હ્યુસ્ટનમાં શ્રીનાથજીની હવેલી

                              હ્યુસ્ટનમાં શ્રીનાથજીની હવેલી

શ્રીનાથજીની હવેલીઓ, આખા ભારતવર્ષમાં ઠેર ઠેર આવેલી છે. હવે તો અમેરીકામાં પણ ઘણાં બધાં શહેરોમાં શ્રીનાથજીની હવેલીઓની સ્થાપના થઇ છે. અમેરીકામાં પણ શ્રીનાથજીનાં દર્શનની ઝાંખી કરવા મળે, એ કેટલા બધા આનંદની વાત છે ! હ્યુસ્ટનની હવેલીની હું તમને અહીં વાત કરું.

અમેરીકાના ટેક્સાસ રાજ્યમાં આવેલું હ્યુસ્ટન બહુ જ મોટું શહેર છે. અહીં ઘણા ભારતીયો વસે છે, તેમાં ગુજરાતીઓની સંખ્યા ખાસ્સી છે. ગુજરાતીઓએ ગુજરાતી સમાજ પણ સ્થાપ્યો છે. હ્યુસ્ટનના સ્ટેફોર્ડ વિસ્તારમાં પૂજ્ય ઇન્દીરા બેટીજીએ દસ વર્ષ પહેલાં, શ્રીનાથજીની હવેલીની સ્થાપના કરેલી છે. તે વખતે તેનું ઉદઘાટન બહુ મોટા પાયે થયેલું.

અમે ડિસેમ્બર 2015માં હ્યુસ્ટન આવ્યા ત્યારે આ હવેલીએ દર્શન કરવા ગયા. હવેલીનો વિસ્તાર ઘણો મોટો છે. બહારથી જ દ્રશ્ય બહુ સરસ દેખાય છે. આ હવેલીનું નામ ‘વલ્લભ પ્રીતિ સેવા સમાજ’ (VPSS) રાખેલું છે. બહાર બોર્ડ મારેલું છે,

                                                               VPSS

                                                  Shree Nathji Haveli

                                                 Vallabh Vidya Mandir

                                                            Vallabh Hall

મુખ્ય દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યાં પછી, ગાડીઓના પાર્કીંગની સરસ વ્યવસ્થા છે. હવેલીની આગળ વિશાળ બગીચો છે. બગીચામાં ગુલાબ, મોગરો અને બીજાં ફૂલના છોડ છે. આ બધું જોઇને એમ જ લાગે કે જાણે ભારતના કોઈ શ્રીનાથજીના મંદિરમાં પ્રવેશી રહ્યા છીએ. પ્રવેશ આગળ જ ઓફિસ છે, એમાં મંદિર વિશેની બધી માહિતી મળી રહે છે. મુખ્ય મકાનમાં દાખલ થયા પછી ડાબી બાજુ મંદિર અને જમણી બાજુ મોટો હોલ છે. વચ્ચેની ખુલ્લી જગા પણ બહુ મોટી છે. અહીં બેસવા માટે બાંકડાઓ મૂકેલા છે. અહીં બેસીને આજુબાજુનું અવલોકન કરવાની બહુ મજા આવે છે.

ડાબી બાજુ મંદિરમાં દાખલ થતા પહેલાં, બહાર બૂટચંપલ મૂકવાની સગવડ છે. હવે, આપણે બારણું ખોલી મંદિરમાં દાખલ થઈએ છીએ. સામે જ ગર્ભગૃહમાં શ્રીનાથજી પ્રભુ બિરાજે છે. તેમના મુખારવિંદનાં દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ. સકળ લોકના નાથ એવા શ્રીનાથજી પ્રભુનાં દર્શન કરી મન પ્રસન્ન થઇ જાય છે. દર્શનાર્થીઓને ઉભા રહેવા માટેનું સભાગૃહ બહુ જ વિશાળ છે. એકસાથે સેંકડો વૈષણવો દર્શન કરી શકે છે. પાછળ ખુરશીઓમાં બેસીને પણ દર્શનનો લાભ લઇ શકાય છે. થોડાં દૂરબીન પણ રાખેલાં છે કે જેથી શ્રીનાથજીનું મુખ નજીકથી નિહાળવા મળે. આગળ કીર્તન કરવા માટેની સગવડ છે. કીર્તન માટે હાર્મોનિયમ, તબલા, કાંસીજોડા અને પુસ્તક રાખેલાં છે.

શ્રીજીની ડાબી બાજુ યુગપુરુષ શ્રી મહાપ્રભુજી મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. જમણી બાજુ શ્રીયમુના મહારાણીમા શોભે છે. આખો માહોલ જાણે કે અમદાવાદના સોલા મંદિર જેવો લાગે છે. અમને દર્શન કરીને બહુ જ આનંદ થયો. મુખ્યાજીને મળ્યા. બીજા થોડા વૈષ્ણવો પણ હતા. બધા સાથે વાત થઇ. બધા જ ગુજરાતી હતા. ગુજરાતના જ કોઈ શહેરમાં આવ્યા હોઈએ એવું લાગ્યું. દર્શન કરી, મઠડી અબે બુંદીના પ્રસાદનો કણીકો લઇ બહાર આવ્યા.

પછી સામેનો હોલ જોવા ગયા. હોલનું નામ છે ‘વલ્લભ હોલ’. હોલ ઘણો જ મોટો છે. હોલમાં અમને શ્રી નિરંજનભાઈ પટેલ મળ્યા. તેઓ આ મંદિર ટ્રસ્ટના ચેરમેન છે. ખૂબ જ સેવાભાવી છે. આ મંદિરનો વહીવટ નિષ્ઠાપૂર્વક સંભાળે છે. તેમની સાથે મદદમાં હિસાબ અધિકારી અને કાર્યકર્તાઓ છે.

નિરંજનભાઈએ જાતે અમારી સાથે ફરીને અમને હોલ બતાવ્યો. આ હોલમાં પ્રાર્થનાસભાઓ, પ્રવચનો અને મુખ્ય ઉત્સવોની ઉજવણી થતી હોય છે. હોલમાં ભવ્ય સ્ટેજ છે. બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા છે. અમે દર્શન કરવા આવ્યા તે દિવસ, કોઈ ઉત્સવનો હતો. ઉત્સવની ઉજવણી સાંજના થવાની હતી. અમે સવારે શણગારના સમયે આવ્યા હતા.

આ હોલ, લગ્ન તથા અન્ય પ્રસંગો માટે પણ ભાડે આપવામાં આવે છે. આ પ્રસંગોએ જમવાની અને ચાનાસ્તાની વ્યવસ્થા પણ અહીં હોલમાં કરવામાં આવે છે. બીજી જગ્યાઓ કરતાં, અહીં ભાડું અને ખર્ચ પ્રમાણમાં ઘણો ઓછો છે. હોલની પાછળ રસોડું છે. નિરંજનભાઈ અમને રસોડામાં લઇ ગયા અને ત્યાં બધું જ બતાવ્યું. રસોઈ માટેનાં વાસણો, તપેલાં, જમવા માટે સ્ટીલની, ખાનાંવાળી અને મેલામાઇનની થાળીઓ, વાટકી, ગ્લાસ, ચમચીઓ અને રસોઈનાં એટલાં બધાં સાધનો હતાં કે ના પૂછો વાત ! ચોખ્ખાઈ તો ઉડીને આંખે વળગે એવી. મુખ્ય રસોઇઆ શ્રી શૈલેષભાઈ હાજર હતા. હસમુખા અને મિલનસાર સ્વભાવના શૈલેષભાઈએ પણ ઘણી જાણકારી આપી. આજે સાંજે ઉત્સવ હતો એટલે અત્યારે રસોઈની તૈયારી ચાલતી હતી. સાંજે દર્શને આવનાર સૌ વૈષ્ણવોને અહીં પ્રસાદ લેવાનો હતો. શાક સમારવાનું, પૂરીઓ વણવાની એવાં બધાં કામ માટે સેવાભાવી ભક્તો હાજર હતા. આપણે પણ કોઈ સેવા કરવી હોય તો કરી શકાય છે. પ્રસાદી લેવાની વ્યવસ્થા બધા ઉત્સવોએ હોય જ છે.

આજે, ગુજરાતના જાણીતા આર્ટીસ્ટ ચિત્રકાર શ્રી કાર્તિક ત્રિવેદી આવવાના હતા. તેમનાં ચિત્રોનું પ્રદર્શન હોલમાં ગોઠવેલું હતું. અમે આ ચિત્રો જોયાં. મહાપ્રભુજી અને શ્રીનાથજીનું મિલન, વ્રજની લીલાઓ વગેરેનાં  બહુ જ કલાત્મક ચિત્રો દોરેલાં હતાં.

હોલમાં સંગીતનાં સાધનો, માઈક, ઓડિઓ-વીડિયો શુટીંગ, લાઈવ ટેલીકાસ્ટ વગેરેની સુવિધા છે. આ મંદિર બાળકો માટે શિક્ષણનું કાર્ય પણ કરે છે. નાનાં બાળકોને ગુજરાતી ભાષા તથા પુષ્ટિમાર્ગ વિષે શીખવાડાય છે. સંગીત અને નૃત્યની પણ તાલીમ અપાય છે. મુખ્ય હોલની સાથેના નાના હોલમાં આ શિક્ષણકાર્ય ચાલે છે. તેનું નામ રાખ્યું છે ‘વલ્લભ વિદ્યા મંદિર’.

મંદિરમાં દર્દીઓ માટે નિદાન કેમ્પ પણ યોજાય છે. સેવાભાવી ડોકટરો અહીં પોતાની સેવા આપે છે. આજે પણ બે ડોકટરો હાજર હતા અને અગાઉના કેમ્પના તથા નવા દર્દીઓને માર્ગદર્શન આપતા હતા.

મુખ્ય હોલ તથા મંદિર વચ્ચેની ખુલ્લી જગામાં, એક બાજુ ટોઇલેટની સુવિધા છે. ટોઇલેટ એકદમ ચોખ્ખાં અને સગવડદાયક છે. એની પાછળના ભાગે બાળકોને રમવા માટેનાં સાધનો લપસણી વગેરે છે.

મંદિરનું બધું કાર્ય વૈષ્ણવોના ડોનેશનથી ચાલે છે. પ્રભુકૃપાથી પૂરતું ડોનેશન મળી રહે છે. આ મંદિરમાં હજુ ઉપરનો માળ બાંધવાનો છે. બીજી ઘણી સગવડો ઉભી કરવાની છે. એ માટેનું કાર્ય ચાલુ જ છે. આ બધું જાણીને બહુ આનંદ થયો. શ્રી નિરંજનભાઈએ એમનો અમૂલ્ય સમય કાઢીને અમને આ બધી માહિતી આપી. એ બદલ અમે એમના ખૂબ જ આભારી છીએ.

મંદિરમાં દોઢેક કલાક જેટલો સમય પસાર કરીને અમે પાછા આવ્યા ત્યારે મન અત્યંત પ્રસન્નતાથી ભરેલું હતું. હ્યુસ્ટનની હવેલીનાં દર્શનથી ઘણો સંતોષ થયો. ફરી તક મળે ત્યારે ત્યાં જવાની ઈચ્છા ખરી.

1_હ્યુસ્ટનમાં શ્રીનાથજીની હવેલી

2_બગીચો અને હવેલી

૩_

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: