હ્યુસ્ટનની વોટરવોલ

અમેરીકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં ‘વોટરવોલ’ નામની એક જગા આવેલી છે. વોટરવોલ એટલે પાણીની દિવાલ. અહીં એક ખુલ્લા મેદાનમાં ઉંચી અર્ધવર્તુળ આકારની દિવાલ બનાવેલી છે. દિવાલની ટોચની ધાર પરથી ધોધની જેમ પાણી પડવાની વ્યવસ્થા કરેલી છે. આ પાણી છેક ઉપરથી, દિવાલની આખી સપાટી પર પથરાઈને નીચે પહોંચે છે. આથી અર્ધવર્તુળાકાર દિવાલની સપાટી પર જાણે કે પાણીની પાતળી દિવાલ રચાઈ હોય એવું લાગે. અને આ દિવાલ પણ કેવી? સ્થિર નહિ, પણ ઉપરથી નીચે સુધી વહેતી. જોનારને આ દ્રશ્ય કેટલું સરસ લાગે ! એમ થાય કે બસ, જોયા જ કરીએ. દિવાલની ઉંચાઈ 64 ફૂટ છે. આટલી બધી ઉંચી દિવાલ પરની આ વોટરવોલનો દેખાવ ખૂબ જ ભવ્ય અને મનોહર લાગે છે. વળી, આ વોટરવોલ, દિવાલની બંને બાજુ છે. એટલે કે અર્ધવર્તુળ દિવાલની અંદરની અને બહારની એમ બંને સપાટી પર. આમાં ય અંદરની સપાટી પરની વોટરવોલ જોવાની બહુ જ મજા આવે છે. વોટરવોલની આગળ કમાનોવાળા ત્રણ ગેટ ધરાવતી નાની દિવાલ બનાવેલી છે. આ ગેટમાં દાખલ થઈને આપણે જાણે કે કોઈ હોલમાં ઉભા હોઈએ અને સામે સ્ટેજ પર આ દિવાલ જોતા હોઈએ એવું લાગે. વોટરવોલ, દિવાલ પર પડતા ધોધ જેવી પણ લાગે. આખો માહોલ, જૂના જમાનાના રોમન થીયેટર જેવો છે.

અમે આ વોટરવોલ વિષે ક્યાંક વાંચ્યું હતું. એટલે અમારા હ્યુસ્ટનના રોકાણ દરમ્યાન, એક રજાના દિવસે અમે આ વોટરવોલ જોવા પહોંચી ગયા. હ્યુસ્ટન શહેરના ધમધમતા ડાઉનટાઉન વિસ્તારની નજીક આ વોટરવોલ આવેલી છે. વોટરવોલની સામે વિશાળ ખુલ્લું મેદાન છે. ગીચ વિસ્તારમાં આટલી મોટી ખુલ્લી જગા મળે એ આનંદની વાત છે. મેદાનમાંથી પણ વોટરવોલનો વ્યૂ ખૂબ સરસ દેખાય છે. મેદાનમાં બાળકોને રમવાની અને દોડાદોડ કરવાની બહુ મજા આવે છે. મેદાનની બંને સાઈડે તથા વોટરવોલના પાછળના ભાગે ચાર લાઈનમાં ઓકનાં 118 જેટલાં વૃક્ષો વ્યવસ્થિત રીતે ઉગાડેલાં છે. આ દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે.

દેશવિદેશના ઘણા ટુરિસ્ટો આ વોટરવોલ જોવા આવે છે અને ધોધ જેવી પાણીની દિવાલ જોઇને ખુશ થઇ જાય છે. લોકો વોટરવોલ આગળ, મેદાનમાં અને ઝાડો વચ્ચે ફોટા પાડે છે અને આ જગાનાં સંસ્મરણો પોતાની સાથે લઇ જાય છે. અમે અહીં આવ્યા તે દિવસે તો થોડો વરસાદ પડતો હતો. ઠંડી પણ ઘણી હતી. છતાં ય થોડા પલળીને પણ વોટરવોલને નજીકથી જોવાનો આનંદ માણ્યો. શિયાળો પૂરો થયા પછી અહીં આવવું વધુ સારું રહે. ઉનાળામાં તો વોટરવોલ આગળ ઉભા રહી, નાહી પણ શકાય.

વોટરવોલની સામે મેદાન પૂરું થયા પછી, એક બહુ જ ઉંચું મકાન છે. 64 માળના આ મકાનની ઉંચાઇ 275 મીટર છે. આ મકાન વિલિયમ્સ ટાવરના નામે ઓળખાય છે. આ મકાનની જોડે ઉભા રહીને ઉંચે નજર કરો તો તેની અ ધ ધ ધ.. ઉંચાઈ જોઇને નવાઈ જ લાગે. બાંધકામનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મકાન 1983માં અને વોટરવોલ 1985માં બન્યાં છે. બંનેનું બાંધકામ ન્યૂયોર્કની ફિલીપ જોન્સન કંપનીના જ્હોન બર્ગી આર્કિટેક્ટે કરેલું છે. વોટરવોલનું સંકુલ હાલ જીરાલ્ડ હાઈન્સ વોટરવોલ પાર્ક તરીકે ઓળખાય છે. વોટરવોલ જોવા માટેનો સમય સવારના 10 થી રાતના 9 સુધીનો છે. કોઈ ટીકીટ નથી. વોટરવોલ રાત્રે લાઈટોથી ઝળહળે છે. વોટરવોલમાં દર મિનીટે 11000 ગેલન પાણી નીચે પડે છે. અંદરની અર્ધવર્તુળાકાર દિવાલ કે જેના પર વોટરવોલ રચાય છે, તેનું ક્ષેત્રફળ 4320 ચોરસ મીટર છે.

અહીં ખુલ્લા મેદાનમાં પીકનીક મનાવી શકાય છે. ક્યારેક ઉત્સવો વખતે સંગીતના જલસા પણ ગોઠવાય છે. કલ્પના કરો કે ધોધ જેવો અવાજ કરતી અને રંગબેરંગી પ્રકાશમાં નાચતી વોટરવોલની સામે બેઠેલા સંગીતના રસિયાઓને કેવો જલસો પડતો હશે !

આ વોટરવોલ આગળ ‘The Way She Moves’ નામની ટીવી ફિલ્મનું શુટીંગ થયેલું છે. અને જાણીને નવાઈ લાગશે કે આપણી હિન્દી ફિલ્મ ‘સિર્ફ તુમ’ના ‘દિલબર, દિલબર…’ ગીતનું શુટીંગ પણ અહીં થયેલું છે, આ ગીતનો વિડીયો જોજો. તમને ઘેર બેઠાં આ વોટરવોલ જોવા મળી જશે.

અમે આ વોટરવોલ તથા બહારથી સામેનો ટાવર જોયા. વોટરવોલના ફોટા પડ્યા, મેદાન અને ઝાડો વચ્ચે ફર્યા અને કલાકેક આનંદ માણી ઘેર પાછા ફર્યા. એમ લાગ્યું કે દુનિયાની એક બેજોડ ચીજ જોઈ આવ્યા. તમે પણ તક મળે ત્યારે આ વોટરવોલ જોઈ આવજો.

1_Waterwall

3_Waterwall

4_William's tower

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: