ડાંગના દર્શને
ગુજરાતનો ડાંગ જીલ્લો કુદરતી સૌન્દર્યથી ભરપુર છે. અહીં ગીરા, ગીરામલ, ક્રેબ, ચીમેર જેવા કેટલા યે નાનામોટા ધોધ છે, પૂર્ણા, અંબિકા જેવી ખડખડ વહેતી નદીઓ છે, જંગલો, ટેકરીઓ, ઉંચાનીચા રસ્તા, ઝરણાં, કુદરતને ખોળે વસતા લોકો – એમ ઘણું બધું છે. સર્વત્ર પથરાયેલી હરિયાળી અને વાદળોથી વીંટળાયેલી ટેકરીઓ જોવાનો લ્હાવો અદભૂત છે. ચોમાસામાં કુદરતી સૌન્દર્યનો નઝારો માણવો હોય તો ડાંગ પહોંચી જવું જોઈએ.
અમે ડાંગની શોભા નીરખવા ઓગસ્ટ મહિનામાં ચાર દિવસનો પ્રવાસ ગોઠવી કાઢ્યો. મહાલના ફોરેસ્ટ રેસ્ટ હાઉસમાં બે રાત રહેવાનું બુકીંગ પણ કરાવી લીધું. અમે આ અગાઉ ત્રણેક વાર ડાંગ જઇ આવ્યા હતા. દરેક વખતે ડાંગમાં જુદી જુદી જગાઓ જોઈ હતી. ગીરા ધોધ, ગીરામલ ધોધ, ગૌમુખ, શબરીધામ, પંપાસરોવર, ચીમેર ધોધ, ક્રેબ ધોધ – આ બધું જોયેલું હતું. પણ ડાંગમાં જોવાલાયક સ્થળોની ક્યાં ખોટ છે? આ વખતે અમે માયાદેવી, રૂપગઢ, પૂર્ણા ધોધ, મહાલ કેમ્પસાઈટ, બરડા ધોધ, પાંડવગુફા, ડોન વગેરે સ્થળોનો કાર્યક્રમ ગોઠવ્યો. કુદરતની મજા માણવા અમારી સાથે ઘણા મિત્રો તૈયાર થઇ ગયા. નાનામોટા મળીને અમે વીસ જણા ભરૂચથી પાંચ ગાડીઓમાં નીકળી પડ્યા. સાથે ઘરનો નાસ્તો અને ખીચડી વગેરે પકવવાનો સામાન પણ લીધો. અમારામાં એક ભાઈ શ્રી કમલેશભાઈ રસોઈ બનાવવામાં ઉસ્તાદ હતા.
ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ પડી ગયો હતો. એટલે ડાંગમાં સર્વત્ર લીલોતરી અને નદીઓમાં પૂરતું પાણી હતાં. અંકલેશ્વર, વાલિયા, ઝંખવાવ અને માંડવી થઈને અમે વ્યારા પહોંચ્યા. ભરૂચથી વ્યારાનું અંતર 110 કી.મી. છે. બપોરનું જમવાનું અમે વ્યારા હોટેલમાં જ પતાવી દીધું. એક ગાડીની બ્રેક બગડી, તે પણ રીપેર કરાવી લીધી, અને ગાડીઓ ઉપાડી ભેંસકાતરી તરફ.
વ્યારા છોડતાં જ ડાંગ જીલ્લો શરુ થઇ જાય છે. અહીંના રસ્તાઓ શહેરી રસ્તા જેવા વિશાળ નથી. રસ્તા સાંકડા પણ સામસામે આવતાં વાહનો આરામથી પસાર થઇ શકે. રસ્તાઓ પર ટ્રાફિક તો સાવ નહીવત છે. અહીં વસ્તી ઓછી છે અને તે નાનાં નાનાં ગામડાંમાં જ વસેલી છે. અહીં કોઈ મોટું આધુનિક શહેર નથી. આહવા જ એક માત્ર મોટું ગામ છે. ગામડાંમાં વસેલાં લોકો ખેતી અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભણતર બહુ જ ઓછું છે. અહીં કોઈ ઉદ્યોગો કે કારખાનાં છે જ નહિ. પ્રદૂષણ થવાનો તો કોઈ સવાલ જ નથી. એથી તો કુદરતી સુંદરતા અકબંધ જળવાયેલી છે.
વ્યારાથી થોડું ગયા પછી પૂર્ણા નદી અમારી સાથે થઇ ગઈ. આંબાપાણી ગામ આગળ, પૂર્ણામાં એક ચેકડેમ નજરે પડ્યો. જંગલના શાંત વાતાવરણમાં ચેકડેમનું દ્રશ્ય બહુ જ સરસ લાગતું હતું. ભેંસકાતરી ગામ આવ્યું. ગામ કંઇ મોટું નથી. ઝૂંપડા જેવાં દસ બાર ઘરો જ હતાં. અહીં ખડખડ વહેતી પૂર્ણા નદી જોવા જેવી છે. વ્યારાથી ભેંસકાતરીનું અંતર 25 કી.મી. છે. ભેંસકાતરીથી માયાદેવી માત્ર ત્રણેક કી.મી. ના અંતરે છે. અમે માયાદેવી પહોંચ્યા. પ્રવેશ આગળ, ‘સુસ્વાગતમ, માયાદેવી મંદિર’ નું બોર્ડ છે. બોર્ડથી એક કી.મી. ગયા પછી, રામેશ્વર મહાદેવ નામનું શીવમંદિર આવે છે. બાજુમાં હનુમાન મંદિર છે. મંદિર આગળ બગીચો છે. બાળકોને રમવા માટે હીંચકા, લપસણી વગેરે છે. એક દુકાન છે, ત્યાં ચા-નાસ્તો મળે છે. બહુ જ સરસ જગા છે. અહીં બીજી કોઈ વસ્તી નથી. મંદિર આગળ બેઘડી આરામ ફરમાવવાનું મન થઇ જાય એવું છે. માયાદેવીની ઉત્પત્તિ કેવી રીતે થઇ તેનો ઈતિહાસ દર્શાવતું અહીં બોર્ડ મારેલું છે.
અહીં ખાસ જોવા જેવી વસ્તુ તો મંદિરની પાછળ પૂર્ણા નદી અને તેના પર બાંધેલો ચેકડેમ છે. દર્શન કરીને અમે પાછળ ગયા. વાહ ! શું સરસ દ્રશ્ય હતું ! અહીં ચેકડેમ પરથી છલકાઈને ખડકો પર પડતું પાણી જે પ્રવાહ પેદા કરે છે, તે જોવા જેવો છે. જાણે કે કોઈ ધોધ જ જોઈ લ્યો. ધસમસતું આ પાણી ખીણમાં ધોધરૂપે પડીને આગળ વહે છે. એ જબલપુર પાસેના ધુંઆધાર ધોધની યાદ અપાવી જાય છે. ચેકડેમ ઉપર ભરાયેલું સરોવર પણ ભવ્ય લાગે છે. અમે થોડાં પગથિયાં ઉતરી ખીણ આગળ પહોંચ્યા. ખીણની એક ધારે ભગવા કલરની એક નાની દેરી છે. બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, હિમાલયની પુત્રી દેવી, રાક્ષસ પાછળ પડતાં, અહીં પૂર્ણાની ખીણમાં સંતાઈ ગઈ હતી. માબાપે તેને શોધીને શીવજી સાથે પરણાવી અને રાક્ષસને માયા છોડવા જણાવ્યું. આથી આ સ્થળ માયાદેવી કહેવાય છે.
અમે ખીણની આજુબાજુ ખડકો પર ફર્યા, ફોટા પડ્યા. પછી ચેકડેમની સાવ નજીક ગયા. મંદિરની પાછળ એક ઢાળ ઉતરીને પણ ચેકડેમની નજીક જવાય છે. ચેકડેમ બિલકુલ નજીકથી જોયો. ખડકો પર અથડાતા અફળાતા પાણીનો જોરદાર અવાજ અને ખીણમાં ધોધરૂપે પડતા પાણીનું દ્રશ્ય અદભૂત છે. પાણીની નજીક જવાય પણ તેમાં પગ બોળાય કે ઉતરાય એવું નથી. જો ઉતરો તો ગયા જ સમજો. પાણીનો સખત પ્રવાહ અને ખીણમાં પડતું પાણી – તમને કોઈ જ બચાવવા ના આવી શકે.અમે અહીં ખડકો પર બેઠા, ફર્યા, ફોટા તો ઘણા જ પાડ્યા. અને પછી મનમાં એક સરસ સ્થળ જોયાનો આનંદ માણીને પાછા ફર્યા.
અહીંથી અમે 10 કી.મી. દૂર કાલીબેલ ગામે પહોંચ્યા. અહીં કોસમલ નામનો કોઈ ધોધ છે, પણ એમાં ખાસ પાણી નથી, એવું જાણતાં ત્યાં ગયા નહિ, અને બરડીપાડા તરફ ચાલ્યા. કાલીબેલથી બરડીપાડા 7 કી.મી. દૂર છે. વચમાં ભાંગરાપાણી ફોરેસ્ટ થાણું આવે છે. અહીંથી રૂપગઢ નામની ટેકરી પર આવેલો કિલ્લો જોવા જવાય છે. આ કિલ્લો ગાયકવાડી રાજા પિલાજીરાવે ઈ.સ. 1721માં બંધાવેલો. હાલ તે જીર્ણ થઇ ગયો છે. માત્ર એક તોપ, વખાર અને પાણીની ટાંકી જ જોવા મળે છે. ગાઢ વનરાજી વચ્ચે ચાલીને, ચઢીને જ જવું પડે. એક દિવસનો ટ્રેકીંગ પ્રોગ્રામ બનાવીને જઇ શકાય. અત્યારે સાંજના પાંચ વાગ્યા હતા, સાંજ સુધીમાં અમારા મુકામે મહાલ પહોંચવું હતું, એટલે રૂપગઢ જવાનું માંડી વાળ્યું અને બરડીપાડા પહોંચ્યા.
બરડીપાડાથી મહાલ આશરે 15 કી.મી. દૂર છે. આ રસ્તે જતાં ડાબી બાજુ ગીરા નદી રોડની સાથે થઇ જાય છે. બરડીપાડાથી 4 કી.મી. પછી, એક જગાએ આ નદી નાના ધોધરૂપે પડતી દેખાય છે. ખડકોમાં વહેતી આ નદીનાં દ્રશ્યો બહુ જ સરસ લાગે છે. એ બધું ફોટોજીનીક છે. ગીરા નદી, આગળ જઈને વાલોડ આગળ પૂર્ણાને જ મળી જાય છે.
થોડું આગળ ગયા પછી ધુલદા જવાનો રસ્તો પડે છે. પછી આગળ જતાં, રસ્તા પર જ ક્રેબ નામનો ધોધ આવે છે. આ ધોધ બહુ જ સરસ છે. એમાં નહાવાય એવું છે. આગળ જતાં, જમણી બાજુ પૂર્ણા નદી દેખા દે છે. મહાલ આવવાનું 1 કી.મી. બાકી રહે ત્યારે, પૂર્ણા નદીમાં એક ધોધ પડે છે. એમાં પણ નહાવાની મજા આવે એવું છે. અમે ગાડીઓ ઉભી રાખી, નદીમાં ઉતરી, આ ધોધ જોઈ આવ્યા. અત્યારે અંધારું પડવા આવ્યું હતું, એટલે નહાવાનું મુલતવી રાખી, મહાલ પહોંચ્યા.
મહાલ પણ દસબાર ઘરની વસ્તીવાળું નાનકડું ગામડું જ છે. પણ આ ગામ ડાંગ જીલ્લાના લગભગ સેન્ટરમાં આવેલું છે, એટલે જાણીતું છે. વળી અહીં, પૂર્ણાને કિનારે જંગલ ખાતાનું રેસ્ટ હાઉસ છે, તથા ચારેક કી.મી. દૂર મહાલ કેમ્પ સાઈટ આવેલી છે. એટલે ફરવા આવનારા લોકો અહીં રહેવાનું રાખે છે. અમે રેસ્ટ હાઉસમાં ગયા. બુકીંગ કરાવેલું હતું એટલે રૂમો તરત જ મળી ગઈ. અમે સાથે પૂરી, શાક, મઠો, ઢોકળાં, અથાણું, ચટણી એવું બધું લાવેલ હતા, એટલે રૂમોની લોબીમાં બેસીને જમ્યા. બહુ જ મજા આવી ગઈ. આવા જંગલમાં આવું સરસ ગુજરાતી ભોજન ક્યાંથી મળે? રૂમો સરસ હતી. રૂમમાં એટેચ્ડ સંડાસ, બાથરૂમ, પલંગો,વધારાનાં ગાદલાં-એમ બધી જ સગવડ હતી. એ.સી. પણ ખરું.
રૂમોની પાછળની મોટી ગેલેરીમાંથી પૂર્ણા નદી દેખાતી હતી. નદીમાં ચેકડેમ હતો, તેનું મધુરું સંગીત સંભળાતું હતું. નદીને સામે કિનારે અડાબીડ જંગલો હતાં. રૂમો આગળ ઝાડપાન અને સુંદર બગીચો હતાં. થોડી ગપસપ લગાવીને, મચ્છર અગરબત્તી સળગાવીને થાક્યાપાક્યા ઉંઘી ગયા. એક દિવસ પૂરો.
બીજે દિવસે સવારે, પેલા એક કી.મી. દૂર આવેલા, પૂર્ણા નદીમાં પડતા ધોધમાં નહાવા જવાનો પ્લાન હતો. એટલે રૂમો પર નાહ્યા નહિ. અમે બ્રેડબટર અને જામ લઈને આવેલા, તેનો નાસ્તો કરી લીધો અને નદીએ ધોધમાં નહાવા ઉપડ્યા. નદીમાં ઉતર્યા.વાહ ! શું સરસ ધોધ ! અમે બધા જ ધોધમાં ખૂબ ખૂબ નાહ્યા, ધરાઈ ધરાઈને નાહ્યા. ધોધનું પાણી બરડા પર પડે ત્યારે કોઈ ડંડા મારતું હોય એવું લાગે, છતાં તેમાં ય મજા આવતી હતી. નાહ્યા પછી, પૂર્ણાનાં વહેતાં પાણીના કિનારે બેઠા. પાણી ખડખડ વહેતાં હતાં. પૂર્ણા, હિમાલયની કોઈ નદી જેવી લાગતી હતી. જાણે કે હિમાલયના બદરીનાથ કે સિમલા જેવા કોઈ વિસ્તારમાં પહોંચી ગયા હોઈએ એવું લાગતું હતું. ગુજરાતના ડાંગના વિસ્તારમાં હિમાલય જેવી અનેક જગાઓ છે. આ જગાઓ જોવા અને માણવા જેવી છે. ચાર દિવસની ડાંગની ઉડતી મુલાકાતમાં બધું જોવા ના મળે, એ માટે તો દર વર્ષે ડાંગમાં ટ્રેકીંગ કરવા આવવું પડે.
પૂર્ણા નદીમાં ઉતરાય એવું નથી. ક્યાં ખાડો આવી જાય એની ખબર ના પડે. નદીની મજા તો કિનારે બેસીને જ લઇ શકાય. પછી અમે રૂમો પર પાછા આવ્યા, અને નીકળ્યા જામલાપાડા તરફ. મહાલથી જામલાપાડા, ચનખલ અને લશ્કરીયા થઈને આહવા જવાય છે. મહાલથી આહવા 28 કી.મી. દૂર છે. મહાલથી 12 કી.મી. પછી જામલાપાડા આવ્યું. રસ્તામાં અમે બેત્રણ જગાએ ઉતરી આજુબાજુના કુદરતના નઝારાને માણ્યો.જામલાપાડાથી સાઈડમાં એક કી.મી. જેટલું ટ્રેકીંગ કરીને એક ધોધ જોવા જવાય છે. બહુ સરસ જગા છે. પણ અમે એ બાકી રાખી, આગળ ચાલ્યા. આઠ કી.મી. પછી ચનખલ ગામ આવ્યું. અહીંથી મુખ્ય રસ્તાથી ડાબી બાજુએ લગભગ અઢી કી.મી. જેટલું ચાલીને બરડા ધોધ જવાય છે.
અમે બરડા જવાનું નક્કી કર્યું. ગાડીઓ ચનખલમાં મૂકી દીધી. ચનખલ, ડાંગનાં બીજાં ગામ જેવું નાનુંસરખું ગામ છે. અમે એક જણના ઘર આગળ ઉભા હતા. ઘર સરસ હતું. બારણે તોરણ લટકાવેલું હતું. આંગણામાં હીંચકો હતો. અમને જોઇને ગામનાં છોકરાં ભેગાં થઇ ગયાં. અમે તેમને ચોકલેટો વહેંચી. ઘડોદેગડો લઈને પાણી ભરવા જતી ગામડાની છોકરીઓ જોઈ. ગામડાનો માહોલ જોઇને બહુ આનંદ થયો. અમે ચાલીને બરડા ધોધ જવાનો રસ્તો પૂછી લીધો, અને ચાલવા માંડ્યું. એકબે છોકરાંને સાથે લેવાનું વિચાર્યું, તો દસેક છોકરાં અમારી સાથે જોડાઈ ગયાં. ખેતરોમાં પગદંડીએ જવાનું હતું. ખેતરોમાં ખાસ તો બધે મકાઈનો પાક દેખાતો હતો. વચ્ચે ઝુંપડા જેવાં કોઈક ઘર આવતાં હતાં. ડાંગમાં નાગલી નામનું બાજરી જેવું અનાજ પાકે છે. અહીંના લોકો એના રોટલા બનાવીને ખાય છે. અમે એક ઝુંપડાવાસીને આવા રોટલા બનાવી આપવા કહ્યું. તે કહે, ‘તમે ધોધ જોઇને આવો, ત્યાં સુધીમાં રોટલા બનાવી રાખું છું. પાછા વળતાં લેતા જજો.’ અમે ચાલવા માંડ્યું.
દોઢેક કી.મી. જેટલું સમતલ ધરતી પર ચાલ્યા પછી ઉતરાણ આવ્યું. લગભગ એક કી.મી. જેટલું અંતર ઢાળ પર ઉતરવાનું હતું. પછી ઉંડે ખીણમાં બરડા ધોધ હતો. અમે ધીરે ધીરે, વળાંકો લેતો ઢાળ ઉતરવા માંડ્યો. ઘણા બધાએ લાકડીઓ સાથે લીધી હતી. હા, પાછા વળતાં આ ઢાળ ચડવાનો પણ હતો ને? વચમાં એક વૃદ્ધ ગ્રામ્ય પુરુષ મળ્યા. તે પણ અમારી સાથે જોડાયા. છેલ્લે એક ઝરણું ઓળંગી, ધોધની સામે પહોંચ્યા. ધોધનો શું સરસ દેખાવ હતો ! આશરે પચીસેક મીટર ઉંચેથી ખડકો પર વહીને સફેદ દૂધ જેવું પાણી નીચે તલાવડીમાં પડે છે. ધોધના દર્શનથી અમે મુગ્ધ થઇ ગયા.અમે તલાવડીની સામે હતા.તલાવડી બહુ જ ઉંડી હતી. તેમાં ઉતરીને ધોધને અડકવા તો જવાય જ નહિ. હા, એક બાજુના ખડકો પર ચડીને ત્યાં જવાય, પણ એ તો એવરેસ્ટ ચડવા જેવું દુષ્કર લાગે. એટલે અમે અહીં સામે જ ખડકો અને પત્થરો પર ગોઠવાઈ ગયા. ક્યાંય સુધી ધોધને જોયો. મન સંતુષ્ટ થઇ ગયું. કેટલાંક નાનાં છોકરાં તો સામે પહોંચ્યાં હતાં, તેઓ તો ધોધની બાજુમાં ઉભાં રહી, તલાવડીમાં ડૂબકી મારતાં હતાં ! પણ એ તો નાનપણથી જ શીખેલાં. એ એમને જ આવડે.
તલાવડીમાંથી ખડકોમાં થઈને પાણી આગળ વહી જાય છે, એ કોઈ નદીમાં જતું હશે. અમે ઘણા ફોટા પાડ્યા. ચનખલના એક ખેડૂતબંધુ, આ તલાવડીનું પાણી પંપથી ઉપર ચડાવી, ખેતરમાં શાકભાજી ઉગાડવાનો ધંધો કરે છે, એવું જાણ્યું. ઘણું સરસ કહેવાય.
ધોધનાં દર્શનથી તૃપ્ત થયા પછી, અમે પાછા વળ્યા. થોડું ચાલ્યા પછી, ઢાળ ચડતા પહેલાં, પેલા ઝરણા નજીક એક સપાટ જગાએ બેઠા. પાથરણું તથા થેપલાં-અથાણું સાથે લઈને આવ્યા હતા. પેલાં છોકરાંએ એ ઉંચકવામાં મદદ કરી હતી. ભૂખ તો લાગી જ હતી. અહીં બેસીને અમે થેપલાં ખાધાં. થેપલાંનો સ્વાદ અદભૂત હતો. પેલાં છોકરાં અને વૃદ્ધ કાકાને પણ જમાડ્યા. ઝરણાનું પાણી પીધું. વનભોજનનો લ્હાવો માણ્યો. પછી ઢાળ ચડવા માંડ્યો. લાકડીના ટેકે, હાંફતા, ઉભા રહેતા, પરસેવે રેબઝેબ એમ કરીને એક કી.મી.નો ઢાળ ચડી ગયા. પછી, ખેતરોમાં ચાલતા, પેલા ઝુંપડાવાસી પાસેથી નાગલીના રોટલા લીધા, તેને પૈસા પણ આપ્યા અને ચનખલ પહોંચ્યા.
ચનખલથી પાછા વળ્યા મહાલ તરફ. અમારી રૂમોએ જતા પહેલાં, 4 કી.મી. દૂર આવેલી કેમ્પસાઈટ જોવા ચાલ્યા. ગાડી દીઠ 200 રૂપિયાની ફી છે. જંગલોની વચ્ચે, પૂર્ણાને કિનારે વનવિભાગે ઉભી કરેલી કેમ્પસાઈટ ઘણી સરસ છે. અહીં રહેવા માટે વાંસ અને ઘાસની બનાવેલી રૂમો છે. રસોઈ બનાવવા માટે રસોડું છે. જમવા બેસવા માટે મોટો પેવેલિયન (મંડપ) છે. ત્રણ માળ ઉંચે ઝાડ પર બાંધેલી બે ઝુંપડીઓ છે. તેમાં ચડવા વાંસનાં પગથિયાંની સીડી બનાવેલી છે. ડાંગનાં જંગલોમાં વાંસ ખૂબ જ થાય છે. કેમ્પસાઈટમાં વચ્ચે વિશાળ ખુલ્લું મેદાન છે. ઝાડ પરની ઝુંપડીઓમાંથી પૂર્ણા નદીનું દૂર દૂર સુધીનું દર્શન થાય છે. અહીંથી પૂર્ણા જાજરમાન લાગે છે. અહીં રહેવા માટે આહવા વનવિભાગની ઓફિસે અગાઉથી બુકીંગ કરાવવું પડે છે. પણ અહીં બેચાર દિવસ રહેવાની બહુ જ મજા આવે. આ બધું જોઈ અમે અમારા મહાલના રેસ્ટ હાઉસ પર પાછા આવ્યા.
સાંજ પડી ગઈ હતી. આજે જમવામાં અમારા રસોઈ નિષ્ણાત ભાઈ ખીચડી, શાક અને કઢી જાતે બનાવવાના હતા. તે માટેનો સામાન તો બધો ભરૂચથી લઈને જ આવ્યા હતા. રેસ્ટ હાઉસમાં એક ઓસરીમાં અમને ખીચડી બનાવવાની છૂટ આપી. પત્થરોથી ટેકવેલો ચૂલો પણ હતો. ખીચડી અને શાકનાં તપેલાં ચૂલા પર ચડ્યાં. સ્ત્રીઓ અને અમારામાંનાં છોકરાં પણ ઉત્સાહથી કામે લાગી ગયાં. અમે બધા બેઠા બેઠા રસોઈકલાને જોઈ રહ્યા હતા. ભરૂચ કે અમદાવાદમાં અમને રસોઈ તરફ નજર કરવાનો ક્યારે ય ટાઈમ મળે ખરો? અહીં તો આ બધામાં ખૂબ આનંદ આવ્યો. એક કલાકમાં તો બધુ તૈયાર. તપેલાં બધાં રૂમોની લોબીમાં લઇ જઇ, જમવા બેસી ગયા. ખીચડી, કઢી, બટાટા-રીંગણનું શાક, પાપડ, અથાણું અને છાશ ! જમવામાં કંઇ મણા રહે ખરી? ફાઈવ સ્ટાર હોટેલમાં ય આવું સરસ ખાવાનું ના મળે. ખાવામાં એટલો બધો આનંદ આવ્યો કે ના પૂછો વાત ! જમીને લોબીમાં આડા પડી, ઘણી બધી વાતો કરી. ડાંગમાં કોઈના મોબાઈલ ચાલતા ન હતા. સીગ્નલો પકડાતાં જ ન હતાં. દુનિયાથી વિખુટા પડી ગયા હોઈએ એવું લાગતું હતું. છેવટે સુઈ ગયા. ઘસઘસાટ ઉંઘ આવી ગઈ.
ત્રીજા દિવસે પાંડવગુફા અને ડોન જવાનો પ્રોગ્રામ હતો. રૂમો પર નાહીધોઈને રૂમો ખાલી કરીને નીકળી પડ્યા. જામલાપાડાવાળા રસ્તે જ જવાનું હતું. જામલાપાડા, ચનખલ થઈને લશ્કરીયા પહોંચ્યા. મહાલથી લશ્કરીયા 24 કી.મી. દૂર છે. લશ્કરીયાથી ડાબે ચીંચલી તરફ ગાડીઓ લીધી. લશ્કરીયાથી ચીંચલી 28 કી.મી. દૂર છે. આ રસ્તે 15 કી.મી. પછી, પાંડવગુફા તરફ જવાનો રસ્તો પડે છે. અમે વચ્ચે ક્યાંક ક્યાંક ઉભા રહીને, ક્યાંક ચેકડેમ જોઇને – એમ રસ્તાનું સૌન્દર્ય માણતા, એ ફાંટા સુધી પહોંચ્યા. ફાંટાની અંદર પાંડવગુફા 7 કી.મી. દૂર છે. થોડે સુધી ગયા પછી, કોઈ ગામ આવ્યું. પછી તો કાચો રસ્તો શરુ થયો. એક રેસ્ટ હાઉસ આવ્યું. અહીંથી તો ગાડી આગળ જાય એમ હતું જ નહિ. પાંડવગુફા હજુ દોઢ કી.મી. દૂર હતી. કાચી પગદંડીએ ચડીને જવું પડે તેમ હતું. ચડવાની કોઈને ય ઈચ્છા થઇ નહિ, એટલે પાંડવગુફા જવાનું કેન્સલ કરી પાછા વળ્યા, અને ચીંચલીવાળા મૂળ રસ્તે પાછા આવ્યા. પાંડવગુફા એ એક ગુફા જેવું છે. તેની આગળ, ઉપરથી એક ધોધ પડે છે. તેના ફોટા જોયા હતા, તેનાથી સંતોષ માન્યો.
ચીંચલીવાળા રોડ પર આગળ ચાલ્યા. 5 કી.મી. ગયા પછી, ડોન જવાનો ફાંટો પડે છે. એ ફાંટે 8 કી.મી. ગયા પછી ડોન આવે છે. ડોન એ ઉંચી ટેકરી પર આવેલી જગા છે. ઉપર સપાટ મેદાન છે. સરકાર એને સાપુતારાની જેમ વિકસાવવાનો પ્રયત્ન કરી રહી છે. રસ્તો ચડાણવાળો છે. પાંચેક કી.મી. સુધી રસ્તો સારો છે. બાકીના ૩ કી.મી. કાચો અને સાંકડો રસ્તો છે. અમે 5 કી.મી. જેટલું ચડી ગયા. અહીં વિશાળ સપાટ મેદાન છે. તેમાં નાનું ગામ વસેલું છે. ગામનું નામ ગડદ છે. અહીં એક ચાનાસ્તાની દુકાન હતી, તેમાં ચા પીધી અને વેફર, સેવ, મગદાળ એવું બધું ખાધું. પછી ૩ કી.મી. ના કાચા રસ્તે આગળ વધ્યા.
વાદળાં ઘેરાઈને આવ્યાં હતાં. થોડી વારમાં વરસાદ શરુ થયો. કાચો રસ્તો ભીનો થવાથી ચીકણો થઇ ગયો હતો. સાંકડા રસ્તાની બાજુમાં ખીણ હતી. આગળ વધવામાં જોખમ જણાતું હતું. એવામાં ઢાળવાળા એક તીવ્ર વળાંક પર, અમારી આગળની ગાડી અટકી ગઈ. તેનાં વ્હીલ આગળ વધતાં ન હતાં, બલ્કે પાછાં પડતાં હતાં. ખતરો અમારી નજર સામે જ હતો. આવે વખતે ધીરજથી કામ લેવું જોઈએ. અમે બધા ગાડીઓમાંથી ઉતરી ગયા. આગળ ગયેલી ગાડીઓના સભ્યો પણ અહીં પાછા આવ્યા. છેવટે ફસાયેલી ગાડીને સાચવીને રીવર્સમાં પાછી લાવ્યા. ડોનના ટોપ પર જવાનું મુલતવી રાખ્યું. બધી ગાડીઓ પાછી વાળી, પેલા ગડદ ગામના સપાટ મેદાનમાં આવ્યા. હવે કોઈ જોખમ ન હતું.
અહીં મેદાનમાં એક મંડપ હતો. તેમાં બેઠા. બપોરના ૨ વાગ્યા હતા. નાસ્તા સિવાય કંઇ ખાધું ન હતું. સવારના વટાણા બાફીને લાવ્યા હતા. અહીં અમારા નિષ્ણાત ભાઈએ સેવઉસળ બનાવી દીધું. બધાએ ધરાઈને ખાધું. જંગલમાં મંગલ થઇ ગયું. એક ટેન્ટ લઈને આવ્યા હતા, તે પણ મેદાનમાં બાંધ્યો. આજુબાજુ રખડ્યા. વાદળાં અમારી નજીકથી જ દોડતાં હતાં, અને વરસાદ તો ખરો જ. એક સરસ હીલ સ્ટેશન પર આવ્યાનો અનુભવ કર્યો.
પછી લશ્કરીયા તરફ પાછા વળ્યા. ત્યાંથી આહવા આવ્યા. લશ્કરીયાથી આહવા 4 કી.મી. દૂર છે. આહવા એટલે ડાંગનું મુખ્ય મથક. પણ વસ્તી તો બધી ગ્રામ્ય લોકોની જ. ડાંગમાં આમ તો ઉચ્ચ શિક્ષણની કોઈ સગવડ છે જ નહિ.
અમારે ધરમપુરની નજીક આવેલા બરૂમાળના મંદિરે પહોંચવું હતું. રાત્રિ મુકામ બરૂમાળમાં કરવાનો હતો. આહવાથી ચાલ્યા વઘઇ તરફ. આહવાથી 4 કી.મી. પછી રોડની બાજુમાં જ શીવઘાટ નામનો ધોધ આવ્યો. બહુ જ સરસ ધોધ હતો. ધોધ જોવાની મજા આવી ગઈ. નહાવાય એવું છે નહિ. ધોધની જોડે જ એક શીવમંદિર છે. દર્શન કરીને પ્રસન્નતા અનુભવી.
આહવાથી વઘઇ ૩૨ કી.મી. દૂર છે. વચમાં પિંપરી નામનું એક જાણીતું ગામ આવે છે. વઘઇ 4 કી.મી. બાકી રહે ત્યારે એક નદી આવે છે, તેમાં એક ધોધ પડતો દેખાય છે.
ગુજરાતનો પ્રખ્યાત ગીરા ધોધ, વઘઇથી સાપુતારાના રસ્તે, વઘઇથી પાંચેક કી.મી. દૂર આવેલો છે. ગીરા તરફ જતાં, વચ્ચે એક નદી આવી, તેમાં એક ધોધ પડતો હતો. પછી વઘઇ બોટાનીકલ ગાર્ડન આવ્યો, એ પણ જોવા જેવો છે. ત્યાર બાદ આવતા ફાંટામાં 1.2 કી.મી જાવ એટલે ગીરા ધોધ આવે. અહીં આખેઆખી નદી ધોધરૂપે પડે છે. નદી આખી ભરેલી હોય ત્યારે તો આ ધોધ બહુ જ ભવ્ય અને રૌદ્ર લાગે. હાલ પાણી ઓછું હતું, એટલે ધોધની ચારેક ધારાઓ દેખાતી હતી. ખડકોમાં થઈને ધોધની બિલકુલ સામે નજીક જઇ શકાય છે, પણ પાણીમાં ઉતરાય એવું નથી. આ ધોધ જોવાનો લ્હાવો અનેરો છે. બહુ જ લોકો અહીં આવેલા હતા. નદીકિનારે ચાનાસ્તાની દુકાનો છે. ગામડાના લોકોએ વાંસમાંથી બનાવેલી ચીજો અહીં વેચાતી મળે છે.
અહીંથી વઘઇ પાછા આવી, વાંસદા તરફ ચાલ્યા. વઘઇથી વાંસદા 15 કી.મી. દૂર છે. વાંસદામાં નેશનલ પાર્ક જોવા જેવો છે. વાંસદાથી ધરમપુર 50 કી.મી. દૂર છે. ધરમપુર મોટું શહેર છે. ધરમપુરથી બરૂમાળ માત્ર 7 કી.મી. દૂર છે. અમે બરૂમાળ પહોંચ્યા ત્યારે રાતના 8 વાગી ગયા હતા.
બરૂમાળ ભાવભાવેશ્વરના શીવ મંદિર માટે પ્રખ્યાત છે. આ શીવ મંદિર એ તેરમું જ્યોતિર્લીંગ ગણાય છે. મંદિર બહુ જ વિશાળ છે. તેમાં રહેવાજમવાની વ્યવસ્થા છે. નાસ્તા માટે કેન્ટીન પણ છે. અમે અગાઉથી ફોનથી બુકીંગ કરાવેલું હતું, એટલે અમને રહેવાની રૂમો તરત જ મળી ગઈ. જમવાનું તૈયાર હતું, એટલે પહેલાં જામી લીધું. દાળ, ભાત, રોટલી, શાક, પાપડ – ઘરેલું જમણ જમવાની મજા આવી ગઈ. જમવાનું શુદ્ધ, સાત્વિક, જમવાની જગા ખૂબ જ ચોખ્ખી –રસોડું અમને ગમી ગયું. જમીને રૂમોમાં પહોંચ્યા. રૂમો ખૂબ જ સુઘડ અને સ્વચ્છ હતી. ગાદલાં, પલંગો, સંડાસ, બાથરૂમ બધું જ સરસ હતું. સંડાસ, બાથરૂમ અને વોશ બેઝીન દરેક અલગ હતાં. આ વ્યવસ્થા ખૂબ જ ગમી. એક સાથે ૩ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. હાલનાં આપણાં મકાનોમાં સંડાસ-બાથરૂમ-બેઝીન ભેગાં હોય છે, એ પદ્ધતિ બરાબર નથી જ. થાક્યા હતા, એટલે ઉંઘ આવી ગઈ.
ચોથા દિવસે સવારે પરવારીને, બરૂમાળ મંદિરમાં દર્શન કરવા ગયા. આ મંદિર સદગુરુધામ તરીકે પણ જાણીતું છે. મંદિરનું પ્રવેશદ્વાર ખૂ જ ભવ્ય છે. બે બાજુ બે હાથી, વરમાળા લઇ ભક્તોનું સ્વાગત કરવા ઉભા હોય એવું સ્થાપત્ય છે. વિશાળ કોરીડોરમાં પસાર થયા પછી, વીસેક પગથિયાં ચડી, મંદિરના હોલમાં અવાય છે. ગર્ભગૃહમાં તેરમું જ્યોતિર્લીંગ બિરાજમાન છે. શીવલીંગ અષ્ટ ધાતુનું બનેલું છે અને 6 ટન વજન ધરાવે છે. મહાદેવ ભગવાન ભાવભાવેશ્વર દરબાર ભરીને બેઠા હોય એવું લાગે છે. એમની આજુબાજુ ગણપતિ, રિદ્ધિસિદ્ધિ, રામસીતા, દ્વારકાધીશ, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, મા કાલી, નવ ગ્રહ, સૂર્યનારાયણ, બદ્રીનાથ, જગન્નાથ, દત્તાત્રેય અને શંકરાચાર્યનાં નાનાં મંદિરો છે.
બરૂમાળનું આ સદગુરુધામ સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજે 1995માં સ્થાપ્યું છે. આ ધામની સ્થાપના સનાતન હિંદુ ધર્મના પ્રચાર અને આદિવાસી સમાજના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કાર સિંચનના હેતુથી થઇ છે. અહી પ્રાથમિક તથા માધ્યમિક શાળા, પીટીસી તથા બીએડ કોલેજ, કન્યા છાત્રાલય, મેડીકલ સેન્ટર, મોબાઈલ ડીસ્પેન્સરી વાન, આંખ નિદાન કેમ્પ જેવી સંસ્થાઓ ઉભી કરી છે, તથા અનાજ અને કપડાં વિતરણ, વ્યસન અને માંસાહાર મુક્તિ અભિયાન, હિંદુ સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. સ્વામી વિદ્યાનંદજીએ સ્વામી શ્રી અખંડાનંદ સરસ્વતીજીને પોતાના ગુરુ માનેલા. મંદિરમાં બ્રહ્મલીન અખંડાનંદજીની મૂર્તિ પણ છે.
મંદિરની પાછળ કૈલાસ પર્વત પર 12 જ્યોતિર્લીંગની સ્થાપના કરેલી છે. મા વૈશ્નોદેવી અને દુર્ગામાતાની પણ મૂર્તિઓ છે. મંદિરમાં અભિષેક પૂજા કરવાની વ્યવસ્થા છે.
અમે મંદિરમાં શીવજીના લીંગનાં દર્શન કર્યાં. મન ભક્તિમાં તરબોળ થઇ ગયું. બધે ફરી ફરીને દર્શન કર્યાં. મંદિર સંકુલમાં તૈયાર કરવામાં આવતી વિવિધ વસ્તુઓ તથા ઔષધિઓની દુકાન જોઈ. મંદિર બહુ જ સુંદર છે. એવું લાગ્યું કે ક્યારેક અહીં અઠવાડિયું રહેવા આવવું જોઈએ, અને અહીંની સેવા પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ.
અહીંથી હવે વિલ્સન હીલ અને શંકર ધોધ જોવાનો અમારો પ્લાન હતો. બરૂમાળથી વિલ્સન હીલ 19 કી.મી. દૂર છે. તે એક ટેકરી પર આવેલી જગા છે. રસ્તો ચડાણવાળો છે. છેક સુધી સરસ પાકો રોડ છે. ત્યાં જતાં, રસ્તામાં એક ‘વેલી વ્યૂ’ આગળ ઉભા રહ્યા. અહીં ૩ માળનો એક ટાવર બાંધ્યો છે. તેના પરથી બાજુની ખીણનો સુંદર નઝારો નજરે પડે છે. જોડે એક સરસ મંડપ પણ છે. આ બધું જોઈ આગળ ચાલ્યા. વિલ્સન હીલ આવતા પહેલાં, વચ્ચે શંકર ધોધ જવાનો ફાંટો પડે છે. પહેલાં વિલ્સન હીલ પહોંચ્યા. ટોચ પરના સપાટ મેદાન પર જૂના જમાનાનું, પત્થરનું બનેલું ગેટ જેવું એક સરસ બાંધકામ છે. વિલ્સન નામના અંગ્રેજે આ બાંધકામ કરાવ્યું હશે, એવું અનુમાન કરી શકાય. આઠેક પગથિયાં ચડી, ઉપર બેસી શકાય એવી સુંદર જગા છે.
પહેલાં તો અમે આજુબાજુ ફરી આવ્યા. એક બાજુ એકાદ કી.મી. જેટલું નીચે ઉતરી, ખીણના નાકે જવાય એવુ છે. અહીં બેસીને આજુબાજુનાં દ્રશ્યો સરસ દેખાય છે. હીલના મેદાનમાં એક રેસ્ટોરન્ટ છે. આ બધું જોયા પછી, ઉપર બેસીને ચવાણું, ખાખરા અને ડુંગળીનો નાસ્તો કર્યો. પછી ઉપડ્યા શંકર ધોધ તરફ. પેલા ફાંટાવાળા રસ્તે પાંચેક કી.મી. ગયા પછી શંકર ધોધ આવ્યો. વચ્ચે વાઘવળ ગામ આવ્યું. અહીં દત્તાત્રેયનું મંદિર છે. વાઘવળ પછીનો એકાદ કી.મી.નો રસ્તો ખરાબ છે. પણ ધીરે ધીરે ધોધ સુધી ગાડીઓ પહોંચાડી દીધી. અડધો કી.મી. જેટલું ચાલ્યા પછી ગાઢ ઝાડીમાં બે ધારારૂપે પડતો ધોધ દેખાયો. ધોધની બરાબર સામે જવું હોય તો હજુ અડધો કી.મી. જેટલું નીચે ઉતરવું પડે. પણ અહીં ઉપરથી જ જોઇને સંતોષ માન્યો. જો પાણી વધુ હોય તો આ ધોધ જોરદાર લાગે.
ધોધ જોઇને પાછા વળ્યા અને મૂળ રસ્તે બરૂમાળ મંદિર પાછા આવ્યા. બપોરના ૨ વાગ્યા હતા, ભોજનગૃહમાં જમવાનું તૈયાર હતું. કોપરાપાક, બાલુસાઈ, દાળ, ભાત, રોટલી, શાક અને પાપડ – જમવાનું મસ્ત હતું. ખાઈને રૂમમાં જઇ સહેજ આડા પડ્યા.
ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ તથા વલસાડ તરફના રસ્તે ફલધરા – આ બે જોવા જેવી જગાઓ છે. પણ હવે બધાને વેળાસર ભરૂચ પાછા પહોંચવાની તાલાવેલી લાગી હતી. એટલે આ બે જગાઓ જોવાનું કેન્સલ રાખી, ચાર વાગે ભરૂચ તરફ પ્રયાણ આદર્યું. બરૂમાળથી ધરમપુર, ચીખલી, નવસારી થઈને સાંજે આઠ વાગે ભરૂચ પહોંચ્યા.
પ્રવાસ પૂરો થયો? ના, અમે મહાલમાં નાસ્તા માટે એક વાર બટાટાપૌઆ બનાવવાનું નક્કી કરેલું. એ તો બાકી જ રહી ગયું હતું. બટાટાપૌઆનો સામાન પણ સાથે લીધેલો. આથી હવે, ભરૂચમાં બટાટાપૌઆ બનાવીને અત્યારનું જમ્યા. પછી, બધાના મોબાઈલમાં જે ફોટા પાડેલા તે બધા લેપટોપમાં ઉતાર્યા અને ટીવી પર પણ જોયા. જાણે કે આખા પ્રવાસને ફરી એક વાર વાગોળ્યો. રાતે બાર વાગે બધા છૂટા પડ્યા, એટલું નક્કી કરીને કે ફરી એક વાર ડાંગ જઈશું. આખા પ્રવાસમાં એવું લાગ્યું કે ડાંગ એટલે ધોધની દુનિયા.










