ગીરામલ ધોધ

                              ગીરામલ ધોધ

ગીરામલ એ ગુજરાતનો એક જાણીતો ધોધ છે. તે ડાંગ જીલ્લાના ગિરમાળ ગામમાં આવેલો છે. ઘણા તેને ગિરિમાલાના ધોધ તરીકે પણ ઓળખે છે. ગુજરાતનો આ સૌથી ઉંચો ધોધ છે. અહીં બોર્ડ પણ મારેલું છે, ‘ગુજરાતનો સૌથી ઉંચો ધોધ’. અહીં ધોધ 300 ફૂટની ઉંચાઇએથી પડે છે. ધોધનો દેખાવ ખૂબ જ સુંદર છે.

આ ધોધ ગીરા નદી પર આવેલો છે. ગીરા નદી આખી જ ધોધરૂપે ખાબકે છે, નીચે એક તળાવ રચાય છે, પછી પાણી આગળ વહે છે. ધોધ બે મોટી ધારાઓ સ્વરૂપે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ બે ધારાઓ એકાકાર પણ થઇ જાય. ધોધમાં ઉતરાય એવું નથી. નહાવાનું પણ શક્ય નથી. કિનારે બેસીને ધોધ જોવાનો. કિનારે બેસવા માટે સરસ પોઈન્ટ બનાવ્યા છે. તેમાં બેસવા માટે સિમેન્ટની પાકી બેઠકો તથા છાપરું ઉભું કરેલું છે. અહીં બેસીને ધોધનું દ્રશ્ય બહુ જ સરસ દેખાય છે. ધોધનો મધુર અવાજ આપણને ખુશ કરી દે છે. શહેરી વસવાટથી દૂર ગાઢ અંતરિયાળ જંગલમાં આ ધોધને જોઈને એમ થાય કે કેવી સરસ નૈસર્ગિક જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ ! શું ખરેખર આપણે ગુજરાતમાં જ છીએ ?

ધોધની નજીક જવા માટે, ઉપલા પોઈન્ટથી શરુ કરી, કિનારે કિનારે પગથિયાં બનાવ્યા છે. પડી ના જવાય તે માટે વાડ પણ બનાવી છે. કુલ 108 પગથિયાં છે. આ પગથિયાં ઉતરી ધોધની સાવ નજીક જઇ શકાય છે, અને ધોધ જે જગાએથી પડે છે, તે જગા એકદમ નજીકથી જોઈ શકાય છે. અહીં તો ધોધનું પાણી એટલા વેગથી ધસમસતું દેખાય છે કે ના પૂછો વાત ! એમાં પડ્યા તો ગયા જ સમજો. સીધા ૩૦૦ ફૂટ નીચે પડાય. બચવાની કોઈ આશા નહિ. જો કે વાડ કરેલી છે, એટલે ધોધમાં પેસાય એવું છે જ નહિ. અહીંથી ધોધની ઉપરવાસની નદી પણ જોઈ શકાય છે.

આ ધોધ જોવા જવા માટે સોનગઢથી સુબીરના રસ્તે જવાનું. સોનગઢથી 44 કી.મી.નું અંતર કાપીને, હિન્દલા, ચીમેર, ખપાટિયા વગેરે ગામોમાં થઈને શીંગણા પહોંચવાનું. અહીંથી જમણી બાજુ એક ફાંટો પડે છે. આ ફાંટામાં 14 કી.મી. જાવ એટલે ગીરામલ ધોધ આગળ પહોંચી જવાય. આખો રસ્તો ખૂબ જ લીલોતરીવાળો છે અને ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. કુદરતના સાનિધ્યમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે. ગાડી છેક ધોધ સુધી જઇ શકે છે. છેલ્લા 4 કી.મી.નો રસ્તો ખરાબ છે, એટલે ગાડી સાચવીને ચલાવવી પડે. વચ્ચે એક જગાએ ગીરા નદીના પૂલ પરથી પસાર થવાનું આવે છે. આ પૂલ પરથી ગીરા નદી જોવાની બહુ મજા આવે છે. નદીમાં એક ચેકડેમ બાંધેલો દેખાય છે, તે બહુ જ સરસ લાગે છે. વરસાદની મોસમમાં તો ડેમ છલકાતો હોય. અહીંથી ગીરા નદી ‘યુ’ ટર્ન લે છે. યુ ટર્ન આગળ એક વ્યૂ પોઈન્ટ બનાવ્યું છે. અહીંથી ગીરા નદીનો દેખાવ બહુ જ અદભૂત લાગે છે. આ પોઈન્ટ આગળ એક રેસ્ટોરન્ટ છે, એનું નામ પણ ‘યુ ટર્ન રેસ્ટોરન્ટ’. નામ કેટલું સરસ ! આટલા અફાટ જંગલની વચ્ચે માત્ર એક જ મકાન. રેસ્ટોરન્ટનું નામ સાંભળીને ભૂખ ઉપડે, ખાવાનું મન થઇ જાય. અહીં એવું છે કે ધોધ તરફ જતી વખતે ખાવાનો ઓર્ડર નોંધાવી દેવાનો. પાછા વળો ત્યારે ગરમાગરમ વાનગીઓ તૈયાર હોય. જમવામાં જલસો પડી જાય તેવું છે.

ધોધ આગળ સરસ પાર્કીંગ બનાવ્યું છે. અહીં કોઈ દુકાન નથી. ખાવાનું કંઇ મળતું નથી. એટલે ખાવાનું લઈને આવવું અથવા પેલા રેસ્ટોરન્ટમાં જમી લેવું. ખાવાનું સાથે લાવ્યા હોઈએ તો વ્યૂ પોઈન્ટ પર પીકનીક મનાવી શકાય. યુ ટર્ન રેસ્ટોરન્ટમાં ઈડલી, સંભાર, મસાલા ઢોંસા, ભજીયાં, ચા, કોફી ઉપરાંત રોટલા, ખીચડી, કઢી, રીંગણનું શાક વગેરે મળે છે. બોલો, ક્યારે જાઓ છો આ ધોધ જોવા?

1_DSCF5544

2_DSCF5550

3_DSCF5542

4_DSCF5541

ગૌમુખ ધોધ

                                ગૌમુખ ધોધ

ધોધનું તો સૌન્દર્ય જ અનોખું હોય છે. ધોધનું ઉપરથી નીચે પડતું પાણી એક મધુર કર્ણપ્રિય અવાજ સર્જે છે. ધોધમાં ઉભા રહીને નહાવાની મજા તો કોઈ ઓર હોય છે. ચાલો, અહીં ગૌમુખ નામના એક ધોધની વાત કરીએ.

ગુજરાતના ડાંગ જીલ્લામાં ઘણા ધોધ આવેલા છે. ગૌમુખ તેમાંનો એક છે. સોનગઢથી સુબીર તરફના રસ્તે, ૧૦ કી.મી. જેટલું ગયા પછી, ડાબી તરફ એક ફાંટો પડે છે. આ ફાંટામાં ૪ કી.મી. જેટલું જાવ એટલે ગૌમુખ પહોંચાય છે. છેક સુધી પાકો રસ્તો છે, વાહન જઇ શકે છે. અહીં એક ગાયનું મુખ બનાવેલું છે, અને એ મુખમાંથી પાણી નીકળે છે. તેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. આ પાણી બાજુમાં શંકર ભગવાનની મૂર્તિ પર પડે છે. અને પછી ફરીથી બીજી ગાયના મુખમાંથી બહાર આવે છે. જોડે જ ખીણ છે. ગૌમુખની આજુબાજુ અને ખીણની સામે ગાઢ જંગલો છે. ગૌમુખ આગળ ઉભા રહી જંગલોનું દ્રશ્ય જોવાની બહુ જ મજા આવે છે. મનમાં આનંદ ઉભરાય છે.

આ જગ્યાનું મુખ્ય આકર્ષણ તો એક ધોધ છે. ગૌમુખ આગળ એક બોર્ડ મારેલું છે, ‘ધોધ તરફ જવાનો રસ્તો.’ આ રસ્તે વૃક્ષોની ઘટાઓમાં પસાર થઈને 125 પગથિયાં નીચે ઉતરતાં આ ધોધ પાસે પહોંચી શકાય છે. ધોધ સુધી પહોંચવું આસાન છે. નીચે પહોંચ્યા પછી વૃક્ષોની વચ્ચે ધોધનાં દર્શન થાય છે. ધોધનું પાણી પથ્થર પર પડીને આગળ વહે છે. આ પત્થર પર બેસીને નાહી શકાય એવું છે. એટલે અહીં આવતા લોકો નહાવાનો આનંદ માણતા હોય છે. ધોધનું પાણી એટલા જોરથી વરસે છે કે શરીર પર કોઈ ડંડા મારતું હોય એવો અનુભવ થાય છે ! પણ એમાં ય મજા આવે છે. નહાવાનો આ અનુભવ ખૂબ જ રોમાંચક છે.

ધોધનું પાણી આગળ વહી ફરીથી એક નાના ધોધરૂપે પડે છે. આ ધોધ પણ બહુ જ સરસ લાગે છે. એમાં ય નહિ શકાય. એની બાજુમાં માતાજીનાં બે મંદિર છે, એક મોટું અને એક નાનું. ઘણા લોકો અહીં દર્શને આવે છે. ઉપર ગૌમુખ આગળ આસપાસમાં બે-ચાર દૂકાનો છે જ્યાં ચા-નાસ્તો મળી રહે છે. અહીં શાંતિથી થોડું બેસી શકાય છે.

ગૌમુખથી ૪ કી.મી. પાછા આવી મૂળ રસ્તે ચીમેર, સુબીર વગેરે સ્થળોએ જઇ શકાય છે. ગૌમુખ ધોધ બહુ ઓછો જાણીતો છે. પણ ઘણો સરસ છે, જોવા જેવો છે. અહીં મનને અદભૂત શાંતિનો અનુભવ થાય છે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ધોધમાં પાણી ઘણું હોય છે. પાણી બહુ હોય તો અંદર ઉતરાય નહિ. આ ધોધ જોવા માટે જુલાઈથી નવેમ્બર ઉત્તમ સમય છે. પછી પાણી ઓછું થઇ જાય. ધોધ જોવા માટે સોનગઢથી બાઈક, રીક્ષા, જીપ કે પોતાની ગાડી લઈને આવવું પડે.

1_DSCF5511

2_DSCF5515

3_DSCF55174_DSCF5524

ચીમેર ધોધ

                                                     ચીમેર ધોધ

આપણા ગુજરાતમાં ખૂણેખાંચરે એવાં કેટલાં યે સ્થળો છે જે જોવા જેવાં હોય, પણ એ બહુ જાણીતાં ના હોય, એટલે એવી જગાએ બહુ ઓછા લોકો જતા હોય. આવી એક કુદરતના સાંનિધ્યમાં આવેલી સરસ જગા છે ચીમેરનો ધોધ. ડાંગ જીલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આ ધોધ આવેલો છે. નામ બહુ જાણીતું નથી, પણ તે જોવા જેવો જરૂર છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે તો એને ‘ગુજરાતનો નાયગરા’ કહે છે. આ ધોધ જુઓ ત્યારે એમ લાગશે જ કે ‘અરે ! અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા ?’

ચીમેર ધોધ, ચીમેર ગામની નજીક આવેલો છે. ત્યાં જવા માટે સોનગઢથી સુબીરના રસ્તે જવાનું. આ રસ્તે ૨૮ કી.મી. જેટલું ગયા પછી ચીમેર ગામ આવે છે. સોનગઢથી જ જંગલ વિસ્તાર શરુ થઇ જાય છે. આ રસ્તો એ કોઈ મોટો હાઈ વે નથી. પણ જંગલમાં થઈને પસાર થતો, વળાંકોવાળો ઉંચોનીચો રસ્તો છે. આમ છતાં, ગાડી તેમ જ બસ પણ આરામથી જઈ શકે.

અહીં ગામ એટલે છૂટાંછવાયાં ફક્ત આઠ દસ ઘર જ. ગામ જેવું લાગે જ નહિ. હા, રસ્તા પર ચીમેરનું બોર્ડ છે ખરું. ચીમેરમાં સ્કુલના મકાન આગળથી જમણી બાજુની સાંકડી ગલીમાં વળી જવાનું. આ ગલીમાં એક કી.મી. સુધી ગાડી જઈ શકે છે. પછી ગાડી મૂકી દેવાની અને ચાલતા જવાનું. ઉંચાનીચા, ખેતરમાંથી પસાર થતા, ક્યાંક પાણીના વહેળામાંથી પસાર થતા કેડી જેવા રસ્તે લગભગ ૨ કી.મી. જેટલું ચાલ્યા પછી ધોધ આગળ પહોંચાય છે. કેડીની આજુબાજુનાં ખેતરોમાં ડાંગરના છોડ લહેરાતા જોવા મળે છે. બધે જ લીલોતરી છે. ક્યાંક અહીંની આદિવાસી પ્રજાનું ખોરડું દેખાય છે. અહીં રહેતાં છોકરાછોકરીઓમાંથી કોઈને રસ્તો બતાવવા ધોધ સુધી લઇ જઇ શકાય.

ચીમેરનો ધોધ જોઇને જ એમ લાગશે કે ‘આ હા ! શું ભવ્ય ધોધ છે !’ ધોધ નીચે પડીને જે નદી વહે છે, તેમાં ઉતરાય એવું તો છે જ નહિ. બસ, ધોધથી આશરે ૧૦૦ ફૂટ દૂર રહીને સામા કિનારેથી જ ધોધ જોવાનો. અહીં કુલ ૪ ધોધ નીચે પડે છે. સામેના ધોધ ઉપરાંત, જ્યાં ઉભા રહીને ધોધ જોઈએ છીએ, તેની બાજુમાં વહેતું પાણી પણ નીચે ધોધરૂપે પડે છે. જો આ પાણીમાં લપસ્યા કે ખેંચાઈ ગયા, તો ૩૦૦ ફૂટ નીચેની નદીમાં ખાબક્યા જ સમજો. કોઈ બચાવવા પણ ન આવી શકે. સાઇડમાં બીજા બે ધોધ નીચે પડે છે, જે ઝાડીઝાંખરાંને કારણે દેખાતા નથી.

સામે દેખાતો ધોધ એ જ ચીમેરનો મુખ્ય ધોધ. ધોધનો દેખાવ અને જંગલનો માહોલ અદભૂત છે. સૂમસામ જંગલમાં એકમાત્ર ધોધનો કર્ણપ્રિય અવાજ. નીચે પડતું પાણી ધુમ્મસમય વાતાવરણ સર્જે છે. અહીં સામે પથ્થરો પર બેસી એમ થાય કે બસ, ધોધને જોયા જ કરીએ. ધોધનું આ દ્રશ્ય મગજમાં કોતરાઈ જાય  છે. નવાઈ લાગે છે કે આપણા ગુજરાતમાં આવી સરસ જગા છે. ધોધની અલગ અલગ એંગલથી તસ્વીરો લઇ શકાય છે. ધોધ આગળ કોઈ દુકાન નથી, કે બીજી કોઈ સગવડ નથી. અહીં તો માત્ર કુદરતના સાનિધ્યનો જ અનુભવ કરી શકાય.

જે ૨ કી.મી. ચાલવાનું છે, એમાં જો સરસ રસ્તો બનાવી દેવાય તો છેક ધોધ સુધી ગાડી લઈને જવાય, જવાનું સરળ બની જાય. પ્રવાસીઓ પણ વધુ આવે. ચીમેરથી ૬ કી.મી. દૂર નિશાના ગામે એક સરસ ધોધ આવેલો છે. ચીમેરથી ૧૬ કી.મી. દૂર શબરીધામ જોવા જેવું છે. શબરીએ રામને એંઠાં બોર આ જગાએ ચખાડ્યાં હતાં. શબરીધામથી ૪ કી.મી. દૂર રહેવાજમવા માટે એક રીસોર્ટ છે.

IMG_0608

IMG_0609