ગોપી વાંસળીવાળો

                                                  ગોપી વાંસળીવાળો

આંદામાન-નિકોબાર ટાપુઓ પરના પોર્ટ બ્લેર શહેરને છેવાડે આવેલું એક પોલિસ ટ્રેનીંગ સેન્ટર. પોલિસની નોકરીમાં ભરતી થયેલા જવાનોને અહીં ટ્રેનીંગ આપવામાં આવે છે. એક પોલિસ વડા, તેમના હાથ નીચે ચાર ઇન્સ્પેક્ટરો અને સોએક જેટલા શીખાઉ પોલીસોથી આ સેન્ટર ધમધમતું રહે છે. વર્ષે એક વાર બધાને એક મહિનાનું વેકેશન આપવામાં આવે છે.

જગતસિંહ આ કેન્દ્રમાં શીખાઉ પોલિસ તરીકે નવો નવો ભરતી થયો હતો. મૂળ તો તે ઉત્તર પ્રદેશનો, અહીં એક મિત્ર સાથે ફરવા આવેલો, આ ટાપુનું સૌન્દર્ય જોઇને ખુશ થઇ ગયેલો અને અહીં જ રહી પડ્યો. પોલિસમાં નોકરી પણ મળી ગઈ.

ત્રણ મહિના પછી ટ્રેનીંગ સેન્ટરમાં વેકેશન આવ્યું, ત્યારે ઇન્સ્પેક્ટર દોલતસિંહે, જગતસિંહને બોલાવીને કહ્યું, ‘જગત, બધા જ ઓફિસરો અને પોલિસો એક મહિનાના વેકેશન પર જવાના છે. આપણું આ કેન્દ્ર સાચવવા ફક્ત બે જ જણે ડ્યુટી પર હાજર રહેવાનું છે, એક તુ અને બીજો હું.’

પોલિસ ખાતામાં તો હુકમ એટલ હુકમ. એની સામે દલીલ કરાય જ નહિ. બધા જતા રહ્યા. દોલતસિંહ અને જગતસિંહની વેકેશન ડ્યુટી ચાલુ થઇ ગઈ. જગતસિંહ રોજ ઓફિસમાં બેસે, સેન્ટરમાં બેચાર રાઉન્ડ મારે અને મોટા ભાગે તો તે મુખ્ય દરવાજા આગળ ખુરશીમાં બેસીને ચોકી કરે.

પોલિસ સેન્ટરના બહારના રસ્તા પરથી રોજ એક માણસ બકરીઓ ચરાવવા નીકળે. એનું નામ ગોપી. ગોપી પાસે વાંસળી હતી. એ રોજ વાંસળી વગાડતો વગાડતો જાય. વાંસળીના સૂરો ગેટ આગળ બેઠેલા જગતને પણ સાંભળવા મળે. ગોપી વાંસળી એટલી સરસ વગાડે કે કોઈને પણ તે સાંભળવાનું મન થઇ જાય. જગતને પણ રોજ વાંસળી સાંભળવાનો આનંદ આવતો.

એક દિવસ બકરીઓ ચરાવીને પાછા વળતાં, ગોપીએ જગતને સાદ દીધો, ‘સાહેબ, મને તરસ લાગી છે. મને પાણી આપશો?’

જગતને આ ગમ્યું. તેણે કહ્યું, ‘અરે ભાઈ, તને એકલાને જ નહિ, તારી બકરીઓને પણ પાણી પીવડાવીશ.’ એમ કહી જગતે ડોલ ભરીને પાણી બકરીઓ માટે આપ્યું, અને ગોપીને ગેટની અંદર બોલાવ્યો. ગોપી જગતની ખુરશી આગળ ઉભડક બેઠો. જગતે તેને પાણી પાયું અને પૂછ્યું, ‘તને તો હું અહીં રોજ બકરીઓ લઈને જતો જોઉં છું. તારું નામ શું?’

‘ગોપી, સાહેબ.’

‘ગોપી, તારી વાંસળીના સૂર સાંભળવાની મજા આવે છે. તુ ક્યાં રહે છે?’

‘સાહેબ, મારા રોશન શેઠની આ બકરીઓ છે. હું તે ચરાવવાનું કામ કરું છું. શેઠ મને ખાવાપીવાનું આપે છે. શેઠને ત્યાં જ પડ્યો રહું છું.’

‘ભલે, ગોપી, મળતો રહેજે.’

ગોપી વાંસળી વગાડતો ચાલ્યો ગયો. થોડા દિવસ પછી, ગોપી પાણી પીવા આવ્યો, ત્યારે જગતે તેને બેસાડીને પૂછ્યું, ‘ગોપી, તુ અહીં ક્યાંથી આવ્યો? તુ આ ટાપુનો જ રહેવાસી છું કે બહારથી આવ્યો છું?’

ગોપીએ કહ્યું, ‘સાહેબ, હું અહીંનો વતની નથી. મારા વતનના ગામનું નામે ય મને બરાબર યાદ નથી. ભાણનગર કે એવું જ કંઇક નામ છે. બસ, એટલું યાદ છે કે મારું ગામ ગુજરાતમાં આવેલું છે.’

જગતને બહુ નવાઈ લાગી. ગોપી વિષે જાણવાની તેની ઇંતેજારી વધી ગઈ. તેણે પૂછ્યું, ‘ગોપી, તો તુ તારું ગામ છોડીને આટલે દૂર અહીં આંદામાનમાં કઈ રીતે આવી ગયો?’

ગોપી બોલ્યો, ‘સાહેબ, હું તો ગામડાનો ભલોભોળો આદમી છું. મને બધું તો યાદ નથી, પણ જેટલું યાદ આવે એટલું કહું. પચીસેક વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે મારી ઉંમર બાર વર્ષની હતી. અમારા માટીના ખોરડામાં અમે ચાર જણ રહેતા હતા. મારા બાપ મજૂરી કરતા, મા રોટલા બનાવીને ખવડાવતી, મારો નાનો ભાઈ હજુ તો બહુ નાનો હતો. હું કંઇ ભણ્યો નથી, પણ મને વાંસળી વગાડતાં તો નાનપણથી જ આવડતું હતું.

એક દિવસ મેં એક દુકાનમાં લાલચટક બંગડીઓ જોઈ. મારી મા માટે મને આવી બંગડીઓ લેવાનું મન થયું. પણ પૈસા ક્યાંથી લાવવા? મને થયું કે કોઈ શેઠને ત્યાં નોકરી કરું. હું લાલચંદ શેઠને ત્યાં ગયો અને કહ્યું, ‘શેઠ, મને નોકરીમાં રાખશો? જે કહેશો તે કામ કરીશ.’ શેઠે મને રાખી લીધો. મારે ખેતરમાં કામ કરવાનું, ઘાસના ભાર ઉંચકીને લાવવાના, સખત મહેનતનું કામ હતું. પણ પૈસા મળવાની આશાએ કામ કર્યે રાખ્યું. બે મહિના થયા, પણ શેઠે પૈસા આપવાનું નામ લીધું નહિ. એટલે મેં એક દિવસ શેઠ પાસે જઇ પૈસા માગ્યા, ‘શેઠ, બે મહિનાથી તમારે ત્યાં નોકરી કરું છું. મને પગાર આપો. મારે મારી મા માટે બંગડી ખરીદવી છે.’ શેઠે મને દસ રૂપિયા આપ્યા. મેં લાલ બંગડી ખરીદીને માને પહેરાવી. મારે માટે એ ઘડી, બહુ જ આનંદની હતી.

બીજો એક મહિનો પસાર થઇ ગયો. પણ શેઠે પગાર આપ્યો નહિ. ફરી વાર હું શેઠ પાસે ગયો, ‘શેઠ, મને ૩ મહિનાનો પગાર આપો. મારે મારી મા માટે લાલ રંગની સાડી લેવી છે.’

શેઠ બોલ્યા ‘ગયા મહિને તો તને દસ રૂપિયા આપ્યા હતા. ફરી શેનો માંગે છે?’

મેં કહ્યું, ‘શેઠ, તમે મને પગાર તો આપ્યો જ નથી. હું મારી મહેનતનો પગાર માગું છું.’

શેઠ તડૂક્યા, ‘તને હું રોજ ખાવાપીવાનું આપુ છું તે ઓછું છે? પગાર આપવાની આપણે વાત જ ક્યાં થઇ હતી?’

હું તો આભો જ બની ગયો. પહેલેથી કશું નક્કી નહોતું કર્યું એટલે શેઠ હવે મને કંઇ જ આપવા માગતા ન હતા. હું ગામની પોલિસ ચોકીએ ગયો. તો ત્યાંથી પણ મને હડધૂત કરીને કાઢી મૂક્યો. હું શેઠ પાસે પગાર માટે પાછો ગયો. તો શેઠ અને મુનીમે થઈને મને માર્યો અને ધક્કા મારીને કાઢી મૂક્યો. હું દુખી ચહેરે મારા ઘર તરફ જતો હતો, ત્યારે એક માણસે દોડતા આવીને મને કહ્યું, ‘ગોપી, ક્યાંક છુપાઈ જા. શેઠના માણસો તને મારી નાખવા આવી રહ્યા છે.’ હું ભાગ્યો. ભાગીને નજીકના રેલ્વે સ્ટેશને પહોંચ્યો. ત્યાં એક ગાડી ઉભેલી હતી, તેમાં ચડી ગયો. મેં મારા ગામ સિવાય કશું ય જોયેલું નહિ. ગાડી મને ક્યાં લઇ જશે, તેની ખબર ન હતી. પાંચેક કલાક પછી, ગાડી એક મોટા સ્ટેશને ઉભી રહી. બધા લોકો ઉતરી ગયા. એટલે હું પણ ઉતરી ગયો. આવડા મોટા શહેરમાં ક્યાં જવું? રખડીને, થાકીને હું એક મોટા મકાનના દરવાજા આગળ બેઠો. ઘણા લોકો અંદર જતા હતા. એક ભલા માણસે મને ભિખારી સમજીને મારા હાથમાં આઠ આના મૂક્યા. મેં કહ્યું, ‘સાહેબ, હું ભિખારી નથી. મારે તો કંઇક કામ જોઈએ છે.’

એ ભાઈએ કહ્યું, ‘જો છોકરા, આ તો કાપડની મોટી મીલ છે. હું એમાં કામ કરું છું. તારે જો મારી જોડે કામ કરવું હોય તો ચાલ. અહીં એક છોકરાની જરૂર છે. પ્રામાણિકતાથી કામ કરજે. પગાર પણ મળશે.’

હું તો ખુશ થઇ ગયો. એ ભાઈએ મને મીલમાં ગોઠવી દીધો. તેમનું નામ વિનય વોરા હતું. મારે તેમની સાથે જ કામ કરવાનું હતું. મારે, કાપડ પર બીબાંથી ડીઝાઈન પાડવા માટેના મશીન આગળ બીબાંનું ધ્યાન રાખવાનું હતું. મેં એ શીખી લીધું. વિનયભાઈ એક નાના ઘરમાં એકલા જ રહેતા હતા. એમણે મને એમના ઘરમાં રહેવાની છૂટ આપી.

આમ ને આમ એક વર્ષ ચાલ્યું. મને મારાં માબાપ અને ભાઈ યાદ આવતા હતા. પણ કેવી રીતે જવું? વળી, પેલો લાલચંદ શેઠ મને મારે એની બીક પણ હતી.’

જગત ગોપીની વાત સાંભળી રહ્યો હતો. એવામાં એને કંઇક કામ આવી ગયું. એટલે એણે કહ્યું, ‘ગોપી, બાકીની વાત કાલે. આજે તુ જા. તુ આંદામાન કઈ રીતે આવી ગયો તે, મારે ખાસ જાણવું છે.’

બીજે દિવસે ગોપીએ વાત આગળ ચલાવી, ‘સાહેબ, મારી નોકરી સરસ ચાલતી હતી. એવામાં એક દિવસ વિનયભાઈએ કહ્યું, ‘ગોપી, મારી બદલી આંદામાનમાં થઇ છે. આપણી મીલના માલિકનો આંદામાનમાં મોટો સ્ટોર છે. અહીં બનેલું કાપડ ત્યાં પહોંચે છે. મારે ત્યાં જવાનું છે.’

મેં કહ્યું, ‘વિનયભાઈ, તમે જશો પછી મારું શું? હું ક્યાં રહીશ?’

વિનયભાઈએ કહ્યું, ‘તારે પણ જો ત્યાં આવવું હોય તો ચાલ મારી સાથે. એક માણસની ગોઠવણ તો સ્ટોરમાં જરૂર થઇ જશે.’

અને હું આંદામાન આવ્યો. હું પણ વિનયભાઈ જોડે ગોઠવાઈ ગયો. ત્રણેક મહિના બધું બરાબર ચાલ્યું. એવામાં અહીં દરિયામાં મોટું સુનામી તોફાન આવ્યું. દરિયો ગાંડોતુર બન્યો. કેટલાં યે વહાણો, ઘરબાર અને અમારો સ્ટોર પણ તણાઈ ગયો. હું પણ ક્યાં તણાઈ ગયો, તે મને યાદ નથી. પણ જયારે ભાનમાં આવ્યો ત્યારે હું એક હોસ્પિટલના ખાટલા પર હતો. સદનસીબે હું બચી ગયો હતો.

એક દિવસ રોશન શેઠ હોસ્પિટલમાં આવ્યા. એમને કોઈ માણસની જરૂર હશે એટલે બધાને પૂછતા હતા. મને પણ પૂછ્યું, ‘એ ય છોકરા, તારે મારે ત્યાં કામ કરવું છે?’

મેં કહ્યું, ‘હું તો મીલના સ્ટોરમાં નોકરી કરું છું.’

રોશન શેઠ બોલ્યા, ‘તારો સ્ટોર અને ત્યાંના બધા માણસો દરિયામાં ડૂબી ગયા છે. તારે નોકરી કરવી હોય તો ચાલ મારે ત્યાં. ખાવાપીવાનું અને રહેવાનું મારે ઘેર. તારે રોજ મારી બકરીઓ ચરાવવા જવાનું.’

હું રોશન શેઠને ત્યાં આવી ગયો. ત્યારથી તે હજુ આજે પણ હું તેમની બકરીઓ ચરાવું છું. મારાં માબાપ અને ભાઈ શું કરતાં હશે, તેની મને કંઇ ખબર નથી. મને તેઓ અવારનવાર યાદ આવે છે. પણ અહીંથી ત્યાં કેવી રીતે જવાય એની મને ખબર નથી. મારી પાસે પૈસા ય નથી. હું વાત પણ કોણે કરું? આજે પચીસ વર્ષ પછી તમે જ પહેલા મળ્યા કે જેણે મારી વાત સાંભળી.’

ગોપીની આંખ આંસુથી ભરાઈ આવી. જગતે તેને સાંત્વન આપ્યું. પાણી પીવડાવ્યું. જગતને મનમાં થયું કે ‘ગોપીનું ગામ શોધીને તેને જો તેનાં માબાપ પાસે મોકલી શકાય, તો તે કેટલો બધો ખુશ થાય ! ચાલ, હું પ્રયત્ન કરું.’ એમ વિચારી તેણે કહ્યું, ‘ગોપી, તેં તારા ગામનું નામ શું કહ્યું હતું?’

‘સાહેબ, મને બરાબર યાદ નથી.પણ ગુજરાતમાં ભાણનગર જેવું જ કંઇક હતું.’

‘અને તારાં માબાપ અને ભાઈનું નામ?’

‘સાહેબ, એ તો બરાબર યાદ છે. બાપ ધરમસિંહ, મા ચંદન અને ભાઈ અર્જુન.’

‘સારું જા, હું તારું ગામ શોધવાનો પ્રયત્ન કરું છું.’

જગત ડ્યુટી પતાવીને ઘેર આવ્યો. તે ઘરમાં માતા સાથે રહેતો હતો. તેણે માને વાત કરી, ‘મા, ગોપી નામનો એક ભૂલ્યોભટક્યો માણસ ભારતના એક છેડેથી અહીં આવી ગયો છે. મારે તેનું ગામ શોધી તેને પાછો પહોંચાડવો છે.’

જગતની મા માતાજીની ભક્ત હતી. તે જયારે માતાજીનાં દર્શને ગઈ ત્યારે ત્યાંના પૂજારીને વાત કરી, ‘મહારાજ, ગોપી તેને વતન પહોંચે એવી મારી, માતાજી સમક્ષ પ્રાર્થના છે.’

પૂજારીજી બોલ્યા, ‘માડી, માતાજી સહુ સારાં વાનાં કરશે.’

જગતે ગોપીનું ગામ શોધવાની તપાસ આદરી. તે ભણેલો હતો. તેણે કોમ્પ્યુટરમાં ગુગલમાં ‘ભાણનગર, ગુજરાત’ નામ નાખી જોયું. પણ કોઈ માહિતી મળી નહિ. તેણે અમદાવાદના એક પોલિસ સ્ટેશનનો ફોન નંબર શોધી, ત્યાં ફોન જોડ્યો, ‘સર, હું આંદામાન પોલિસ ટ્રેનીંગ સેન્ટરમાંથી હવાલદાર જગતસિંહ બોલું છું. આપ કોણ બોલો છો?’

અમદાવાદના પોલિસને આંદામાનથી આવેલા ફોનથી ખાસ નવાઈ ના લાગી. પોલિસ ખાતામાં તો આવા ફોન આવતા હોય છે. હા, એને ઇંતેજારી થઇ કે આંદામાનવાળાને શું કામ પડ્યું હશે? એણે જવાબ આપ્યો, ‘જી, હું અમદાવાદના એક પોલિસ સ્ટેશનમાંથી સંપતસિંહ વાત કરું છું. બોલો, અમારું શું કામ પડ્યું?’

જગતે કહ્યું, ‘સર, ગુજરાતમાં ભાણનગર નામના કોઈ ગામનું પોલિસ સ્ટેશન તમારા ધ્યાનમાં છે? ત્યાંનો એક માણસ અહીં આંદામાનમાં અટવાઈ પડ્યો છે. તેને વતન પાછો પહોંચાડવો છે.’

સંપતસિંહે કહ્યું, ‘ફોન ચાલુ રાખો, હું તપાસ કરીને કહું.’ સંપતસિંહે કોમ્પ્યુટરમાં ફટાફટ શોધ આદરી, પણ ભાણનગર નામનું કોઈ પોલિસ સ્ટેશન નજરે પડ્યું નહિ. તેણે જવાબ આપી દીધો, ‘ભાઈ, આવું કોઈ ગામ અમારી જાણમાં નથી.’

જગતે ફરીથી ગોપીને બોલાવીને પૂછ્યું, ‘ગોપી, તુ તારા ગામનું નામ બરાબર યાદ કર.’

તે રાતે ગોપીને ઉંઘ ના આવી. તે વિચારતો રહ્યો, ‘ગામનું નામ ભાણનગર કે બીજું કંઇ? કદાચ ‘ભાણપુર’ હોય, કે ‘ભાણપુરા’ હોય એવું બને. હા, ભાણપુરા જ. મારું ગામ ભાણપુરા જ છે.’

બીજે દિવસે તે દોડતો જગત પાસે પહોંચ્યો, ‘સાહેબ, મારું ગામ ભાણનગર નહિ, પણ ભાણપુરા હોય એવું લાગે છે.’

જગતે ગુગલ પર શોધ કરી. ભાણપુરા પોલિસ સ્ટેશન મળ્યું નહિ. કદાચ આ પોલિસ સ્ટેશન બંધ કરી દીધું હોય એવું બને. છેવટે ગુગલ મેપમાં ગુજરાતમાં ભાણપુરા દેખાયું ! તેની નજીકનું મોટું શહેર ગોધરા હતું. ગોધરામાં એક ગ્રામીણ બેંક નજરે પડી, જેમાં ભાણપુરા ગામનું નામ હતું. જગત ખુશ થઇ ગયો. ગ્રામીણ બેંકનો ફોન નંબર શોધી, જગતે ત્યાં ફોન જોડ્યો, ‘જી, હું આંદામાનથી હવાલદાર જગતસિંહ બોલું છું. ભાણપુરા ગામનો એક વતની અહીં આંદામાનમાં છે. તેને મારે તેને વતન પહોંચાડવો છે. તમે મને કંઇ મદદ કરી શકશો?’

બેંક અધિકારીએ જવાબ આપ્યો, ‘જગતભાઈ, મને તો ભાણપુરાનો સીધો પરિચય કોઈ નથી. પણ અમારે ત્યાં શંકરસિંહ નામના એક કર્મચારી નોકરી કરે છે, એ ભાણપુરાના છે. લો, હું તેમને જ ફોન આપું.’ એમ કહીને તેમણે શંકરસિંહને બોલાવીને તેમને ફોન આપ્યો. જગતે ફોનમાં ગોપીની વાત દોહરાવી. શંકરસિંહે કહ્યું, ‘ભાઈ, હું ભાણપુરાનો જ છું. ગોપીના માતાપિતાનાં શું નામ છે, તે કહો.’

જગતે કહ્યું, ‘બાપ ધરમસિંહ, મા ચંદન અને ભાઈ અર્જુન.’

શંકરસિંહે કહ્યું, ‘સારું, હું આજે તપાસ કરીને કાલે તમને કહું. જો મળશે તો તેમના ફોન નંબર પણ લેતો આવીશ. તમે મને કાલે ફરી ફોન કરજો.’

બીજે દિવસે જગતે શંકરસિંહને ફરી ફોન કર્યો. શંકરસિંહે રાત્રે ગામ જઈને તપાસ કરી જ રાખી હતી. તેણે ફોનમાં કહ્યું, ‘જગતભાઈ, તમારા ગોપીનું ઠામઠેકાણું મળી ગયું છે. પચીસ વર્ષ પહેલાં ગોપી ગામમાંથી જતો રહ્યો હતો, તેની ઘણાબધાને ખબર છે. હવે તો ગામમાં ફોન આવી ગયા છે. હું ગોપીના ઘરનો ફોન નંબર લઇ આવ્યો છું. તે તમને કહું. તમે સીધી જ ત્યાં વાત કરજો.’ એમ કહી શંકરસિંહે જગતને ગોપીના ભાણપુરાના ઘરનો ફોન નંબર લખાવી દીધો. જગતના આનંદની કોઈ સીમા ના રહી. પોતે હવે ગોપીને ભાણપુરા પહોંચાડી શકશે એની ખાત્રી થઇ રહી હતી.

જગતે ભાણપુરા ગોપીને ત્યાં ફોન જોડ્યો, ‘હેલો, હું આંદામાનથી જગત બોલું છું. તમે કોણ બોલો?’

‘હું અર્જુનની પત્ની ગીતા બોલું છું. ભાઈ, મને તમારી ઓળખાણ ના પડી.’

જગતને ખાત્રી થઇ ગઈ કે ફોન યોગ્ય જગાએ જ લાગ્યો છે. તેણે કહ્યું, ‘ગીતાબેન, પચીસ વર્ષ પહેલાં, તમારે ત્યાંથી અર્જુનનો મોટો ભાઈ ગોપી, ઘેરથી ચાલ્યો ગયો હતો, તે તમને યાદ છે?’

ગીતાએ કહ્યું, ‘હા, ત્યારે તો હું પરણીને આ ઘરમાં નહોતી આવી, પણ અર્જુને મને એ વાત કરી હતી. ગોપીભાઈના ચાલ્યા ગયા પછી બે વર્ષ સુધી અહીં બધાએ બહુ શોધ કરી હતી.’

‘બસ તો ભાભી, એ ગોપી જડી ગયો છે. અહીં મારી સાથે આંદામાનમાં જ છે, લો એની સાથ વાત કરો.’

જગતે ફોન ગોપીને આપ્યો. ગોપીને તો પોતાના ઘરનું કોઈ માણસ મળ્યું, તેનો એટલો બધો આનંદ થયો કે બેઘડી તો તે કંઇ બોલી ના શક્યો. તેનું દિલ ભરાઈ આવ્યું. પછી બોલ્યો, ‘તુ અને મારો ભાઈ અર્જુન કેમ છો?’

ગીતા, ‘મોટાભાઈ, તમે કેમ છો? તમે મળી ગયા તેનાથી વધુ ખુશી બીજી કઈ હોય? જલ્દી અહીં આવી જાવ.’

‘અર્જુન ક્યાં છે?’

‘એ કામસર બહાર ગયા છે. પણ મા અહીં મારી જોડે જ છે. લો, એમની સાથ વાત કરો’

ચંદન મા તો ગીતા સાથે થતી વાતચીત સાંભળીને હરખઘેલી થઇ ગઈ. એની આંખમાં આંસુ ધસી આવ્યાં. ફોનમાં માંડ બોલી શકી, ‘મારા ગોપી, તુ ક્યાં છું? કેમ છું?’

ગોપીની આંખો અશ્રુભીની થઇ ગઈ. બોલ્યો, ‘મા, હું ગોપી, હું બિલકુલ સાજોનરવો છું. હવે જલ્દી ઘેર આવું છું. તારી તબિયત કેમ છે? બાપુજી ક્યાં છે?’

બાપુજી બે વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. પણ માએ ખોટો જવાબ આપ્યો, ‘દિકરા, બાપુજી કંઇ કામે બહાર ગયા છે.’

જગત તો અનહદ ખુશ હતો. આવડા મોટા દેશમાં એક નાનકડું સરનામું મળી ગયું હતું. કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ફોનની આધુનિક ટેકનોલોજીએ કમાલ કરી હતી. ગોપી જેવા એક ભલાભોળા માણસને તેના કુટુંબ સાથે મેળાપ કરી આપવાનું કામ કર્યાનો જગતને સંતોષ હતો.

હવે, ગોપીને ભાણપુરા મોકલવાની તૈયારી કરવાની હતી. જગતની માએ સમાચાર આપ્યા કે મંદિરના પૂજારીમહારાજ ત્રણ દિવસ પછી અમદાવાદ જવાના છે. જગતે મહારાજ જોડે ગોપીને અમદાવાદ મોકલવાનું નક્કી કરી લીધું. પછી અર્જુન અમદાવાદ સ્ટેશને આવીને ગોપીને લઇ જાય એવો પ્લાન કર્યો.

પણ….છેલ્લા બે દિવસથી ગોપી દેખાતો ન હતો. વાત એમ બની હતી કે ગોપીએ તેના રોશન શેઠને પોતે વતન ભાણપુરા જવાની વાત કરી. રોશનને આવો મહેનતુ માણસ જતો રહે એ પસંદ ન હતું. એટલે એણે ગોપીને ડરાવ્યો હતો કે ‘તને ભાણપુરા મોકલવાનું બહાનું બતાવી, જગતસિંહ અને બીજા લોકો ભેગા મળી, તને ક્યાંક વેચી દેશે. તારી આ આરામની જિંદગી બરબાદ થઇ જશે. માટે તુ મારા ઘરમાં સંતાઈ જા. હમણાં તુ બકરીઓ ચરાવવા જઈશ નહિ.’

બે દિવસથી ગોપી દેખાયો નહિ, એટલે જગત તથા ઇન્સ્પેક્ટર દોલતસિંહ બાઈક પર તપાસ કરવા નીકળી પડ્યા. તેઓ બકરીઓ ચરાવવાવાળી બધી જગાઓ ખૂંદી વળ્યા, પણ ગોપી ક્યાંય મળ્યો નહિ. જગતને યાદ આવ્યું કે ગોપી રોશન શેઠને ત્યાં નોકરી કરતો હતો. એટલે તેમણે રોશનનું ઘર શોધી કાઢ્યું. પોલિસને કોઈનું ઘર શોધતાં વાર લાગે ખરી? ત્યાં પહોંચી જગતે રોશનને પૂછ્યું, ‘રોશન શેઠ, ગોપી ક્યાં છે?’

રોશન પહેલાં તો સહેજ ગભરાયો, પણ પછી કહ્યું, ‘ગોપી તો તેનો સામાન લઈને ભાણપુરા જવા ઉપડી ગયો. મેં બધો બંદોબસ્ત કરી આપ્યો. મારી પાસેથી પૈસા પણ લઇ ગયો.’

પોલિસો પાછા વળવા જતા હતા, પણ ઘરમાં સંતાયેલા ગોપીએ શેઠની પોલિસો સાથેની વાત સાંભળી હતી, એટલે તે એકદમ દોડીને બહાર આવ્યો, અને બૂમ પાડીને પોલિસોને ઉભા રાખ્યા, ‘સાહેબ, સાહેબ, હું અહીં જ છું.’ હવે તેનામાં હિંમત આવી, ‘સાહેબ, મારા શેઠ ખોટું બોલે છે. તેઓ મન જવા દેવા નથી માગતા.’

જગતે શેઠને ખખડાવ્યા, અને ગોપીને કહ્યું, ‘ચાલ, તારો સામાન બાંધ અને અમારી સાથે જ ચાલ.’

જગતે ગોપીને મહારાજની સાથે આંદામાનથી વિમાનમાં બેસાડ્યો. જગતની માએ ગોપીને તેની ચંદન મા માટે લાલ સાડી ભેટ આપી. લાલ સાડી મેળવવા બાબતે તો ગોપીએ ગામમાંથી ભાગવું પડ્યું હતું. વિમાન, મહારાજ અને ગોપીને લઈને પોર્ટ બ્લેરથી ઉડ્યું અને વાયા મદ્રાસ થઈને મુંબઈ ઉતર્યું. મહારાજ અને ગોપી ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ આવ્યા. અર્જુન અને ગીતા જગતને લેવા આવ્યા હતા. ગોપીના હાથમાં વાંસળી જોઈન તેઓ તરત તેને ઓળખી ગયા. મહારાજે ગોપીને અર્જુનના હાથમાં સોંપ્યો.

પચીસ વર્ષ બાદ બે ભાઈઓ મળ્યા. બંને ભેટ્યા. બંનેની આંખમાં હરખનાં આંસુ હતાં. અર્જુન-ગીતા ગોપીને ભાણપુરા લઇ ગયા.

ભાણપુરા ગામમાં તો ઉત્સવનો માહોલ હતો. ગોપીના આવવાની ખબર બધાને અગાઉથી પડી ગઈ હતી. એટલે ગામલોકો તેનું સ્વાગત કરવા તૈયાર ઉભા હતા. બેન્ડવાજાં મંગાવ્યાં હતાં. ગામને ઝાંપે અર્જુન-ગીતા અન ગોપી રીક્ષામાંથી ઉતર્યા, એટલે લોકોએ ગોપીને હર્ષભેર વધાવી લીધો. તેને ઉંચકીને ફેરવ્યો અને સરઘસાકારે તેને તેના ઘેર લઇ ગયા. ઘેર આંગણામાં ચંદન મા વાટ જોતી ઉભી હતી. મા અન દિકરો મળ્યાં. પચીસ વર્ષ પછી માતા-પુત્રનું મિલન કેવું અદભૂત હતું ! બંનેની આંખો આંસુથી છલકાઈ રહી હતી. મા દિકરાને જોઈ જ રહી. તેનાં ઓવારણાં લીધાં. ગામલોકો પણ આ દ્રશ્યને જોઇને ભાવવિભોર થઇ ગયા. બસ, આનંદ જ આનંદ હતો. ગોપીએ માને પૂછ્યું, ‘મા, મારા બાપુજી ક્યાં છે?’ મા કંઇ ના બોલી શકી, પણ તેના આક્રંદે ગોપીને સમજાવી દીધું કે બાપુજી હવે આ દુનિયામાં નથી રહ્યા.

બીજે દિવસે જરા ઠરીઠામ થયા પછી, અર્જુને જગતને ફોન જોડ્યો, ‘સાહેબ, ગોપી અહીં પહોંચી ગયો છે. તમારી મહેનતને લીધે મને મારો ભાઈ પાછો મળ્યો છે, અને ચંદન માને દિકરો મળ્યો છે.’ ગોપીએ પણ વાતમાં સાથ પૂરાવ્યો, ‘સાહેબ, દુનિયામાં કોઈ ના કરી શકે એવું મહાન કામ તમે કરી બતાવ્યું છે. મને તો મારું આખું કુટુંબ તમે પાછું અપાવ્યું છે. તમારો ઉપકાર હું ક્યારે ય ભૂલીશ નહિ.’ આ બધું સાંભળીને જગતને કેટલો આનંદ થયો હશે, તે કલ્પી શકો છો? પોલિસ પણ આવું સરસ કામ કરી શકે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

(સત્ય ઘટના પર આધારિત, નામ અને સ્થળોના થોડા ફેરફારો સાથે)

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. milanpshah
  ફેબ્રુવારી 09, 2016 @ 19:08:47

  ઘણી સુંદર વાર્તા અને સુંદર આલેખન. વાંચવાની મજા આવી ગઈ.

  જવાબ આપો

 2. Darpan Dodiya
  માર્ચ 03, 2016 @ 18:34:33

  મજ્જા આવી ગઈ ગોપીની મુલાકાત વાંચવાની!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: