૂકું ઘાસે ય તેમના ખાવાના કામમાં આવે છે. હરણાં તો રાતે વાડ ઠેકીને આજુબાજુનાં કપાસનાં ખેતરોમાં પહોંચી જાય છે અને કપાસનાં પાંદડાં આરોગીને સવારે પાછાં આવી જાય છે.
પાર્કમાં અનેક ઠેકાણે પાણીની કુંડીઓ અને નાનાં તળાવો બનાવેલાં છે. ઉનાળામાં તેમાં નિયમિત રીતે પાણી ભરવામાં આવે છે કે જેથી પ્રાણીઓને પાણીની તકલીફ ના પડે. અહીં પાર્કમાં 14 કી.મી. જેટલા કાચા રસ્તા બનાવેલા છે. દરિયો અહીંથી 50 કી.મી. જેટલો દૂર છે, પણ દરિયાની એક ખાડી છેક અહીં સુધી લંબાયેલી છે. પ્રાણીઓ માટે ડોક્ટરની વ્યવસ્થા પણ કરેલી છે. કોઈ પ્રાણી માંદુ પડે તો ડોક્ટર તરત જ આવી જાય.
પાર્કમાં જૂના વખતનો એક મહેલ છે. હાલ તે અવાવરું હાલતમાં છે. પાર્કમાં એક મ્યુઝીયમ પણ છે. એમાં અહીં વસતાં પ્રાણીઓની વિગતો જાણવા મળે છે. પાર્ક સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આ પાર્ક ચોમાસાના ચાર મહિના, પ્રવાસીઓ માટે બંધ રહે છે.
પાર્કમાં ફરવાની મજા આવી ગઈ. બધા જ ખુશ હતા. છ વાગે અમે પાર્કની બહાર આવી ગયા. અમે રાત્રે રહેવાનું ભાવનગરના સ્વામીનારાયણ મંદિરમાં ગોઠવ્યું હતું. એટલે વેળાવદરથી અમારી ગાડીઓ અધેલાઇ થઈને ભાવનગર ઉપડી. વેળાવદરથી ભાવનગરનું અંતર 42 કી.મી. છે.
ભાવનગરનું સ્વામીનારાયણ મંદિર ઘણું જ સરસ છે. જમવાનું પણ મંદિરના ભોજનગૃહમાં જ હતું. જમીને અમારી રૂમોમાં સુઈ ગયા.
બીજે દિવસે અમારો પ્રોગ્રામ ઘેલા સોમનાથ અને હિંગોળગઢનો હતો. સવારે ચાનાસ્તો કરી ઉપડ્યા ગઢડા તરફ. ભાવનગરથી વલભીપુર થઈને ગઢડાનું અંતર આશરે 120 કી.મી. છે. ગઢડાનું સ્વામીનારાયણ મંદિર ખૂબ જ જાણીતું છે. આશરે સોએક પગથિયાં ચડીને અમે દર્શન કર્યાં. ઉપરથી આજુબાજુનું દ્રશ્ય અને નીચેની નદી બહુ જ સુંદર લાગે છે. દર્શન કરીને બપોરનું જમવાનું અમે આ મંદિરમાં જ પતાવી દીધું. બગીચામાં બેસીને થોડો આરામ કર્યો. પછી ગાડીઓ ઘેલા સોમનાથ તરફ લીધી. ગઢડાથી ઘેલા સોમનાથનું અંતર આશરે ૩૦ કી.મી. છે.
ઘેલા સોમનાથનું મંદિર બહુ જ સરસ છે. અહીં કોઈ ગામ વસેલું નથી. ફક્ત આ શંકર ભગવાનનું મંદિર અને અહીં આવતા પ્રવાસીઓ માટે ખાણીપીણીની થોડી દુકાનો – એટલું જ છે. મંદિરના સંકુલમાં રહેવા માટે થોડી રૂમો બાંધેલી છે. આ રૂમો બહુ જ સરસ અને બધી જ સગવડવાળી છે. અમોએ અગાઉથી બુકીંગ કરાવેલ હતું, એટલે રૂમો મળી ગઈ. રૂમોમાં સામાન મૂકી દર્શન કરી આવ્યા. શીવજીનાં દ્વાર તો હંમેશા ખુલ્લાં જ હોય છે.
કહે છે કે આ ઘેલા સોમનાથનું શીવલીંગ એ જ મૂળ સોમનાથ મહાદેવનું જ્યોતિર્લીંગ છે. ભક્તો એટલા જ ભક્તિભાવથી ઘેલા સોમનાથમાં શ્રદ્ધા ધરાવે છે. વિક્રમ સંવત 1457ની આસપાસ અમદાવાદનો સુલતાન જાફર મહમદ સોમનાથ પર ચડી આવ્યો. ઘેલા નામના વાણિયાએ શીવલીંગને આ જગા સુધી પહોંચાડ્યું અને છેવટે પોતાના જાનની આહુતિ આપી. તેથી આ શીવલીંગ ઘેલા સોમનાથ તરીકે ઓળખાયું. અહી જે નદી વહે છે, એનું નામ ઘેલો નદી છે.
ઘેલા સોમનાથ મહાદેવની સામે ટેકરી પર મીનળદેવીની સમાધિ છે. મીનળદેવી જૂનાગઢના રાજા રા’મહિપાળની પુત્રી હતી. તેણે શીવલીંગને સોમનાથથી ઘેલા સોમનાથ સુધી પાલખીમાં લઇ જવાનું સાહસ કર્યું હતું. સુલતાનની પુત્રી હુરલ, મીનળદેવીની ભક્તિસાધના જોઇને ખૂબ જ પ્રભાવિત થઇ હતી. તેણે પણ મીનળદેવીને સાથ આપ્યો. મીનળદેવીની સમાધિની બાજુમાં હુરલની કબર છે.
અમારે આજે હિંગોળગઢનો કિલ્લો પણ જોવો હતો. એટલે રૂમો પર સહેજ તાજામાજા થઇ, હિંગોળગઢ જવા નીકળી પડ્યા. ઘેલા સોમનાથથી કળાસર બાજુ વળી, ગામડાંઓમાં થઈને, આશરે 20 કી.મી. જેટલું અંતર કાપીને હિંગોળગઢ ગામ પહોંચ્યા. આ ગામ વિંછીયાથી જસદણના મુખ્ય હાઈવે પર આવેલું છે. હિંગોળગઢનું મુખ્ય આકર્ષણ અહીંનો કિલ્લો છે. તે, હાઈવેની બાજુમાં, ઉંચી ટેકરી પર આવેલો છે. ટીકીટ લઈને, ગાડીઓ પાર્ક કરીને અમે ટેકરી પર ચડવા માંડ્યું. પંદરેક મિનીટમાં તો ઉપર પહોંચી ગયા.
વીકા ખાચર નામના રાજવીએ આ કિલ્લો 1660માં બંધાવ્યો હતો. તેમના દિકરા આલા ખાચર અને પછીના વારસદારો પણ અહીં રહ્યા હતા. વીકા ખાચરની અગિયારમી પેઢીના સત્યજીત ખાચર હાલ જસદણમાં તેમના પેલેસમાં રહે છે અને દર રવિવારે હિંગોળગઢમાં હિંગળાજ માતાના દર્શને આવે છે.
હિંગોળગઢના કિલ્લામાં જૂના જમાનાની ઘણી ચીજો સાચવીને રાખેલી છે. પિત્તળ અને કાંસાનાં મોટાં વાસણો, પેટીપટારાઓ, કલાકારીગરીવાળી ચીજો, ખુરસી, પલંગો, રસોઈ માટેના મોટા ચૂલાઓ, ઘંટી, ચિત્રો – એમ ઘણી જોવા જેવી વસ્તુઓ છે. આગળ બગીચામાં બતકાં, મરઘાં વિગેરે રાખેલાં છે. કિલ્લાનું જૂનુંપુરાણું બાંધકામ જોઈ અમે નીચે આવ્યા. હિંગોળગઢમાં પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય આવેલું છે. ભીમકુઈ અને ગીર વાઈલ્ડ લાઈફ પણ જોવા જેવાં છે.
હિંગોળગઢથી 2 કી.મી. દૂર બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બિલી અને અન્ય વૃક્ષોની વચ્ચે ઉભેલું આ મંદિર અમે જોઈ આવ્યા. જંગલની વચ્ચે વસેલા મહાદેવનાં દર્શન કરી પ્રસન્નતા અનુભવી. હિંગોળગઢથી લીલાપર અને કળાસર થઈને અમે ઘેલા સોમનાથ પાછા આવ્યા. આ અંતર 24 કી.મી. છે. લીલાપરમાં વિશ્વંભરી માતાનું મંદિર જોવા જેવું છે.
સાંજ પડી ગઈ હતી. ઘેલા સોમનાથ મહાદેવમાં સાંજની આરતી થઇ. દર્શન કરીને અપાર આનંદ થયો. પછી તો મંદિરના સંકુલમાં બધાએ બેસીને અલકમલકની વાતો કરી. બહુ જ મજા આવી. અમારી રૂમોમાં જઇ નિદ્રાધીન થયા.
સવારે નાહીધોઈ પરવારીને સામેની ટેકરી પર મીનળદેવીની સમાધિનાં દર્શન કરી આવ્યા. 153 પગથિયાં ચડવાનાં છે. નીચે આવી બહાર એક દુકાને ચા પીધી. અમે સાથે લઇ આવેલા તે નાસ્તો કર્યો. આજે અમે ગોંડલ જઇ ત્યાંના મહેલો જોવાના હતા. ગાડીઓમાં જસદણ અને આટકોટ થઈને ગોંડલ પહોંચ્યા. ઘેલા સોમનાથથી ગોંડલ 67 કિમી. દૂર છે.
ગોંડલમાં ઓર્ચાર્ડ પેલેસ, રીવરસાઈડ પેલેસ અને નવલખા પેલેસ જોવા જેવા છે. પહેલાં અમે ઓર્ચાર્ડ પેલેસમાં પ્રવેશ લીધો. બહારથી લાલ રંગનો અને કમાનોવાળો આ મહેલ બહુ જ સરસ દેખાય છે. મહેલની આગળ બગીચામાં સુંદર શિલ્પ ધરાવતી અનેક મૂર્તિઓ છે. આ મહેલ 120 વર્ષ જૂનો છે. મહેલની એક બાજુએ રાજાએ એકઠી કરેલી જૂના જમાનાની કારોનું મ્યુઝીયમ છે. તેના પ્રવેશ આગળ ‘વિન્ટેજ કાર કલેક્શન’ એવું બોર્ડ મારેલું છે. અમે પહેલાં, આ કારો જોવા ગયા. દરેક કાર વ્યવસ્થિત મૂકેલી છે. દરેક કારનું નામ અને તે કઈ સાલમાં બનેલી છે, તે લખેલું છે. 1906, 1927 અને બીજાં વર્ષોમાં બનેલી કારો જોઈ. આજની કારો કરતાં તે કઈ રીતે જુદી હતી, તેની મનોમન સરખામણી થઇ ગઈ. કોઈ કારમાં લાઈટની રચના જુદી હોય તો કોઈમાં સસ્પેન્શન સ્પ્રીંગો જુદી જાતની હોય. ભવિષ્યમાં સોએક વર્ષ પછી જયારે નવી જાતની કારો જન્મશે ત્યારે આપણી હાલની કારો પણ મ્યુઝીયમમાં મૂકી, આપણી ભાવિ પેઢીઓ તેને જોશે, એવા વિચાર આવી ગયા.
કાર મ્યુઝીયમ જોઈ અમે મુખ્ય મહેલમાં ગયા. મહેલ બે માળનો છે. રાજા ભગવતસિંહે એમના જમાનામાં આ મહેલને ખૂબ જ સજાવેલો. અત્યારે પણ આ સજાવટ જોવા મળે છે. મહેલનો દિવાનખંડ, ખુરસીઓ, સોફા, શિકાર કરેલ પ્રાણીઓનાં ડોકાં, અરીસા, ઝુમ્મરો, ગાદીતકિયાવાળી બેઠકો, ભોજનરૂમ, બાથરૂમ, ભવ્ય ગેલેરી – આ બધું જોવાનો બહુ જ આનંદ આવ્યો. ગેલેરીમાં ગોઠવેલું રાચરચીલું તો ઘણું જ ગમી ગયું. ઘણા ફોટા પડ્યા. ‘હમ દિલ દે ચૂકે હૈ સનમ’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ના અમુક અંશોનું શુટીંગ અહીં થયેલું. અત્યારે આ મહેલ એક હોટેલમાં ફેરવાઈ ગયો છે. સાત રૂમો ભાડે અપાય છે. એક દિવસનો રહેવા-જમવાનો ખર્ચ માત્ર 12500 રૂપિયા છે. જમવાનું શાહી પરિવારમાંથી આવે છે. અમારી સાથેના ગાઈડે અમને આ બધી વાતો કરી. ભગવતસિંહજીની પાંચમી પેઢીના વારસ હિમાંશુ, આ મહેલની પાછળના ભાગમાં જ રહે છે.
રાજા ભગવતસિંહ બહુ જ વિદ્વાન રાજવી હતા. તો આર્કિટેક્ટ, એન્જીનીયરીંગ, ડોક્ટર, વકીલ એમ બધા જ ક્ષેત્રોનું જ્ઞાન ધરાવતા હતા. તેમનાં રાજ્યમાં દરેક કુટુંબનાં બાળકો માટે ભણવાનું ફરજીયાત હતું. આજે પણ ભારતની બધી અગ્રગણ્ય કોલેજોમાં ભગવતસિંહની બે સીટો અનામત છે. રાજા શિસ્તના બહુ જ આગ્રહી હતા. તેમના વિષે વધુ વાત આગળ ઉપર કરીશું. એવું લાગ્યું કે ઓર્ચાર્ડ પેલેસ એક વાર જરૂર જોવા જેવો છે.
મહેલની બીજી બાજુ રેલ્વેનું એક નાનકડું પ્લેટફોર્મ બનાવેલું છે અને પાટા પર રેલ્વેનો એક ડબ્બો પડેલો છે. કહે છે કે એ જમાનામાં રાજા આ ડબ્બામાં બેસી બીજાં સ્થળોએ જતા. રેલ્વેનું એન્જીન અહીં લાવી, આ ડબ્બાને ખેંચી જઇ, મુખ્ય ટ્રેન સાથે જોડી દેવાની વ્યવસ્થા હતી. અમે આ ડબ્બામાં પેઠા અને અંદરની સગવડ જોઈ છક થઇ ગયા. સોફા, સુવા માટેની ગાદી, બાથરૂમ, પ્રસાધનો – એમ બધી સગવડ ડબ્બામાં હતી. અમને ‘પેલેસ ઓન વ્હીલ’ અને આજના પ્રધાનોના રેલ્વે અને વિમાનના પ્રવાસો યાદ આવી ગયા.
બપોર થઇ હતી. ભૂખ પણ લાગી હતી. એટલે પ્રોગ્રામ મૂજબ, અમે અહીંથી ચાલ્યા ગોંડલના સ્વામીનારાયણ મંદિરે. મંદિર બહુ જ ભવ્ય છે. વિશાળ બગીચો છે. રહેવા જમવાની સરસ સગવડ છે. ભોજનગૃહમાં જઈને જમ્યા. બાજુમાં વહેતી ગોંડલી નદી જોઈ. અક્ષર દેરી જોઈ. અહીંથી નીકળીને અમે રીવર સાઈડ પેલેસ ગયા. પેલેસનો બહારનો દેખાવ બહુ જ સરસ છે. ‘પ્રેમ રતન ધન પાયો’માં આ પેલેસ જોવા મળે છે. અત્યારે આ પેલેસ અંદરથી જોવા માટે બંધ છે. એટલે અમે ચાલ્યા નવલખા મહેલ તરફ.
ભગવતસિંહનો આ પેલેસ એ જમાનામાં નવ લાખ રૂપિયામાં તૈયાર થયો હતો. એટલે એનું નામ નવલખા પેલેસ પડી ગયું. મુખ્ય મહેલ ત્રણ માળનો છે. અમે ફરી ફરીને ત્રણે માળ જોયા. રાજા ભગવતસિંહ બહુ જ વિદ્યાપ્રેમી હતા. તેમણે ઉભી કરેલી લાયબ્રેરી અહીં મોજૂદ છે. તેમણે વસાવેલાં દેશવિદેશનાં સેંકડો પુસ્તકો આ લાયબ્રેરીમાં છે. તેમણે સૌ પ્રથમ વાર ગુજરાતી વિશ્વકોષ તૈયાર કરાવેલો. તેની મૂળ નકલ આ લાયબ્રેરીમાં છે. હાલ ગુજરાતી સાહિત્ય પરિષદે આધુનિક ગુજરાતી વિશ્વકોષ તૈયાર કર્યો છે, તે જોવાવાંચવા જેવો છે. ભગવતસિંહનાં પત્ની નંદકુંવરબા પણ પતિની પ્રવૃત્તિઓમાં એટલો જ રસ લેતાં.
ત્રીજે માળે દરબાર હોલ છે. રાજા અહીં સભા ભરીને બેસતા. અમે અહીં અમારા સભ્યોની સભા ભરી હોય એવા ફોટા પાડ્યા. હોલમાં દિવાલો પર ચિત્તા વગેરેનાં ડોકાં લગાવેલાં છે. આર રાજકુમાર ફિલ્મનું શુટીંગ અહીં થયેલું. આ મહેલમાં ઘડિયાળોનું કલેક્શન પણ છે.
મુખ્ય મહેલની બાજુના મકાનમાં ઢીંગલીઘર છે. અહીં દેશવિદેશની સેંકડો ઢીંગલીઓનો સંગ્રહ છે. નાનાં બાળકોને અહીં મજા પડી જાય એવું છે. જો કે આના કરતાં યે વધુ સારી ઢીંગલીઓ આજે બધે મળે છે, અને સામાન્ય માણસો પણ તે ખરીદી શકે છે.
એની બાજુનાં બે મકાનોમાં જાતજાતની ઘોડાગાડીઓનો સંગ્રહ છે. રાજાએ ઉપયોગમાં લીધેલી સોએક જેટલી ઘોડાગાડીઓ અહીં પ્રદર્શનમાં મૂકેલી છે. જોઇને નવાઈ લાગે. તેની બાજુના મકાનમાં રાજાની રોજિંદી વસ્તુઓનો સંગ્રહ છે. સવારના નાસ્તાનું ટેબલ, રાઈટીંગ ટેબલ, મોટા ફોટાઓ, રાજાનો સ્ટાફ સાથેનો ફોટો, મોટી તુલા, સર્ટીફીકેટો, રસોઈનાં વાસણો વગેરે છે. રાજાના પિતા સંગ્રામસિંહને તુલામાં સોનાથી તોલાતા. બા મોંઘીબા બહુ જ મરજાદી હતાં. તેઓ પોતાનું જમવાનું જાતે જ રાંધતાં.
બીજા એક મકાનમાં ઉપરના માળે તાંબાપિત્તળનાં વાસણોનો સંગ્રહ છે. તેની બાજુના મકાનમાં ક્રોકરી, પક્ષીઓ પરની ચોપડીઓ, ઈંડાં, રમકડાંની સેંકડો કારો, ટ્રોફીઓ વગેરે ચીજો મૂકેલી છે.
આ બધાં મકાનોની વચ્ચેના ભાગમાં આનંદમયી માતાનું મંદિર છે. હાલના વારસદાર રાજા આ મંદિરની મુલાકાતે અવારનવાર આવે છે. તે વખતે મહેલનો બધો સ્ટાફ ખડેપગે હાજર હોય છે. રાજાની હાજરીમાં શિસ્તપૂર્વક કેવી રીતે વર્તવું, એની ટ્રેનીંગ સ્ટાફને આપવામાં આવે છે. ગાઈડે અમને આ બધું સમજાવ્યું.
વિશાળ મહેલના બધા વિભાગો જોઇને થાક્યા. છેલ્લે મુલાકાત બુકમાં મહેલ વિશેની સારીનરસી બાબતોની નોંધ લખી. આ નવલખા મહેલના બધા વિભાગો જોવાની એક જણની ટીકીટ 230 રૂપિયા છે, તે બહુ વધારે લાગી. આમ છતાં, ગોંડલના બધા મહેલો ગમ્યા તો ખૂબ જ. મનમાં તે બહુ યાદ રહી ગયા છે.
ગોંડલથી 25 કી.મી. દૂર ખંભાલીડા ગામમાં બુદ્ધ શૈલ ગુફાઓ છે. ગોંડલથી વીરપુર અને કાગવડ થઈને ખંભાલીડા જવાય છે. આ ગુફાઓ ત્રીજી અને ચોથી સદીમાં કોતરાયેલી છે. ગુફાના પ્રવેશદ્વાર પર એક બાજુ બોધિસત્વ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને બીજી બાજુ વજ્રપાણિ અવલોકિતેશ્વરનાં પૂરા કદનાં શિલ્પો કંડારેલાં છે. ભારતમાં આ પ્રતિમાઓ કલાની દ્રષ્ટિએ અનન્ય છે. ગુજરાતમાં પ્રાચીન શિલ્પો ધરાવતી માત્ર આ એક જ ગુફા છે. સાતવડાની ડુંગરમાળાની ગોદમાં આવેલી આ બૌદ્ધ ગુફાઓની શોધ પુરાતત્વ વિભાગના શ્રી પી. પી. પંડ્યાએ કરેલ છે.
અમે નીચે ઉતરીને આ ગુફાઓ જોઈ. કોતરણી ઘણી જ સરસ છે. ચારેક જેટલી ગુફાઓ છે. ગુફાઓ અંદર જઈને જોઈ. તે અજંતા-ઈલોરા જેવી દેખાય છે. ઘણા બધા ફોટા પાડ્યા. પછી પગથિયાં ચડીને ઉપર આવ્યા. અહીં હજુ વધુ ખોદકામ કરવા જેવું ખરું. નજીકમાં બુદ્ધને લાગતું કંઇક બાંધકામ થતું હોય એવું લાગે છે. જયારે આ બધું થશે ત્યારે વધુ લોકો મુલાકાતે આવશે, એવું ધારી શકાય. કાગવડમાં પટેલ સમાજનું પ્રખ્યાત ખોડલધામ મંદિર છે. વીરપુર એટલે જલારામ બાપાનું સ્થાન.
સાંજ પાડવા આવી હતી. આજે રાતનો મુકામ જામનગર સ્વામીનારાયણ મંદિરમાં રાખેલો હતો. એટલે ખંભાલીડાથી ગોંડલ, રાજકોટ થઈને જામનગર પહોંચ્યા. રસ્તામાં એક હોટેલમાં જામી લીધું. ગોંડલથી રાજકોટ 42 કી.મી. અને ત્યાંથી જામનગર 92 કી.મી. દૂર છે. જામનગર પહોંચી સીધા સુઈ જ ગયા.
બીજે દિવસે નરારામાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (Marine National Park) જોવા જવાનું હતું. સવારે મંદિરમાં દર્શન કરી, ચાનાસ્તો કરીને નીકળી પડ્યા. મંદિર ઘણું જ વિશાળ છે. આગળ મોટો બગીચો છે. દેખાવ ઘણો જ સુંદર છે. જામનગરથી મોટી ખાવડી થઇ, આશરે પચાસેક કી.મી.નું અંતર કાપી નરારા પહોંચ્યા. મોટી ખાવડી એટલે રીલાયન્સની રીફાઈનરીનું સ્થળ. નરારા કચ્છના અખાતના દરિયા કિનારે આવેલું છે. નરારા નજીક આવ્યું એટલે બોર્ડ નજરે પડ્યું, ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, નરારા નેચરલ એજ્યુકેશન કેમ્પ સાઈટ’. ઓફિસે પહોંચી, ગાઈડ કરી લીધો.
અહીંના દરિયાની થોડી વાત કરું. અહીં રોજ બે વાર ભરતી આવે છે. ભરતીનો ટાઈમ રોજ જુદો જુદો હોય. ભરતી આવે ત્યારે દરિયાનું પાણી આશરે ચારેક કી.મી. જેટલું ધસી આવે. પછી ઓટ આવે ત્યારે આ પાણી પાછું જતું રહે. તળિયું ખુલ્લું દેખાય, માત્ર થોડું જ પાણી રહે. ભરતી વખતે ખેંચાઈ આવેલા દરિયાઈ જીવો આ છીછરા પાણીમાં રહી જાય. આ છીછરું પાણી એ જ નેશનલ પાર્ક. ઓટ વખતના આ છીછરા પાણીમાં, આરામથી 4 કી.મી. જેટલું, દરિયામાં જઇ શકાય.
અમે નરારા ગયા તે દિવસે, ભરતીનો ટાઈમ સવારના 7 વાગ્યાનો હતો. અમે ગાઈડને લઈને દરિયા કિનારે પહોંચ્યા ત્યારે સવારના દસ વાગી ગયા હતા. ઓટને કારણે પાણી ઓસરી ગયાં હતાં. અમે દરિયાના છીછરા પાણીમાં ચાલવાનું શરુ કર્યું. અહીં ચાલવા માટે મજબૂત સ્પોર્ટ્સ શુઝ પહેરવા પડે. બેચાર જણના સાદા ચંપલ તો થોડી વારમાં તૂટી ગયા. તેમણે પગ પર હાથરૂમાલ કે દુપટ્ટો બાંધીને ચલાવ્યું. ખુલ્લા પગે તો ચલાય જ નહિ. દરિયાના પત્થરો પગને છોલી કાઢે. રેતી અને પત્થરોમાં ચાલવું અઘરું છે.
ગાઈડ અમને બધું સમજાવતો હતો. ક્યાંક દરિયાઈ પ્રાણી નજરે ચડી જાય ત્યારે તે હાથમાં લઇ અમને બતાવતો હતો. અમને તે હાથમાં પણ આપતો હતો. આ રીતે અમે કરચલો, દરિયાઈ ઘોડો, ઓકટોપસ, કકુમ્બર વગેરે જીવો જોયા. દરિયામાં અસલી જીવસૃષ્ટિ જોવા મળી તેનો ઘણો આનંદ થયો. આશરે ત્રણેક કી.મી. જેટલું જઇ પાછા વળ્યા. આટલે અંદર ગયા પછી ચારે બાજુ નજર કરો તો મધદરિયે ઉભા હોઈએ એવું લાગે. ચાલીને દરિયો માણવાની મજા આવી ગઈ. પાછા વળતી વખતે ધ્યાન ના રાખ્યું હોય તો, જ્યાંથી ગયા હોઈએ તેના કરતાં જુદી જગાએ કિનારે પહોંચાય, ખોવાઈ જવાય, રસ્તો બતાવનારું કોઈ ના મળે.
કિનારે અમારા પાર્કીંગમાં પહોંચી, થોડી વાર આરામ કર્યો. પછી જામનગર સ્વામીનારાયણ મંદિરે પાછા આવ્યા. રસ્તામાં એક હોટેલમાં જામી લીધું. બપોર પછી આરામ કર્યો. થોડા લોકો શહેરમાં ખરીદી કરવા ઉપડી ગયા.
બીજે દિવસે ખીજડીયા પક્ષી અભ્યારણ્ય જોવા જવાના હતા. સવારે નાસ્તો કરીને નીકળી પડ્યા. જામનગરથી રાજકોટના રસ્તે પાંચેક કી.મી. ગયા પછી, ડાબી બાજુ 7 કી.મી જાવ એટલે ખીજડીયા આવે. અહીં Khijadia Bird Sanctuary નું બોર્ડ મારેલું છે. ટીકીટ લીધી, ગાઈડ કર્યો અને અભ્યારણ્યમાં પ્રવેશ્યા. અંદર ગાડીઓ જઇ શકે એવા કાચા રસ્તા છે. અભ્યારણ્ય બે ભાગમાં વહેંચાયેલું છે. રસ્તાની ડાબી બાજુના ભાગ-1 માં દરિયાનું ખારું પાણી અને જમણી બાજુ મીઠું પાણી જોવા મળે છે. અહીં ઠેર ઠેર નાનાં તળાવ બનાવેલાં છે કે જેથી પક્ષીઓને પૂરતું પાણી મળી રહે. જો કે આ વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાથી, પાણી ઓછું છે અને પક્ષીઓ પણ ઓછાં છે. જો પક્ષીઓ મોટી સંખ્યામાં હોય તો જોવાની ઓર મજા આવે. તળાવોને કિનારે પક્ષીઓને નીરખવા માટે બેઠકો પણ બનાવેલી છે. અહીં ગજપાઉં, મોટો ગડેરો, દરિયાઈ ધોમડી, ભુલામણી ઢોંગીલી, ટીટોડી, કાળો કોશી, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. ક્યાંક વોચ ટાવર પણ ઉભા કરેલા છે, તેના પર ચડી, દૂર દૂર સુધીનું દ્રશ્ય દેખાય છે.
અમે ભાગ-2 જોયા પછી ભાગ-1 માં દાખલ થયા. અહીં પણ પક્ષીઓ ઓછાં જ હતાં. આ ભાગ દરિયા તરફનો હોવાથી મેન્ગ્રોવનાં ઝાડ પુષ્કળ હતાં. આ ઝાડ સામાન્ય ઝાડ કરતાં ચાર ગણો ઓક્સીજન આપે છે. દુકાળના વખતમાં પ્રાણીઓ મેન્ગ્રોવનાં પાન ખાઈને જીવી શકે છે.
ખીજડીયા જોયા પછી, બાલાચડી સૈનિક સ્કુલ આગળના દરિયા કિનારે પણ લટાર મારી આવ્યા. પછી રાજકોટના મૂળ રોડ પર આવ્યા. એક હોટેલમાં જમ્યા અને ચાલ્યા ચોટીલા તરફ. રાજકોટથી ચોટીલા 48 કી.મી. દૂર છે. ચોટીલામાં બે વસ્તુ જોવા જેવી છે. એક તો ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાનું મંદિર અને બીજું, થાનગઢ તરફ આશરે 15 કી.મી. દૂર આવેલું ઝરિયા મહાદેવ. અમારામાંના મોટા ભાગના લોકો ડુંગર ચડવા ગયા અને પાંચેક જણ ઝરિયા મહાદેવ જોવા ઉપડ્યા. ડુંગર પર 635 પગથિયાં ચડવાનાં છે. અહીં ભક્તો માતાજીનાં દર્શન કરી, પોતાની મનોકામના પૂરી કરવા માતાજીના આશીર્વાદ માંગે છે. ડુંગર પર અને ચોટીલામાં યાત્રિકો માટે રહેવા જમવાની સારી સગવડ છે. દરરોજ હજારો યાત્રાળુઓ અહીં દર્શને આવતા હોય છે.
ઝરિયા મહાદેવમાં નીચે એક નાનકડી પત્થરની ગુફામાં શંકર ભગવાન બિરાજે છે. બાજુમાં એક પીપળો છે. પીપળાના થડ પરથી અને ગુફાની છત પરથી બારે માસ પાણી ઝમીને આવે છે અને તેનો લીંગ પર અભિષેક થાય છે. એથી એને ઝરિયા મહાદેવ કહે છે. આ પાણી શુદ્ધ મીનરલ વોટર જેવું છે. અહીં લાઈટની વ્યવસ્થા નથી. તેથી દર્શન કરવામાં પૂરતું અજવાળું નથી મળતું. મંદિર નજીક જંગલઝાડી ખૂબ જ છે. ગૌશાળા અને બેચાર દુકાનો છે. અહીં શીવજીનાં દર્શન કરીને અપાર શાંતિ મળે છે.
હવે અમારો પ્રવાસ પૂરો થયો હતો અને વડોદરા-ભરૂચ પહોંચવાનું હતું. ચોટીલાથી લીમડી, બગોદરા અને વટામણ ચોકડી થઈને અમે વડોદરા પહોંચ્યા ત્યારે રાતના બાર વાગ્યા હતા. ચોટીલાથી વટામણ ચોકડીનું અંતર 143 કી.મી. છે. પાંચ દિવસમાં ઘણાં સ્થળ જોયાં. આ બધું જોઇને લાગ્યું કે ગુજરાતમાં ઘણી ઘણી જોવાલાયક જગાઓ છે. પ્રવાસમાં બધા મિત્રોની હુંફ, લાગણી અને એકબીજા પ્રત્યેની ભાવના બહુ જ અદભૂત રહી, એ જ તો પ્રવાસની મજા છે.